મણિલાલ હ. પટેલ/૬. પી.ટી.સી. થયેલી વહુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. પી.ટી.સી. થયેલી વહુ

‘અવે તો માશીની બુનને પઈણે તાણે... એક એટલું જ ઠેકાણું બાચી સે’ – સગા દીકરા કાંતિ માટે જગાભાઈ આવું બોલે એ માન્યામાં નહોતું આવતું. કાંતિ મારો દોસ્તાર. એમ હાર્યે ભણેલા, રમેલા અને રખડેલા. કાંતિ ભણવામાં ઘણો કાચો. પણ એના કાકા દાસભાઈ બી.એસ.સી.બી.એડ્‌. થઈને હાઈસ્કૂલમાં માસ્તર થયેલા. મેટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને, ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું. સિત્તેર ટકે પાસ થયેલા કાંતિને પટ કરતું પી.ટી.સી માં એટમીશન મળી ગયેલું. આજે ચારેક વર્ષથી કાંતિ પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે. કાંતિને બિચારાને એકેય વિષય ના ફાવે. એને ભણવામાં હતો એથી બાર ગણો કંટાળો ભણાવવામાં. એનો જીવ ઘરખેતરમાં વધારે. પણ ગામ અને સમાજ ‘માસ્તર’ જેવું મોભાદાન માન આપે એનો વટ પડે એવા વિચારે આખું ઘર રાજીનું રેડ રહેતુ.ં સવાર સાંજ કાંતિ ખેતરનું કામ કરે. બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં આરામ કરે, કાંતિના આદેશ મુજબ, વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુવે તથા ભણાવે ય ખરો. આથી કાંતિને નિરાંત રહેતી. બધાં હવે એને ‘માસ્તર’ કહીને બોલાવતાં એનો આનંદ પણ ખરો. તોય પોતાની સગાઈ અને પરણવા બાબતે થયેલા ફજેતા વિશેની ચિંતાઓ કાંતિને જંપવા દેતી નથી. ‘હાળુ’! હગો બાપ ઊઠીને કયે ક’ માશીની બુનને પઈણો તાણે હદ કહેવાય. આ વેઠાય ચ્યમનું!’ કાંતિ સમસમી ઊઠતો. પણ એનાથી બાપ આગળ બોલાતું નથી ને ધૂળી બાપાને ગાંઠતી નથી. બાઈ ધૂળી જગાભાઈની બીજવારકી બાયડી. ભારે કાફફર! જગોભાઈ ઝાઝું બોલવા જાય તો કોડિયામાં બળદોને પાગોળે બાંધીને ખહલું ખાવા નાખતી. કાંતિ મૂળથી હેબતાઈ ગયેલો. આગલા ધણીને ‘બાયલો સે આ તો, આને રઈને ઉં હું કરું?’ એમ કહીને ધૂળીએે ફારગતી લીધેલી. ભર્યા પંચમાં ધૂળી આદમી જેવું બોલેલી ત્યારથી મલક આખાને એની ઓળખાણ. જગાભાઈની ગ્રહદશા બેઠેલી તે એ ગાળામાં જ ઘરભંગ થયા. પહેલી વહુને વગડે સાપ કરડ્યો, ‘ભાથી-ખતરી વા’રે ના આવ્યા’ તે બાઈ ગુજરી ગયેલી. એટલે જગાભાઈ અને ધૂળીનું નાતરું થયેલું. ધૂળીનો વાન ઊજળો, ડિલે પોસાતી, દેખાવ માફક સર. જગોભાઈ લાડ લડાવે એ વયસહજ ગણાય. ધૂળી સ્વભાવ પ્રમાણે આને છૂટ ગણીને વર્તતી. છેવટે ઘરમાં ધૂળીનું રાજકાજ થયેલું. કાંતિના જન્મ પછી તો ધૂળીનો સોટો ચાલતો. જગાભાઈનો વાંક્‌બાંક્‌ નીકળે તોય બિચારા મીંદડી મ્યાઉં ના કરે. લોક કહેતું : રાંડ, જગાભઈ પર ઘોડા નથી કરતી એટલું જ. બાચી નબળી સે. આબરૂદાર કણબીને ટકાનો કરી નાંશ્યો. ધણીને ધાકમાં રાખીને કપાતર કુન્જાંણે હું ય કરતી અશે? એનો વેલો જ થડથી વગોવાયેલો...’ પણ આજે તો જગોભઈ વિફરેલા હતા. ‘હાહરી કૂવેચની જાત. આઈ તન્ધાડાથી વળજી સે, ફોલીને ખઈ જઈ, હખ્ખે બેહવા દેવાની વાત તો આઘી રઈ, પેટપાંણી પડવા દેતી નથી...બળ્યો આ અવતાર.’ બાઝવા આવતા ડૂમાને થૂંકી કાઢી પાછા જગોભઈ બોલતા હતા : ‘આ છાંણમાં કીડા જેવો એક સોરો સે એને એક વહુ જોઈએ એ જ ને? મીં એક કે’તાં એકાવનની વાતો આંણી. પણ ના, આ રાંણીને તો પી.ટી.સી થયેલી જોઈએ, મ્હેતરાંણી! પૂછી આવો જેના ઘરમાં બે બે ચોટલાળીઓ સે એમની હું વલે થાય સે.’ ધૂળી ખેતરે ગઈ હશે એટલે જગોભઈ બોલારે ચડ્યા હશે? તો પછી આ કકળાટ જગોભઈ કોને, જાતને સંભળાવતા હતા? ફળિયામાં ભેંકાર તડકો છે. ડાગળીચૂક હોય એવું એમનું ઘર ફળિયાથી જરા અળગું અતડું ઊભું છે. મારી જેમ કોઈ રડ્યું ખડ્યું મનેખ જગાભાઈનો આ વલવલાટ સાંભળતું હોય તો હોય. રોજ કાખલી કૂટનારાં અને ટીખળીઓ કરી દાંત કાઢનારાંનો તોટો ના પડે. આજે સૌ વગડે વહી ગયાં છે. ઘઉંચણાનાં ખેતરોમાં દાતરડાં ફરે છે. ઢોરાંને ખહલું સંકોરી આલતાં જગાભઈ બોલતા હતા– ‘આ નેંહાળ્યો પર પૂળો પડી જ્યો ઓતને તો હખ્ખે રેવાંત... પી.ટી.સી. પી.ટી.સી. કુન્જાંણે હું બલા સે મારી હાળી પી.ટી.સી.! આ તો જે ઊઠ્યો એ પી.ટી.સી.ને પઈણવા રઘવાયો. મફતના મા’દેવ ને તલાવનું પાંણી. કમાતી મળે તે હૌને વાલી લાગે, પણ પી.ટી.સી.ઓ એમ કાંય ઝાડે લટકી રઈઓ સે તે તોડી લવાંય? આ તો અગાંણીને ગૂનાં શમણાં વાળી વાત...’ જગાભઈની વાત સાચી હતી. એમના કઢાપાને કારણો હતાં, કાંતિના જનમના ઓગણીસમા દા’ડે જ એની સગાઈ થઈ ગયેલી. પણ ધૂળીને એ વેવાંણ હાર્યે વાંકું પડ્યું. એ કહેતી : ‘મને એ ટેસાવડી વેવાંણ્ય ઘડીવાર નીં જોઈએ. એનું અભેમાંન એની પાંહે રાખે...’ જગોભઈ કાંતિ માટે બીજી કન્યા શોધી લાવેલા, ઘર આબરૂદાર, ખાધેપીધે સુખી ગણાય. કુંવારે માંડવે વિવાહ ફોક કરવાનું તો આ બાવન ગોળના પાટીદારોમાં રમત વાત ગણાતી. કંકુ સાટે કન્યા મળતી એટલે ‘હા’ ‘ના’ કરતાં વાર નહીં. કાંતિ મોટો થયો. કાંતિને વહુ જોવાના કોડ જાગેલા. એકવાર મને એની સાસરીમાં સાથે લઈ ગયેલો. વાટમાં મને કહી રાખેલું કે રતિલાલ તારે પૂનીને બોલાઈને પૂછવાનું કે ‘કાંતિની યાદ આવે છે કે નહીં?’ પછી શરમાઈ ગયેલો. તે દીવસે ‘વર આયો જાંણીને’ પૂની તો લાજની મારી પતાળમાં ઊતરી પડેલી. આખો દા’ડો ઘરમાં દેખાયેલી નહીં. ઘાઘરીપોલકાળી છોરીઓ ડોકિયાં કરીકરીને ખીખી હસતીકને ખોવાઈ જતી. કાંતિ સૂનો પડી જતો હતો. પાછા વળતાં એનું મોઢું પડી ગયેલું. મને પણ અઘરું લાગેલું. ઘેર આવતાંવેંત ધૂળીએ કાંતિને પૂછેલું : ‘તારી હાહુએ હું ખાવાનું કરેલું? ‘લાડવો કઢી અને ભાત.’ આ સાંભળતાં સાથે ધૂળી ભડકો થઈ ઊઠેલી : ‘મારો હાત નવઈનો સૉરો પેલ્લીવાર એણે ઘેર જ્યો ને એ શંખણીએ એના ભાંણામાં કઢી મેલી? બાપ રે બાપ! નઈ શાક નઈ પાપડ. ભૂંડી! આબરૂદાર ઓય તો મેમાંનને – એમાંય આ તો પેટના ડીચરાથી ય અદકો જમઈ આયો’તો–કઢી મેલતાં તારો જીવ ચ્યમનો સાલ્યો? કાહર દાળ કરવાનો તને વચારેય નીં આયો? તરસટ નબળઈ આ તો...’ ખેતરમાંથી થાક્યાપાક્યા આવેલા જગોભઈ ક્યાંય કશું જાણે સમજે એ પહેલાં તો ધૂળીએ માથે પસ્તાળ પાડેલી, ‘લ્યો, આબરૂને બચકાં ભરો. ઉં તો કઈ કઈને થાચી, મોટા એટલા ખોટા. મારે તો મારા હરખું હગું જોઈએ. આવું અટકોળ પંચ્યાં દોઢહો મને નીં પાલવે, આ કયું તમને...’ છેવટે આ સગાઈ પણ નીકળી ગયેલી. મધવાસના મેળામાં કાંતિએ પૂનીને જોઈ ત્યારથી એના મનમાં એ ગોરી એકવડી વહુ વસી ગયેલી. એને એનાં શમણાં ય આવેલાં. કઢીવાળી વાત કરવાથી બા આટલી હદે બગડશે અને વિવાહ તૂટી જશે એવી તો બિચારાં કાંતિને ખબર નહીં! એ ઉનાળે કાંતિ પરણવામાંથી રઝળી ગયેલો. સરખેસરખા ગોઠિયા પરણતા હતા. ફૂલેકાં ફળિયે ફળિયે ફરતાં હતાં. કાંતિ મને મહેમાન આવેલી છોકરીઓ બતાવતો અને ઉદાસ થઈ જતો હતો. ત્યારે એ પી.ટી.સી. ના પહેલા વરસમાં ભણતો હતો. બસ, આ ગાળામાં ધૂળીના મનમાં કોઈએ પલીતો ચાંપેલો અવે તો પી.ટી.સી. થયેલી વહુ મળે તો જ કાંતિડાને પઈણાવેજ. ઘરમાં જોડું ઓય, બંને કમાતાં ઓય, પસે તારે નિરાંત. ગામમાં, સમાજમાં ઉપરથી વટ પડે એ છોગામાં... શરૂમાં તો જગોભઈ પણ આ વાતથી પલળી ગયેલા. અને કાંતિ? અજાણ્યું જીવડું કરડતાં ધીમું ધીમું ઝેર ચડે એવું એને પી.ટી.સી. થયેલી વહુ પરણવાનું પૈણ ચડેલુંઃ ‘સાઈકલ કે લૂના પર ડબલ સવારી, માથે ઓઢેલું ગામ બહાર્ય જઈને વઉ કાઢી નાખે. હાર્યે મેળો ને લુણાવાડાનું બજાર. શનિવારે શાળાએથી સીધાં સિનેમામાં. અંધારામાં ગલીપચી. ગરમગરમ સેવઉસળ...’ ક્યારેક સંકોચતો કાંતિ મને કહેતો : ‘રતિલાલ, તું તો મોટી કૉલેજ કરે સે, તે તને તો પી.ટી.સી. એક કહેતાં એકવીસ મળી જાય, ના મળે? તને મન નથી થતું પઈણવાનું?’ ‘મારે તો હજી વાર છે, કાંતિ. પી.ટી.સી. કે બીએ, એમ.એ. કે બી. એડ્‌. છોડ બધી વાતો. આપણે તો અભણ વહુ મળે તોય એને કેળવી લેવાની. માણસને ઘડીને તૈયાર કરે એનું નામ કેળવણી સમજ્યો—?’ મારો જવાબ સાંભળી કાંતિ મૂંઝવણમાં મુકાઈ જતો. પણ ઘેર જતો એટલે ધૂળી-જગાભઈની રોજની પી.ટી.સી.ની વાતોમાં મનોમન ગળાબૂડ થઈ જતો. ‘સૉરો પી.ટી.સી. કૉલેસ કરે તે ચેટલો ખરચો આવે એ તો એમ જાણીએ કે અમારું મન જાંણે. મેટ્રિકમાં એના ભારોભાર રૂપિયા વેર્યા, સિત્તેર ટકા કાંય વાટમાં નથી પડ્યા. જાત ભાંગીને મજૂરી કરીએ તે સોરાના હખ્ખ હારું. સોરો પી.ટી.સી. ઓય તો વઉ પણ પી.ટી.સી. જોઈએ કનીં? લેણ મળવી જોઈએ લેણ...નઈ તો જીબ્બામાં હકાળ ચ્યાંથી આવે?’ ધૂળી વાટે વગડે સૌને કહ્યા કરતી. પી.ટી.સી. થયેલી વહુ આવી ગઈ હોય એવાં શમણાં આવતાં, ક્યારેક તો એ પોતે જ પી.ટી.સી. ભણી આવી હોય એવું થઈ આવતું હતું. જગોભઈ બસમાં, કોઈના લૂના સ્કૂટરે, ટ્રેક્ટરે-જે મળ્યું તે વાહને–ચઢીને બાવન ગોળનાં ચોર્યાશી ગામો ઘમરોળતા હતા. ક્યારેક રાત માથે લેવી પડતી, વખતે કોઈક સગાંનો સાથ લેવો પડતો. કયા ગામમાં કેટલી છોકરીઓ પી.ટી.સી.માં છે. કેટલીની સગાઈ બાકી છે; કોની સગાઈ ફોક કરવાની છે. આ બધી ય વિગતો મેળવવાની અને પછી પોતાના કાંતિ માટે સપાડું કરવાનું વેણ–નાખવાનું. જગાભઈએ નબળાસબળા સૌ જોઈ નાખેલા. ઝાઝાં ઠેકાણાં હવે બચ્યાં ન્હોતાં. ક્યાંક હોય તો એ લોક જગાભઈની વહુ ધૂળીના સ્વભાવની વાત જાણીને પાછા પડતા’તા. લોકો ઝીણામાં ઝીણી વિગતોનો તાગ મેળવતા થઈ ગયા હતા. ધૂળી વિશે ગામમાં આગળપાછળ કહેવાતું એ બહાર પહોંચેલું : ‘એનો શભાવ ટકટક કરવાનો. હારું એની બતીં હંખાય નઈ. ધણીને ઊઠબૅશ કરાવે એ સોરા –વઉને ચ્યમની જંપવા દેવાની? ચીંકણી તો ગુંદર જેવી. પાડોહી કપ ચા પી જાય તો મનમાં માંડી રાખે એવી. મેમાંન તો એ એકલપેટીને ઘેર ચ્યાણેય પોહાંયો નથી. ભઈ, ઘહાયા વના તો ઊજળાં ચ્યમનું થવાય!’ જગાભઈને કાને ય આવી ઊડતી વાતો આવતી. એ તળે ઉપર થઈને શમી જતા. ક્યારેક કાંતિ પર ચીડ ઠાલવતાં ઠાલવી જતા તો ધૂળી એમને મણના છશેર કરી મેલતી. ઘરખૂણે બાપ-બેટા બેયને ગોધાટતી ધૂળીને જગાભઈનું આબરૂદાર થવાનું શમણું નંદવી મેલેલું. ક્યારેક જગેભઈ મારા બાપને કહેતા : ‘ધનાકાકા, કરમમાં ડોળિયાં લશ્યાં ઑય તે જીયાં ચ્યાંથી ખાવાના અતા? આ તો કાઠાવાજ્યા કરીને અવતાર ખેંચવાનોય ઉંતો જાંણતો ઓત તો આ બૈરાની માયામાં પડાંત જ નઈ... પણ—’ ‘આ તો જગા! પેલા એના વાળી વાત સે કે પઈણે એ પસ્તાય અને ન પઈણે એ બમણો પસ્તાય. રાતાં લુગડાં અને સોરાંના મૂતરવાળી લીલી ગોદડીઓ વના પાટીદારનો અવતાર એળે જાય. લોકો લાકડાની ય કન્યા હું કાંમ હોધતા ઑય સે? માયાનો ખેલ સે બધો...’ બાપા કહેતા. ધૂળીની જીદે છેવટે કાંતિ સારુ સંત તાલુકાની કહેવાય એવી પણ પી.ટી.સી કન્યા મેળવવામાં જગોભઈ સફળ થયેલા. સાત સપાડે કામ થયેલું ધૂળીનો હરખ ચાના પ્યાલાઓમાંથી છલકાવા લાગેલો. કાંતિને મનમાં ઘણું ય હતું કે પોતે આવનારી વહુને એકવાર જોઈ લ્યે. પણ વીંછણ જેવી બા પાસે બોલાતું નથી, ને બાપા આગળ શરમ આવે એ સામાન્ય ગણાય. આમે ય નાતરિયા ન્યાતમાં માબાપ કરે તે સત્તર આના! છોકરો-છોકરી વધારે ભણ્યાં હોય અને એકબીજાને જાવાની જિદ્દ કરે તો લોક વાતો કરી ખાતું : ‘જેણે મેલી લાજ એનું નાનું હરખું રાજ. જાહ રે જાહ! હું કળજગ આયો સે! કાંતિ પોરસાતો બેઠો ત્યારે માંડવામાં ખાસ્સી મોટી કન્યા ભાળીને ધૂળી આભી બની ગયેલી. જગાભઈએ તો વિશ્વાસે વ્હાણ હાંકેલું. હવે થાય શું? કાંતિના પઈણ્યા પર પાણી ફરી વળેલું. કન્યા શામળી અને દેખાવે દાધારંગી. ધૂંઆંપૂઆં થયેલી ધૂળી ઘેર આવીને જગાભઈ પર વિફરેલી : ‘તમારી આંશ્યો ફૂટેલી અતી? નક્કી કરવા જયા તાણેં બાપ બેટા બે ય હરખા અક્કરમી! એકેમાં વેતા ના મળે. ઉં તો અવાડામાંથી નેકળી ને કૂવામાં પડી, તે કઉં કોને?’ ‘અવે ટિટિયારો મેલ્ય. કાળાં ય ઑય સે તો મનેખ કનીં? કાંનજી ભગવાંને કાળા ન’તા? અમથી પપડાટો કરે–’ જગાભઈને અધવચ્ચે બોલતા અટકાવીને ધૂળી સામે ચડેલીઃ ‘બેહાં અવે, ભગવાંન તો રૂપાળા અતા. તમારા જેવા હુડભુડ ન’તા. આતો બાવળીઓમાં ભૂલી પડે તો જડે નઈ એવી સે. એના આથે આલેલું બોરું ય કુણ ખાય! ના,ના. મારે આઠે અંગે આ વઉ નીં જોઈએ...’ કાંતિ બિચારો! ખાતાં દાઝ્યો તે કોને કહે? વહુ ગઈ તે ગઈ. ધૂળીએ પહેલું આણું જ ના કરાવ્યું. જગોભઈ ઘણું ય તરફડ્યા. આજીજીઓ કરી. પણ ધૂળી એક વેઢેથી બીજે વેઢે ના આવી તે ના જ આવી! ‘ઉં બાર વરહની બેઠી સું. ઉં કાંતિડાને ફેર પઈણાવે– અસ્સલ રૂપાળી પી.ટી.સી. થયેલી મેતરાંણી આર્યે પઈણાવે. તમ તમારે એક વાર આ ફંદામાંથી મારા સોરાને છૂટો કરી આલો. ને એ ય તમારી બતીં ના બણે એમ ઑય તો ઉં કરે. કમઈને રૂપિયાનો ઢગલો કરે, પણ કાંતિને બે ચોટલાળી મ્હેતી પઈણાવે તાણે જ મારી આંતરડી ઠરવાની. હા, મનેખનો અવતાર કાંય વાટમાં નથી પડેલો તે વારે ઘડીએ મળી હકવાનો’ જગોભઈ ઝાંખા પડી ગયેલા. થોડા દા’ડા પછી ધૂળી પણ ઓલવાયેલા અંગારા જેવી થઈ રહેલી. આ બન્યું તે દિવસથી જગોભઈ પી.ટી.સી.ને મણ મણની ચોપડાવતા થઈ ગયેલા. ભણવાની વાત નીકળે ને જગોભઈ ભડકતા. કાંતિને ય સંભળાવતા : ‘અલ્યો, ફાટ્યાઓ! તમારી મા-ઓ ચ્યાં પી.ટી.સી. થઈતી? ધોળી ભાળીને ભૂરાયા થશૉ ને ગજા વનાની ઉફત કરશો તો ફૂલે કાતાં ઘાલીને મરશાં...’ કોઈ વાટે જતું અમથું હસતું તો ય ધૂળી બળી જતી. બધે એને પોતાની નગોદાઈ ગવાતી લાગતી. નવી વહુવારુઓને જોતી ને છાતીમાં ભઠ્ઠી ભડકતી. જગોભઈ પણ રાખ વળેલા અંગારા પર ફૂંક મારવાથી ડરતા હતા. ત્રણ ત્રણ વરસ ભાંજગડમાં ગયાં. ટોપી ઉતારી, નાત્ય આગળ નાકલીટીઓ તાણી. પંચ ભેગાં કર્યા. બબ્બે મણના લાડવા ખવડાવ્યા. ખાંધ્યાઓનાં ગજવાં ભર્યાં. ઉપરથી પાંત્રીસ હજાર રૂપિયા વહુએ જીવકના માગ્યા અને ઘરણાં લઈ ગઈ તો નફામાં. એ તો ય જગાભઈના ગ્રહો પાધરા તે પાંત્રીસે પત્યું. બાકી ગામમાં બાસઠ હજાર લઈને છૂટકો કરનારા ય હતા. પહેલાં છૂટાછેડા આટલાં મોંઘા ન્હોતા. આ તો ભણતર વધ્યું એમ ગણતર વધ્યું. જગોભઈ તો સૌને કહેતા કે ‘ગાય દોઈને કૂતરીને પાવાનો ધંધો સૅ આ... કાંતિના છૂટાછેડાને વરસ થવા આવ્યું છે, તોય સગાઈ નક્કી થતી નથી. જગોભઈ રઘવાયા રહે છે અને કાચી કેરીને સૂડો કરકોલે એમ ધૂળીને ચિંતા ફોલી ખાય છે. કાંતિ મને કહે છે : ‘આંનાથી તો બાવા થઈ જવું હારું. ઉં તો કઈ કઈને થાચ્યો; મારે પી.ટી.સી. કાંય જોઈતી નથી, અવે તો લાકડામાંથી ઘડેલી કન્યા અશે તોય ચાલશે.’ હું બોલ્યા વિના સાંભળી રહું છું. ‘હગી મા વેરવણ થઈને બેઠી સૅ. મારે તો ધોળી ય નતી જોઈતી ને ફૂમતાવાળી ય નથી જોઈતી. આપડા જેવી નઈ ઑય તોય ચાલશે. હાચું કઉં સું, રતિલાલ! આ ડોહાડોહીનો વલોપાત નથી વેઠાતો.’ કાંતિ છેવટે બબડે છે ‘જોવનાઈ પછી તો બધુંય હરખું...’ બપોરે જગાભઈનો રઘવાટ થોડો હેઠો બેઠેલો. ઓટલી પર બેઠા બેઠા એ જોઈ રહ્યા છે, સીમમાં આંબાઓ મ્હોરથી છલકાઈ રહ્યા છે. વસંત પંચમી હમણાં વીતી હતી. ન્યાતના કાયદા ઘડવા મળતી બાવન પાટીદારોની મીટિંગ મળી ચૂકી હતી. છૂટાછેડા લેવા પર મુકાયેલા દંડથી ઊહાપોહ થયેલો તે હજી તાજો જ હતો. હોળી પાસે આવતાં હવે વિવા તોડવા ફોડવાની ઋતુ પહેલા વરસાદે ખેડૂત જેમ હળોતરુ કરે એમ, બેસી ગઈ હતી. શિયાળો ઊતરીને બપોરી વેળામાં ઉનાળો પેસતો હતો. ઘર પાસેનો શીમળો રાતાંગલ ફૂલોથી ખળખળી ઊઠ્યો હતો. જગાભઈની નજર એના પર ઠરેલી. ધૂળીને પટાવવી કેમ કરીને એની આજે એમને ભારે મૂંઝવણ હતી. કાંતિ માટે એમણે કન્યા શોધી કાઢી હતી, પી.ટી.સી. થયેલી નહીં, આટ્‌ર્સ કૉલેજમાં ભણતી. જગાભઈને શીમળાનાં ફૂલો ઠેઠ ફળિયામાં વેરાયેલાં દેખાતાં હતાં. ચાંલ્લાનો રૂપિયો ઘરમાં આવી ગયેલો. જગાભઈને કુટુંબીઓ કહેલું કે ‘સોમવારે ગોળધાણા વહેંચી દેવાના છે તારી વઉને કઈ દેજે ટકટકારો ના કરે.’ જગાભઈ ના પાડે તો નાક કપાય અને ધૂળી હા પાડે તો હાથ કપાય. જગોભઈ કડક થવા મથતા હતા. છેક રવિવારની સાંજે જગોભઈ ધૂળીને વાત કરી શક્યા. સગાઈની વાત જાણીને એણે ભારે ઘમસાણ મચાવ્યું. માથા કૂટ્યાં, છાતી કૂટીઃ ‘પી.ટી.સી. તારું નખ્ખોદ જજો. રાંડો પી.ટી.સી. થઈ થઈને ધણીને મેલીને ભીલોેને રાખતી થઈઓ સે. મારે એવી પી.ટી.સી. ના જોઈએ. રાંડ પી.ટી.સી. તારું નખ્ખોદ જજો.’ ધૂળીનું કલ્પાંત જોઈ જગોભઈ અંદરથી હાલી ગયેલા. કાંતિ તો સાવ ડઘાઈ ગયેલો. સોમવારે સવારે જગોભઈ ગામમાં ગોળ ખાવાનું નોતરું દેવા ઉત્સાહભર્યા નીકળ્યા ત્યારે ઝંખવાણી લાગતી ધૂળી પડોશણને કહી રહી હતી : ‘બુન, આ તો પી.ટી.સી.થી ય આગળનું હઘરું ભણતર કહેવાય. વઉં અંગરેચી નેંહાળમાં મ્હેતી થવાની. મારા કાંતિનું નસીબ હારું તે આવું ઠેકાણું અને ઊજળી કન્યા મળ્યાં... કેનારે અમથું નથી કેયું કે ભગવાંન તો હૌનો સે.’ પણ જાણે આ અવાજ ધૂળીનો ન્હાતો લાગતો. હું ગોળધાણા ખાવા પહોંચ્યો ત્યારે ચોપાડમાં ઊભેલી ધૂળી મને આવકારવાને બદલે ઓયડામાં સરી ગઈ. મેં જોયું તો ચોપાડમાં અનેક ખાલી ખાટલાઓ પથરાયેલા પડ્યા હતા. જ્યારે કાંતિ એક ખાટલાના ઓશિકે રકાબીમાં મૂકેલાં કંકુચોખા અને રોકડા રૂપિયાની આરપાર એકીટશે તાકી રહ્યો હતો...