મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૩૦ - રાગ મેઘ ગોડી

વિષ્ણુદાસ

જઈમુન વાંણી ઉચરે, સાંભલ જનમેજે રાય;
અર્જુન કહે શ્રવ જોધને, કરવું કવણ ઉપાય. ૧

વલી પારથ વાંણી ઉચરે, વેગે મ લાઓ વાર;
નગર ચંદ્રહાસનું, તાં સંચરો નિરધાર. ૨

મકરધ્વજ માહા પ્રાક્રમી પદમાક્ષ બીજો જેહ;
પ્રાત સમે પાંડવ તણા હે હરી લાવ્યા તેહ. ૩


આવીને ઊભા રહ્યા ચંદ્રહાસ બેઠો જાંહે;
પછે પત્ર છોડીને વાંચી આનંદીઆ મંનમાંહે. ૪

હેવર છે પાંડવતણા, સાથે છે કૃષ્ણ ને અર્જુન;
બલવંત હોયે તે બાંધજો, એવું લખ્યું છે વચંન. ૫

ચંદ્રહાસ મન હરખ્યો ઘણું, આનંદ અંગ ન માય;
સેના સકલ લેઈ કરી, ચાલ્યા ચંદ્રહાસ રાય. ૬

સાંમસાંમા દીઠા દલ તારિ આવતા અશ્વમેવ;
અર્જુનને રથે બેઠા સ્વામી દેવાધદેવ. ૭

પછે કૃષ્ણ કેહે અર્જુનને, ‘આવે છે મારો દાસ’;
એવું કહી ચત્રભુજ હરખ્યા સ્વામી શ્રી અવિનાશ. ૮

‘આલિંઘન દો બેહુ જણા, આંણી અભિંતર ઉલાસ’;
પછે અર્જુન કેહે, ‘કૌરવ વઢતાં દીધી આશ,
આજ એમે શેં કોહો છો સ્વાંમી શ્રી અવિનાશ.’ ૯

શ્રીકૃષ્ણ વાંણી ઉચરે, મારો ભગત છે એહ;
મુજને કહીં એ ન વીસરે, એહના ગુણ છે જેહ. ૧૦

ચંદ્રહાસને અર્જુનને ભેટાડ્યા તતખેવ;
પછે નગરમાં પધરાવીઆ સ્વાંમી દેવાધદેવ. ૧૧

મદનપ્રધાને આવી કીધો ક્રષ્ણને પ્રણાંમ;
ગાલવગુરુ ભેટ્યા સહી, પ્રણમ્યા શ્રી હરિસ્વાંમ. ૧૨

પાંચ દિવસ ત્યાં રહ્યા સ્વામી દેવાધદેવ;
પછે સંચરવા સજાઈ કરી તતખેવ. ૧૩

પછે ક્રષ્ણે તેડ્યો મકરધ્વજ તેને આપ્યું રાજ;
ગાલવની આગનાથી સંચર્યા મહારાજ. ૧૪

શ્રી હરિ કેડે સંચર્યા ચંદ્રહાસ રાય;
આગલથી હેવર પૂંઠે શ્રવ સેના પલાય. ૧૫

આગલ બગદાલભને આશ્રમ હેવર પહોંત્યો તેહ;
જઈમુન જનમેજેને કેહે ઉત્તમ આખ્યાંન એહ. ૧૬

એક-મના જે સાંભલે તેને ગંગા કેરું સનાંન;
પ્રેમ પ્રીત મન ઊપજે ભ[વ]દુખ ભાજે શ્રી ભગવાંન. ૧૭

ગાતાં સુણતાં શ્રીહરિ પૂરે મનની આશ;
બેહુ કર જોડી વિનવે વિષ્ણુભગત વિષ્ણુદાસ. ૧૮