મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૫)
Jump to navigation
Jump to search
પદ (૩૫)
રંગમાં રોળ્યાં, વાલમિયા
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે રે કડલાં સોંઈ, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કેડ પરમાણે રે ઘાઘરો સોંઈ, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
હાથ પરમાણે રે ચૂડલા સોંઈ, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
ડોક પરમાણે રે ઝરમર સોંઈ, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાન પરમાણે રે ઠોળિયાં સોંઈ, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણે રે નથડી સોંઈ, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.