મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૬)
મોટાં ખોરડાં!
ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,
દીકરી કે’જો સખદખની વાત જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
સખના વારા તો, માતા, વહી ગયા રે લોલ,
દખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
નણદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સાસરે જઈ જેઠને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
પરણ્યે જઈ તેજી ઘોડો છોડિયો રે લોલ,
જઈ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ,
પાશેરો તોળાવ્યો સુમલખાર જો.
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,
પીઓ ગોરી, નકર હું પી જાઉં જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ,
ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,
ખોખરી હાંડીમાં લીધી આગ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
પ’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,
બીજો વિસામો ઝાંપા બા’ર જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ,
ચોથો વિસામો સમશાન જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સોનલા સરખી વહુની ચે’બળે રે લોલ.
રૂપલા સરખી વહુની રાખ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,
હવે માડી મંદિરિયે મોકળાણ જો.
ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.