મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/વિરાટપર્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિરાટપર્વ

નાકર

વિરાટના નગરમાં ભીમ
વનિતા વીર બિ બઇઠાં રહ્યાં; તજિ વેષ વૃક્રોદર ગયા;
વૃક્ષ તણું થડ ચાટુ કરી, ચાલુ વીર કન્ધોલઇ કરી.

નગર ભણી ભડ પગલાં ભરઇ: ગાજઇ વ્યોમ; ધરા થરથરઇ;
દૂરિ થકી દીઠા જેટલઇ, કર્યા પાગ ગોપતિ તેતલઇ.

ગયા ભૂંઠા વહી સીમ મઝારિ; ઊભા ન રહ્યા એક લગાર;
"મહાદૈત્ય જક્ષ રાક્ષસ-રૂપ, ભાઈ! એ આગલિ બઇઠા ભૂપ.

તે રાઇ રાખ્યા છઇ નગરમઝરિ; અરે ભક્ષ કરતાં નહીં લાગઇ વાર;
ભાઇ! ખભિ ચાટૂઉ દીઠુ સવે; અર ખાધૂ નગર; સહૂ ભિક્ષુ હવે.

કહિશુ, કરશું કુણ ઉપાય? છીંડી જૈઇ ચેતાવું રાય.
ભાઈઓ! એ આગલિ કુણ ઊગરઇ? સહુ નાસતાં ભડ ચાટુ ભરઇ."
બિન્યાઈ વીર નાઠા બાપડા; "આહાં કાલરૂપ એહનિ કેડિ પડ્યા;
ભેલું નગર; ભીખ્યા સવિ લોક, પુણ્યવન્ત રાઇ રાઇ ઊપજશિ શોક.

તે જાવા શિ ન દીધા પહરા? ગ્રહ્યા કેશ માથા ઊફરા;
શું કરશિ? ભોલુ છઇ ભૂપાલ, જવ દૃષ્ટિ પડશિ આ કાલ."

એતલઇ ભીમ નગરમાંહિ ગયા; દ્વારપાલ તવ નાશી ગયા;
ગામનિવાસી લોક હડબડ્યાં; ગઢ–મઢ–મન્દિર–મેડે ચડ્યાં.

દીઠૂં રૂપ; નવિ બોલઇ કોઇ; શબવત થ્યા સવિ ટગમગ જોઈ;
‘આ શું ચાટુ?’ વિસમઇ સહુ થયું, ‘દુહવ્યો, ભૂપતિ તણું ઘર ગયું.

અરે કિંક, વૃન્દલ કુણ રૂપ? ભોલુ રાય ન જાણઇ ભૂપ;
આ લોક શી કરશિ પઇરિ? યમરૂપ ચાલિ ગયુ ધરિ."

નગર–માંધ ગઢ વાંશિ ગયુ, એક ક્ષણ ત્યહાં ઊભું નર રહ્યું;
પઇહલિ પોલીઇ સિધિ જવ કહી, રહ્યુ રાય તવ ઝાંખુ થઈ.

ભીમિ હાથ બિ ઊંચા કરી, ગઢ કોશીસાં ઊપરિ કરી,
આઘૂં મુખ કર્યું જેતલઇ, ભડકી જ્યોધ ઊઠ્યા તેટલઇ.

સજઇ સન્નાહ; ધરઇ હથિયાર; ધડકઇ યોધ; ધસઇ ઝૂઝાર;
રાય પાખલિ વીંટી સહૂ રહ્યા, યુદ્ધ કરવા સપરાણા થયા.

વીર વૃકોદર બેવડ થયા; પઇશી પોલિ સભા વિચિ ગયા;
જે રાઇ પાખલિ રહ્યા તરવરી, તે નાઠા યાધ; ન જોઇ ફિરી.
ભૂપ કિંક સભા મધિ રહી; ભીમ મહા ભડ નમિયા જઈ.
પાણ્ડુપુત્ર બોલ્યા તેણી વાર, "આવુ વાલુઆ! રાઇ-સૂઆર!"

કિંક તણાં રાઇ સુણી વચન્ન; પાછુ જીવ આવ્યુ મધિ તન્ન;
છાંડી આસન કર્યુ પરણામ, "ભલિ આવ્યા શિર ઊપરિ, સ્વામી!

જે સમુતા ભડ પાછા વલ્યા, કૌતક જોવા ટોલિ મિલ્યા;
જાણ્યૂ’તૂં જે જીવિતવ્ય નથી, તે કૈં દિન રાખ્યા કમલાપતિ.

મહાસ્વરૂપ દીસઇ વિકરાલ; રક્તનેત્ર પાવકની ઝાલ;
સ્થૂલ કન્ધ; આજાન ભુજ-દણ્ડ, ઉરુ કટિ, પૂઠિ પગ મહાપ્રચણ્ડ.

વિકટ વદન, મુખ વાંકી મૂંછિ; મહા બલિયા; કુલ દીસઇ ઊંચ.
મન્નિ જાણી બોલ્યુ ભૂપતિ, ‘ધર્યુ ચાટુ તે કુણ યુગતિ?

પૂછતાં, ભાઈ! મ કરશુ રીસ, ખુલઇ તમારિ મૂક્યુ શીશ;
અમ સરખા કાંઈ ઉત્તર કુહુ; કૃપા કરી શિર ઊપરિ રહુ."

દીન વચન રાઇનાં મનિ ધરી, વાયુપુત્રિ વાણી ઊચર:
"હું તે ભીમ તણઉ સૂઆરિ; કલશી પાંચ તણુ મુઝ આહાર.

તું બહુ-આહારી જાણશિ, રાજાન! મુઝ પ્રાક્રમ પોઢાં ભીમ સમાનિ.
તે ભાઈ નષ્ટચર્જ્યાઇ ગયા; તે માટઇ આંહાં આવી રહ્યા.

તું રલિઆતિ થાએશ અતિ ઘણું, બોલાવીઇ કહિશ આપણું;
પરદલ ગઢ-સંકટ જે પડઇ, મુઝ પિહિલુ ભડ કો નવિ ભડઇ.
ગોબ્રાહ્મણ સ્રી બાલ પ્રસાદ, તે દુહવઇ, તેહનું ઊતારૂં નાદ;
લ્યાવૂં ઇંધણ, મલ્લશું વિઢું; ગહું ગજ; પાડાશું ભડું.

રાધું અન્ન અતિ સ્વાદિષ્ટ સાર, ખાટાં મીઠાં તીક્ષણ ક્ષાર;
નાનાવિધ પકવાન હું કરું; જિમઇ રાઇ, સર્વ આગલિ ધરું.

પાકશાલાનઇ પાસઇ રહૂં; કરુ આગન્યા; વિનુ નિતિ વહૂં;
વર્ષ એક રહીશું તમ ઠામિ; સૂઆર વાલુઓ મારું નામ."

વલતા રાય બોલ્યા તેણી વાર, "હું સેવક; તું ઠાકુર–ઠાહરિ.
પાકશાલાઇ નિરન્તર રમુ; મુખ પૂછી પંચામૃત જિમુ."

તેડી સૂઆર લગાડ્યા પાઇ; ઠાકુર સેવક કેરુ ન્યાય;
"વદિ વતાં જે તે તે સહુ કરુ; એ છઇ રીસાલ માથા-ઊફરું.

તમ રાંધણ કેરી શિર ઓપમા; પડિ વિરાંસઇ કરજ્યો ક્ષમા.
છઇ વિરાટ અનુચર તમ તણુ" વિનય વિવેક કીધુ અતિઘણું.

આવ્યા લોક ભડક્યા’તા ખરા, તે હૈડિયા આન્તર ઊતર્યા.
સુણ્યૂં સૂઆર થૈ નર રહ્યા; નગર-નિવાસી સુખિયા થયા.