મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૫.અમીવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦૫.અમીવિજય

અમીવિજય (૧૯મી પૂર્વાર્ધ)
તપગચ્છના આ જૈન કવિએ લખેલી કૃતિઓમાં મહાવીર સ્વામીનું પારણું લાક્ષણિક છે
૧ પદ

મહાવીરસ્વામીનું પારણું.

માતા ત્રિશિલાએ પુત્ર રત્ન જાઇયો, ચોસઠ ઇંદ્રનાં આસન કંપે સાર;
અવધી ગયા ને જોઇ ઘાએ શ્રીજીનરાજને, આવે ક્ષત્રી કુળ નયન મોજાર.          ૧

વીર પ્રતિબિમ્બો મૂકે માતા કને, સ્વાપનીએ નિદ્રા દીએ સાર;
મેરુ શીખરે જીનને લાવે મહોચ્છવે, હરી પંચ રુપ કરી મનોહાર.          ૨

એમ અસંખ્ય કોટા કોટી મળી દેવતા, પ્રભુને ઓચ્છવ મંડાણે લઇ જાય;
પંડેકંબળી સીલા એ જીનને ભક્તિથી, હરી અંકે થાપે ઇંદ્રપણું ઉપાય.          ૩

એક કોડી સાઠ લાખ કળસે કરી, વીરનો સનાત્ર મહોચ્છવ કરે સાર;
વીર કુમારને અનુક્રમે લાવે જનુની મંદિરે, દાસી પ્રિયંવદા જાઓ તેણી વાર.         ૪

રાજા સિદ્ધારથને દીધી વધામણી, દાસીને દાન માન દીએ મનોહાર;
ક્ષત્રી કુળમાંહી ઓચ્છવ મંડાવીઓ, પ્રજા લોકને હરખ અપાર.          ૫

ઘેર ઘેર શ્રીફળ તોરણ તરાટજ બાંધીયાં, ગૌરી ગાવે મંગળ ગીત રસાળ;
રાજા સિદ્ધારથે જનમ મહોચ્છવ કર્યો, માતા ત્રિશિલાઇ ઊજમાલ.          ૬

માતા ત્રિશિલા ઝુલાવે પુત્ર પારણે, ઝુલે લાડકડા પ્રભુજી આણંદભેર;
હરખી નરખીને ઇંદ્રાણી જન જાએ વારણે, આજ આણંદ શ્રીવીરકુંવરને ઘેર.          ૭

વીરનાં મુખડાં ઉપર વારું કોટી ચંદ્રમા, પંકજ લોચન સુંદર વિશાળ કપોળ;
શુક્ર ચંચુક સરખી દીસે નિર્મળ નાસિકા, કોમળ અધર અરુણ રંગ ચોળ.          ૮

ઊસધી સોવન મઢી રે શોભે હાલરે, નાજાુક આભરણ સઘળાં કંચન મોતીહાર;
કર અંગુઠો ધાવે વીરકુંવર હરખે કરી, કાંઇ બોલાવતાં કરે કીલકાર.          ૯
 
વીરને લલાટે કીધો કુમકુમ ચાંદલો, શોેભે જડિત મરકત મણીમાં દીસે લાલ;
ત્રિશિલાએ જાુગતે આંજી અણીયાળી બેહું આંખડી,
સુંદર કસ્તુરીનું ટપકું દીધું ગાલ.          ૧૦

કંચન સોળે જાતનાં રત્ન જડેલું પારણું, ઝુલાવતાં થાએ ઘુઘરાનો ઘમકાર;
ત્રિશિલા વિવિધ વચને હરખી ગાએ હાલરુ,
ખેંચે ફુમતીયાળી કંચન દોરીસાર.          ૧૧

મારો લાડકવાયો સખાસંગે રમવા જશે,
મનોહર સુખલ હુંડી આપીશ એને હાથ;
ભોજન વેળા રુમઝુમ રુમઝુમ કરતો આવશે,
હું તો ધાઇને ભીડાવીશ હૃદયા સાથ.          ૧૨

હંસ કારંડવ કોકીલ પોપટ મોરવા, માંહી બપૈયાને સારસ ચકોર;
મેના મોર મેલ્યાં રમકડાં રમવાતણાં,
ઘમઘમ ઘુઘરો વજાવે ત્રિશિલા કીશોર.          ૧૩

મારો વીરકુંવર નિશાળે ભણવા જાશે, સાથે સ્વજન કટુંબ પરિવાર;
હાથી રથ ઘોડા પાળા એ ભલું શોભતું, કરીશ નીશાળ ગએણું અતિ મનોહાર.          ૧૪

મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુંવરને પરણાવીશ મોટે ઘેર;
મારો લાડકડો વરરાજા ઘોડી બેસશે, મારો વીર કરશે સદાય લીલા લહેર.          ૧૫

માતા ત્રિશિલા ગાએ વીરકુંવરનું હાલરું, મારો નંદન જીવજો કોડ કોડી વરસ;
એ તો રાજા રાજેશ્રી થાશે ભલ દીપતો, મારા મનના મનોરથ પૂરશે વાધે હરષ.         ૧૬

ધન ધન ક્ષત્રી કુંડ ગ્રામ મનોહરું, જિહાં વીર કુંવરનો જન્મ ગવરાય;
રાજા સિદ્ધારથ કુળ માંહે દીનમણિ, ધન ધન ત્રિશિલા રાણી જેહની માય.          ૧૭

એમ સઇએર ટોળી ભોળી ગાજ્યો હાલરું, થાયે મનના મનોરથ તેને ઘેર;
અનુક્રમે મહોદય પદવી રુપી વીજેપદ પામશે,
ગાએ અમી વીજય કહે થાશે લીલા લહેર.          ૧૮