મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૮.જ્ઞાનવિમલ/નયવિમલ
જ્ઞાનવિમલ (સૂરિ)/નયવિમલ (ગણિ) (૧૭મી ઉત્તરાર્ધ-૧૮મી પૂર્વાર્ધ)
તપાગચ્છના આ સાધુએ વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. એમણે વિપુલ માત્રામાં રાસકૃતિઓ તથા ચોવીસીઓ અને સ્તવનાદિ કૃતિઓનું સર્જન કરેલું. એ શીઘ્ર કવિ પણ હતા.
૧ પદ, ૩ સ્તવનો
પદ
તે સુખિયા
(તે તરિયા ભાઈ તે તરિયા - એ દેશી)
તે સુખિયા ભાઈ તે સુખિયા જે પરદુ:ખ દેખી દુખિયાજી
પરસુખ દેખી જે સંતોષિયા જિણે જૈનધર્મ ઓલખિયાજી ||તે સુ ૧||
જ્ઞાનદિ બહુ ગુણના દરિયા ઉપશમ રસ જલ ભરિયા રે
જે પુલિ નિત્ય શુદ્ધિ કિરિયા ભવસાયર તે તરિયા રે ||તે સુ ૨||
દાન તણે રંગે જે રાતા શીલ ગુણે કરી માતા રે
સવિ જગે જીવને દેઈ જે સાતા પર વનિતાના ભ્રાતા રે ||તે સુ ૩||
જેણે છાંડ્યા ઘરધંધા જે પરધન લેવા અંધા રે
જે નવિ બોલે બોલ નિબંધા તપ તપવે જે જોધા રે ||તે સુ ૪||
પરમેશ્વર આગલ જે સાચા જે પાલે સુધિ વાચા રે
ધમ કામેકબહી નહિ પાછા જે જિનગુણ ગાવે જાચા રે ||તે સુ ૫||
પાપ તણા દૂષણ સવિ ટાલે નિજ વૃત નિત્ય સંભાલે રે
કામ ક્રોધ વયરીને ગાલે તે આતમ કુલ અજુવાલે ર ||તે સુ ૬||
નિશદિન ઈર્યા સમિતિ ચાલે નારી અંગ ન ભાલે રે
શુક્લ ધ્યાનમાંહિ જે મ્હાલે તપહ તપિ કર્મ ગાલે રે ||તે સુ ૭||
જે નવિ બોલે પરની નિંદા જેહ અમીરસ કંદા રે
જેણે મેડ્યા ભવના ફંદા તસ દેખત પરમ આનંદા રે ||તે સુ ૮||
તે પૂજે ભાવે જિન ઈંદા સૌમ્ય ગુણે જિમ ચંદા રે
ધર્મે વીર ગુરુ ચિર નંદા નય કહે હું તસ વંદા રે ||તે સુ ૯||
૩ સ્તવનો
૧
શ્રી સાધારણજિન સ્તવન
(રાગ-રામગરી)
સકલ સમતા સુરલતાનો, તુંહિ અનોપમ કંદ રે;
તું કૃપારસ કનકકુંભો, તું જિણંદ મુણીંદ રે. તું.૧
તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી કરતા ધ્યાન રે;
તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરું ધ્યાન રે. તું.૨
તુંહિ અલગો ભવથકી પણ, ભવિક નામ રે;
પાર ભવનો તેહ પામે, એહિ અચિરજ માન રે. તું.૩
જનમ પાવન આજ મ્હારો, નિરખે તુજ નૂર રે;
ભવભવે અનુમોદના જે, થયો તુજ હજૂર. રે. તું.૪
એહ મારો અક્ષયઆતમ, અસંખ્યાત પ્રદેશ રે;
તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ રે. તું.૫
એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસ રે;
એમ કરી તુજ સહજ મિલતા, હોય જ્ઞાનપ્રકાશ રે. તું.૬
ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોય એમ રે;
એમ કરતા સેવ્યસેવક, ભાવ હોય કેમ રે. તું.૭
એક સેવા તાહરી જો, હોય અચળ સ્વભાવ રે;
જ્ઞાનવિમલસૂરીંદ પ્રભુતા, હોય સુજસ જમાવ રે. તું.૮
૨
શ્રી સીમંધર જિન સ્તવન
રાગ- થાંરી આંખડીએ ઘર ઘાલ્યો, ગહેલા ગિરધરિયા - દેશી
તારી મુદ્રાએ મન મોહ્યું રે, મનના મોહનિયા;
તારી મૂરતિએ જગ સોહ્યું રે,જગના જીવનીયા, આંચળી.
તુમ જોતાં સવિ દુર્મતિ વીસરી, દિન રાતડી નવિ જાણી;
પ્રભુ ગુણગણસાંકળશ્યું બાંધ્યું, ચંચળ મનડું તાણી રે. મન. ૧
પહેલાં તો એક કેવલ હરખે, હેજાળુ થઈ હળીઓ;
ગુણ જાણીને રૂપે મિલીઓ, અભ્યંતર જઈ ભળીઓ રે. મન. ૨
વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરે રે;
આપે અરૂપી રાગનિમિત્તે, દાસ અરૂપ ધરે રે. મન. ૩
શ્રી સીમંધર તું જગબંધુ, સુંદર તાહરી વાણી;
મંદર ભૂધર અધિક ધીરજધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મન. ૪
શ્રી શ્રેયાંસનરેસરનંદન, ચંદનશીતલ વાણી;
સત્યકીમાતા વૃષભલાંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણખાણી રે. મન. ૫
૩
નેમિનાથ જિન સ્તવન
દેહી મહુડાની
રાજિમતી રંગે કહે કાંઈ પ્રીતમજી અવધાર, મુજારો છે માહરો.
સુણી આધાર, મોહનગાર, જગે સુખકાર, તુઝ દીદાર,
કર મુઝ સાર, મુજરો. ટેક
અણદીઠ શું મોહીયા, કાંઈ તે તો નવલી નાર. મુ.૧
પ્રીતિ કરતાં સોહિલી, કાંઈ નિરવહતાં જંજાળ. મુ.
જિમ વિષવ્યાલ ખેલાવતાં, કાંઈ વિષમ અગ્નિઝાળ. મુ.૨
વિણ પરણ્યે પણ જગે કહે, કાંઈ હું તુમચી નિરધાર.મુ.
નયણે દેખાડીને વલ્યા, કાંઈ આવી તોરણબાર મુ.૩
અવર ન કો તઝ સારીખો, કાંઈ પુરુષચરણ સંસાર. મુ.
તેહ ભણિ નિરવાહીએ, કાંઈ સુણ મુજ હીયડાહાર. મુ. ૪
હાથમેલાવો નહિ કર્યો, કાંઈ શિર ઉપર કરો હાથ. મુ.
ધન્ય શિવસુંદરી બહેનડી, કાંઈ જિણે મોહ્યા પ્રાણનાથ. મુ.૫
જ્ઞાનવિલમ પ્રભુતા ધણી, કાંઈ જ્યોતિ ઝલામલ તેજ. મુ.
અચલ અભેદે બિહું મિલ્યાં, કાંઈ હળીમળી હીયડાહેજ. મુ.૬