મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ફૂટકળ અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફૂટકળ અંગ

અખાજી

તિલક કરતાં વેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.          ૬૨૮

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?          ૬૨૯

આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે?          ૬૩૫

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ધાણી, કહે અખો એ વાતો અમે જાણી.          ૬૩૬

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.          ૬૩૭

વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર.
વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અદકેરું જડે.
જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહિ આપને ઘેર?          ૬૩૮

સ્વામી થઈને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ.
શિષ્ય શાખાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર.
આશા રજ્જાુની બાંધ્યો પાશે, અખા તે શું જાણે જ્ઞાનીની આશે?          ૬૪૪

ગુરુ થઈ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે.
ભૂતકાળમાં જે થઈ ગયા, તેની મનમાં ઇચ્છે મયા.
અખા તે ક્યમ ભવની ટાળે વ્યથા, જે નિત્ય મડદાંની વાંચે કથા?          ૬૪૬

જોજો રે ભાઈ વાતનું મૂળ, પેટ ચોળી ઉપાયું શૂળ.
એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો.
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જૂતો ધેર.           ૬૪૯

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય. ૬૫૨

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસૂત બે વા’ણે ચઢ્યા, ખ પુષ્પ વાસાણાં ભર્યા.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાંને આગળ એવા હતા. ૬૫૩

કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ. ૬૫૪

અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો.
કામબાણ ન શક્યો જાળવી, પછે રડવડતી એક આણી નવી.
શ્વાન ભસાવે હીડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ૬૫૬

શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ, કયા વેદ વાંચ્યા કરમાબાઈ?
વ્યાધ તે શું ભણ્યો’તો વેદ, ગણિકા શું સમજતી ભેદ?
વળી શ્વપચની સમજો રીત. અખા હરિ તેના, જેની સાચી પ્રીત. ૭૧૭

નાહ્યાધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા;
જાગતપ્રમોદે જાડા થઈ, પણ ઝીણી માયા તે માંહી રહી.
કાય કરે તે ઝીણીની પક્ષ, ઝીણી જાડાને કરશે ભક્ષ. ૭૧૯

છતી આંખ ને જઈ આથડે. જેમ પતંગિયો દીવામાં પડે.
જો કદાપિ ઊપજે વૈરાગ, તો મીઠી માંહીથી ન દિયે માગ.
કોઈ કમાય ને કોઈ ખાય, કહે અખો મૂડી ક્યાંથી થાય? ૭૨૦


રોગીને તો કડવું ઘટે, લીમડો પીધે રોગ માંહીથી મટે.
નિર્ગુણ લીમડો જો રોગ નિર્ગમે, તો સગુણ ભોજન સુખે જમે.
નિર્ગુણ થઈ ને સગુણમાં મળે, તો અખા જેમ દૂધમાં સાકર ભળે. ૭૩૦

સંતનો આશય કોયે નવ લહે, મૂરખ સર્વ દેહ સરખા કહે.
અરૂપ ભગવાન એમ વેદ જ વેદ, તેને સંત ધરી રહ્યા રદે.
ગુંજા-રત્ન એક કાં ગણે? અખા ગણ્યા વિના શું ભણે? ૭૫૬