મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૮

પ્રેમાનંદ

રાગ ગોડી ટૂંકડી
સંજય કહે: ‘સાંભળિયે રાય! દેવકીનંદનનો મહિમાય;
મારવા દાનવ કેરો ભૂપ ભગવાને ધરિયું ભાર્ગવરૂપ.          ૧

શત્રુ હણવાનું સાર્યું કાર્ય, શ્રીકૃષ્ણજી થયા શુક્રાચાર્ય;
વૃદ્ધ વપુ, કર ગ્રહી લાકડી, આવે ઠેસ પડે આખડી.          ૨
મસ્તક બાંધ્યું ફાટ્યું ચીંથરું, જળજળાં નેત્ર, જુએ અરુંપરું;
થર થર દેહ ધ્રજે જદુરાય, કાયામાં પ્રગટ્યો કંપવાય.          ૩

મુખ-નાસિકા મોહનનાં ચુએ, કપાળે કર દેઈને જુએ;
ઉધરસ ને બહુ ચડે રે શ્વાસ, એવું રૂપ ધર્યું અવિનાશ.          ૪

નીસરી ખૂંધ, કટિ બેવડ વળી, પગે વાયુ ને માથે પળી;
રસના વળગે, આવે શૂળ, પહેર્યું મૃગચર્મ, ઓઢ્યું વનકૂળ.          ૫

એવે રૂપે પરમેશ્વર પળ્યા, અહિલોચનને સામા મળ્યા;
નેત્ર ઉપર દેઈ આડો હાથ, દાનવને પૂછે જદુનાથ:          ૬

‘મસ્તક ભાર ઊંચળ્યો કોણ પાપ? પેટી માંહે છે ઘો કે સાપ?
સજ્યું કવચ, બાંધ્યાં હથિયાર, દીસે ભાગ્યવાન, કાંઊંચલે ભર?          ૭

શું ભર્યું માણેકમોતી ઝવેર? કોને આપવા ચાલ્યો ઘેર?
રખે તું જાતો દ્વારિકા ભણી, કૃષ્ણિો લેશે પેટી તુજ તણી.          ૮

તે પાપીને હૃદયે દયા નથી, મારગુને મારે સર્વથી;
જેમ તેમ સ્વારથ પોતાનો કરે, પરપ્રાણ કોડી માટે હરે.          ૯

જેણે મામા-માસીના લીધા પ્રાણ, અયદાનવ માર્યો સુજાણ,
તેને દેવા નથી કો શીખ, મુને માગતો કીધો ભીખ.          ૧૦
વલણ
ભીખ મગાવી કેશવે, માર્યો મારો અયદાનવ રાય રે,’
એવું કહીને રોયા હરિ: ‘જજમાન સાલે રુદિયા માહ્ય રે.’          ૧૧