મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઉદ્યમ-કર્મ સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદ્યમ-કર્મ સંવાદ

દોહરા
શ્રી શંકર સુતને પ્રણમું, બુદ્ધિ તણો દાતાર;
અંગે સિંદુર શોભતું, મોદિક અમૃત અહાર.          ૧

બ્રહ્મસુતા તુજને નમું, માગું એક પસાય;
રસનાવાસ કરો સદા, તો બુદ્ધિ પ્રફુલ્લિત થાય.          ૨

નંદ સુત નરહરિને નમું, મુરલીધર મહારાજ;
ગ્રંથ કરું શુભ શાસ્ત્રનો, રાખો મારી લાજ.          ૩

કરજોડી કવિને કહું, કોઇ માં દેશો ખોડ;
ઉદ્યમ કર્મ વર્ણન કરું, પહોંચે મનનાં કોડ.          ૪

માતા તાત ગુરુ ઇષ્ટને, ચરણે નામું શીશ;
ચંચળ ચિત્ત છે ગ્રંથમાં, કોએ મા કરશો રીશ.          ૫

ઉજ્જેણી નગરી વિષે, ક્ષિપ્રા તટ શુભ સ્થાન;
નીર વહે અતિ નિર્મળું, જાણે અમૃત પાન.          ૬

બેઠો રાય સભા ભરી, ભદ્રસેન ભડ ભૂપ;
ચમર ઢોળે ચોપાસથી, અતુલિ તેજ મહારુપ.          ૧૬

છત્ર ધર્યુ શિર કનકનું, ભૂષણ અંગ અપાર;
સિંહાસન સોહામણું, બેઠા મહા જાુંજાર.          ૧૭
ચાર વજીર અતિ ચતુર છે, તે આગળ સેહે ચાર;
એક સુબુદ્ધિ(બીજો) સુલક્ષણો, ત્રીજો તત્ત્વ વિચાર.          ૧૮

ચોથો ગુણ ભંડાર છે, રાજ્યતણો શિર ભાર;
પંડિત બેઠા પાંચશે, ગુણિજનનો નહિ પાર.          ૧૯

નાટક ચેટક અતિઘણાં, હાસ્યકથા રસ હોય;
નૃત્ય કરે વારાંગના, તે દેખી મન મોહ્ય.          ૨૦

પોપટ બોલે મનુષ્ય સરખાં, મેનાં ને બહુ મોર;
શબ્દ કરે સોહામણા, રસિયાનાં ચિત્ત ચોર.          ૨૧

પ્રશ્ન-પંડિતને કહે પદ્મિનિ, સાંભળ દ્વિજ એક ધર્મ;
પ્રથમે પુછું એટલું, ઉદ્યમ વડું કે કર્મ.          ૮૬

પશ્ન-કામકળા કલ્લોલશું, કહે સુણ બ્રાહ્મણ મર્મ;
વાત કરો વિસ્તારશું, (જે) ઉદ્યમ વડું કે ધર્મ.          ૧૩૮

વચન કહેજો વિચારથી, હું નહીં રાખું લાજ;
રાખું ન શર્મ સભાવિષે, લાજથી વણસે કાજ.          ૧૩૯

ઉત્તર-શિવશર્મા કહે સુંદરી, સાંભળ ચતુર સુજાણ;
વડું કર્મ ઉદ્યમથકી, બોલે વેદ પુરાણ.          ૧૪૦

કર્મતણી ગત અવનવી, નિરધનિયાં ધન હોય;
કર્મકરે જે કામિની, નકરે બીજો કોય.          ૧૪૧

મૂર્ખને કર્મ કવિ કરે, રંક બેસાડે રાજ;
કર્મ કર્મ ને કર્મ એ, ઉદ્યમ તે કુણ કાજ.          ૧૪૨

પ્રશ્ન-કોપ કરી કહે કામિની, ઉદ્યમ મોટો થાય;
વખાણું હૂંતો તેહને, સાંભળો પંડિત રાય.          ૧૪૩

ઉદ્યમ કરતાં નિરખીયાં સૌ કો રંક ને રાય;
કોણ રહ્યાં એવું કહી, (જે) કર્મ કરે તે થાય.          ૧૪૪

જો જાણો તો કહો મુને, ન કરો મનમાં ખેદ;
સભા સહૂકો દેખતાં, ભાંગું તમારો ભેદ.          ૧૪૫

ઉદ્યમ ઉદ્યમ એજ છે, અદકો સૌથી આપ;
કર્મ બિચારું બાપડું, ઉદ્યમ પૂર પ્રતાપ.          ૧૪૬

નિર્ણય
ચોપાઇ.
રાજસભા ત્યાં બોલી જ્યાંય, ઉદ્યમ કર્મનો ન્યાય તોળાય;
સાંભળ એ સતવાદી જન, ઉદ્યમે કર્મ કર્મે ઉદ્યમ બળવંત.          ૪૬૫

એકલું કર્મ તે જીતે કોક, જાૂઓ વાત વિચારી લોક;
કર્મ વિના ઉદ્યમ નવ મળે, ઉદ્યમ કરતાં કર્મ જ ફળે.          ૪૬૬

એમાં ખેદ કરશો મા કોય, સમતુલ બે તે જાુગતે જોય;
ઉદ્યમનું તો કર્મ ન નામ, કર્મનો તે ઉદ્યમ ઠામ.          ૪૬૭

એ બેઉમાં કંઇ અંતર નથી, જો જો વેદ પુરાણે કથી;
જેનું કર્મ લખાણું તેહ, તેવો ઉદ્યમ ઉદય જ એહ.          ૪૬૮

જેને જેવો ઉદ્યમ મર્મ, તેને તેવું વળગ્યું કર્મ;
જેને જેવું કર્મ જ સાર, તેવો ઉદ્યમ કરે વેપાર.          ૪૬૯

જેને જેવું કર્મ જ ગણે, ઉદ્યમે તેવી વિદ્યા ભણે;
જેને જેવું કર્મ જ સૂત્ર, ઉદ્યમે તેવો પ્રગટે પુત્ર;
જેને જેવું કર્મ જ કાજ, ઉદ્યમ તેવી રાખે લાજ.          ૪૭૦

દોહરા.
કર્મ થકી ઉદ્યમ ફળે, ઉદ્યમથી કર્મ હોય;
ઓછું અદકું એહને, કહી ન શકે કોય.          ૪૭૧

ન્યાય ચુકાવ્યો નૃપતિએ, વેદ શાસ્ત્ર મહા મૂલ્ય;
ઉદ્યમ કર્મ એ કલ્પીને, શાસ્ત્ર સદા સમતુલ્ય.          ૪૭૨

ઉદ્યમ વિના ચાલે નહીં, કર્મ વિના કૂટાય;
કર્મને ઉદ્યમ ફળે, પ્રીછ્યો પંડિત રાય.          ૪૭૩

પ્રીત કરીને પંડિતે, જાુગતે જોડાયા હાથ.
ગયો મેલ મનડા થકી, (શિવ) શર્મા શ્યામ સાથ.          ૪૭૪

જાતિ સ્મરણ તેમને થયાં, ઓળખિયા બેઉ આપ;
થયાં કંથ ને કામિની, પૂરણ પ્રીત પ્રતાપ.          ૪૭૫

છોડી નાખ્યાં પૂતળાં, મેલ્યો મન અહંકાર;
રાજરીત સુખ ભોગવી, વરત્યો જયજયકાર.          ૪૭૬

અવસાને ઇંદ્ર લોકે ગયાં; પામી પ્રીત પ્રમાણ;
અનુગ્રહ અવતારનો, શ્યામા વિપ્ર સુજાણ.          ૪૭૭

શ્રીગોડ માળવી વિપ્ર શુભ, કવિ તે સૌનો દાસ;
ભક્ત બ્રાહ્મણ સર્વનો, વારુ લીલા વિલાસ.          ૪૭૮

પાય લાગીને પરણમું, કરગરું બેહુ કરજોડ;
શામળભટ કહે બોલજો, જય જય શ્રી રણછોડ.          ૪૭૯