મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૧
Jump to navigation
Jump to search
પદ ૧૧
ગંગાસતી
જીવને શિવની થઈ ગઈ એકતા ને,
પછી કહેવું રહ્યું નથી કાંઈ ને;
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને,
તે સમાઈ રહ્યો ધુનની માંઈ રે... જીવને. ૧
ભાઈ રે! તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને,
વરતો કાયમ ત્રિગુણથી પાર રે;
રમો સદા એના સંગમાં ને,
સૂરતા લગાડો બાવન બાર રે... જીવને. ૨
ભાઈ રે! મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને;
તૂટી ગઈ સઘળી ભ્રાંત રે;
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને,
જ્યાં વરસે છે સદા સ્વાંત રે... જીવને. ૩
ભાઈ રે! સદા આનંદ હરિના સ્વરૂપમાં ને,
જ્યાં મટી મનની તણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
તમે પદ પામ્યાં નિરવાણ રે... જીવને. ૪