મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૮
Jump to navigation
Jump to search
પદ ૮
ગંગાસતી
ગુપત રસ આ તો જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંચ;
ઓધ રે આનંદના કાયમ રહે ને,
સેજે સેજે સંશય બધા મટી જાય.. . ગુપત. ૧
ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ!
માંયલું મન ફરી ઊભું ન થાય;
કૈવલ ભગતિને તમે એમ પામો પાનબાઈ!
જેથી જનમ મરણ સેજે મટી જાય... ગુપત. ૨
પરપંચના તોડી નાખો પડળ પાનબાઈ!
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ!
ભાવ કુભાવ મનમાં નહિ થાય... ગુપત. ૩
ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ!
ભજન કરો ભરપુર;
ગંગાસતી એમ બોલિયાં રે,
વસાવો નિરમળ નૂર... ગુપત. ૪