મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /છપ્પા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


છપ્પા

છપ્પા

વિષય:
સાચી સમજ
જટા ધરે વટવૃક્ષ, પતંગ નિજ બાળે કાયા;
જળચર જળમાં નાહ્ય, ધ્યાન ધરવા બગ ધાયા:
ગાડર મુંડાવે શીશ, અજા મુખ દાઢું રાખે;
ગર્ધવ લોટે છાર, શુક મુખ રામ જ ભાખે;
વળી મોર તજે છે માનની, શ્વાન સકળનું ખાય છે,
કવિ શામળ ક્હે સાચા વિના કોણ સ્વર્ગમાં જાય છે?          ૧

ઊંચું ભાળે ઊંટ, વાગોળ નીચું ન્યાળે;
તરુવર રહે છે તાપ, પ્હાડ આસન દૃઢ વાળે;
ઘર કરી ન રહે નાગ, ઉંદરો રહે છપીને;
નોળી-કર્મ ગજરાજ, ભક્ષકફ પત્ર કપિને;
ઈશ્વર અનુભવ વિણ નવ મળે, સ્હેજ ભાવના ભંગ છે;
શામળ કહે મનસા સિદ્ધ તેહને, કથરોટમાં ગંગ છે.          ૨

સિુધ્ધે મુંડાવ્યાં શીશ, કરી ઉઘાડી કાયા;
ફરી માગવી ભીખ, ન મેલી કોઈએ માયા;
વરતી ઘણાએ વેશ, લક્ષણો લેશ ન લેતા;
કાયામાયા કાજ, ફરે ધર્મલાભ કહેતા;
વિશ્વંભર તેથી વેગળો, જ્યાં લગી મન ભામની ભજી;
શામળ ક્હે, સાચો સિદ્ધ તે, જેણે મમતા ને માયા તજી.          ૩

નામની કિંમત
ધનજી ઉવાને પાય, ભૂપ ભીખંતો દીઠો;
સૂરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો;
વ્યાજ ભરે રણછોડ, કામ કલ્યાણ જ કરતો;
અવિચળ ચળ્યા અપાર, દીઠો અજરામર મરતો;
હીરો માણેક મોતિયો, રતનિયો કથીર દેખે નહીં;
કવિ શામળ કહે સંસારમાં, કારણ નામ રહ્યું કહીં?          ૪

દીઠા અમર મરંત, નાના કાંઈ કૂતરે દીઠા ઘરડા;
નાગો પ્હેરે વસ્ર, વાઘ સિંહ કૂતરે કરડ્યા;
પર્વત ફરે પરદેશ, દીઠો મંગળને દુખિયો;
સંતોખી અદુકું ખાય, કાસદું કરે છે સુખિયો;
દયાચંદમાં દયા નહીં, ખુશાલ કાંઈ રોતા ફરે;
શામળ કહે, નામ પનોતિયો, કંઈ લાખ કુંવારા મરે.          ૫

કુબેર નામ કહેવાય, ખજાને દીઠા ખાલી;
કરે ધરમો બહુ પાપ, ન્યાલ આવે ઘર ઘાલી;
વ્હાલો રાખે વેર, ઝેર જેવો તે મીઠો;
જોગી કરે વેપાર, ભોગી ભીખંતો દીઠો;
ઘેલો જાયે છેતરી, બાળિયોજી હારી જશે;
રૂડા કંઈ ભૂંડા કહું, શામળ કહે, નામ શું થશે?          ૬

હાથ નામ કહેવાય, બિયે ઉંદરને સાદે;
કપૂર કાળો હોય; શામળો સુદર વાંદે;
રૂપો હોય કરૂપ, ભૂષણમાં દૂષણ ઝાઝાં;
કૃપાલ રાખે કૂડ, ભૂપત વજાડે વાજાં;
આશા ઇચ્છા ઓળગ કરે, કલંક નિર્મળ શિર ચડે;
ફોગટ ફરે કંઈ જોઈતા, શામળ નામને શું અડે?          ૭

પેટ વિશે

પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે;
પેટ ઉપડાવે ભાર, પેટ ગુણ સૌના ગાવે;
પેટ ભમે પરદેશ, પેટથી પાપ કરે છે;
પેટ કરે છે જાર, પેટ તો સત્ય હરે છે;
વળી સંચ પ્રપંચ અધિક કરે, પેટ કાજ નરકે પડે;
શામળ કહે સાચું માનજો, પેટ પાપ નરને નડે.          ૮

વિપ્ર પેટને કાજ, શાસ્ત્ર વાંચે ને શીખે;
વિચરી વળી વિદેશ, ભણેલા થઇને ભીખે;
વણિક પેટને કાજ, ચાહિને વહાણ ચડે છે;
મજાુર ઉપાડે ભાર, ઘણા જન ઘાટ ઘડે છે;
વળી કાસદ કરે છે કાસદું, શિર કપાવી તસ્કર મરે;
કહે શામળ પેટને કારણે, કુલાચાર સૌ કો હણે.          ૯

વિદ્યા વિષે

સદવિદ્યાથી સુવર્ણ, શરણ સદવિદ્યા સત્યે;
સદવિદ્યાથી સ્વર્ગ, વીખ ઉતારણ વિત્તે;
સદવિદ્યાથી સિદ્ધિ, ફળે વચનો વર વાણી;
સદવિદ્યાથી રિદ્ધ, જગતમાં સઘળે જાણી;
સદવિદ્યાને વશ સર્વ છે, સદવિદ્યા ત્યાં શી મણા;
શામળ કહે સદવિદ્યા વિના, ભટકે ગુણહીણા ઘણા.          ૧૦

મોત વિષે
કોઈ આજ કોઈ કાલ, કોઈ દિવસે કોઈ રાતે;
કોઈ જોબન કોઈ વૃદ્ધ, બાળ જન જાુવતી જાતે;
કોઈ તાવે તરફડી, આપઘાતે કોઈ મરતાં;
કોઈ ભોગ કોઈ રોગ, કોઈ તો સર્પ કરડતાં;
કોઈ વાસિ વિકાર કે હડકવા, કોઈ મમતે લડિને મુઓ;
પણ કાળ ન મૂકે કોઈને, શામળ કહે સમજી જાુઓ.          ૧૧

સ્ત્રી વશ સૂર્ય ને ચંદ્ર, ઇંદ્ર તરુણી વશ જ્યારે;
સ્ત્રી વશ દેવ મહાદેવ, મોટિ માયા તે ત્યારે;
સ્ત્રી વશ રુડા ગામ, સ્ત્રી વશ મુનિવર મોટા;
સ્ત્રી વશ સઘળી સૃષ્ટિ, છેક મોટા ને છોટા;
વશ વરતે નર સહુ તે તણે, જાુવાની જ્યારે ઘણી;
કવિ શામળ કહે અજિત એ, તરતિબ ઘણી તરુણી તણી.          ૧૨

ગુણ

રામા રત્નની ખાણ, જાણ એ રંભા રુડી;
ઘરે સોળ શણગાર, હાર કંઠે કર ચૂડી;
શોભે જળહળ ગેહ, દેહ કોમળ શુભ સાજી;
ભડ ભોજ કરણ વિક્રમ અને, હરિશ્ચંદ્રની હારના;
પંડીત ચતુર પુર પાટવી, નૃપતિ નેટ પણ નારના.          ૧૩

નાર વિના નર રંક, સંગ રાખે નહિ કોઈ;
નાર વિના નર ચોર, જોર જર બેસે ખોઇ;
નાર વિના નર નિર્બળ, સબળ રાખે નહિ સંગે;
નાર વિના નર દીન, હીનસુખ એકલ અંગે;
ચતુરા વિણ ચાલે નહીં, જગતમાંહી રહે જ્યાહરે;
શામળ કહે છે શ્યામા કશી, તજે જગત તો ત્યાહરે.          ૧૪

સદ્ગુણ

કામ ક્રોધ ને લોભ, મોહ માયા નવ મંડે;
અહંકાર અભિમાન, છક્ક છળ ભેદજ છંડે;
પરઘન ને પરનાર, તજે પરનિંદા પ્રીતે;
સત્ય સાથ સંબંધ, રજોગુણ રાખે રીતે;
દે દાન માન સન્માન શુભ, પરમારથ પ્રીતે કરે;
જો ગૃહસ્થમાં ગુણ એટલા, તો ઇકોતર ઉદ્ધરે.          ૧૫