મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૪
Jump to navigation
Jump to search
પદ ૪
દેવાનંદ
આવો રૂડો અવસર રે, ઓળખવા એક હરિ;
મોઘોં મનુષ્યતન રે, નાવે તારે ફરી ફરી. આવો... ટેક
ધન જોબન તનરંગ પતંગી, વણસે વારમવાર;
તે સારું તું જતન કરે છે, સ્વપ્નાસમ સમજો આ સંસાર;
મેલી એને મરવું રે, ડરવું દિલ દોષ ધરી. આ...૧
વાસ કરે નિત્ય વૈષ્ણવ જનમાં, મનમાં માને વાત;
દાસપણું દેવતાને દુર્લભ, ભજેથી જન્મ મરણ દુ:ખ જાય;
ભક્તિ કરજો ભાવે રે, ધર્મની ટેક ધરી. આ...૨
સૌમ્ય સ્વભાવ પરમ સુખ સંપત્તિ, એહપામ્યાનો ઉપાય;
પ્રગટ સ્વરૂપને ઓળખજે, એવું દુર્લભ દેવ ગવાય;
એવું તન આવ્યું રે, લેજે ધર્મરાજ વરી. આ...૩
માયાની મોટપ મિથ્યા, નથી ઘડીનો નિરધાર;
દેવાનંદ કહે ભજ દુ:ખભંજન, કરૂણાનીધિ એવા કિરતાર;
કઠણ વેળા માહેરે, લેશે તારા કારજ સરી. આ...૪