મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૧

મનોહર સ્વામી

એક અખંડિત નરહરિરાય, તે જાણ્યાવણ દ્વૈત જણાય;          ટેક.

ચક્ષુ એક રૂપ જોવાને, શ્રવણે શબ્દ શુંણાય.
રસાનાયે સહુકો રસ જાણે ધ્રાણે ગંદ જણાય.          એક. ૧

વાચા એકવડે ચહુબોલે, સ્પર્શ ત્વચાયે થાય;
કરથી કામ કરે સહુ કોઈ, પગથી પંથ પલાય.          એક. ૨

ઉપસ્થથી આનંદ કરાયે, ત્યાગ ગુદે મલ થાય;
મરથી સહુ સંકલ્પ ક રે, બુદ્ધિયે સકળ જણાય.          એક. ૩

જ્ઞાતા જ્ઞાન જ્ઞેય વૃત્તિથી, જ્ઞાન વિષયનું થાય;
કર્ત્તા ક્રિયા કર્મવૃત્તિયે, લૌકિક કાર્ય કરાય.           એક. ૪

જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા, સહુને સમ કહેવાય;
ચૈતન એક સકલ ઘટવ્યાપક, પ્રગટ શ્રુતિ એમ ગાય.          એક. ૫

ચારે આહાર સકળને સરખા, પાંચ કોશ કહેવાય;
અણજાણે પોતામાં જાણી, અહંકારે બંધાય.          એક. ૬
જયમ રવિ એક માત્ર જળનાં બહુ, તેમાં બહુ દેખાય;
જયમ જલ લહેર ચપલતામાંહે, ચંદ્ર ચપલ દરસાય.          એક. ૭

ત્યમ બહુ લિંગભેદમાં પોતે, પણ બહુ રૂપ જણાય;
વ્યાપક રૂપ અંનત અગોચર, કોઈ થકી ન કળાય.          એક. ૮

પુત્ર વિત્ત લોકાદિકકેરી, આશાયે અથડાય;
કર્મ કરે બહુ તે પામ્યા ને, ત્યમ ત્યમ પાપ જમાય.          એક. ૯

ધ્યાતા ધ્યાન ધેયવૃત્તિયે, કોટિ દેવને ધ્યાય;
સાઘે લોક ભ્રાંતિ બહુ વાઘે, ભુવન ભુવન ભટકાય.          એક. ૧૦

તપ તીરથ વ્રત સ્નાન દાન જપ, વિધિવિધ કરે ઉપાય;
હૃદયગ્રંથીનો ભેદ ન જાણે, અવળાં ઓસડ ખાય.          એક. ૧૧

દેહાદિકમાં હું મારાથી, ત્રિઘા ભેદ દ્દઢ થાય;
આપ સજાતિ વિજાતિ સ્વગત, રૂપે બહુ રૂપ જણાય.          એક. ૧૨

કામી ક્રોધી લોભી કોઈ, દાતા દીન જણાય;
કઈ રાગી કઈ ત્યાગી કોઈ, સુખી દુખી દેખાય.          એક. ૧૩

કઈ પંડિત કઈ જાણ્યાજોષી, છળીયા બલીયા થાય;
કઈ ઘરબારી કઈ ભીખારી, કઈ નાચે કઈ ગાય.          એક. ૧૪

કઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;
શિષ્ય તણો સંશય નવ ટાળે, ધૂતીને ધન ખાય.          એક. ૧૫
દેહાકૃતીને બ્રહ્મ ઠરાવે, ચૈતન નવ લહેવાય;
અંધ અંધની પાછળ ચાલે, ઉભય કુવામાં જાય.          એક. ૧૬

દ્દઢ વિશ્વાસ ધરીને જે કોઈ, સદ્ગુરૂ શરણે જાય;
તેનાં સંશય તર્ક વિપર્યય, હૃદયગ્રંથી ભેદાય.          એક. ૧૭

સચ્ચિદ આનંદરૂપ લહીને, નિજપદમાં લય થાય;
મનોહર જન્મમરણભય ભાગે, સંશય દૂર પલાય.          એક. ૧૮