મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧

પ્રેમાનંદ

 રાગ કેદારો
શ્રીગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.          ૧

ઢાળ

મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.          ૨

ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ.          ૩

એક દહેરું દીઠું વન વિષે: અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહાં ઉમંગ.          ૪

અપવાસ સાત મહેતે કર્યા તવ રીઝ્યા શ્રીમહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.         ૫

કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહૂનવી, નીલવટ ચંદ્રપ્રકાશ.          ૬

છે રુંઢમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા શિવબ્રહ્મ.          ૭

તવ નરસૈયો જઈ પાયે લાગ્યો,મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર કૃપા કરું,’ કહે ઉમિયાનાથ.          ૮
મહેતો કહે: ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, પામું વિષ્ણુનું દર્શન.          ૯

‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં હરિ રમે છે રાસ.          ૧૦