મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૦
ઉદયરત્ન
દુહો
પોસે પ્રેમ સવાયો રે, વાયો ઉત્તર વાય;
પુરુષ ન છંડિ પયોધર, નારી ન છંડિ નાહ. ૧
ભોગી ભવન ન છંડિ રે, બિલ ન છંડિ ભુજંગ;
નદીયે નીર ઘટી ગયાં, વાધ્યા હિમાચલ-શૃંગ. ૨
દિવસ થયા અતિ નાના રે, વાધી વેરણ રાત્ય;
નીગમતાં નીઠિ નહી કાલી એ કમજાતિ. ૩
આંખ થઈ રે ઉતાવલી જોવા જાદવ ઈંદ્ર,
પાસાં ઘસતાં પલંગ-સું પલક ન પામું નિંદ્ર. ૪
તન-મન મલિયાં રે દંપતી આણી હરખ અપાર;
સીત-પરાભવ દેખીને બિહું થયાં એકાકાર. ૫
ભૂષણ ન ગમે રે ભામની, સેજડી સૂલી થાય;
કંચૂકની કસ કસતાં રે તાપ ઊડે તન માંહિ. ૬
આંખે કાજલ નવિ ગમિ, હીઈ ન ગમિ હાર;
તંબોલ ફૂલ તલાઈ રે ન ગમિ મુંનિ નિરધાર. ૭
સીતકાલિ જે સુંદરી નાહ વિના નિરધાર;
નાગરવેલિ તણી પરિ અફલ તસુ અવતાર. ૮
વાલમની જોઉં વાટડી ઉંચી ચઢી આકાસ;
હજી સંદેશો ન મોકલ્યો, વહી ગયા દસ માસ. ૯
ફાગ
સહિયરો! નેમને જઈ મનાવો, સ્વામી સમઝાવીને વેગિ લાવો;
જઈ યદુનાથને ઈમ ભાખો, નવ ભવની પ્રીઉ! પ્રીત રાખો. ૧૦