મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૨
ઉદયરત્ન
દુહા
ભોલી રે ટોલી સવિ મિલી ફાગુણ ખેલિ ફાગ;
કુહુકુહુ કહુકિ કોકિલા, બોલિ પંચમ રાગ. ૧
રંગભરી રમણી રાતી રે, રાતો કેસર-ઘોલ;
રાતા સાલુ ઓઢણી, રાતા અધર તંબોલ. ૨
અબીલગુલાલ ઉડિ બહુ, રાતિ થઈ તિણિ વાટ;
કુંકુમજલ ભરી પચરકી છાંટિ રાતી છાંટ. ૩
ફાગુણના દિન ફુટરા, ફૂલી રહ્યો રે વસંત;
સરખાસરખી ટોલી રે હોલી ખેલે ખંત. ૪
વાજાં વાજે વસંતનાં, ડફ, કાંસી ને તાલ;
ઘરિ ઘરિ રંગ - વધામણાં, ઘરિ ઘરિ મંગલ માલ. ૫
આંખડીઉં અણીયાલી રે, કાલી કાજલરેખ;
નેમ વિના ઓપે નહીં, ફાટે ફૂલડાં દેખ. ૬
વાહાલાવિજોગે વિરહણી સુખનાં દેખી સૂલ;
દિન ગમિવાનિ તે વલી દેહલી મેહલિ ફૂલ. ૭
આજુનો દિન રલીયાંમણો, વામ ફરુકે નેણ;
ડાવો સ્તન ફરકે વલી, સહી મલસે મુઝ સેણ. ૮
ગગનમંડલમાં ગાજે રે દુંદુભિનાદ અપાર;
સહસા વનમાં સમોસર્યા સ્વામીશ્રી ગિરનારિ. ૯
રાજુલ નેમને જઈ મિલી ઉલટ આણી અંગ;
ભગવંત માંહે ભલી ગઈ, સમુદ્રિ મલી જિમ ગંગ. ૧૦
વિજોગ તણાં દુ:ખ વિસર્યાં, ભાગ્યો ભવનો ફંદ;
આણંદ - રંગ - વધામણાં, પામી પરમાનંદ. ૧૧
ફાગ
નેમ પહિલી જઈ મુગતિ બેઠી, સાસ્વતા સુખમાં તેહ પેઠી;
ઉદયરતન કહિ ભવ્ય પ્રાણી! જિનગુણ ગાઇ લાભ જાંણી. ૧૨