મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /લીરલબાઈ પદ ૧
ચૂંદડીનું ચટકું દાડા ચાર રે,
એવી ચૂંદડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા! ચૂંદલડી...
રૂ તો મંગાવ્યાં હરજીવનના હાટના રે મન વિચાર કરી લે!
વોર્યા વોર્યા આગું ને આધાર રે રંગાવો રામા! ચૂંદલડી...
ચૂંદલડીના સુતર સુકુળવંતીએ કાંતિયાં રે મન વિચાર કરી લે!
કાંત્યાં કાંત્યાં કાંઈ નવ મહિના નવ ટાંક રે રંગાવો રામા! ચૂંદલડી...
ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રે મન વિચાર કરી લે!
અને તાણ્યો છે કાંઈ હે જી જર્મી ને આસમાન રે... રંગાવો રામા! ચૂંદલડી...
ચોરાસી યોજનામાં આવી ચૂંદલડીનો તાણો તણ્યો રે મન વિચાર કરી લે!
એનો વણનારો છે ચતુર સુજાણ રે રંગાવો રામા! ચૂંદલડી...
ચૂંદલડી ચારે છેડે મોરલા રે, મન વિચાર કરી લે!
અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે... રંગાવો રામા! ચૂંદલડી...
ચૂંદલડીને છેડે જો ને રૂડાં બીબાં પાડિયાં રે મન વિચાર કરી લે!
અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે... રંગાવો રામા! ચૂંદલડી...
ચૂંદલડીને છેડે જો ને રૂડાં બીબાં પાડિયાં રે મન વિચાર કરી લે!
પાડી પાડી ચોખલીયાળી ભાત રે રંગાવો રામા! ચૂંદલડી
ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે મન વિચાર કરી લે!
અને નિરખવા કાંઈ હે જી ધ્રુવ ને પ્રેહલાદ રે... રંગાવો રામા! ચૂંદલડી...
ઉગમશીની ચેલી સતી લીળલબાઈ બોલિયાં રે મન વિચાર કરી લે!
આવી ચૂંદલડિ ઓઢયાની ઘણી મુંને હામ રે... રંગાવો રામા! ચૂંદલડી...