મરણોત્તર/૨૦
સુરેશ જોષી
ક્યાંકથી કોઈ ગાતું હોય એવું સંભળાય છે. પણ એના સૂરમાં ધનુષ્યમાંથી વેગથી છૂટીને હવાને ભેદી જતા બાણની સીટી વાગે છે. કેટલાક સૂરમાં વહેલી સવારે ઝરતાં ઝાકળના જેવી ભંગુર આર્દ્રતા હોય છે. આ ગીતના સૂરમાં તીક્ષ્ણ ભેદકતા છે. એ સૂરને હૃદયમાં પંપાળીને રમાડી શકાતો નથી. કેવળ એના વેગનો લિસોટો મને ઉઝરડી જાય છે. એનો ચમચમાટ જાણે એ સૂરના પડઘા પાડ્યા કરે છે. એ સૂર જાણે એકાકી છે. એ આકાશમાં આકાશ બનીને વિખેરાઈ જતો નથી. જેને એ ભેદે છે તેમાં એ તદાકાર થઈને સમાઈ જતો નથી. એની પૃથક્તાની અણી એમાં ખૂંપી જાય છે અને પછી એ સૂર પેલા બાણની જેમ ધ્રૂજ્યા કરે છે.
જોઉં છું તો આ સૂર સાંભળતાં મરણ ફરીથી દાંત કટકટાવી રહ્યું છે. કદાચ તાલ આપવાની એની એ રીત હશે. એના તાલની કર્કશતા હું સાંભળ્યા કરું છું. પેલો ગીતનો સૂર જાણે હજી કશું લક્ષ્ય ભેદી શક્યો નથી, હજી એ એટલા જ વેગથી કેવળ આગળ વધ્યે જાય છે. એણી પ્રલમ્બ શકાર શ્રુતિ વધુ ને વધુ તીક્ષ્ણ બનતી જાય છે. એ વધુ ને વધુ સૂક્ષ્મ બનતી જાય છે. એની આ સૂક્ષ્મતા મને લોભાવે છે. હું એકાએક ચંચળ બની ઊઠું છું. બે હોઠના ગોળાકારમાંથી, ધનુષાકાર બે હોઠ વચ્ચેથી, છૂટીને ધીમે ધીમે સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર બનીને અદૃશ્ય થઈ જવાની લાલસા જાગે છે. આ વિહ્વળતાથી હું હચમચી ઊઠું છું.
મારી આ સ્થિતિ જોઈને મરણના ઠૂંઠા ખભા ફરી હાલવા લાગે છે. એના દાંતમાંથી સિસોટી વાગવાનો અવાજ સંભળાય છે, હું મારા મનને સમજાવું છું: એ સૂર હવે પાછો વળવાનો નથી. એ સૂર ત્યાં પેલા સમુદ્રના અન્તરમાં જઈને સમાઈ ગયો હશે. એનાં અસંખ્ય તરંગોમાં એનાં તરંગવર્તુળો શમી ગયાં હશે. પણ હૃદય તો આ કશું સ્વીકારતું નથી, મારે કશી લેવાદેવા નથી એમ માનીને હું જડવત્ ઊભો રહું છું.
વળી બધું સ્તબ્ધ થઈ જાય છે. એક અપેક્ષા ધીમે ધીમે આકાર લે છે. એ સૂર પ્રદક્ષિણા કરીને પાછો ફરે તો એને મારા હૃદયમાં આવકારું, પછી ભલે એ ખૂંપી જઈને થરથર ધ્રૂજ્યા કરે. હું એ આન્દોલનોને સાંભળ્યા કરું. કદાચ એ આન્દોલનોમાં જ ફરીથી સાંભળું એ નામ: મૃણાલ.