મરણોત્તર/૩૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૯

સુરેશ જોષી

હું મરણને લલચાવું છું: ચાલ, આપણે વધસ્તમ્ભ પર ચઢી જઈએ. મારી સાથે તું પણ પૂજનીય બની જઈશ. ચાલ, આપણે અગ્નિશય્યા પર પોઢી જઈએ, મારી સાથે તુંય તારી નિષ્પલક પાંપણોને બંધ કરી શકીશ. ચાલ, આપણે પુરાણ કાળના કોઈ વિસ્મૃત મહાલયની જેમ દટાઈ જઈએ. મારી જેમ તુંય અદૃશ્ય બની જઈ શકીશ. ચાલ, આપણે પતંગિયાં બનીને પવનમાં લુપ્ત થઈ જઈએ, મારી જેમ તુંય અશરીરી બની જઈશ, પણ આ સાંભળીને ખંધું મરણ હસ્યા કરે છે. એના હસવાના કર્કશ અવાજથી રખેને નમિતા ચોંકી ઊઠે એ ભયથી હું એ અવાજને મારામાં સંગોપી દેવા ઇચ્છું છું, પણ આંધળાં ચામાચીડિયાંની જેમ એ મારી અંદર ગોળાકારે ફર્યા જ કરે છે. મરણને મારામાં ઉછેરવાનો આ પરિશ્રમ અસહ્ય થઈ ઊઠે છે. પણ એ ભારને ઓગાળે એવો કોઈનો સાચો ક્રોધ પણ હું પામ્યો નથી. નકલી નાણાંના કાટ ખાઈ ગયેલા સિક્કા જેવા ઉછીના લીધેલા પ્રેમના બે શબ્દો હજી પૂરતા ઝેરી નથી બની શક્યા. કોઈ વાસનાએ પણ વિકરાળ પશુના જેવી ઉગ્ર હિંસકતા કેળવી નથી. આથી દાંત અને નહોર વગરના આંધળા રાક્ષસ જેવો હું મારા વંધ્ય રોષથી મરણને પંપાળી રહ્યો છું. ઉગ્ર શાપ વહોરી લેવા જેવું કોઈ પાપ પણ હુ ઉછેરી શક્યો નથી. મારી સામાન્યતાને ખોળે આ સામાન્ય મરણ ઊછરી રહ્યું છે. એના ઠૂંઠા હાથના પર આંગળીઓના ટશિયા ફૂટવાનો અણસાર વરતાય છે. એની નિષ્પલક આંખોમાંની રતાશનો ભડકો હવે વધતો લાગે છે. એનો ફુત્કાર હવે મારી લાગણીનાં વનોને કરમાવતો જાય છે. પ્રાચીન ખણ્ડેરમાં ઉંદર અને ઘુવડની જેમ અમે એકબીજાથી લપાઈને રહેવા મથી રહ્યાં છીએ. પણ હમણાં જ સળગી ઊઠશે કે શું એવા લાગતા ફોસ્ફરસ જેવી એની આંખોએ મને શોધી કાઢ્યો છે તે હું જાણું છું. માટે હું એને લલચાવું છું, ફોસલાવું છું. પણ –