મર્મર/હૈયાનું વાસણ
હૈયાનું વાસણ
હૈયાનું વાસણ કાણું, મારા સંતો હૈયાનું વાસણ કાણું.
ભાવે છલોછલ હું તો ભરીને તરસ્યાના હોઠ કને આણું,
પ્હોંચ્યા પહેલાં તો ગયું ધારે ઝરી ને,
ધરતીની ભીતરે સમાણું.—સંતો૦
અંતરનું અમરત રેડે આ હૈયે પ્રેમનો કોઈ પરમાણું,
કાણું વાસણ કેમ ધારે? નસીબ મારે,
કોરા રણની જ લૂનું લ્હાણું.—સંતો૦
આવે અતિથિ કોઈ સદ્ગુરુ આંગણે આતમના મા’તમનો જાણું,
સાંધીને એને કીમિયે બતાવે માંહ્ય
આખા બ્રહ્માંડને ભરાણું.—સંતો૦