માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧
ભારતને પશ્ચિમ સમુદ્રકિનારે ત્યારે સુવર્ણની ભરતી ચડી હતી. કૃષ્ણના પ્રતાપ અને યાદવોના પરાક્રમને લીધે લક્ષ્મીની છોળો ઊછળતી હતી. યાદવ નાયકો પોતાના પિતરાઈના મહેલો કરતાં સવાયા મહેલો ચણાવવામાં પડ્યા હતા. મહેલોનાં શિખરો, ગવાક્ષો, સુવર્ણકળશો, પતાકાઓની હરીફાઈ ચાલી હતી. પણ એક યાદવ-અગ્રણી આ તમામ દોડધામથી નોખો પડી ગયો હતો. તે દ્વારિકાથી થોડે દૂર એક ખેતરને લીલુંછમ કરવામાં પડ્યો હતો. રેશમી અને જરિયાની વસ્ત્રોમાં યાદવો ગુમાનથી ફરતા ત્યારે તે ખેડુનાં કપડાંમાં ફરતો, અને શરમાતો નહીં. યાદવો નવાં ને વધુ નિકંદન કાઢનારાં શસ્ત્રો લઈ રણક્ષેત્રમાં ઘૂમતા ત્યારે તે ખેતરમાં વધુ ઊંડે દટાઈ જવા મથતો. સેનાપતિઓ તેને મશ્કરીમાં હલાયુધ કહેતા. ખભે હળનું આયુધ લઈ એ જતો હોય એવી ઠઠ્ઠા કરતા. પણ તેની હાજરીમાં હરફ કાઢવાની કોઈની હિંમત ન ચાલતી. એટલું જ નહીં પણ તેની સામે આંખ ઊંચી કરવાનીયે કોઈની છાતી નહોતી. એક અણઘડ ખેડૂત જેવો દેખાતો આ આદમી અતુલ પરાક્રમી હતો. તેનો મિજાજ ગયો તો મરો બેસી જતો. યાદવો આ જાણતા ને તેનાથી જાળવીને ચાલતા, પણ યાદવોની કોમ જ આખાબોલી ને મશ્કરીખોર હતી. ધનુષ પર ચડાવેલું તીર તે ભાથામાં પાછું મૂકી શકે પણ મોંમાં આવેલી મશ્કરીને પાછી વાળી ન શકે. વસુદેવની પાસે બેઠેલા એક વૃદ્ધ આગેવાન એક વાર મોટેથી બોલી ઊઠ્યા હતા : “દેવ, કહે છે કે આ તમારો મોટો તો ધરતી સાથે બહુ ધિંગાણાં કરે છે!” પછી નજીક આવેલા બળરામ ભણી જોઈ બોખલે મોઢે હસી પડતાં કહ્યું : “પણ તેમાં એનું વળે છે શું? જીતનો ભારે ડંકો વાગતો હશે, કાં?” વસુદેવ કંઈ જવાબ આપે તે પહેલાં બળરામે ઊભા રહી કહ્યું : “કાંઈ બહુ તો નથી વળતું, દાદા! પણ તમારા શતધન્વાના કરતાં જુદો જ ડંકો વાગે છે. આ ધિંગાણામાં લોહીની નીક નથી વહેતી, દૂધની શેડ ફૂટે છે.” શતધન્વા જેવા કેટલાયે જુવાનો અશ્વો ખેલવતા, રથો દોડાવતા, શસ્ત્રાસ્ત્રોની અજમાયશમાં વહેલી સવારથી માંડી સાંજ પાડી દેતા. બળરામ તેમને વેદનાભરી નજરે નિહાળી રહેતા. કોઈ વાર કહેતા : “આવો, દાસ્તો, આવો, તમને મારું હથિયાર વાપરતાં શીખવું. તમારાં પરિઘ, પટ્ટિશ, સાંગ, તોમરનું નામનિશાન નહીં રહ્યું હોય ત્યારે આ મારું હથિયાર ચાલતું હશે. અને ખરું યુદ્ધ તમારે મોરચે નહીં પણ મારે મોરચે જિતાશે ત્યારે જ સાચો દિગ્વિજય થશે.” પણ હલધરની વાતને કોઈ કાન ન આપતું. કૃષ્ણની નારાયણી સેનામાં ભરતી થવા માટે પડાપડી થતી. બળરામના હળ પાછળ ચાલવાનું કોઈને મન ન થતું. કોઈ વાર કૃષ્ણને બળરામ કહેતા : “તારા સૈનિકો તો વધતા જ જાય છે, નાનકા, લાગે છે કે તેનાં છોકરાંને માટે ધાન પકાવનાર પણ કોઈ પાછળ નહીં રહે.” કૃષ્ણ હસી પડતા, કહેતા : “મોટા, પાછું તો આવવું પડશે. તમારે પગલે અમારે બધાએ આવવું જ પડશે, પણ પહેલાં આ ઊભા મોલ ઉપર તીડનાં ટોળાં ઊમટી પડ્યાં છે, તેને ખતમ કરવાં પડશે. આટલું કામ પતી જાય પછી તમારી ટોળીમાં પહેલો હું દાખલ થઈશ.” બળરામનો ખેતીનો શોખ આજકાલનો નહોતો. પિતા નંદને ત્યાં હતા ત્યારથી જ તેમના અંતરમાં આ બીજ રોપાયાં હતાં. કૃષ્ણની સાથે ગોપજીવનનો તેમને પૂરો અનુભવ થયો હતો, પણ કૃષ્ણની જેમ તેમને ગાયોનું ખાસ આકર્ષણ નહોતું. ગોપમિત્રો સાથે તે ગાયો ચરાવતા, ગાયોની ચાકરી કરતા, રમતો રમતા, પણ બળરામનું મનભાવતું કામ તો ભાંડીર વડની છાયામાં બેસી વિચારમાં ગરકાવ થઈ જવાનું હતું. કૃષ્ણને પ્રિય જેમ કદંબવૃક્ષ તેમ બળરામને ભાંડીર વડ હતો. કૃષ્ણની બંસીના તાનમાં અને નાચગાનમાં તે ખેંચાઈ જતા, પણ વળી પાછી ભાંડીરની ઘેઘૂર છાયા તેમના પર ફરી વળતી. નંદબાબાને ત્યાં અનાજની કોઠીઓ ખાલી થઈ જતી, ઢોરનાં નીરણ માટે કપાસિયા ને ખોળનો ભંડાર ખૂટી જતો અને નંદબાબાને મથુરાના વેપારીઓ પાસે જવું પડતું. મોંમાગ્યાં દામ આપવા છતાં વેપારીઓ માલ ન આપતા. કોઈ વાર પાઘડી ઉતારી વિનવણી કરવી પડતી, અને ત્યારે બળરામનો પિત્તો જતો. બળરામે એક વાર કહેલું : “બાબા, ચાલોને આપણે જ અનાજ ઉગાડીએ.” “આપણાથી એ ન થાય,” જવાબ મળતો.. ઘણી બાબતોમાં ‘આપણાથી ન થાય’ એવી બાધા નંદ, ઉપનંદ અને બીજા વડીલો તરફથી ઊભી કરવામાં આવતી. ત્યારે ‘ન શા માટે થાય?’ એવો સવાલ બળરામને પીંખી નાખતો. કૃષ્ણને તો બંસી, નાચગાન, માખણચોરી, ગૌસેવા, ધીંગામસ્તી ઘણુંબધું હતું. બળરામને માટે દરેક વાતે મનમાંથી ઊઠતો પ્રશ્ન હતો અને આ પ્રશ્ન કરતાં વેંત વધે એટલો કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો. પ્રશ્નોનો જવાબ ન મળતો એટલે તે પ્રેમના માર્યા કૃષ્ણની પાછળ પાછળ ફર્યા કરતા. પછી તો કૃષ્ણ જ તેમનો સૌથી મોટો પ્રશ્ન બની જતો. બળરામ કૃષ્ણને કહેતા : “નાનકા, હું બળિયો છું, પણ મારી સૌથી નબળી કડી હોય તો એક તું છો.” કૃષ્ણ આ બરાબર સમજતા. કૃષ્ણ વાતવાતમાં હસી પડે, ત્યારે બળરામ વાતવાતમાં લડી પડે એવી એક છાપ પડી ગઈ હતી. પણ કૃષ્ણ ઉપર તેમણે કોઈ દિવસ હાથ ઉપાડ્યો હોય એવું બન્યું નહોતું. જેની પહેલવાન જેવી કાયા ને તેજ મિજાજથી ગોવાળિયા ડરતા તેની પાસે કૃષ્ણ તદ્દન નિર્ભય. એક વાર બળરામે, વનમાં તે ખેલવા જતા ત્યાં થોડી ખુલ્લી જમીનમાં ગોધૂમ-ઘઉં વાવ્યા હતા. પોતાના હાથે તેની આસપાસ વાડ કરી હતી. થોડા દિવસો થયા ને લીલાછમ જવારા પવનમાં ઝૂલવા લાગ્યા. બળરામનું મન પણ આનંદથી ઝૂલી ઊઠ્યું, ત્યાં એક દિવસ જુએ છે તો કૃષ્ણની માનીતી વાછડીએ વાડ ભાંડી નાખી હતી, અંદર પુચ્છ ઉછાળીને તે કૂદતી હતી અને જવારા ચરતી હતી. બળરામે આ જોયું. તેમની આંખો લાલ લાલ થઈ ગઈ. ત્યાં બળરામની નજર કૃષ્ણ તરફ ગઈ. વાછડીના કૂદકા સાથે તાલ મિલાવતો તે બંસી વગાડતો હતો ને નાચતો હતો. બળરામને જોઈ તે બોલી ઊઠ્યો : “જુઓ, જુઓ, મોટા, ગોધૂમી કેવી નાચે છે!” પછી અમાપ આશ્ચર્ય ને આનંદથી બોલી ઊઠ્યો, “અહા! મને તેનું નામ જડી ગયું. ગોધૂમી! ગોધૂમી!” કૃષ્ણને એટલો તો આનંદ થતો હતો કે બળરામ તેના આનંદમાં પોતાનો ગુસ્સો ભૂલી ગયા. પછી બળરામને ગળે હાથ વીંટાળી કૃષ્ણે લાડથી કહ્યું : “તમે એને માટે જ તો આ ગોધૂમ વાવેલા, નહીં મોટા! નહીં તો એનું નામ ગોધૂમી કેવી રીતે પડત! એ પદ્મગંધા જેવી જ થશે, જોજો ને!” કૃષ્ણની એક અત્યંત પ્રિય ગાય હતી પદ્મગંધા. તેના દૂધમાંથી પદ્મની મૃદુ સુગંધ આવતી. કૃષ્ણ તેને વન-તલાવડીમાંથી ચૂંટી ચૂંટીને પદ્મનો ચારો નાખતા. અને બળરામે તેને કેટલી વાર મદદ કરી હતી? ઊંડા પાણીમાંથી કૃષ્ણને મનગમતાં પદ્મો લાવી આપ્યાં હતાં! કૃષ્ણ રાજી થાય તો પદ્મ શું, આ જવારા શું, અરે, પોતાની જાત પણ શું હિસાબમાં? મોટી ઉંમરે બળરામ આ પ્રસંગને ઘણી વાર યાદ કરતા ને કહેતા : “નાનકા, મારું બધું તું આમ જ ખેદાનમેદાન કરી મૂકીશ. અને છતાંય હું તારા પર ગુસ્સે નહીં થઈ શકું. ઊલટાનો તારી ખુશીમાં ખુશ થઈ ઊઠીશ. મારું ભાગ્ય.” આટલું કહી બળરામ જાણે આંખોથી પીતા હોય એમ કૃષ્ણ સામે જોઈ રહેતા, અને કૃષ્ણ નાના બાળકની જેમ મોટા ભાઈને વળગી પડતો. ગોકુળના નિવાસમાં અને વૃન્દાવનના વિહારમાં કૃષ્ણની જેમ બળરામને પણ ધરતીનું વલોણા-ઉતાર નવનીત ચાખવા મળ્યું હતું. પણ કૃષ્ણ તો હવાના હિલોળા જેવો. જે દિશા પકડે તેને પોતાની કરી લે. બળરામનું મન આવું લચીલું નહોતું. તેમનું હાડ તો હતું પેલા ભાંડીર વડ જેવું. એ એક જગ્યાએ ખોડાઈ જઈને દિશાઓને ભરી દેવા માગે. પોતાની સો સો વડવાઈથી ધરતીને ઊંડેથી સ્પર્શે ત્યારે જ તેને ધરવ થાય. કંસવધનો પ્રસંગ આવી પડ્યો ને કૃષ્ણ-બળરામ ખુલ્લાં, ઘાસથી હિલોળા લેતાં બીડ, પહોળી વહેતી નદીઓ અને સુગંધભીનાં વનક્ષેત્રોમાંથી આરસમઢ્યાં ચોગાનોમાં આવી ચડ્યા. ભોળા ને ઉદાર આહીર સમુદાય વચ્ચેથી કુટિલ ને કરડા યાદવોના નાતીલા તેમને બનવું પડ્યું. કૃષ્ણ તો અહીં પણ ખીલી ઊઠ્યો. બળરામને બહુ વસમું લાગ્યું. પણ બન્ને ભાઈઓને સાંદીપનિ પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે બળરામને જાણે પોતાની ભૂમિ મળી ગઈ. ઋષિના આશ્રમમાં ક્ષિતિજને લીલપથી ભરી દેતાં ખેતરો હતાં. આ ખેતરોમાં વિદ્યાર્થીઓ કામ કરતા. બળરામે માટીનાં ઢેફાંને પોતાની મુઠ્ઠીમાં લઈ મસળી જોયાં, તેની કુમાશને પોતાની કાયામાં ઊતરતી અનુભવી, તેના કૌવતને રગરગમાં દોડતું અનુભવ્યું અને માટીથી ડહોળાયેલા ધોરિયામાં પગ ઝબોળ્યા ત્યારે તેને થયું કે પોતાના અંગમાં ક્યાંક કૂંપળો ફૂટી રહી છે. સાંદીપનિએ તેને લીલા છોડની જેમ પારખ્યો, પોતાના હાથમાં લઈ લીધો, અને તેનું મૂળ ક્ષેત્ર જાણી ત્યાં ચોંપી દીધો. ગુરુના આશ્રમમાં ધર્મશાસ્ત્ર અને ધનુર્વેદ, રાજનીતિ અને લલિતકળાઓનું વિવિધ જ્ઞાન આપવામાં આવતું. બળરામે આ સર્વનું અધ્યયન કર્યું. પણ એ અધ્યયનમાંથી બહાર આવતો ત્યારે ધરતી તેને કાંઈ ને કાંઈ શીખવવા માંડતી. અહીં દેવકી નહોતી, રોહિણી નહોતી, યશોદા નહોતી પણ બળરામને થતું કે કોઈ તેને પોતાના ગર્ભાશયમાં પાછું ખેંચી રહ્યું છે. કોઈ તેને પોતાના ઉદરમાં સમાવીને નવો જન્મ આપવા માગે છે. ધરતીના ઉદરમાં આમ ખેંચાઈ જતા બળરામને જોઈ સાંદીપનિએ કહ્યું હતું : “બેટા સંકર્ષણ, કોઈ આકાશને આંબવા દોડતો નહીં. ધરતીના ઉદરમાં પૂરેપૂરો સમાઈ જા! પછી તું ઊગીશ ત્યાં આકાશ ભર્યાં ભર્યાં વાદળથી ઊતરી આવશે અને તું તારાં બીજ વેરીશ ત્યાં કલ્પવૃક્ષ ઊગી નીકળશે.”