માડી મને સાંભરે રે/એ....મા ! અવલ મા !!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩.
એ....મા ! અવલ મા ! !

શિવાભાઈ ના. પરમાર

માના વ્હાલપની વાત અને હવે ઉદ્‌ભવતા મારા ઓરતા પેલી અનંતની ખીણમાં ઓગળાયેલા જોતાં, માની યાદે કાળજું કંપે છે ! અને એ વખતની મારી કંઈક નિષ્ઠુરતા, કામધંધાની આળસ અને બેપરવાહી આજે કઠે છે. માના અંતરના ઊંડાણમાં રહેલી અમારા પ્રત્યેની વાત્સલ્યતા યાદ આવે છે. કંઈક હવે સૂઝ આવે તે પહેલાં તો મા અનંતના માર્ગે ચાલી ગઈ ! હવે હાયવળુંપો ! કશું ખપ આવે ? મારા કાકા (ઘરમાં પિતાના મોટા ભાઈ હોય એટલે પિતાને કાકા કહેવાતા) ભરયુવાન વયે અવસાન પામેલા. માના વસ્તારમાં મોટી મૂળીબેન નવ વર્ષની, મોટા પૂંજાભાઈ સાત વર્ષના, બેન માણક ચાર વર્ષની અને હું કમભાગી કે પિતાનું મોં ના જોઈ શકનાર ફક્ત ત્રણ માસનો. અકાળે અવસાનથી મારા પિતાનો શોક અને કુટુંબના પોષણની જવાબદારી મારી એકલી મા ઉપર આવી ! મા તો યુવાન વયની, સુકલકડું ગોરું વાન પણ દુઃખના તાપે તપીને શ્યામ થતું ગયું ! ખેતરમાં ખુલ્લા તડકાની મજૂરી–દાતરડું અને દોરડું હાથવગે રાખી કામ શરૂ કર્યું. કદીક ખેતરમાં કામ ખૂટે તો હરચંદ કુંભારના ઈંટવાડે દહાડીએ જાય, પક્ષી જેમ પાંખમાં લઈ બચ્ચાંને જતન કરે તેમ અમને મોટાં કરવા લાગી. મારા મામા અમારી ખબર લે પણ બાપના મોટા ભાઈ કાયમ સંતાપે. મા રોજ મળસ્કે મારા કાકાને યાદ કરી છેડો વાળે ! અમે નાનાં આગળપાછળ બેસી મૂગું મૂગું રડીએ ! ! કોઈ છેડો છોડાવવા ન આવે ! ! ખૂબ ધરાય મારી મા રડીને ! એટલે કામની ચિંતામાં ઊભી થઈ જાય. મા દિવસે તો કાળી મજૂરી કરે પણ સાંજે ઘેર આવે ત્યારથી હાયવળુંપા કરે ! બાજરી વાઢવાના કે બાજરી લણવાની મજૂરીના સકસણા પૂળા જે ખેડૂતે મજૂરીમાં આપ્યા હોય તે રાતે કૂટે, છડે. બીજી બાજુ રાતના વાળુના રોટલા કે ઘેંશ તૈયાર કરે. ખેતરમાંથી લાવેલી પેલા દેશી ગુવારની કૂણી શીંગોનું કદાચિત શાક બનાવે, કોક દિ’ જો કાલીગડાં મળ્યાં હોય તો ભેગા તુવરના લીલવા કે વાલના લીલવાનું પણ શાક બનાવે. બજારમાંથી બીજું લીલવણ લાવવાની ત્રેવડ નહીં. કોક દિ’ દહાડે કઢી કે દાળ હોય ! છાશ તો એ વખતમાં ખૂબ મળે ! ખાસ્સી ડુવા જેવી ! ખેડૂત–પાટીદાર–ઝાઝું પાણી ન રેડે ! ત્યારે તો આજની જેમ નળ નહીં, કૂવાનાં પાણી ! ઘરનાં કામ, ઢોરના ચારપૂળા, છોકરાં સાચવવાનાં એટલે દૂરથી પાણી લાવવાની ઉપાધિ કોણ કરે ? છાશ તો મફત જેવી. ગોળીનાં બે ગયણાં (એ વખતે ગયણાંની કિંમત ત્રણ પૈસા) વર્ષમાં આપવાનાં. આખું વર્ષ છાશ મફતમાં મળે ! વળી વર્ષોવર્ષ હળોતરાની કોકડી (સૂતર) પટેલ ગ્રાહકને આપવાનું, બદલામાં તાજો–ઊનો–કંસાર–તાંસણું કે તપેલી ભરેલો મળે ! ! ઘી પણ ખૂબ મબલખ ! વળી બાજરી છડીને મગની દાળ નાખેલી ખીચડી પણ મળે ! આવાં અમારે ત્રણેક ગ્રાહક હતાં. ત્રણ ચાર દિ’ ઘરમાં કંસાર જ કંસાર ! (હવે સર્વત્ર ચોખા વપરાય છે પણ અગાઉ ચોખા ન મળે ! હા, માંગલિક કે અન્ય પ્રસંગે અપવાદે જ ચોખા વપરાતા.) મોટી મૂળીબેન તથા મોટા પૂંજાભાઈ હવે સૂતર વણાટનું કામ કરે એવાં થયાં કે માએ ઘરમાં શાળ નાખી ! મા તો એમાં મુખ્ય. બન્ને જણ તો શીખે–તૈયાર થાય એટલું જ ! મારી માની ઇચ્છા હવે ભાઈબહેનોના લગ્નની હતી. બન્ને બેનોને એક માંડવે એક તિથિએ લગન કર્યાં; કાકાના મોટા ભાઈએ આ ટાણે મારી માને ખૂબ સંતાપેલી. વચ્ચે મહોલ્લાના માણસોએ ઠપકો આપી કામ પાર પડાવેલું, ત્યારે બીજી બાજુ મોટા ભાઈના લગ્નની મારી મા વાત કરે ત્યાં ક્યાં છે રૂપિયા ? કહી સંતાપે. મા, તો કહેતી કે ભા ! રૂપિયા તો મળશે જ. આ કાયા ઘસીને જેના લાવીશ તેના આપીશ; માની પાસે પૈસા હતા, છતાં માને સંતાપવામાં બાકી ન રાખ્યું !! હવે ? માને માથે જો હવે દુઃખનું ઝાડ ઊગ્યું હોત તો દુનિયા ભાળત ! પણ એટલું જ બાકી રહ્યું ! કાદવ ચૂંથીને જ્યાં પાણીની આશા મોટા ભાઈ તરફથી રાખેલી તે ધૂળમાં મળી ગઈ ! મોટાભાઈ તો મહોલ્લાના એક અઠંગ દારૂડિયાની સંગતે ચઢ્યા ! માનું હૃદય હવે ઝાલ્યું રહેતું નથી ! રડતી જાય, ભાઈને વિનવતી જાય, આ દૃશ્ય મેં ૧૪–૧૫ વર્ષની ઉંમરે જોયેલું ! આજે એ ચિત્ર આંખ આગળ આવે છે ! અને તમ્મર આવે છે ! ! માની કાકલૂદી નિષ્ફળ જતી અને ભાઈ તો એ જ રંગમાં રહેવા લાગ્યા. આ અણધાર્યા દૈવીપ્રકોપથી મા ધ્રુજી ગઈ. અમે નાનાં પણ ભાંગી પડ્યાં. આ સમયમાં મેં ગુજરાતી છ ચોપડી પાસ કરેલી. ગામના નૈરોબી (આફ્રિકા) રહેતા એક ભાવસાર સદ્‌ગૃહસ્થ સાથે મારે પિછાન થઈ. મેં મારા ઘરના દુઃખની તથા કંઈક નોકરી કરવાની વાત કરી – તેઓ રાજી થયા, કહ્યું, તું જા, ઘેર. તારી બાની સંમતી લાવ. તો તને શિક્ષક તરીકે નૈરોબીમાં ગુજરાતી કુટુંબોની મોટી વસતી હતી, અહીં શિક્ષકની જરૂર હતી. હું તરત જ હર્ષભેર આવ્યો ! માને વાત કરી, મને તો એમ કે મા હરખાશે. પણ એ તો મારું માથું પકડી એના માથા સાથે લગાવીને છુટ્ટા દોરે રોવા લાગી ! કહેતી જાય, ના, ભઈ ! ના મારા વહાલસોયાને–આટલાં દુઃખ વેઠ્યા પછી પણ આંખેથી અળગો કરી પરદેશ મોકલું ? મેં આ રંડાપો શું એ માટે વેઠ્યો ? ના, ના કોણ મળ્યો છે તને ? નથી જવું, ભઈ તો કાલ સુધરશે. અહીં ફાડ રોટલો મારી આંખ આગળ જ કમા ને ! તારે ક્યાંય જવું નથી. હું મૂંઝાયો–આફ્રિકા જવાનું માંડી વાળવું પડ્યું ! ! મને હવે વણાટમાં રોકવા માએ પ્રયાસ કર્યા ! એ વેળા હાથશાળ–હાથેથી નળો (કાંઠલો) ફેંકવાનો. આ નળો જમણા હાથે ફેંકતાં ફાવે પણ ડાબા હાથનો નળો (કાંઠલો) વારંવાર ડાબા પગની નળીએ વાગે. બન્ને પગ શાળાના ખાડામાં ! ! નળાનો આગલો અણીદાર ભાગ (કાંબ) લોખંડની પગની નળીની આજુબાજુના ભાગે કાણાં પાડે ! લોહી વહે ! પણ પગ તો ખાડામાં. કોઈને શું દેખાય ? એક દિ’ માએ મને શાળમાંથી ખાવા માટે ઉઠાડ્યો. માએ મારાર પગની નળીની આજુબાજુએ લોહી જોયું ! ઘણાંક કણાંમાંથી લોહી આવતું હતું, બીજાં થીજી ગયેલા ! માએ આ જોયું. એ તો જેમ વજ્ર પડ્યું હોય તેમ કંપી ગઈ ! ભઈ આ શું? શું તને આવું રોજ વાગે છે ? માનો ચહેરો જાણે કયા વિચારે દિંગમૂઢ શો બન્યો હશે ? એ મોકળા મને રોતી નહોતી, પણ હું શું જોઉ ? એ મારી માના નરવશ ચહેરા ઉપર – આંખના બન્ને ખૂણાઓમાંથી અનર્ગળ વણથંભ્યાં અશ્રુઓનાં પાણીનો જાણે ધોધ છૂટ્યો હોય એવી દયાર્દ્ર દશા મેં જોઈ ! ઘડીકમાં મારું દુઃખ ભુલાયું. માએ નરવશ ચહેરા ઉપર–ના–આ દૃશ્યે મેં પણ ઠૂઠવો મૂક્યો. પછી તો મારી મા ખૂબ રડી; કેમ રડી તે સમજ્યો. મારા જ દુઃખે ! મોટા ભાઈની દારૂની લત હજુ ખૂબ જોર પકડતી ચાલુ જ હતી. મા....ઓચિંતામાં ખાટલો ઢાળ્યો. માંદગીમાં સપડાઈ. દવાદારૂ તો ઠીક પણ માની ખબર પણ ન કાઢે ? બે બેનો અને હું મા પાસે બેસી રહીએ. અમે કોઈ હડપ બોલતાં નથી. કારણ કે માએ ભાઈના દુઃખે બોલવાનું બંધ કરેલું. અમે નાનાં શું બોલીએ ? જીવનો ઝંઝાવાત–અને વાત્સલ્યતાના જોરે શું બોલવું ? એની ખબર નહોતી ! એક દિ’મોટાભાઈ કમને ઊભા ઊભા માને મળ્યા. માએ જીભ ખોલી. બોલી "ભાઈ ! શુ મારા મરણ પાછળ સૂતક પણ નહીં કાઢો ? મેં આજીવન આ રંડાપો શું તમારા આ દુઃખો જોવા કાઢ્યો ?" આમ કહી, આંખો ઢાળી દીધી. મોટાભાઈએ સાંભળ્યું ન સાંભળ્યું કરી બહાર ચાલ્યા ગયા ! માના એ શબ્દો હજુ પણ પેલા પડઘાની જ્યમ મારે કાને વાગે છે ! ! અમારા સમાજમાં હજુ પણ બારમાં અને મરણ પાછળનાં કારજ કરવાની પ્રથા છે. મા ગઈ. ભાઈએ માના બોલ ન પાળ્યા. નાનો હોઈ મારું તો શું ચાલે ? બારમું ન થઈ શક્યું ! ! પાછળ થોડા સમય પછી નાતનાં દર્શન કર્યાં. માની ભાવના પૂરી કર્યાનો સંતોષ અનુભવ્યો. મારી માએ મારી તો ખૂબ ચીવટ રાખેલી. મને પરણાવીને ગઈ ! પણ મારી પત્નીનું આણું વાળીને ઘેર આવે તે પહેલાં મારી મા ગઈ ! માના મૃત્યુના દિવસે તો મારું આખું શરીર, મન અને ચેતન જાણે નષ્ટ થયાં. હું રડ્યો, ખૂબ રડ્યો. પણ પછી તો આંખમાંથી અશ્રુઓ પણ ખૂટ્યાં. મને થયું કે હું શું વજ્ર શો બન્યો છું ? અશ્રુ કેમ નથી ? સાચે જ અશ્રુનો જથ્થો પણ તે દિવસે ખલાસ થયેલ જેનું સ્મરણ હજુ પણ ભૂલ્યો નથી ! ! આજે જૈફ ઉંમરે (૬૭) પહોંચ્યો છું. થોડીક આધ્યાત્મિક દૃષ્ટિ પણ છે. પણ જ્યારે મને શારીરિક કષ્ટ પડે છે તે વખતે ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું સૌકોઈ કહે છે પણ હાલ પણ એવા કષ્ટ સમયે ફક્ત મા ! ઓ મા ! એટલું જ મારાથી બોલાય છે. કોણ જાણે એ મા અંતરિક્ષમાંથી આવી મારા દુઃખને ઓછું તો નહીં કરતી હોય એવું મને લાગે છે. આજે મારી અવલ મા નથી. મારા મોટાભાઈ નથી અને મોટીબેન પણ નથી. એ બધાં તો યાદ આવે જ પણ માએ કદીક વારતહેવારે અને સગાંસંબંધીમાં માંગલિક પ્રસંગમાં જતાં પહેરેલી પેલા સા’વ સોનાના તારના છેડાથી વણેલી–મુંબઈ પ્રિન્ટની મલમલ ઉપર છપાયેલી ઝેમી, બન્ને કાને સોનાના ઓગનિયા, (કાને પહેરવાનું ઘરેણું) ડોકમાં ત્રાંબાના ગાભામાં ખાસ્સા દોઢ તોલાની સોને મઢેલી હાંસડી અને સાવ હિરાગળ કાપડની રંગબેરંગી કાંચળીથી વર્તાતી વાત્સલ્યતાનું રેખાચત્રિ મારા સંકલ્પબળે જ્યારે આંખ આગળ ખડું કરું છું ત્યારે જાણે હું "ગંગામૈયા"ના અગાધ જળમાં ડૂબકી મારી જાતને ધન્ય થવો થનગની રહ્યો હોઉં એવું લાગે છે ! ! એ જમાનામાં છબી પાડવાનો મહિમા નહીં. મારી માની છબી ન થઈ, પણ મને માની છબી તો હરઘડીએ આંખ આગળ આવે છે.