zoom in zoom out toggle zoom 

< મારી લોકયાત્રા

મારી લોકયાત્રા/૨૦. હોળી, ગોર, ગવરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૦.

હોળી, ગોર, ગવરી

આરંભમાં શ્રેયસ ફાઉન્ડેશનના ‘ભારત લોકનૃત્ય મહોત્સવ’ માટે જોટાસણ ગામમાં ભીલોના વેશો (વેહો) જોયા હતા. આ આયોજિત વેશો જોયા પછી ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વના મૂળ વાતાવરણમાં ભજવાતા વેશો જોવાની અભિલાષા જાગેલી અને ગણેર, ઝાંઝવા-પણઈ, માલવાસ, રાણપુર, માછલા (રાજસ્થાન) વગેરે ગામોની યાત્રા કરેલી. આ યાત્રા પ્રસંગે-પ્રસંગે ૧૮૮૩ થી આરંભેલી અને ૧૯૯૯માં રાજસ્થાનના માછલા ગામના માણેલા ગવરીના લોકોત્સવ સુધી ચાલેલી.

હોળીના દિવસો હતા. વન કેસૂડાંથી પ્રજળી ઊઠ્યાં હતાં. ખેડબ્રહ્માથી ૩૦ કિલોમીટર દૂર લાંબડિયા ગામ પાસે આવેલા દેમતી આશ્રમમાં સાંજે વાળુ કરીને રાતના આઠ વાગે અમે ઈશાન કોણ ત૨ફ આવેલા ગણેર ગામમાં હોળીના વેશ જોવા અધીરા બન્યા. પગદંડીએ કાંટાળાં ઝાંખરાં વકર્યાં હતાં. ખાદરાં-વહેળાં અને ટેકરીઓ ચડી-ઊતરી લોહી-લુહાણ થયેલા અમે નવ વાગે ગણેર ગામની હોળીના સ્થળે પહોંચ્યા. ટેકરીઓની તળેટીમાં આશરે એક હજાર આબાલ-વૃદ્ધ સ્ત્રી-પુરુષો ગોઠવાઈને બેસી ગયાં હતાં. ખ્યાત હોવાથી પડખેના ગામના લોકો પણ વેશ જોવા આવ્યા હતા. આશરે સાઈઠ ઢોલ ઢબૂકતા હતા અને બસો જેટલાં સ્ત્રી-પુરુષ-બાળકો ઢોલના તાલે નાચતાં હતાં. ઢોલના તાલ બદલાતાં જ નૃત્યના પ્રકાર બદલાઈ જતા હતા. મારી સાથે ચિત્રકાર- ફોટોગ્રાફર રોહિત મિસ્ત્રી અને દેમતી આશ્રમના એક શિક્ષક (ચહેરા સિવાય નામ સ્મૃતિમાં આવતું નથી) હતા. આ ઉપરાંત ‘વીરડો’ના તંત્રી હરેન્દ્ર ભટ્ટ અને ખ્યાત નાટ્યવિદ્ ગોવર્ધન પંચાલ હતા. એક શિલા ૫૨ આસન લીધાં.

આજુબાજુ દર્શકો અને વચ્ચે રંગમંચ – મને પુસ્તકમાં વાંચેલા ગ્રીક થિયેટરની યાદ આવી ગઈ. વિચારવા લાગ્યો, આપણી સાત પેઢીમાં ક્યારેય કોઈએ જોયું નથી એવા ગ્રીક થિયેટર વિશે લખીએ છીએ પણ આપણા આંગણે અનેક લોક-પરંપરાઓને ગોપવીને બેઠેલાં, અનેક વર્ષોથી ભજવાતાં આવતાં નાટકો-વેશો અને રંગમંચ વિશે આપણે સાવ અજાણ છીએ.

આગુ(આગેવાન-મુખી)ના ઇશારે ઢોલ ઢબૂકતા બંધ થઈ ગયા. નાચતાં સ્ત્રી-પુરુષોએ દર્શકોમાં સ્થાન લીધું. રંગમંચની મધ્યમાં પથ્થ૨ મૂકીને મુખીએ શ્રીફળ વધેર્યું. આ સાથે જ સામેની ટેકરી પર ભડકા થવા લાગ્યા. એક કાળી બિહામણી સ્ત્રી અને બે લંગોટીધારી પુરુષો ટેકરી ઊતરી રહ્યાં હતાં. સ્ત્રીના બંને હાથમાં સળગતા કાકડા હતા. મકાઈના ડોકામાંથી બનાવેલા દાંત બહાર ફૂટી આવ્યા હતા. ફાટેલા-તૂટેલા ચણિયા ઉપર કાબર-ચીતરી કાંચળી પહેરી હતી. કમરમાં બાંધેલી રાશના બે છેડા એક એક પુરુષે મજબૂત પકડ્યા હતા. ઢોલ ૫૨ જોરથી ગેડીઓ પડવા લાગી. આરતિયા ઢોલનો સ્વર ભય પેદા કરવા લાગ્યો. લોકમેદની બૂમો પાડવા લાગી, “ડાકેંણ આવી! ડાકેંણ આવી !”

મધ્ય મેદાનમાં આવ્યા પછી બંને પુરુષોએ એક હાથમાં રાખેલા બાટલામાંથી કેરોસીન મુખમાં ભરી ડાકણના બંને હાથમાં રહેલા કાકડા પર છાંટ્યું. આગના ભડકા થયા. પ્રકાશમાં ડાકણનું રૂપ વધુ બિહામણું બની ગયું. જ્વાળાઓ સમેત ડાકણે બંને કાકડા હથેળીઓમાં દબાવ્યા. આંગળાં વચ્ચેથી જ્વાળાઓ બહાર પ્રસરી. ડાકણ દેવી-દેવતા અને લોકસમુદાયને વંદન કરી, ચારે દિશાએ વર્તુળાકારે પ્રદક્ષિણા કરી, રંગમંચ ૫૨ આગ ના લાવવાના ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો નિયમ તોડી, સળગતા કાકડા સમેત તાંડવ-નૃત્ય કરવા લાગી. કાગળની લાલ જીભ લબકાવતી અને કિકિયારીઓ પાડતી દર્શકો ૫૨ તૂટવા લાગી. બાળકો ચીસો પાડવા લાગ્યાં અને સ્ત્રીઓ ડાકણ વળગવાના ભયના લીધે સાડલાના પાલવમાં મુખ સંતાડી મેદાનથી દૂર ખસવા લાગી. પ્રેક્ષકો ૫૨ તૂટતી ડાકણને બંને પુરુષો રાશ ખેંચીને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

ભયનું વાતાવ૨ણ સર્જી ડાકણનો વેશ જોતજોતામાં ટેકરીઓ પાછળ અલોપ થઈ ગયો અને ઘોડા પર બિરાજેલા ઠાકોર દેવે પ્રવેશ કર્યો. વાંસની ચીપો ગૂંથીને બનાવેલા પિંજ૨ ૫૨ લાલ કાપડ ઢાંકીને પાંચ ઘોડાની રચના કરી હતી. પીઠના પોલા ભાગમાં પ્રવેશી પાંચ પુરુષોએ ઘોડા પર સવારી કરી હોય એમ કમરે બાંધ્યા હતા. એક હાથે લગામ ખેંચતા અને બીજા હાથે ખુલ્લી તલવાર ખેલાવતા ઠાકોરના પાંચ ભોપા મેદાનમાં ફરવા લાગ્યા. સાથે પ્રવેશેલા લોકસમુદાયે હોંકારા-પડકારા શરૂ કર્યા. ભોપાના માથે ઠાકોરદેવ ઊતર્યા. પાંચ ભોપા કિકિયારીઓ પાડીને ધૂણવા લાગ્યા અને ડાકણથી ભય પામેલા લોકોને આશીર્વાદ આપવા લાગ્યા. લોકો તેમના ચરણોમાં શ્રીફળ વધેરવા લાગ્યા અને આવતું વર્ષ ખેતી માટે સારું આવશે એવી આગમવાણી બોલવા લાગ્યા. એક વિશેષ ધાર્મિક વાતાવરણ સર્જી ઠાકોરના ઘોડા મેદાન છોડી ગયા.

ખાલી પડેલા મેદાનમાં સ્ત્રીઓએ નૃત્યના થેકા સાથે હોળીનાં ગીતો ઉપાડ્યાં.

ઓળી માતા મગરાહાં ઊતરો રે... (૨)

માથે મેલો ઝાલરિયો ટોપ (મુગટ) ...રે.

વરલે વાહેલી ઓળી પરુમણી (મહેમાન)...

ઓળી માતા મગરાહાં ઊતરો રે.... (૨)

ફાગણ સુદ બારસની ચાંદની વરસી રહી હતી. રાતે વીજળી વિના પણ દૃશ્યો સ્પષ્ટ દેખાતાં હતાં. મહુડો (દારૂ) પીને પ્રમત્ત બનેલા કંઠમાંથી ગીતોનું મધ ઝરતું હતું. દારૂ પીધેલા માદક વાતાવરણ વચ્ચે સીસમની પૂતળીઓ જેવી ભીલ યુવતીઓના નૃત્યના થેકા બળવાન બનવા લાગ્યા. ૨૦ મિનિટ સુધી સ્ત્રીઓના હોઠ કૂજતા રહ્યા; ચરણ થિરકતા રહ્યા.

એટલામાં તો એક ઊંચા વાંસ પર પાઘડી બાંધેલો શ્વેત વસ્ત્રધારી રખી પ્રાકૃતિક રંગમંચ પર પ્રવેશી રહ્યો હતો. રખીની રચના એક ઊભા અને એક આડા વાંસ પર સફેદ કપડાં પહેરાવીને કરી હતી. રખી-ધારક વ્યક્તિએ પણ સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં. આથી ૧૫ ફૂટ ઊંચા ૨ખીની ઊંચાઈ વધીને ૨૦ ફૂટ જેટલી લાગતી હતી. રખી એટલે ઋષિ. એનો બીજો અર્થ રક્ષક. ખેતર અને ખળામાં અનાજનું રક્ષણ કરનાર રક્ષકઃ કોપે તો ખળામાંથી અનાજ ઉઠાવી જાય! પ્રસન્ન થાય તો અનાજની કોઠીઓ છલકાવી દે! લોકો ‘રખી બાવસી’ના ચરણોમાં શ્રીફળ વધેરી આરાધવા લાગ્યા, “અનાજની કોઠીઓ પૂરેપૂરી ભરી દેજે, મારા ૨ખી બાવસી!”

આ પછી કૃષિજીવન અને પશુપાલન સાથે સંબંધ ધરાવતા ખેડૂત, ભરવાડ-બકરાં જેવા વેશો અને જંગલજીવન સાથે સંબંધ ધરાવતા તથા વન્ય પ્રકૃતિ સાથે માનવની અભિન્નતા દર્શાવતા હાથી, વાઘ, મગર વગેરે વેશ કાઢવામાં આવ્યા.

ધીમે-ધીમે ધાર્મિક વેશોની અદબ અને ગંભીરતા પૂરી થઈ અને સામાજિક વેશોનો આરંભ થયો.

આરંભમાં એમનું આર્થિક અને શારીરિક શોષણ કરતા ‘વહોરા અને ઝરખું’નો વેશ આવ્યો. ફાટેલા-તૂટેલા ગાભા પહેરેલી અને આર્થિક રીતે બેહાલ બનેલી ઝરખુંને, વનના એકાંતનો લાભ લઈ કામુક ઇશારા કરી સમાગમ માટે આમંત્રણ આપતા બે વહોરા પ્રવેશ્યા. બોર વીંણવા આવેલી ઝરખુંએ લંપટ વહોરાને સૂંડલે-સૂંડલે ધોયા. તેણીએ મારીને બહાદુરીથી ભગાડ્યા, અને પ્રેક્ષકોમાં હાસ્યની છોળો ઊછળી,

ઝરખુંનો વેશ પૂરો થતાંની સાથે ૫૦ જેટલા અનાવૃત પુરુષો ખભે સાંબેલું કે લાકડી મૂકી “અમાં કાથોરી હૈય! કાથોરી હૈય!” બોલતા મધ્ય મેદાનમાં ઊતરી આવ્યા. એમણે કાથોડી આદિવાસીઓ(કાથો પાડનાર આદિવાસીઓ)નો વેશ લીધો હતો. શરીર પર ‘સમ’ ખાવા એક પણ વસ્ર નહોતું. તેઓ કામુક ચેષ્ટા કરતા વિશિષ્ટ પ્રકારનું નૃત્ય કરી રહ્યા હતા. એકે શિશ્નને દોરી બાંધી હતી અને બીજો એને દોરી રહ્યો હતો. તો કેટલાકે સુકાયેલી દૂધીનાં મોટાં શિશ્ન બનાવ્યાં હતાં. અમને પૂર્વકાલીન પ્રાગૈતિહાસિકયુગમાં પુનઃ પ્રવેશ્યા હોઈએ એવી લાગણી થઈ આવી. પણ અહીં તો લોકસમુદાય હાસ્યની છોળો વચ્ચે નિર્ભેળ આનંદ લૂંટતો હતો. કેટલાક દર્શકો પણ એમાં સહભાગી થયા હતા અને નટ-દર્શક-શ્રોતાનો ભેદ લુપ્ત થઈ ગયો હતો. ધાર્મિક વેશ સમયની અદબ નરદમ ઉન્મુક્તતામાં ફેરવાઈ ગઈ હતી. વેશ ભજવવાવાળાનાં માતા પિતા, ભાઈ-બહેન, દીકરા-દીકરી - પૂરો પરિવાર હાજર હતો અને કોઈ પણ પ્રકારના સામાજિક દંભ કે છોછ વિના દુન્યવી સંબંધોથી પર થઈ નિર્ભેળ આનંદ લૂંટતો હતો. સંબંધોના સીમાડા ભૂંસાઈ ગયા હતા અને ‘લોક’નું સામૂહિક ચિત્ત આનંદલોકમાં પ્રવેશ્યું હતું.

૨૦ મિનિટમાં કાથોડીનો વેશ કામુક કળા બતાવી ટેકરીઓમાં ખોવાઈ ગયો અને ‘વર-વહુ'નો વેશ મેદાનમાં પ્રવેશ્યો. તેઓ લોકસમુદાય વચ્ચે-પોતાનાં કુટુંબીજનોની વચ્ચે મુક્ત મને મધુરજની માણવા લાગ્યાં. એમની મદીલ ચેષ્ટાઓને પૂરો લોકસમૂહ પ્રકૃતિના સાંનિધ્યમાં સહજ ભાવે આનંદ લૂંટવા લાગ્યો. અભિજાત માનવીની જેમ દંભનું નામનિશાન નહોતું. પતિ-પત્ની એમનું સ્વાભાવિક ‘કામસૂત્ર’નું જેટલું જ્ઞાન હતું એ વાચિક અને કાયિક અભિનય દ્વારા ખર્ચતાં હતાં. પ્રેક્ષક બનેલાં યુવાનયુવતીઓ, આબાલ-વૃદ્ધ બધાં જ જાણે કે આનંદમાં રસલીન બન્યાં હતાં. કહેવાતા સભ્ય માણસને જે અશ્લીલ લાગે એ અહીં સહજ બનીને આવતું હતું. કશી જ કુંઠા વિનાની નિર્ભેળ આનંદની ક્ષણો વહે જતી હતી.

૧૫ મિનિટમાં વર-વહુના વેશે રંગમંચ ખાલી કર્યો અને જાનવિયા ઢોલ- નૃત્યો આરંભાયાં. પૂરું ગામ ઢોલે નાચવા લાગ્યું. ઢોલનો તાલ બદલાવાની સાથે નૃત્યનો પ્રકાર બદલાય અને લોકસમુદાય નૃત્યમાં લીન બને. ઢોલ વ્યક્તિગત માલિકીનો હોય પણ હોળીમાં આવ્યા પછી સૌનો ગણાય. ઉત્સવ-સમયે ઢોલ ૫૨ સૌનો અધિકાર. વગાડવાની અભિલાષા જાગતાં કોઈ પણ દર્શક રમતા કોઈ પણ વ્યક્તિના ખભેથી ઢોલ લઈ સમૂહમાં રમવા જોડાય. માલિક ઢોલ ના આપે તો ભારે ઝઘડો થાય. કેટલાક પ્રસંગોમાં ઢોલ માટે પ્રાણ પણ હોમાય.

અહીં એવી જ ઘટના ઘટી. ઢોલનૃત્ય પરાકાષ્ઠાએ પહોંચ્યાં હતાં. લોકસમુદાય આનંદલોકની ભાવસમાધિમાં તદ્રૂપ હતો. પ્રદર્શક અને દર્શક સૌ આનંદમાં રસલીન હતાં. રમવા માટે આતુર એક યુવાન ખભેથી ઢોલ લેવા જતાં ઢોલીએ ના પાડી. યુવાન છંછેડાયો, “ઓળી (હોળી) હઉની હેં તો ઢોલ પૉણ હઉના ગણાય ! ઢોલ થારા (તારા) બાનો (બાપનો) નેં (ના) ગણાય ! નેં આલવો એં (હોય) તો થાર (તારા) કેંર (ર) લેઈન ઝા નં ઓથો (ત્યાં) વગાર નં એખલો (એકલો) રમ. ઓળીમા લેઈન આવો એતણ થારો ઢોલ હઉનો થઈ ગો!”

ઉગ્ર બોલાચાલી થતાં જ ઢોલ વાગતા બંધ થઈ ગયા. મહુડો(દારૂ) તો મોટા ભાગે બધાંએ પીધો હતો. ગોત્ર-ગોત્રનાં અલગ જૂથ પડી ગયાં પથ્થરિયાળો પ્રદેશ હતો. પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો. પથ્થરો વાગવાથી શરીર પર કેસૂડાં પ્રગટવા લાગ્યાં. લોહી દડદડવા લાગ્યું. હોળીનાં ગીતો ધ્વનિમુદ્રિત કરવા અને વેશોના ફોટા પાડવા આવેલા અમે, સમય પારખી ટેપરેકર્ડર અને કૅમેરા સંભાળવા લાગ્યા. અમારી સાથે આવેલા શિક્ષકે કહ્યું “અવણ (હવે) વત્તુ (વધુ) રોકાવામા ઝોખો (જોખમ) હેં. ઝૂનું વેર ઝાગહેં તો એકાદ મૉનવી વતેરાહેં (વધેરાશે)! ઓળીના પરબમાં મારેલું મૉનવી, બેકણું (બેગણું) વેંર લીત્તું ગણાય. નં પુન (પુણ્ય) થઉં ગણાય !”

અમારે ચાર કિલોમીટર ચાલી સૂવા માટે દેમતી આશ્રમમાં પહોંચવાનું હતું. ચાલતી પકડી.

અહીં જોયેલા વેશો અને આ પછી આવતી ગોરના ધાર્મિક પર્વ સમયે ભજવવામાં આવતા વેશો સરખા જ હતા. આ બાબતનું અનુમોદન અમારી સાથે આવેલા દેમતી આશ્રમના શિક્ષકે પણ આપ્યું. રસ્તામાં ચાલતાં-ચાલતાં એમણે બીજી માહિતી આપી કે અંબાજી પાસે આવેલા સોખલા ગરાસિયાના ગામ રાણપુરમાં હોળી પ્રગટાવ્યા પછી પડતા ધખતા અંગારા પર લોકો લાલ ફૂલો પાથરેલી જાજમ પર ચાલતા હોય એમ ચાલે છે. એમણે આપેલી માહિતીથી અમે આતુર બનેલા અને રાણપુરની હોળીનાં દર્શન ક૨વાની મહેચ્છા જાગેલી. પણ આ મહેચ્છા છેક ૧૯૯૮માં પૂરી થયેલી. અમારે આ પ્રસંગની ફોટોગ્રાફી અને વીડિઓગ્રાફી કરવી હતી. પણ ગરાસિયા આદિવાસીઓ ધાર્મિક મહોત્સવની વીડિઓગ્રાફી કરવા દેવા તૈયાર નહોતા. તેઓની માન્યતા હતી કે વીડિઓગ્રાફી કરવાથી હોળીનું ‘સત’ ચાલ્યું જશે. લાંબા સમયના અંતરાલ પછી ‘લોક’નો વિશ્વાસ સંપાદિત કરી શક્યા હતા, અને તેમણે અમારા કાર્ય માટે અનુમતિ આપી હતી.

હોળી પ્રગટાવવાના દિવસે સાંજના સમયે સર્વોદય આશ્રમ, સણાલીના આચાર્ય વીરચંદ પંચાલ અને તેમના સહકાર્યકરો સાથે અમે દાંતા તાલુકાના આદિવાસી ગામ રાણપુરમાં હોળીનાં દર્શને ગયા હતા. સાથે ફોટોગ્રાફર રોહિત મિસ્ત્રી, વીડિઓગ્રાફર કાન્તિ પ્રજાપતિ અને નવજી ડાભી હતા. ચોતરફ અરવલ્લી પહાડનાં ઊંચાં શિખરોની વચ્ચે વિકેન્દ્રિત રીતે રાણપુર ગામ વસેલું છે. એક ઊંચું શિખર ઊતરીને અમે રાતે નવ વાગે ગામમાં પહોંચ્યા. સુકાયેલાં ઊંચા વૃક્ષોથી ગોઠવવામાં આવેલી હોળી નરદમ વરસી રહેલી ચાંદનીમાં અરવલ્લીના નાના શિખર જેવી ભાસતી હતી. નિયત સમયે ગામેતી (મુખી) દ્વારા હોળી પ્રગટાવવામાં આવી. ગીતો અને ઢોલ-જવારા-નૃત્યોની ૨મઝટ સાથે આબાલ- વૃદ્ધ, સ્ત્રી-પુરુષો હોળીની પ્રદક્ષિણા કરવા લાગ્યાં. થોડેક દૂર ખડકોની આડશે બાળકો, જુવાનો અને પ્રૌઢ પુરુષો સાધુ(બાવા)નો વેશ સજતા હતા. જ્વાળાની સમાપ્તિ પછી પડતા ધખતા અંગારા પર તેઓ ચાલવાના હતા. આ વિધિને તેઓ ‘હોળી અડોળવી' (હોળી ઓળંગવી) કહે છે. આ પ્રસંગે દારૂના નશામાં ચકચૂર એક યુવાન હોળી ઓળંગવા જતાં બીજા જ ડગલે આગથી દાઝી ગયો. પગે ફોલ્લા ઊઠ્યા હતા અને અસહ્ય વેદનાથી કણસતો હતો. આની બેહાલી જોઈને દુ:ખી થયેલા અમે સાધુના વેશમાં સજ્જ અને હોળીમાં ચાલવા તત્પર બનેલા આદિવાસીઓ પાસે દોડી ગયા અને હોળીમાં દાઝી ગયેલા યુવકના સમાચાર આપ્યા. અમારો સંદેશો સાંભળીને એક પ્રૌઢ હોળીની જ્વાળા બની ગયો અને તાડૂક્યો, “એંણો તો સોદો દારૂરિયો હેં એતણ એંણાન (એટલે એને) તો આગ ખાય! પૉણ અમે તો હારો દન (પૂરો દિવસ) પૂખા (ભૂખ્યા) રહીને પેળાસ (પ્રહૂલાદ) ઝેવી સ પક્તિ (ભક્તિ)કરી હેં. હોળીમા બેઠેલા પેળાસને આગ નેં ખાઈ ગેઈન અમાંન કિમ ખાહેં? અમાં (અમે) આગમા સાલીએ એ થું ઝો (તું જો)!”

અમારી આંખોમાં આશ્ચર્ય સમાતું નહોતું. ૧૨ વર્ષનાં બાળકોથી માંડીને ૫૦ વર્ષના પ્રૌઢો પ્રહૂલાદની યાદમાં રામનું નામ રટતા મખમલની લાલ રેશમી જાજમ પર ચાલતા હોય એમ ચાલવા લાગ્યા. શાંત ચિત્તે ૧૫ ડગલાં પસાર કરીને હોળી નાચવાના સ્થળે પહોંચ્યા. તેમના પગ તપાસવા ગયા ત્યારે એક યુવાન બોલ્યો, “થમારા (તમારા) ડોળા મથીન (મસળીને) પેસ (પછી) ઝોઓ, અમાં તો હારો દન પેળાસ ઓઝ (જેમ) પગવૉનની પક્તિ (ભક્તિ) કરી હેં પેસ હેંણાહા (શાથી) બળીએ? તા૨ણવાળો તો રૉમ હેં, રૉમ સ હાસો હેં!?”(6)

[(6). આ સમયે મારી સ્મૃતિમાં મારા દ્વારા ‘ભીલોનાં હોળીગીતો’માં સંપાદિત ‘અરણાકસની વારતા’ જાગી; “અરણાકસ વાત કરે. હૉપળે દીકરા વાત... થા૨ ઘટમા રૉમ વસેલો એં (હોય) તો ઑંણા લાલ સોળ થાંપાન બાથ કાલ ! કેવોક તને તારેં?! ઝોઇયે તો ખરાં! તેહીવેળ પેળાસ ઊપો-ઊપો રૉમનું નૉમ લેય... રૉમ સતની એંતોરિયો (લાલ કીડીઓ) પેંદા કરેં. પાતાળમાહી લીલી માટી લેઈન આવેં. તપાવેલે થાંપે હૉમા તૉમી કેવી ફિરે ! પેળાસઝી વિસાર મૉડેં, એંતોરિયો તો નહીં બળતી ! પેસ ઉં કેમ બળો !? પેળાસ તૉમી ઝાઈન થાંપે બાથ કાલેં. થાંપામા ગંગામાઝી ખળૂકે ! નગરીનાં લોકોન નવાઈ લાગી !]

હોળી ઓળંગવાની વિધિ પૂરી થતાં જ મુખીએ અમને આદેશ આપ્યો કે હવે સાધન-સામગ્રી આટોપો અને અહીંથી ચાલતી પકડો. ધૂળેટી બેસી રહી છે અને લોકો દારૂ પીને ફૂટી જશે. હોળીની ગોઠના નામે તમારાં ગજવાં ખંખેરી લેશે. પૈસા ના આપો તો ઝઘડા કરશે. મુખીના હાથમાં હોળીના ગોઠના બસો રૂપિયા મૂકી, મોડી રાતે સાધન-સામગ્રી સાથે અમે સર્વોદય આશ્રમ, સણાલી તરફ પ્રયાણ આદર્યું.

૧૯૯૯ના ભાદરવા માસમાં અમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માછલા ગામમાં ‘ગવરી'નાં દર્શન કરવા અને વિડિઓગ્રાફી કરવા ગયા હતા. અમારી સાથે વી૨ચંદ પંચાલ, નવજી ડાભી, કાન્તિ પ્રજાપતિ, રોહિત મિસ્ત્રી (આર.ચિતાર) અને હરિઓમ મિસ્ત્રી હતા. પહાડી પ્રદેશની પ્રકૃતિ અને વર્ષાની આછી ‘ફૂહાર’થી ચિત્ત આનંદથી ભર્યું-ભર્યું હતું. માછલા ગામે પહોંચ્યા ત્યારે ચામુંડામાતાના ખુલ્લા સ્થાનક વચ્ચે ગવરી(ગૌરી)નું ત્રિશૂળ રોપેલું હતું અને ચારેબાજુ મેદાન છોડી દર્શકો ગોઠવાઈ ગયા હતા.

ભેરવ હાથમાં ગુરુજ (ગદા જેવું લોહનું કાંટાળું આયુધ) લઈને નવ લાખ દેવીઓના પ્રતીક રૂપ ચામુંડા, અંબાવ, કાળકી, હીરું, રાંપું, ટુટી, ટાવળી જેવી મુખ્ય દેવીઓનું આહ્વાન કરી રહ્યા હતા. દેવીઓનો વેશ પુરુષોએ લીધો હતો અને ઊંચી ટેકરી ઊતરીને ત્રિશૂળ સ્થાપેલા મેદાનમાં પ્રવેશી રહી હતી. પ્રવેશતાં જ દેહમાં જે-તે દેવીઓનો ભાવ પ્રગટ્યો અને આશીર્વચનો બોલતી ધૂણવા લાગી. આ સાથે જ મોટા ભાગનાં સ્ત્રી-પુરુષદર્શકોના માથે દેવીઓનો ભાવ ઊતર્યો અને ધૂણતાં-ધૂણતાં દેવીઓના ચરણોમાં પડી આશીર્વાદ લેવા લાગ્યાં. વિશાળ મેદાન દેવીદેવતામય બની ગયું. થોડાક સમય પછી ભેરવ “મુંજ” નામના જંગલી ઘાસમાંથી બનાવેલો ચાબૂક ફટકારી દેવીઓનો ભાવ પાછો વાળી દર્શકોને મૂળ સ્થાને બેસાડવા લાગ્યા.

નવલાખ દેવીઓના વેશ પછી નૃત્ય કરતા કાળાગોરા ભેરવે દેવીઓના રથ બનાવનાર વાલમા લુહાર અને એની પત્નીનું આહ્વાન કર્યું. સમાગમ માટે ઝઘડતાં પતિ-પત્નીએ પ્રવેશ કર્યો. મદીલ મુદ્રાઓથી દર્શકોમાં હાસ્યની છોળો ઊડવા લાગી અને નવલાખ દેવીઓનું ગંભીર ધાર્મિક વાતાવરણ આનંદમાં બદલાઈ ગયું.

પ્રાતઃકાળે આરંભાયેલાં નવલાખ દેવીઓ, શિવ-પાર્વતી, ભે૨વ, ધપસા, હાથી જેવાં ધાર્મિક નાટ્યો અને વાલમો લુહાર, દિય૨-ભાભી, કાન-ગુજરી, કાલબેલિયા, મીણા, ખેતુરી, ઝરખું જેવાં સામાજિક લોકનાટ્યો સંધ્યા સુધી ચાલતાં રહ્યાં અને અમે ઑડિઓ-વીડિઓગ્રાફી અને ફોટોગ્રાફી કરતા રહ્યા. મોરિયા (મુગટ) ઉતાર્યા પછી દેહમાંથી દેવ-દેવીઓના ભાવ ઓસરી ગયા અને પ્રદર્શકો સામાન્ય માનવી બની ગયા.

‘ગવરી’ ભાદરવા સુદ એકમથી આસો સુદ અગિયારસના સૂર્યોદય-પૂરા ૪૧ દિવસ ચાલતો, અનેક ગામોમાં ચાલતો, અનેક લોકનાટ્યો સંલગ્ન અને ૬૦ થી ૧૦૦ જેટલા નટથી પ્રદર્શિત થતો ભારતદેશનો અદ્વિતીય લોકોત્સવ છે. ભારત સિવાય વિશ્વમાં કોઈ પણ સ્થાને કોઈ પણ કાળે આવું નાટ્યરૂપ - જોવા-સાંભળવા મળ્યું નથી જે આટલી લાંબી અવિધ સુધી, આટલા બધા પ્રદર્શક સમુદાય દ્વારા અનેક ગામોમાં સંખ્યાતીત દર્શકો સન્મુખ, આટલી બધી સુવ્યવસ્થા સાથે, પૂરો દિવસ – અનેક દિવસો સુધી ધાર્મિક-સામાજિક અદબ સાથે પ્રદર્શિત કરવામાં આવતું હોય. આનંદ-આશ્ચર્યની વાત તો એ છે કે આ સમયે અરવલ્લી પહાડી પ્રદેશનું પૂરું લોકજીવન પૂરાં ગામ-બધું જ કામ છોડીને ગવરીનાં દર્શન કરે છે. દેવી-દેવતા પર પરમ આસ્થા સાથે તન્મય બનીને ગીત-નૃત્ય-સંગીત-કથા સંલગ્ન નાટ્યો નિહાળે છે અને ગવરીનાં ચરિત્રો સાથે તદ્રુપ બની પૂરો સવા માસ ગવરીમય બની જાય છે.

નાટક કે વેશો ભજવવામાં કોઈ બાંધેલા રંગમંચની આવશ્યકતા હોતી નથી. ખેતર-ખળું, પહાડની તળેટી, જળાશયની સમથળ ભૂમિ કે કોઈ દૈવી- દેવતાનું ખુલ્લું સ્થાનક રંગમંચ બની જાય. ચારે બાજુ પથરાયેલી પ્રાકૃતિક શિલાઓ કે વૃક્ષની ડાળીઓ દર્શકોની બેઠકો.

વેશ ધારણ કરવા માટે મોટી શિલાની આડશ એમનો ઓરડો. પ્રદર્શકો-(નટ)ની સાજ-સજ્જા અને આભૂષણો પ્રકૃતિમાંથી સહજ પ્રાપ્ત થતી અને ઘરની તૂટેલી-ફૂટેલી વસ્તુઓ. કોઈ માઇક કે વીજળીની જરૂર નહીં. વરસતી ચાંદની વીજળી અને બુલંદ ગળું માઇક. સ્ત્રી-ચરિત્રો પુરુષો ભજવે. પાઠ પણ પરંપરાથી મૌખિકરૂપે ચિત્તમાં તૈયાર. પ્રદર્શકો નાટકો કે વેશો પૂરો દિવસ કે રાત ભજવે પણ ક્યારેય આર્થિક ઉપાર્જનની આકાંક્ષા નહીં. ‘ગોર’માં પંદર દિવસ અને ગવરી’ના પર્વમાં પૂરો સવા માસ માંસ-મદિરાનો ત્યાગ અને બ્રહ્મચર્યનું કડક પાલન. ધાર્મિક નાટકોમાં પ્રદર્શકો એટલા બધા તદાકાર બને કે જે-તે દેવી-દેવતા બની જાય અને લોકસમુદાયને આશીર્વાદ આપે. કેટલીક વાર દર્શકોના માથે પણ દેવી-દેવતાનો ભાવ ઊતરે. આથી પ્રદર્શક-દર્શક કે દેવી-દેવતાનો ભેદ લુપ્ત થઈ જાય. સામાજિક નાટ્યોમાં નટ શ્લીલ-અશ્લીલના કિનારા ઓળંગી જાય અને ભરપૂર આનંદ પીરસે. વેશ કે નાટક પરંપરામાં ઊતરે. દર વર્ષે પ્રદર્શક પાત્ર કે ચરિત્ર ના ભજવે તો બીમાર પડે. એમના પર હોળી-ગોર-ગવરી કોપે. રાજસ્થાનના ભીલ પ્રદેશમાં દર વર્ષે ‘ગવરી’ના લેવામાં આવે તો દુષ્કાળ પડે! ભૂકંપ આવે! હરીભરી ખેતી નાશ પામે એવી પૂરા સમાજમાં દૃઢ માન્યતા.

વેશ કાઢવામાં અને ભજવવામાં ઢોલ, મૃદંગ, કુંડી જેવાં ચર્મવાદ્યો, વાંસળી, શંખ, શરણાઈ જેવાં સુષિરવાદ્યો અને તંબૂર, સારંગી, ઘોડાલિયું જેવાં તંતુવાદ્યોનું બાહુલ્ય.

અડધો દસકો હોળી-ગોર-ગવરી (ગૌરી)ના વેશોનાટ્યો માણવા, દૃશ્ય- શ્રાવ્ય (વીડિઓ-ઑડિઓગ્રાફી)માં રક્ષવા અને સંશોધન-અધ્યયન-સંપાદનમાં પસાર કરેલો. આગળ જતાં આ લોકસંપદામાંથી ‘ભીલ લોકોત્સવઃ ગોર' અને ‘ભીલોનાં હોળીગીતો’ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરેલાં.

***