મિથ્યાભિમાન/બે ભરવાડોનો પ્રવેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બે ભરવાડોનો પ્રવેશ

અંક ૧લો/પ્રવેશ ૩
બે ભરવાડોનો પ્રવેશ
પ્રવેશ—૩જો

બીજલ રાયકો— (પડદામાંથી નીકળીને ખભે ડાંગ લઈને ચાલ્યો ચાલ્યો આવે છે; અને જેમ ભેંસોના ટોળાને બોલાવતો હોય તેમ લાંબો હાથ કરીને બુમો પાડે છે.) આહે!!! ઉ ઉ ઉ!!!

(કાળો કાંબળો ઓઢેલો, માથે ફાળીયું બાંધેલું, પગની પાનીઓ ભોંયથી લગાર ઉંચી રહે એમ પગના પંજા વડે લાંબા કદમ ભરીને ઉંટની પેઠે ઉતાવળો ચાલતો ભરવાડ આવે.)

પાંચો રાયકો— (સાથે પાડી લઈને પાછળથી આવીને બુમ પાડીને) એ!!! બીજલ, બીજલ, બીજલ હે!!! ઉં

બીજલ૰— (પાછું જોઈને) અલ્યા શું કેસ? પાંચા શું કેસ?

પાંચો૰— અલ્યા ઉભો રહે તો ખરો. એમ નાહી શું જાય સે?

બીજલ૰— હાલ્ય, બેક ઉતાવળો હાલ્ય.

પાંચો૰— (પાસે જઈને) અલ્યા તારી ભેંહો ચ્યાં સે?

બીજલ૰— એ ઉફરાંટે મારગે થઈને ગામની ભાગોળે પૂગી હશે. તારી ભેંહોં ચ્યાં સે!

પાંચો૰— મારી ભેંહો મહાણિઆ માધેવ કને પુગી હશે, અલ્યા! ઓલ્યો ભરામણ આવે સે, તેને ઓળછ્યો કે?

બીજલ૰— ચ્યાં સે ભરામણ?

પાંચો૰— એ!! ઓલ્યો વેગળે આવે!!

બીજલ૰— હું તો એને ઓળખતો નથી.

પાંચો૰— આપણા ગામમાં ઓલો રઘનાથભટ્ટ રસે ને?

બીજલ૰— હા, હા.

પાંચો૰— એનો જમાઈ, હવે ઓળછ્યો કે નહિ?

બીજલ૰— ઓલ્યો રતાંધળો જીવરામભટ્ટ કે?

પાંચો૰— હા, એજ જો!! એજ, ભલો ઓળછ્યો અલ્યા! ભલો ઓળછ્યો!

બીજલ૰— તે બચારો રાત તો આંખે મુદ્દલ ભાળી હકતો નથી તારે શી રીતે એના હહરાને ઘેર જઈ હકશે?

પાંચો૰—ઉભો રે, આપણે એનું બાવડું ઝાલીને, એના હહરાને ઘરે પુગાડીએ. ભલા, ભરામણનો દીચરો સે, આપણને ધરમ થાહે.

બીજલ૰— રઘનાથભટ્ટે દીચરીનો ભવ બગાડ્યો સે. રૂપરૂપના અવતાર જેવી સે, તીને રતાંધળો વર જોયો સે, એ તો કાગડો દઈથરૂં લઈ જીઓ.

પાંચો૰— રઘનાથભટ્ટ શું કરે? વધાત્રાના લેખ એવા હશે.

રંગલો૰— (પડદામાંથી નીકળીને) ખરે ખરો વિધાતાનો જ વાંક છે.

उपेंद्रवज्रा वृत्त

अरे न कीधां फुल केम आंबे?
कर्या वळी कंटक शा गुलाबे?
सुलोचनाने शिर अंध स्वामी
खरे विधाता तुज कृत्य स्वामी!

પાંચો૰— જીવરામભટ્ટ, પજે લાગું, પજે લાગું.

જીવ૰— આવો રાયકા. આસરવાદ, આસરવાદ.

બીજલ૰—જીવરામભટ્ટ, અતારે અહુરી વેળાના તમે ચ્યાંથી આવ્યા?

જીવ૰— કોણ એ? બીજું કોણ છે?

બીજલ૰— એ તો હું. બીજલ, બીજલ.

જીવ૰— લો ઠીક થયું, ઠીક થયું. અસુરી વેળાનાં કોઈ લુગડાં લઈ જાય, માટે અમે[1]ફિકર કરતા હતા. અમને રસ્તામાં એક ઠગે ભૂલા પાડ્યા, તેથી અસુર થઈ ગયું.

બીજલ૰— તમે રાતે દેખતા નથી! રતાંધળા સો કે?

પાંચો૰— બોલ માં, બોલ માં. એને રીહ સડશે, તને બોલતાં આવડતું નથી કહ્યું સે કે —

दोहरो

अंधाने अंधो कहे, वरवुं लागे वेण;
धीरे धीरे पूछिये, साथी खोयां नेण!

જીવ૰— (ગુસ્સે થઈને) મહારંડના! તું રતાંધળો! તારો બાપ રતાંધળો! તેનો બાપ! અને તેનો બાપ રતાંધળો હશે. (પથરો શોધે છે, ને મારવા દોડે છે.)

પાંચો૰— હું! હું! હું! (હાથ ઝાલે છે.)

જીવ૰— અલ્યા, તું અમને કોણ કહેનારો? અમારૂં ઘર શું જેવું તેવું છે? અમારા ગામમાં બીજા બધા બ્રાહ્મણો તો પછીથી રખડતા આવીને રહેલા, અને અમારૂં ઘર તો કદા—કદમીનું અસલનું છે. અમે હજાર રૂપૈયા ખરચીને દીકરીઓ સારે સારે ઘેર પરણાવીએ છીએ. અગનોતરા કાળમાં અમારો બાપ મરી ગયો, ત્યારે એક રૂપૈયાનું સવાશેર ઘી મળતું હતું, તોપણ અમે કરજે રૂપૈયા કહાડીને આખું ચોખળું તેડાવીને ત્રણ દહાડા સુધી બ્રાહ્મણોને લાડવા જમાડ્યા હતા. તારા બાપ પછવાડે તેં શું કર્યું હતું? બોલ! બતાવ!

પાંચો૰— જીવરામભટ્ટ, એમ રીહ સડાવીએ નહિ, મરને કેતો, એના કેવાથી શું થવાનું સે?

જીવ૰— અલ્યા! અમારો બાપ વર્ષોવર્ષ શ્રાદ્ધ કરતા હતા, તે દહાડે સો સો બ્રાહ્મણોની પંગત થતી હતી. અમે જેવા તેવા નથી.

બીજલ૰— “મારે મુગલ, ને ફુલાય પીંજારા, “ તેમ તમારો બાપ પૈસાદાર હતો, તેથી તમે આટલી બધી ફૂલ શેની મારો સો?

રંગલો—

दोहरो

भटके उंधे मस्तके, वड डाळे वागोल;
मन जाणे में पग वडे, राख्यो खाली खगोळ. १५

જીવ૰— અરે અમે પણ એના એ છૈએ. બારસેં બારસેં રૂપૈયા ખરચીને ઉંચા કુળમાં દીકરીઓ પરણાવી છૈએ.

બીજલ૰— (પાંચાને) આ ખરી વાત હશે? એની પાહે દહ વીહ હજારની મૂડી હશે?

પાંચો૰— એના બોલવા પરથી જણાયસે કે કાંઈ નથી. જેની પાંહે ધન કે વદ્યા હોય તે આમ ફુલાય નહિ.

રંગલો—

दोहरो

जे पामे जन पूर्णता, ते न कदी फुलाय;
पूरो घट छलकाय नहि, अधूरो घट छलकाय. १६

બીજલ૰— ખરેખરો ફુલણજી સે.

રંગલો૰— રતાંધળો!! (એમ કહી નાસી જાય છે.)

જીવ૰— ઉભો રહે મહારંડના. નાશી કેમ જાય છે?

બીજલ૰— તમે ખીજાઓ સો હું કરવા! હું તો કેતો નથી પણ બીજા લોક કેતાતા કે જીવરામભટ્ટ રાતે દેખતા નથી.

જીવ૰— કોણ કહેતું હતું?

બીજલ૰— અમારા ગામનો એક ભરામણ કેતોતો.

જીવ૰— એનો બાપ રતાંધળો હશે. અમે તો રાતે લખવા બેશીએ તો ત્રણસેં શ્લોક લખી કહાડીએ છૈએ. જો બીજા કોઈએ અમારે મોઢે કહ્યું હોય તો તેના ઉપર ત્રાંગું કરીએ અને માથું ફોડીને તેને લોહી છાંટીએ, પણ તમને શું કરીએ?

પાંચો૰—રીહ સડાવીએ નૈ, હોય, હાહરીમાં જઈએ, તે કોઈ મહકરી કરે, ટોળ કરે તો મોટું પેટ રાછીએ.

રંગલો૰— સસરાની શેરીનું કુતરૂં કરડવા આવે, તો હાડે કહીએ નહિ.

જીવ૰— તમે અમારા સાસરાના ગોવાળ છો, માટેજ અમે સાંખી રહીએ છૈએ. નહિ તો અમે લગારે સાંખી રહીએ એવા નથી.

પાંચો૰—હાલો, બેક ઉતાવળા હાલો. અમારી ભેંહો જાતી રહે. હવે રાત પડવા આવી.

જીવ૰— રાયકા લાવો જોઈએ તમારો હાથ જોઉં.

પાંચો૰—મારા હાથમાં શું જોહો?

બીજલ૰—મારગ હુજતો નથી, ને ફાંફાં મારતો હાલે સે, માટે તારો હાથ ઝાલીને હાલવું હશે.

જીવ૰— તમેને એવો વહેમ હોય તો અમારે તમારા હાથની કાંઈ ગરજ નથી. અમે તો તેનું નશીબ કેવું છે, તે જોવા સારૂં હાથ દેખાડવાનું કહીએ છૈએ.

પાંચો૰— જુઓ જીવરામભટ્ટ મારૂં નશીબ ચેવું સે વારૂ?

જીવ૰— આ અનામિકા, એટલે ત્રીજી આંગળીના ઉપલા વેઢા કરતાં છેલ્લી આંગળી વધારે લાંબી છે. માટે તમે તમારા બાપ કરતાં વધારે સકરમી છો.

બીજલ૰— ખરેખરૂ કીધું અલ્યા! તારા બાપની વખતમાં આટલી ઘરાગી તમારે ચાણે હતી?

પાંચો૰— આ ગામની પછવાડે ઘરાં સે, તેના દીવા દેખાણાં.

બીજલ૰— હા, ખરા. કેવા સારા દીવા શોભે છે! જુઓ.

જીવ૰— જીવરામભટ્ટ, એ બે દીવા તમે દેખો સો કે? (નાટકના સ્થળમાં નજદીક દેખાતા હોય દીવા કહેવા.)

જીવ૰— હા એક આ રહ્યો, ને એક આ રહ્યો. (બીજી તરફ બતાવે છે.)

પાંચો૰— એણીમેર દીવા ચાં સે? દીવા તો આમ દેખાય સે.

જીવ૰— હા, હા હું પણ એજ તરફ કહું છું તો અને પેલો ઝીણો દીવો વેગળે દેખાય છે, તે સુદ્ધાં ત્રણ દીવા અમે દેખીએ છૈએ.

પાંચો૰—(દીવા ગણીને) બે દીવા તો હું દેખું સું, અને ત્રીજો દીવો તો આટલામાં ચાંઈ દેખાતો નથી.

જીવ૰—આ તરફ જુઓને. એ, રહ્યો ત્રીજો દીવો.

રંગલો—{હળવે[2]} તારાબાપનું કપાળ છે, તે તરફ તો ચાલતાં અડવડીયાં ખાય છે, હાથ ઝાલીને ચાલે છે, ને વળી ખાલી ઢોંગ કરે છે.

બીજલ૰— હાલ્ય પાંસા, આપણે તો ઝટ ધરે જઈએ. એ તો અથડાતો અથડાતો આવશે.

પાંચો૰— (જીવરામને) હવે અમે તો ઉતાવળા ઝટ ઘર જાહું.

જીવ૰— અમારા સસરાની ભેંસ કેઈ? અમને દેખાડો તો ખરા. જોઈએ તમે ચરાવીને કેવી તાજી કરી છે?

પાંચો૰—ભેંહ તો આગળ જઈ, પણ આ તમારા હહરાની પાડી સે તે જુઓ.

જીવ૰—ક્યાં છે ક્યાં છે? (ફાં ફાં મારે છે.)

પાંચો૰— એ આ રહી. જુઓ સે માતેરી?

જીવ૰— વાહવાહ! અલ્યા પાડી તો સારી છે હો! અમારી સાસુએ અમારી સાળીને ધવરાઈને જેવી મસ્તાની કરી છે, તેવી તમે પાડીને કરી છે(ઉપર હાથ ફેરવીને પૂછડું પકડીને ચાલે છે. પગ આડાઅવડા પડે છે.)

પાંચો૰— તમારા હાહરાને ઘરે તમને પુગાડીએ?

જીવ૰—કાંઈ પહોંચાડવાની જરૂર નથી. હવે તમારે ઉતાવળા જવું જોય તો જાઓ. ગામ ઢુંકડું આવ્યું છે માટે હવે કોઈ લૂગડાં લઈ જાય એવી બીક નથી, અને હવે તમારી અમારે લગારે ગરજ નથી.

પાંચો૰—(બીજલને) મારગને અડખેપડખે ઉંડો ખાડો સે, તેમાં જવાની પાડીને ટેવ સે, માટે તેમાં પડશે તો બચારા ભરામણને વાગશે.

બીજલ૰— ભોગ એના, આપણે શું કરીએ?

રંગલો૰—

उपजाति वृत्त

मिथ्याभिमानी सिर दु:ख आवे,
कदापि लोको करुणा नलावे;
जो सर्पने कोइ बिलाडी बाझे,
देखी घणा लोक दिले न दाझे १७

(પાંચો ને બીજલ જાય છે.)

જીવ૰— હવે ઠીક થયું. આ પાડીનું પૂછડું પકડીને ચાલ્યાં જઈશું એટલે ઠેઠ સાસરાને ઘેર જઈને ઉભા રહીશું; અને વલી કહીશું કે, આ તમારી પાડી વગડામાં જતી રહેતી હતી, તે અમે હાંકી લાવ્યા; નહિ તો તેને કોઈ લઈ જાત કે વાઘ મારી નાંખત.

રંગલો૰—(તેની ચાલ જોઈને) આંધળો તો આંધળો; પણ વળી લૂલોય દેખાય છે.

જીવ૰— (પાડી ખાડમાં ઉતરતાં પોતે પછડાયા) અરરર! કુલો ભાંગી ગયો! હાય! હાય! હાય!

રંગલો૰— પડે લૂલો ને ભાંગે કુલો, પણ લીધી વાત ન મેલે લૂલો.

જીવ૰— આજ કોઈ નઠારાનું મોં જોયેલું, તેથી હેરાન થયા. પેલા મિજાજભાઈને શિષ્યભાવે રસ્તો પૂછ્યો નહિ, તેથી જરા રાત પડી ગઈ, અને આટલી પીડા ભોગવવી પડી. અરે! ગોવાળ સાથે ગયા હોત, તોપણ ઠીક હતું. હશે, હવે પાઘડી તો સવારે શોધી કહાડીશું. જે થયું તે ઠીકજ થયું. રાતની રાત અહીંજ સૂઈ રહીશું. દહાડો ઉગશે એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છૈએ. (ઉંઘી જાય છે, અને નસકોરાં વગાડે છે.)

(પડદો પડ્યો.)

(પાત્રોની ગોઠવણ થઈને પડદો પાછો ઉઘડે, ત્યાં સુધી ગાનારા પેલું પદ ગાય છે “મેલ મિથ્યા અભિમાન, મનવા, મેલ મિથ્યા અભિમાન” ઈત્યાદિ.)


  1. અભિમાની પોતાને “હું” એમ કદી કહે નહિ, અમે કહે.
  2. રંગલાને હંમેશા જે વાક્યનો જવાબ મળવાનો ન હોય, તે વાક્ય તે આડું જોઈને બોલે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.