મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/જયમનનું રસજીવન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જયમનનું રસજીવન
[૧]

“કાં, તું આવે છે કે?” ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં-ચાવતાં લજ્જતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે; કૂતરાં જીભ લસલસ કરે છે; કબૂતર ડોક ફુલાવીને ઘૂઘવે છે; કાબર ડોલતી ડોલતી ચાલે છે. મનુષ્ય પૈકી અનેક અધમીંચી આંખો રાખી એક પગે હિંડોળો ચલાવે છે; કોઈ ગાયન ગાય છે; કોઈ નાકમાંથી ગૂંગા કાઢે છે; કોઈ ચોટલી ઝાપટીને ગાંઠ વાળે છે; કોઈ દાંત ખોતરે છે. ખુશાલીનો કેફ દર્શાવનારી આવી અનેક ચેષ્ટાઓમાં જયમનભાઈની ચેષ્ટા એ હતી કે બે સુંદર પાનપટ્ટીઓ તૈયાર કરીને પછી રમાબહેનને બોલાવવાં: ‘કાં, તું આંહીં આવે છે ને?’ “એ... આ આવી!” રમાબહેને રસોડામાંથી જવાબ દીધો. થોડી વાર થઈ. જયમનભાઈને ઘણો સમય ગયો લાગ્યો; ફરીને કહ્યું: “કાં, આ તારા સારુ પાન બનાવેલું તે વાટ જુએ છે.” “એ... આ ચૂલો પેટાવીને આવી.” “પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરીએ કે મજૂરીએ હાજર થવું છે? ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી સહેવાતું નથી. સ્ત્રી-જાતિ પર ગુજરતો આ જુલમ...” ઘણુંખરું પુરુષોને પોતાના ચા-પૂરી વડે ચિકાર થયેલા પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં જ આ ‘સ્ત્રી-જાતિ પર ગુજરતા જુલમ’ની વાત યાદ આવે છે. પણ જયમનભાઈનું કંઈ તેવું નહોતું; આ તો એમની રગેરગમાં ઊતરી ગયેલી લાગણી હતી. “મારા હાથ ગ્યાસલેટવાળા છે;” ચૂલામાં કાકડી મૂકીને રમાએ કહ્યું: “આ ધોઈને આવી.” “નહિ, ધોવા નથી; એમ ને એમ આવ.” “હમણાં જ ધોઈ લઉં.” “કહું છું કે એમ ને એમ ચાલી આવ.” રસોડાના ‘પાર્ટિશન’ની ચિરાડ સોંસરી જ રમાની આંખો ક્યારની જોઈ રહી હતી. રસોડામાંથી ઊઠતા એના અવાજમાં જે મીઠાશ ગળતી હતી, કોણ જાણે શાથી, એની આંખોમાં નહોતી. “આવછ કે નહિ?” એ અવાજ હતો તો જયમનભાઈના જ ગળાનો, પણ એની અંદરના સૂર બદલાયેલા હતા. રમા સફાળી ઊભી થઈને ઓસરીમાં ગઈ. જયમને કહ્યું: “કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું; બરાડા ન પડાવવા. આંહીં આજુબાજુ માણસોનો પડોશ છે — જાણછ ને?” રમાના મોંનો મલકાટ બતાવતો હતો કે એ અત્યારે હાસ્ય અને આંસુ બંનેની સરહદ ઉપર ઊભી છે. “લાવો પાન.” રમાએ બગડેલા હાથ ઉપર સાડીનો છેડો રાખીને અંજલિ ધરી. “નહિ, એમ નહિ; ફાડ મોઢું.” “કોઈક દેખશે.” આજુબાજુનાં બારી-બારણાં ઉઘાડાં હતાં. “ભલે; મારે દેખાડવું છે, ઝટ મોં ફાડ... ફાડછ કે નહિ? વળી પાછી માથાકૂટ?” મદારીના હાથના દબાણથી ચંદન-ઘો મોઢું ઉઘાડે તે રીતે ઊઘડેલા રમાના હોઠ વચ્ચે જયમને પાનની પટ્ટી સેરવી દીધી. “વાહ! બસ! હવે ડાહી ખરી.” જયમને એના ગાલ પર ટાપલી કરીને કહ્યું: “‘કોઈ જોઈ જશે!’ બસ, એ બીક હજુ ગઈ નહિ. આપણે તે શું કોઈના જોવા સારુ જીવવું છે? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય. મને એવી પરવા નથી લોકોની. હવે ડાહી થઈને હાથ ધોઈ આવ. કંઈક બતાવું તને.” પોતાને પ્રોવિઝનની દુકાન હતી, તેને પણ જયમને ‘શ્રી રમા રસમંદિર’ એવું નામ આપ્યું હતું. ઘેર રહીને તેણે રમાને શાક સમારી આપવાનું તેમ જ ન્હાનાલાલ કવિની ચોપડીઓ વાંચી સંભળાવવાનું કાર્ય આરંભ્યું હતું. આજ સવારની ટપાલમાં ભાવનગરના ‘વસંત સ્ટુડિયો’ તરફથી પરબીડિયું આવ્યું છે. તેમાં થોડા દિવસ ઉપર પોતે અને રમાએ સાથે પડાવેલ છબીની એક પ્રત નીકળી છે. તે જોવામાં પોતે ગરકાવ થતા બેઠા. છબી ફક્કડ હતી. ચૂલે આંધણ બડબડાટ કરતું રમાને જાણે કે એના આ કવેળાના સહજીવનને સારુ ઠપકો આપી રહ્યું હતું; પરંતુ જયમનભાઈ એને છોડતા નહોતા. રમાને એ છબી બતાવતા હતા. રમા પોતાનાથી એક તસુ પણ છેટી બેસીને છબી જુએ તે એમનાથી સહેવાતું નહોતું. “નજીક આવને!... હજુ નજીક! આવે છે કે નહિ?” એમ કરી કરીને છેક પાસે બેસારી, એના ખભા ઉપર હાથ દઈને પોતે છબી બતાવતા હતા. “કહે જોઉં: આમાં તને વધુમાં વધુ શું ગમે છે?” “બધું જ ગમે છે.” “ના, પણ ખાસ?” “મને શી ખબર પડે?” “આ જો: આ તું ખુરશી પર બેઠી છે ને હું ઊભો છું, તે તો જાણે કે બીજાં બધાં સ્ત્રી-પુરુષો પડાવે છે તેવું થયું. પણ મારે તો કંઈક વિશેષતા કરવી હતી. આ જોયું? આનો ખ્યાલ હતો તને?” રમાને હવે ભાન થયું કે જયમને એના ખભા ઉપર, છેક ગળાને અડકે એ રીતે, હાથ રાખીને છબી પડાવી છે. “જોયું? ખબર હતી?” “ના, આ ક્યારે...” “બરાબર ફોટોગ્રાફરે ચાંપ દાબી ત્યારે જ મેં ધીરેકથી આ યુક્તિ કરી નાખી હતી. તું તો તે વખતે એવી એકધ્યાન હતી કે તને ખબર જ શાની રહી હોય!” રમાએ ખાસ કશો ઉમળકો ન બતાવ્યો. “તું જુએ છે ને, રમા? હું તો આપણા લગ્નજીવનને બીજા તમામથી કંઈક ને કંઈક અદકેરું કરવા મથી રહ્યો છું. બીજાઓ જે ઉપલકિયા દંભો કરે છે, તે મારે ન જોઈએ. છોને પછી લોકો મારા વિષે ગમે તેમ બોલે. જેઓ પોતાના જીવનમાં જ રસ નથી લઈ શકતા, તેઓ જ અદેખા થઈને આવી વરાળો કાઢે છે. છો કાઢે; આપણે તો સ્વર્ગે કે નરકે ગમે ત્યાં આંકડા ભીડીને એકસાથે જ સંચરવું છે.” ચૂલા ઉપર આંધણની તપેલી વધુ ને વધુ ખિજાતી હતી. એલ્યુમિનિયમનું કાગળ જેવું બની ગયેલું ઢાંકણું વરાળના જોસે જ્યારે ઊછળીને નીચે જઈ પડ્યું ત્યારે પાછી રમા જયમનભાઈનો હાથ હળવેથી હેઠો મૂકીને ઊઠી. “પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને! ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે! બેસ નીચે.” એમ કહીને વળી પાછો જયમને રમાનો છેડો ઝાલ્યો. પ્રયત્નપૂર્વકનું હાસ્ય કરીને રમા આ વેળા તો છેડો છોડાવતી છટકી ગઈ. “ચૂલા-તપેલીને પણ આપણી ઈર્ષા આવે છે, કેમ, નહિ રમા?” જયમને સુંદર સાહિત્ય સરજ્યું. રમા કશું બોલી નહિ. એને પેલી ‘ક્યાં તારે વીણવા જવું પડે છે’ની ટકોર ગમી નહોતી. “તું મૂંગી કેમ રહે છે? રસની આવી લૂંટાલૂટ ફરી ક્યારે મળવાની છે?...હાં-હાં, પણ હું ભૂલી જાઉં છું કે તારું અંતર ભાવથી એટલું બધું ભરેલું છે કે તારું મૌન જ એક કાવ્ય જેવું બની ગયું છે!” મૌન બે જાતનું હોય છે: એક, છલોછલ ભરેલા સરોવરનું; અને બીજું, થીજીને હિમ થઈ ગયેલ પાણીનું. જયમનની માન્યતા એવી હતી કે રમાના જીવનનું ખળખળ નાદે વહેતું જળ-ઝરણ અત્યારે પોતાનામાં લીન થઈ સરોવરની શાંતિને પામ્યું હતું. પણ રમાની હૃદય-તળાવડી જરી જરીયે લહેરિયાં નહોતી લેતી, એ વાત તેને સમજાઈ જ નહિ. એને ગમ જ ન પડી કે પોતે પોતાનું રસ-નાવડું તરાવવા જ્યાં મથી રહ્યો હતો ત્યાં પ્રવાહી પાણી નહોતું – જામેલો બરફ હતો. “આંહીં આવનારાંઓ છો જોઈ જોઈને બળતા...” એમ કરીને જયમને પોતાનો તથા રમાનો આ નવો ફોટો બરાબર પોતાની બેઠકની, બારણા સામેની જ દીવાલ પર લટકાવ્યો. રોજેરોજ પોતે એ તસ્વીર તરફ અને, વિશેષ કરીને, રમાના ખભે મૂકેલ પોતાના હાથ તરફ એકીટશે તાકી રહેતો.

[૨]

એક દિવસ બપોરે બાલુભાઈને ઘેરથી નિમંત્રણ આવ્યું: ‘આજે સાંજે મિત્રોને માટે આઇસ્ક્રીમ પાર્ટી રાખી છે, માટે તમે પધારજો.’ જયમને પટાવાળાને પૂછી જોયું: “નિમંત્રણ મારે એકલાને સારુ છે કે મારી સ્ત્રીને સારુ પણ છે?” “એ તો મને ખબર નથી, સાહેબ!” “ત્યારે જા, જઈને પૂછી આવ. કહેજે બાલુભાઈને કે હું એકલો ક્યાંયે આનંદ સમારંભોમાં જતો નથી. યાદ છે ને, ન્હાનાભાઈ કવિએ પોતાનાં ‘બાઈ’ને માટે અલાયદું નિમંત્રણ પત્ર ન હોવાથી અમદાવાદની કૉંગ્રેસની બેઠકમાં પણ જવાની ચોખ્ખી ના કહી હતી?” નોકરને એવું કંઈ યાદ નહોતું; તેથી એ તો પાછો ગયો અને બાલુભાઈનો જવાબ લાવ્યો કે ‘મારે ઘેર કોઈ બાઈ માણસ હાલ છે નહિ, એટલે મેં તો સહુને ફક્કડને જ નોતર્યા છે. પણ તમારે રમાબહેનને લાવવાં હોય તો ઘણી ખુશીથી: મને વાંધો નથી; ઉલટાનો હું તો રાજી થઈશ’. “બીજાઓને તો સ્ત્રીઓ ઘરની ચાકરડીઓ સરખી છે. એ લોકો શાના સાથે લાવે? પણ મારો તો જીવન-સિદ્ધાંત છે. હું એકલો નહિ જાઉં, રમા, તારે તૈયાર થવાનું છે.” “પણ પણ...” “પણ ને બણ. એમાં છૂટકો નથી. મારે તો દાખલો બેસાડવો છે.” “પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે.” “કોણ તને ખાઈ જવાનું હતું? અજાણ્યા હોય તેથી કંઈ ડરવાનું નથી. ભલેને તારા મોં સામે ટીકી ટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું!” પાસે ઊભેલો તેમનો નોકર શરમિંદો બનીને બાજુએ જોઈ ગયો. રમા પણ ઝંખવાણી પડી. “એમાં શરમાવાનું શું છે?” જયમને જોરથી કહ્યું: “એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને! વાણી અને વસ્ત્રોના આવા ખોટા ઢાંકપિછોડાને લીધે જ બીજાઓની લાલસા વધારે બહેકી ઊઠે છે.” પતિના આવા છુટ્ટા વિચારો ઉપર વારંવાર વિશ્વાસ ટેકવવાની મહેનત રમા કરતી હતી પણ એને એવા અનુભવો થતા કે જેથી, લપસણા પથ્થર પરથી પગ લપસી જાય તે રીતે, એનો વિશ્વાસ પણ ધણીનાં આ સૂત્રો પરથી ઊતરી જતો હતો. તે દિવસે સાંજે જ એવું બન્યું કે રમા કપડાં પહેરીને તરત નીચે ઊતરી ત્યારે જયમન જરા કડવી નજરે રમાના શણગાર પર તાકી રહ્યો. “આ તારા પગમાં સ્લીપર ક્યાંથી?... ને આ આસમાની રંગની સાડી તો આપણે કદી લીધી જ નથી ને?” રમાએ કોઈ ગુનેગારની માફક કહ્યું: “મને આ સ્લીપર અને સાડી લગ્ન-ભેટ તરીકે મળ્યાં હતાં.” “કોના તરફથી?” “મારા એક ભાઈ તરફથી.” “એક ભાઈ તરફથી! કયો ભાઈ?” “મારા પિયરમાં એક નર્મદામાસી નામનાં પડોશણ રહે છે; તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બંને જોડે ભણતાં તે દિવસથી એમણે મને બહેન કહી છે.” “ઠીક!!!” એક ઘૂંટડો ઉતારીને પછી જયમને કહ્યું: “હું જાણે કેમ તને કશું ઓઢવા-પહેરવાનું ન લઈ દેતો હોઉં!” “પણ હું એમ ક્યાં કહું છું?” “મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણ છ ને?” રમાએ એ આજે પહેલી જ વાર જાણ્યું. “અને આ સ્લીપર ઉપર તો સહુની નજર નાચી રહેશે. તે કરતાં મેં આણેલાં રંગૂની ચંપલ શાં ખોટાં છે?” “તમે કહેતા’તા ને કે, બીજાંઓની ટીકાની આપણને શી પરવા છે?” “બસ, હું કહેતો’તો તેનો આવો અર્થ કરીયે નાખ્યો કે?” રમાને ગમ જ ન પડી કે તો પછી બીજો કેવો અર્થ કરવો જોઈએ. “રહો, હું અબઘડી જ બદલાવી આવું.” એમ કહેતી, જયમન સહેજ વિવેકથી ‘કંઈ નહિ હવે...’ કહેતો રહ્યો તેની પરવા કર્યા વિના, રમા મેડી પર ગઈ, અને સાડી-સ્લીપર બદલાવી લાવી. “વાહ! સાંજના તડકામાં કેસરી રંગ હવે કેવો શોભે છે! તું પણ, રમા, રંગની રસિકતા બરાબર સમજે છે, હો!” જયમનનાં એ વખાણથી મોં મલકાવવા યત્ન કરતી રમાના હોઠ કેમેય મલકાટ કરી શકતા નહોતા. બે પૂછલેલા બળદો કોઈ ઊંડા કીચડમાંથી ગાડું ખેંચવા મથતા હોયને જાણે એવો તે બે હોઠનો પ્રયત્ન હતો. “આમથી જ ચાલશું ને?” એમ બોલી, બજારનો પાધરો માર્ગ છોડી જયમને બાલુભાઈને ઘેર જવાનો લાંબો, ફેરવાળો રસ્તો લીધો. રમાના ઉપર એ છત્રી ધરીને ચાલ્યો. રસ્તે ખેડૂતોની ને ગોવાળોની વહુ-દીકરીઓ મોં આડા ઓઢણાંના છેડા દઈને ઊભી ઊભી જોઈ રહી. જયમન કહે: “છોને જુએ! આપણને એની શી પડી છે!” પછી રસ્તામાં એણે કેટલાય મિત્રોના સંસાર-જીવનના દાખલા રમાને સંભળાવ્યા: “ધૂળ પડી નટુના બી.એ. થયામાં; બિચારી શાંતા તો ચોવીસેય કલાક ગોંધાયેલી ને ગોંધાયેલી. પ્રવીણભાઈ દાક્તર આખા ગામને ઘેરઘેર છેક રસોડે પેસીપેસીને ભાઈબંધોની પત્નીઓના હાથેથી ચા પી આવે; પણ પોતાને ઘેર જુઓ તો, બસ, જાણે કે અઢારમી સદીના ઓઝલ અને પડદા. વેણીલાલ આમ તો મુનશીના સાહિત્યને વખાણનારો; છતાં એને ત્યાં જઈએ, એટલે પહેલાં પ્રથમ અંદરનાં બારણાં બરાબર બંધ કર્યા પછી જ અમને બેઠકમાં દાખલ કરે. જીતુભાઈને બાપડાને વરસને વચલે દા’ડે વહુ-બાળકોને લઈ નદી કાંઠે ફરવા જવાની ઇચ્છા થાય, તો વહુ-છોકરાંને મોકલે ઉત્તર તરફથી ને પોતે ચોરીછૂપીથી પૂર્વ દરવાજાનો ચકરાવો ફરીને નદીએ પહોંચે! મોહનશેઠની સુખસંપત્તિને શું આગ લગાડવી છે! સગો દીકરો એકનો એક છતાં ન વહુની જોડે ગાડીમાં બેસીને નીકળી શકે, કે ન નાટક સિનેમા જોવા લઈ જઈ શકે... “એ તમામના કરતાં આપણે કેવાં સુખી છીએ, રમા!” જયમનભાઈની રમા સાથેની એકેએક ગોષ્ઠીનું તારતમ્ય આ હતું; પ્રણયના પ્રત્યેક ગાનનું ધ્રુવપદ આ એક જ હતું: ‘એ સહુના કરતાં આપણે કેટલાં સુખી છીએ — હેં રમા!’ આ વાક્યનો ગર્ભિત અર્થ પણ એટલો જ હતો કે ‘એ બધા પુરુષો પોતાની સ્ત્રીઓને અધમ રીતે રાખે છે, જ્યારે મારો વર્તાવ કેવો છે! તું કેટલી નસીબદાર!’ રમા પતિના દરેક વાર્તાલાપનો આવો મર્મ પકડતાં શીખી ગઈ હતી, અને અહોરાત એ પોતાનું આ ઉગ્રભાગીપણું અંતરમાં ઠસાવવા કોશિશ કરતી હતી. પોતે આવા વરને પૂર્ણ હૃદયથી કેમ ચાહી શકતી નથી તે વાતનું વલોણું એના મનમાં નિરંતર ઘૂમ્યા જ કરતું હતું. પરંતુ, કોણ જાણે શાથી, ‘રમા, આંહીં આવ!’ એ પતિ-વાક્ય કાને પડતાંની વાર જ રમાને એવો કંટાળો આવતો કે કેમ જાણે જયમનના ઉઘાડા દેહની નજીક જતાં એને કોઈ રોગિષ્ઠ પરસેવાની દુર્ગંધ ન આવતી હોય! કોઈ ગોબરા માણસની સાથે એક થાળીમાં જમવા બેસતાં જેવી સૂગ ચડે, તેવી સૂગ આ સ્ત્રીને વર સાથે સહજીવન જીવવામાં ચડતી હતી. દરેક વાતમાં એને વરની નબળી બાજુ જ યાદ આવી જતી. ભાવનગરથી આવેલ ફોટોગ્રાફ ઉપર એને કંટાળો છૂટેલો; કેમકે ફોટો પડાવતાં પહેલાં પાંચ જ મિનિટ ઉપર કંઈક કારણસર જયમને એના ઉપર દાંત કચકચાવેલા. શાક સમારતી વેળા જયમન ઝીણીઝીણી સૂચનાઓ કર્યા જ કરતો હતો કે ‘તું આટલું તેલ મૂક અને હિંગ, મરચું, લસણ વગેરેનો વધાર આ રીતે જ દે’. એ બધું રમાને કડવું લાગતું. પોતે પિયર પર કાગળ લખે તો તેમાં વર કાનો માત્રા અથવા મીંડાની સાચી ભૂલ બતાવે તે પણ તેને અફીણ જેવું લાગતું. વધુ અકારું તો એ ભૂલ સુધારવી પડતી તે હતું. એથીય વધુ ખટકનાર વાત તો એ હતી કે જયમન પોતે પાછો પોતાના લખેલા સુંદર પત્રો, ‘જો, કાગળ આમ લખીએ...’ એમ કહીને, જોવા આપતો. ને પછી તો, ઊંધાં ચશ્માં વાટે બધું જ ઊંધું દેખાય એ ન્યાયે, ‘પત્રલેખનની કળા’ નામનું પુસ્તક જયમને તાબડતોબ મંગાવી આપ્યું તેય રમાને સાલ્યું હતું. અને પેલી આસમાની સાડી ઉતરાવીને નવી પહેરાવેલ કેસરી સાડી જયમને વખાણી કે તરત જ, તે ક્ષણથી પોતાને શરીરે કોઈ પીતવરણી જ્વાળાઓ ન વીંટળાઈ વળી હોય એવી ઊલટી લાગણીમાં રમા બળબળવા લાગી હતી. બન્ને જણાં દાખલ થયાં કે તરત જ બધા પુરુષોએ પોતાનાં ઠઠ્ઠા-મશ્કરી બંધ પાડી દઈને આ એકાકી સ્ત્રી તરફ અદબ બતાવી. બાલુભાઈએ જયમન અને રમાની બેઠક પડખોપડખ જ રખાવેલી, તે પર બન્ને બેઠાં. પોતાની સ્ત્રી ઉપર આટલી બધી આંખો એકાગ્ર થશે એવી કલ્પના જયમનને પહેલેથી જ ન આવી તેનો એને પરિતાપ થયો; પણ હવે તો નોક રાખ્યા સિવાય ઇલાજ નહોતો. “કાં, બાલુભાઈ!” બેટ્સમૅન ઊઘડતી રમતે જ પહેલી બાઉન્ડરી લગાવે તેવો ફટકો જયમને લગાવ્યો: “ઉષાબહેનને પિયર વળાવી પાછળથી આ મહેફિલો કે! ગળે આઇસ્ક્રીમ ઊતરશે કેમ?” “હમણાં તમે જોશો તેમ!” બાલુભાઈએ ટીખળ કર્યું: “આપણું તો, ભાઈ, બધું જ આદર્શથી ઊલટું. આવી નિરાંત બધી વેજા ઘરમાં હોય ત્યારે ક્યાંથી મળે?” ‘જોયા આ પુરુષો!’ એવી સૂચક નજર જયમને રમા તરફ ફેંકી, પણ ત્યાંથી જોઈએ તેવો પડઘો ઊઠ્યો નહિ. એ રીતે અનેક ટોળટીખળ ચાલતાં હતાં, અને જયમન પોતે બાઉન્ડરી ઉપર બાઉન્ડરી લગાવીને બીજા સહુને ઝંખવાણા પાડી રહ્યો છે એમ સમજતો હતો. દરમિયાન, બાજુએ બેઠેલા સ્નેહીઓ રમાબહેનનો પણ ક્ષોભ મટાડવા તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. રમા પોતાના વરની વાતોમાંથી સરી જઈને આ બીજાઓની સાથે ભેળાઈ ગઈ. એનાં હાસ્ય અને સ્વર જયમનને કાને અથડાતાં થયાં. રમાના મોં ઉપર જાણે આજે પહેલી જ વાર સંધ્યા ખીલી ઊઠી. ‘પત્નીના જીવનનો સૂર્ય તો હું છું, તે છતાં એના અંતરનો ઉઘાડ એને અત્યારે પરાયાઓ પાસેથી કેમ મળી રહ્યો હશે?’ આ સમસ્યા જયમનના મનમાં ઘોળાતી થઈ; એટલે પોતે બીજા ભાઈબંધો કેવી નીરસ ઢબથી જીવી રહેલ છે તેનો ખ્યાલ રમાને આપવાની મહેનતમાં પડી ગયો. એણે બાલુભાઈ ઉપર જ ‘બોમ્બાર્ડમેન્ટ’ ચાલુ રાખ્યો: “ઉષાબહેનને ગયાં કેટલા મહિના થયા, હેં બાલુભાઈ?” “પાંચ.” “એમાં તમે કેટલા કાગળો લખ્યા?” “બે: એક પત્તું ને એક કવર.” “ગઝબ — ગઝબ છાતી તમારી!” “અમારા તો, યાર, જૂના જમાનાનાં લગન: લાકડે માકડાં જોડી દીધેલાં! એમાં અઠવાડિયે બે વાર પત્રની આવ-જા ક્યાંથી સંભવે?” “ને ઉષાબહેન પાસે જઈ આવ્યા એકેય વખત?” “ના રે, રેલગાડીને નાહક કોણ ખટાવે!” “સિનેમા જોવા તો છેક મુંબઈ સુધી દોડો છો!” “શું કરીએ, ભાઈ! સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારી ફિલમ તો એક વાર આવી તે આવી!” “મને તો આશ્ચર્ય જ એ થાય છે કે પરણેલી સ્ત્રીઓને તમારા જેવાઓ આમ ખસતી મૂકો છો. નથી ભણાવતા, નથી તમારા આનંદવિનોદોમાં ભાગ લેવરાવતા તે છતાં તેઓ તમારા પર મરી શાથી પડે છે?” “તેથી જ...” એટલો ધીરો બોલ રમાબહેનના હોઠ પરથી સરી પડ્યો. સહુએ તાળીઓ પાડી. “એટલે?” જયમને ખસિયાણા પડીને પૂછ્યું. રમા કશું બોલી નહિ; પણ બાલુભાઈએ ‘એથી’ શબ્દનું ભાષ્ય કર્યું: “એટલે કે અમે અમારી સ્ત્રીઓને એકલા અમારા જ અભિમાની સ્નેહની ધુમાડી દઈને ચોવીસેય કલાક ગૂંગળાવતા નથી તેથી.” ખૂબ આનંદ કરીને રાતે સહુ છૂટાં પડ્યાં ત્યારે રમાએ જોયું કે, જયમન બહુ બોલતો નથી. “કેમ બોલતા નથી?” ... “શું થયું છે?” વગેરે વગેરે સુંદર વચનો રમાએ જ્યારે વાપર્યા, અને રસ્તામાં મ્યુનિસિપાલિટીનાં બે ઝાંખાં ફાનસો વચ્ચેના અંધારા સ્થળમાં રમાએ જયમનને ખભે હાથ મૂકીને, “હેં, કેમ બોલતા નથી? મારા સમ!” એવી દીન વાણી સંભળાવી, ત્યાર પછી જયમનના મન પરથી ડાટો ઊઘડ્યો: “હું કેવો હીણભાગી છું!” “કેમ?” “બાલુભાઈને ઘેર એક કલાકમાં તું જેવી ખુશખુશાલ બની શકી, તેથી દસમે ભાગેય તું મારી આટઆટલી આળપંપાળમાં નથી ખીલી શકતી.” રમાની પાસે આ સમસ્યાનો શો જવાબ હોઈ શકે?

[૩]

રમાના મન પરની ગમગીની ઉડાડવા માટે લાખ જાતના ઉપાયો કરતો જયમન ઘરમાં જ બધો વખત રહેતો હતો. ઘેર સ્નેહીઓ આવતા ત્યારે ‘કાં, આવછ કે?’ કહીને પોતે રમાને સર્વની સાથે બેસારતો; અનેક પ્રશ્નો છેડાતા તેની અંદર પોતે પ્રત્યેક વાત પર તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તેવા આગ્રહથી અભિપ્રાય ફટકારતો. બીજા બધા ચૂપ રહેતા તેનું કારણ પોતે રમાને પાછળથી એવું સમજાવતો કે, કોઈની કને કશું કહેવા જેવું હતું જ નહિ. એમ કરતાં કરતાં એને લાગ્યું કે રમા આવી બધી ચર્ચાઓમાં સમજણપૂર્વક રસ લઈ શકે તે સારુ એને ગુજરાતી સાહિત્ય તથા થોડું એવું અંગ્રેજી શીખવવા માટે એક ગૃહશિક્ષક રાખી દેવો. “હાઇસ્કૂલના પુરોહિત માસ્તર ઠીક છે. ઉમ્મરે પુખ્ત છે. ગરવા છે, રસજ્ઞ છે.” “જયમનભાઈ!” પુરોહિત માસ્તરે પહેલે જ દિવસે કહ્યું: “તમે પણ જોડે બેસતા જાઓ ને...” “શું બોલો છો, પુરોહિત ભાઈ! હું શું સ્ત્રીની નીતિની ચોકી કરવા બેસું?” “ના, એમ નહિ પણ...” “બને જ નહિ. છૂટથી ભણાવો. હું તો એટલો સમય બહાર ચાલ્યો જઈશ.” પંદરેક દિવસ થયા હશે. રમાના મોં પર કોઈ અજબ ઝલક આવી. સાંજે માસ્તર આપવાનો સમય થાય ત્યાં, વસંતાગમને કોયલ ટૌકી રહે એવી રીતે, રમા ગુંજવા લાગી. સોળમે દિવસે માસ્તર સાહેબ ન આવ્યા... “કેમ થયું?” જયમને જવાબ દીધો: “બંધ કરવું પડ્યું.” “કાં?” “મને ખબર પડી કે એને તો એની સ્ત્રી સાથે બનતું નથી.” “તેથી આપણે શું?” “પોતાના જ સંસારનું વાજું બસરું વગાડનારો પારકાંને શા સારા સંસ્કાર દેવાનો હતો?” રમાએ છાનાંછાનાં આંસુ સાર્યાં. જાણે બરાબર હીંચકાનો ફંગોળ ચડતાં જ દોરડું તૂટી પડ્યું. ટ્યૂશન બંધ કરવાનું સાચું કારણ બીજું હતું: પુરોહિત માસ્તર રમાની મમતા પોતાની ઉપર આટલી હદ સુધી જાગ્રત કરે, એ એક જાતની ચોરી કહેવાય. પારકાના દંપતી જીવનમાંથી એટલો રસ પડાવી લેવાની એ રીતિ ઘણા શિક્ષકોમાં હોય છે. અને બીજું, પુરોહિત માસ્તરે બીજાના અંગત જીવનમાં માથું માર્યું: એક દિવસ કહે કે “જયમનભાઈ, થોડો કાળ જો બ્રહ્મચર્ય પાળી શકાય ને, તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા પ્રકાશી ઊઠે તેવું છે.” ધૃષ્ટતા!!! થોડાક જ દિવસમાં જયમને બીજી ગોઠવણ કરી: “આ ભાઈ તને ભણાવવા આવશે, રમા. એ મેટ્રિકનો વિદ્યાર્થી છે. કણબીનો દીકરો છે, ગામડેથી અભ્યાસ કરવા આવેલ છે. ગરીબ છે. હાથે રાંધીને ખાય છે. એનું અંગ્રેજી-ગુજરાતી વાંચન સારું છે. આપણે તો એક પંથ ને બે કામ: ગરીબ વિદ્યાર્થીને મદદ આપી કહેવાશે.” બે મહિના થયા ત્યાં જયમનની આંખો ખેંચાવા લાગી: કણબીના છોકરા કૂરજીને શરીરે સ્વચ્છ, સફાઈદાર કપડાં શોભે છે: માથા પરનો મૂંડો મટીને વાંકડિયા વાળ ઓળાતા થયા છે: ગાલના ખાડા બુરાયા છે: ચામડી ઝગારા કરી રહી છે. ‘ઠૂંઠું જાણીને ઘરમાં આણ્યું તે ઝાડને આ કૂંપળો ક્યાંથી ફૂટી? રમાને અને કૂરજીને અન્યોઅન્ય આ કઈ લેણાદેખી ફાટી નીકળી? હું રાખું છું તે કરતાં પણ વધારે રમાની દરકાર રાખનાર આ કોણ? રમા એને રોજ માથામાં નાખવા તેલ શા માટે આપે છે? સાબુની દાબડી પણ દીધી!’ કૂરજી પણ એક દિવસથી આવતો બંધ થયો. “આમ કેમ થયું?” રમાએ પૂછ્યું. “પાડોશીઓ કચવાતા’તાં.” “શાથી?” “કૂરજી પાડોશીઓની જુવાન દીકરીઓ સાથે અણઘટતી છૂટ લેતો હતો.” “આવા પાડોશી! તો આપણે બીજે રહેવા જઈએ.” “ઓહોહો! આટલી બધી વાત!!!” જયમન ભવાં ચડાવીને ચાલ્યો ગયો. ‘સાલાઓ અંદરખાનેથી બધા જ પુરુષો લંપટ છે. સહુને પારકી સ્ત્રીઓનાં અંત:કરણો પોતાના તરફ વહાવવાં છે. આ કન્યાકેળવણીના વધુ પડતા ઉત્સાહી શિક્ષકોની પણ માયલી વાંછના તો એ જ હોય છે કે સ્ત્રીઓ વર કરતાં વધારે અધિકાર એમને જ આપતી થઈ જાય. મારે તો રમાને ઘણુંય સંગીત વગેરે શીખવવું હતું; પણ મને કોઈનો વિશ્વાસ નથી રહ્યો હવે: બધા જ સડેલા લાગે છે. માટે હવે તો એ સેવા પણ હું જાતે જ ઉઠાવું.’ गृहिणी सचिव सखी मिथ: प्रियशिष्या ललिते कलविधौ ।। એ અજ વિલાપની પંક્તિઓ એને વહાલામાં વહાલી હતી. એમાંથી જ એને પોતાનો ધર્મ સૂઝ્યો: ‘રમાને મારી પ્રિય શિષ્યા બનાવું.’ પોતે શીખવવાનું શરૂ કર્યું. ‘વસંતોત્સવ’ ઉપાડ્યું. ત્રણ દિવસમાં રમા ત્રાહિ ત્રાહિ પોકારી ગઈ. મોઢા ઉપર રોજ રોજ લપેટો લઈને ભાતભાતનાં ‘ક્રીમ’ લગાડનાર, ઘેર દરજીને બેસારી નવી નવી ‘કટ’નાં કૂડતાં કબજા કે અચકન સિવડાવનાર તથા છેક દિલ્હીથી મોજડીઓ મંગાવનાર આ રસભીનો સ્વામી, કોણ જાણે શાથી, રમાને ઘરડો લાગતો ગયો; એનાં હાસ્યવિનોદ, મર્મકટાક્ષો, આમોદપ્રમોદો અને રસકથાઓ કોઈ બુઢ્ઢાખખના નાક-મોંમાંથી ટપકતાં લાળ-લીંટ જેવાં જણાયાં. આખરે આ બધી ગૂંગળામણમાંથી રમાને એક વસ્તુએ છુટકારો અપાવ્યો: એ પોતાની પહેલી સુવાવડ સારુ પિયર ગઈ. પૂરા સાત મહિના ચડ્યા ત્યારે જયમને માંડ રજા દીધી — બેશક, ઘણે દુભાતે હૈયે. મોકલ્યા પછી થોડા દિવસ તો જયમનને રાહત રહી. પણ પાછી વિહ્વળતા શરૂ થઈ. રાતે અજંપો રહેવા લાગ્યો. ‘જયમનભાઈ વહુઘેલા’ એવી છાપ તો છપાઈ ગઈ હતી. અને પોતે હંમેશાં લોકાપવાદને હુંકાર દેવાનો દેખાવ કરતા, પરંતુ અંદરની ખરી તાકાત નહોતી. બે દિવસે કાગળ ન આવે તો લાંબો લાંબો પચીસ પાનાંનો ઠપકો લખી મોકલે. પોતે લખે કે ‘તારા શરીરની મને આંહીં કેટલી ચિંતા થતી હોય તે સમજી શકે છે, રમા?’ રમા જવાબ વાળે કે ‘મારી તબિયતની કશી જ ચિંતા ન કરશો. તબિયત કદી નહોતી તેવી સરસ છે.’ પોતે પાછો લખે કે ‘આટલો ટચૂકડો કાગળ મને કેમ સંતોષે? તું લંબાણથી કેમ નથી લખતી? તને લાગણી જ ક્યાં છે! અને તારી તબિયત કદી નહોતી તેવી સરસ ત્યાં તો હોય જ ને! હું તને આંહીં કોણ જાણે શું દુ:ખ દેતો હતો!’ આ બધા ધોખાનો કશો જ જવાબ રમા કને નહોતો. એ તો અટવાઈ જતી. આંહીં જયમનને સંદેહ પડવા લાગ્યો કે નક્કી પેલાં આસમાની સાડી અને સ્લીપરની લગ્ન-ભેટ આપનાર ધર્મ-ભાઈ ત્યાં હશે. આઠ દહાડા થાય ને તાર કરી પુછાવે કે ‘તબિયત કેમ છે?... ફલાણા દાક્તરને બતાવો... મારી જરૂર હોય તો આવું...’ વગેરે. પોતાના ગામમાંથી પણ ‘પેટન્ટ’ દવાઓના પાર્સલ મોકલ્યે જાય. સસરા શું જાણે કે જમાઈને આવવાનું મન છે! જવાબ વાળે સાદા કાગળથી કે ‘ધંધામાં અંતરાય પાડીને આવવાની કશી જ જરૂર નથી; શરીર ઘણું સારું છે’. ‘ધંધો! રમા કરતાં ધંધો વધુ ગણું હું? તમે મારાથી છુપાવો છો. હું આવું છું.’ સાંજ સુધીમાં એણે મિત્રો, સ્નેહીઓમાં ફરીને એ જ પ્રચાર-કાર્ય કર્યું કે “જૂના જમાનાનાં સાસુ-સસરા બેવકૂફ ને પાછાં કંજૂસ છે. રમાને આવી ગફલતથી જ મારી નાખશે ક્યાંક, મારે જવું જ જોઈએ. ધણી વિના બીજાંને કોને રમાનું દાઝે? એનાં માબાપને હવે શી પડી છે, ભાઈ!” સ્નેહીઓએ મોંએ અનુમોદન આપ્યું; પછવાડેથી ‘ગધાડો’ કહ્યો. “પણ ગધાડાને તો સાચી લાગણી હોય છે;” કોઈ બીજાએ ટકોર કરી: “જ્યારે આ ભાઈસાહેબમાં પ્રમાણિક સચ્ચાઈ ન હોવાનો મને વહેમ છે. રમાનો પરમ હિતસ્વી એક પોતે જ છે એ પેલીના મન પર કોઈ પણ વાતે ઠસાવવું છે.” જયમન પહોંચ્યો ત્યાં તો સુવાવડ આવી ગઈ હતી. શહેરના સારામાં સારા પ્રસૂતિગૃહમાં રમા સૂતી હતી. બાળક તંદુરસ્ત હતું. રમાને વર આવ્યાની જાણ થઈ. એણે બાને કહ્યું ‘કે “એને આંહીં, ભલા થઈને, ન લાવશો. હજાર વાતો કાઢીને એ મને મૂંઝવશે.” પણ વર આ પ્રતિબંધને સન્માને કદી? “હં... નક્કી, મારી રમા સારી હાલતમાં નહિ હોય, તેથી એમ કહો છો!” જોરાવરીથી ગયો. રમાએ પ્રયત્નપૂર્વક હસતું મોં રાખ્યું. પણ પછી તો ત્યાંથી ખસે નહિ. તડાફડી બોલાવવા લાગ્યો: “આ ચાદરો કેમ મેલી છે?... મોસંબી જોઈ કરીને મીઠાં કાં નથી લાવતાં? દવામાં આ લોકો શું નાખે છે? બાળક કેમ વારેવારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઇસ્પિતાલમાં લઈ જાત ને! તમે લોભમાં તણાયાં...” રમાને કહે કે “તેં મારા કાગળો પૂરા વાંચ્યા પણ જણાતા નથી. જવાબોમાં કશો વિગતવાર ખુલાસો જ ન મળે. તું શાની વાંચે? તને મારા પર હેત ક્યાં છે? હું આટલું આટલું કરું છતાં...” પ્રસૂતિના પહેલા દિવસથી જ રમાનું ઓશીકું આંસુએ ભીનું થવા લાગ્યું. કમર દુ:ખતી હતી, તેથી મોં પ્રફુલ્લ નહોતું રહી શકતું. જયમન કહે કે “મારું મોં તો તને દીઠું ગમતું નથી, તેથી તું આમ કરે છે!” નર્સો આ માણસના આંહીં લાંબો કાળ બેસી રહેવાથી કંટાળી ગઈ. તેમણે મેટ્રનને જાણ કરી. એકાએક એક દિવસ જયમનની નજર બે વસ્તુ પર પડી: પેલી આસમાની સાડી અને સ્લીપરોની જોડી. “હજુયે આ બે ચીજો હૈયેથી નથી છૂટતી ને?” “તમને નહોતી ગમતી, તેથી આંહીં પહેરી ફાડું છું.” “નહિ રે... જીવનની મીઠી સ્મૃતિ કરીને સાચવો ને!” રમાથી મોટે સાદે રડી જવાયું. રડતી રડતી એ બોલી ઊઠી: “આ કરતાં કાં તો ગળું દાબી દ્યો કાં તો મને રજા આપો: તમારા પ્રેમનું આ કેદખાનું મારે નથી જોઈતું હવે.” “એ...મ! હજુ તો તારો જીવ લઈ....” અચાનક કોઈએ આવીને એની ગરદન પકડી: એ હતો ઇસ્પિતાલની દક્ષિણી મેટ્રનનો કસાયેલો પંજો. “ગેટ અપ [ઊભા થાઓ]!” મેટ્રને કડક હાસ્ય કરતાં શાંત અવાજ દીધો. “વ્હાય? વૉટ રાઇટ... [શા માટે? તમને શો હક્ક...].” “રાઇટ ટુ સેવ એ લાઇફ [એક જિંદગી બચાવવાનો હક્ક]!” એમ કહી એ ગારુડીના હાથમાં દબાયેલા સાપની જેમ તરફડતા જયમનને મેટ્રન લગભગ ઘસડીને બારણા સુધી લઈ ગઈ, અને એને બહાર હડસેલીને બારણું બંધ કર્યું, ત્યારે જયમનના મોંમાંથી છેલ્લો શબ્દ એ સંભળાતો હતો કે “મારી પરણેલીને...” વાક્યની સમાપ્તિ તો કોણ જાણે કેવાયે શબ્દોથી થઈ હશે.