મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/પાપી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાપી!

રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સરવા કાન એણે આજ જીવતરમાં પહેલી જ વાર માંડ્યા હતા. ઘરની અંદર શો શો સંચાર થાય છે, કષ્ટની ચીસો કેટલી વાર પડે છે, એ ઉંહકારો પંદરમી વારનો હતો કે ચૌદમો... એ બધું એના કાન તલ્લીન બનીને વીણતા હતા — તરૈયાઓ દરિયાને તળે જઈ બીજી તમામ વાતો પ્રતિ આંધળા બની સાચાં મોતી વીણે છે તેવી રીતે. સાડાચાર વાગ્યે ઘરમાંથી ગંભીર સુખનો શબ્દ સંભળાયો કે “વાહ! શાબાશ,બેટી!” પાંચ બજ્યા અને કમાડ બહુ ધીરેથી, જરીકે કચૂડાટ કર્યા વગર, ઊઘડ્યું. અંદરથી હાથમાં બૅગ લઈને દાક્તરદાદા બહાર નીકળ્યા. કાળુ સફાળો ખડો થઈને સામો દોડ્યો. એને પોતાના તકદીરનો ફેંસલો સાંભળવો હતો. ધસી આવતા જોધાર કાળુને ખંભે હળવો પણ મક્કમ હાથ મૂકીને નસરવાનજીદાદા ઘેરા નાદે બોલ્યા: “કાળુ! બેટા! જો, તારી વહુને બહુ થાક લાગ્યો છે. કેટલા કલાકની મહેનત કર્યા પછી એને માંડમાંડ નીંદ આવી છે. તું ઉતાવળ કરીશ ના, હો ગાંડિયા! નર્સ અંદર છે તે તને બોલાવે ત્યારે જ ઘરની અંદર દાખલ થજે; નહિતર આ બુઢ્ઢાના હાથના પાંચ ગડદા તારી પીઠનાં હાડકાંનો ચૂરો કરી નાખશે, હાં કે!” કાળુના માથા પર હાથ ફેરવીને દાક્તરદાદા સવાપાંચે ગયા. મોટરના શોફરને કહ્યું કે “બિલકુલ હોર્ન ના મારતો, હાં કે! અને ખૂબ ‘સાઇલેન્ટલી’ ગાડી બહાર કાઢી લે”. ગાડી દૂર ન થઈ ત્યાં સુધી બારણું પણ દાદાએ બીડ્યા વિનાનું જ રાખ્યું. આંબલી પરનાં નાનાંમોટાં તમામ પક્ષીઓ જરીકે ચોંક્યા વગર જંપેલા રહ્યાં. દાદા હજુ જાણે એની સફેદ દાઢીમાં હાથ પરોવતા સામે જ ઊભા હોય એવી અદબ રાખીને કાળુ પાછો બાંકડા પર બે ગોઠણ વચ્ચે મોં દાટીને બેસી રહ્યો. રેલગાડીમાં વીજળી-બત્તીનું ખાનું સાચવતો કાળુ દર એકાંતરે આટલી આટલી રાતો થયાં મુસાફરીઓ ખેંચતો હતો; પણ અત્યારે એણે આકાશનો એક ચળકતો તારો જેવો એકીટશે જોયો તેવી રીતે કદી નહોતો જોયો. પોતાની સ્ત્રી સુખે જંપીને સૂતી છે એટલું જાણ્યા પછી જ પરોઢના સુંવાળા પવનની ઠંડકનું એને ભાન આવ્યું. પરસેવે રેબઝેબ થઈ ગયેલું પહેરણ શરીર પર ચોંટી ગયું છે તેની એને હજુ હવે જ ખબર પડી. ‘સવિતા થાકીને સૂતી છે!’ એને નિરાંત વળી. પણ હજુ એને પૂરી ખબર નહોતી પડી. ઘણાં છોકરાં નાનપણથી જેમ વધુ પડતું સમજી જાય છે તેમ ઘણા જુવાનો મોટી ઉમ્મરે પણ એવી જાડી બુદ્ધિના, બોઘા, રહી જાય છે કે એની સંસારી સાન જલદીજલદી વાત પકડતી નથી. કાળુ એવો એક બોઘો બ્રાહ્મણપુત્ર હતો. અરે, એને બ્રાહ્મણનું ફરજંદ જ કોણ કહે? એની જાતિ ‘ઝોડ’ની હતી. ઝોડની માફક ઊંધું માથું ઘાલીને ઉદ્યમ કરવાનું જ એ સમજતો. એકલ મિજાજનો કાળુ વ્યવહારવિદ્યા શીખવાની દુનિયાઈ શાળામાં ભમ્યો જ નહોતો. “કાળુ, તારે ઘેર દીકરો અવતરેલ છે — દાદાએ કહ્યું ને?” અંદરથી આવીને દાઈએ ખબર દીધા ત્યારે પ્રભાતનો પવન કાળુનાં નયનોમાં એક ઝોલું ભરી રહ્યો હતો. કાળુએ જાણે કે સ્વપ્નમાં સાંભળ્યું. દાઈને એણે નિહાળી નિહાળીને જોઈ ત્યારે ખાતરી થઈ કે આ સ્વપ્ન નથી — સત્ય છે. ‘સવિતાએ મને દીકરાની ભેટ દીધી! એણે મને જીવતું માનવી અર્પણ કર્યું!’ આ રોજની સાદી વાતમાં પણ કાળુ જેવા બોઘા જુવાને કો મહાતપસ્યાનું ફલ, કો દેવનું વરદાન દીઠું, સવિતા એને પરમેશ્વરી-શી લાગી, પત્નીએ હૃદયના કયા ગુપ્ત આવાસમાં આ બાલને સંઘરી રાખ્યું હતું! દાઈએ કહ્યું: “અંદર આવ: જોવો છે ને બચ્ચાને?” “સવિતા જાગી છે? એણે કહ્યું છે?” દાદાના પાંચ ગડદા સંભારીને કાળુએ પૂછી જોયું. “હા; આવ.” કાળુ અંદર ગયો. કોઈ દેવાલયમાં, કોઈ પ્રાચીન ખંડેરમાં, દાખલ થાય તેવી શાંત પગલીઓ ભરીને એ સવિતાના ખાટલા સુધી પહોંચ્યો. એનો હાથ હળવેથી ઝાલીને પોતાના મોં પર મેલવાની, પોતાના ગાલ પર ફેરવવાની, પોતાની છાતી પર ઠેરવવાની ઇચ્છા થઈ — પણ આભડછેટ નડી. ‘આ-હા-હા-હા!’ ગમાર કાળુના અંતરમાંથી હજુયે અચરજ મટતું નથી કે ‘આવા જીવતા જીવની માનવી જેવા માનવીની ભેટ મને મારી સવિતાએ ક્યાંથી આણીને આપી? ક્યાં સંઘર્યું હતું આ ગુપ્ત ધન! કેવું રૂપાળું બાળક!’ સવિતા કશું બોલી નહિ; પણ ધણીની આ મૂંગીમૂંગી ભક્તિ દેખીને એની આંખો ભીની થઈ. કોણ જાણે શાથી, પણ કાળુએ પ્રથમ બારણામાં પગ મૂક્યો ત્યારે સવિતાનું મોં લોહી વિનાનું. ભયભર્યું અને લજ્જાથી તૂટી પડતું હતું. એને ધણી આટલી મમતા કરશે એવો ભરોસો નહોતો. જાણે એ કોઈ ભયંકર ફેંસલો સાંભળવા તૈયાર થઈ રહેલ અપરાધિની હતી. પણ તેને બદલે સવિતાએ ધણીની આંખમાં મીઠાશનાં સરોવરો ભાળ્યાં. ઘરમાં કોઈ મોટેરું-નાનેરું આત્મજન નહોતું. સવિતાના બાપ કાશીની જાત્રાએ ચાલ્યા ગયા હતા; મા મૂએલી હતી. કાળુને તો નાનપણથી જ એકલદશા મળી હતી. પોતે પંદર દિવસની રજા પર ઊતરી ગયો હતો. એના ખરા આપ્તજન નસરવાનજીદાદા જ હતા. એ પારસી દાક્તર ગામ સમસ્તના આધાર હતા. એમણે એક આયાને કાળુને ઘેર કામકાજમાં રોકી દીધી. એક મહિનો થઈ ગયો. પણ હજુય કાળુને ઘરમાં જાણે કે કોઈ ચમત્કાર બનેલો લાગ્યા કરે છે: ‘આહા! સવિતાએ મને એક માનવીની ઓચિંતી ભેટ આપી. સવિતા પરમેશ્વરની કેટલી બધી નજીક હશે!’ બાળકોને જન્મ દેનારી બધી જ જનેતાઓ એને સર્જનહાર સાથે સીધી ઓળખાણવાળી લાગી. અને પુરુષોમાં તો એવા એણે એકને જ માન્યા હતા: દાદાને. પણ... આ બધાં લોકો મારી પછવાડે હસતા શા માટે હશે? કાળુના મનમાં સમસ્યા ઊપડી. એ ચાલ્યો જતો હોય તો પાછળ બાઈઓ ગુસપુસ કરી રહેતી: “આ ઓલીનો વર — વિવાહ પછી પોણાસાત મહિને જ...” એટલે આવીને એ વાક્ય ભાંગી જતું. ખિખિયાટાથી એ અધૂરું વેણ પૂર્ણવિરામ પામતું. ગાડી ઉપર કાળુ કામે જાય ત્યારે પાનપટ્ટી ઉપર ચૂનો-કાથો ચોપડતા ઊભેલા નાનામોટા અમલદારોથી લઈ હાથમાં ઝંડી-ફાનસ લઈ ફરતા સાંધાવાળાઓ પણ મોં મરોડીને હસતા: “કાં, કાળુ! છોકરું મજામાં છે ને! ચહેરોમોરો કોને — તને મળતો છે, કે એની બાને?” “હજુ અત્યારથી શી ખબર પડે?” કાળુ સહેજ મોં મરકાવીને જવાબ આપતો. ને સાચોસાચ, એનું બાળક બેમાંથી કોની સૂરત પ્રગટ કરે તો સારું, તે વાતની એના મનમાં મીઠી ચળ ઊપડતી. આખરે એ મનથી નક્કી કરતો કે ‘બસ, મારો બાળક સવિતાનાં જ રૂપરંગ ધારણ કરે તો સારું. મારા રૂપમાં તો શું બળ્યું છે!’ આખી રાત ગાડીમાં જાગતો એ વીજળી બત્તીની જ્યોતોને બાળકની આંગળીઓ સાથે જ સરખાવી રહેતો. પરંતુ... આજ આટલાં વર્ષો લગી મારી એક કૂતરા જેટલી પણ ગણતરી નહોતી ને હવે આ બધાં લોકો કેમ મારા ઉપર આવડું ધ્યાન આપી રહેલ છે? મારા જંતુ જેવા ક્ષુદ્ર જીવનમાં આ તમામને નવો રસ ક્યાંથી ઊભરાઈ નીકળ્યો છે! મારા સામે આંગળીઓ કાં ચીંધાઈ રહી છે? લોકો આટલા બધા સ્નેહભાવે મારા ને મારાં વહુ-બાળકના ખબર કાં પૂછે? બોતડ કાળુને ધીરે ધીરે રહસ્ય સમજાયું: ‘આ લોકો મારું ટીખળ કરે છે. મારી સવિતાને લગ્ન પછી સાત જ માસે બાળ જન્મ્યું, એ બનાવની પાછળ મોટો એક લોકાપવાદ ઊભો થયો છે. ‘બાળકનો સાચો બાપ હું નથી — કોઈ બીજો...’ પછી તો આખી સાંકળના મકોડા કાળુના મનની સ્મૃતિમાં બેસતા ગયા... સવિતાનો બાપ મારો પાડોશી હતો. હું જ્યારે જ્યારે ‘લાઈન’ પર જતો ત્યારે કંઈક ને કંઈક ચીજ લાવીને સવિતા સારુ દઈ આવતો. એના બાપા મને આવકાર આપતા; પણ સવિતાના અને મારા વિવાહની વાત તો એને સ્વપ્નેય સૂઝે તેવું નહોતું. ક્યાં એ શુદ્ધ કુલીન બ્રાહ્મણ, ને ક્યાં હું કુળહીણો, લઘરવઘર, ઊતરેલ ધાન સમાન, નામનો જ માત્ર જનોઈધારી! હું સવિતાને ભવિષ્યની અર્ધાંગનાના ભાવે જોઈજોઈને જ એ બધી ભેટો લાવું છું, એવું લાગે તો તો એ બ્રાહ્મણ મને કુત્તાને હવાલે જ ઘરનું બાર છોડાવે તેવો હતો. એમાં એકાએક ઓચિંતા એણે તે દિવસ મને કન્યા દેવાનું મન જાહેર કર્યું, અને ‘કાળુ શર્મા, દરદાગીના કે લૂગડાંની કશી તરખડ કરવાની નથી...’ એવું અભયવચન દીધું: પૂરી તિથિ પણ બરાબર જોયા વગર મૂંગામૂંગા અમારો હસ્તમેળાપ કરાવી આપ્યો; અને સવિતાને મારા શૂન્ય, નિર્જન ઘરમાં તે ને તે સાંજરે વળાવી આપી. પોતે, એકદમ વૈરાગ્ય ઊભરાયો હોય તેમ, જાત્રાએ નીકળી પડ્યા: જતી વેળા ન એની પુત્રી પ્રત્યે કે ન મારી પ્રત્યે કોઈ મમતાની લાગણી પણ બતાવી: જાણે કોઈ ચુડેલની ચૂડમાંથી છૂટવા માગતા હોય તેમ નાસી ગયા: એ બધું શા માટે એમ બન્યું? કાળુને એ કોયડાનો ઉકેલ હવે જડ્યો: સવિતાના ઉદરમાં પાપ હતું. એના બાપે મને ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ કર્યું હતું; કન્યાદાન નહિ પણ સર્પદાન દીધું હતું. બીજી વાતો પણ સાંભરી આવી: વેવિશાળ થયું તેના આગલા દિવસોમાં સવિતા મોં સંતાડીને જ ઘરમાં પેસી રહેતી. સગપણ થયું તે પછી પણ એની આંખોમાં આનંદ નહોતો; જાણે કોઈ અકળ મનોવેદના એને અંદરથી ભક્ષી રહી હતી. લગ્નમાં પણ એને જાણે લાગતું વળગતું નહોતું. હસ્તમેળાપમાં પણ એના હાથ શબના હાથ જેવા ટાઢાબોળ હતા. એ ઘેર આવી ત્યારે રાતે સૂવાના ઓરડામાં પગ મૂકતાં પહેલાં એને જાણે કે ભાગી છૂટવું હોય તેવા એના હાવભાવ હતા. અંદર આવ્યા પછી જ્યારે શરમાળ કાળુએ પહેલવહેલી ભુજાઓ પહોળી કરીને એ જીવનસખીને જકડી લીધી હતી — જાણે ‘તને હું હૈયાની સાથે મરણાન્ત સુધી જડી લઉં છું’ એવો પ્રગાઢ ભાવ ઠાલવ્યો હતો ત્યારે પણ સવિતાનું કાળજું એણે કોઈ વીંધાયેલી મૃગલીના સમું થડકતું સાંભળ્યું હતું. અંધકારમાં જાણે એ કશુંક ટેકણ શોધતી હતી. એ ફફડાટ એના ઉદરમાં પડેલા મહાપાપનો જ હતો: ખરું! તે પછીના સાત મહિના! દંપતીસુખની અખંડ સરિતા જેવો એ સમય વહેતો જતો હતો. કાળુ દરેક મુસાફરીથી જ્યારે ઘેર આવે ત્યારે એને કંઈક ને કંઈક નવીનતા ઘરમાં જોવાની જ હોય. એની થાળીમાં વારે વારે ભિન્ન ભિન્ન મીઠી વાની પિરસાતી, તેથી કાળુ બોલી ઊઠતો કે “આ શો ગજબ માંડ્યો છે? ગરીબનું ઘર શું તારે ફના કરી દેવું છે, સવિતા?” એ તો પાડોશીને ત્યાંથી આવ્યું છે... આમ છે... તેમ છે... વગેરે ઉડાઉ જવાબ દીધા પછી સવિતા મોડો મોડો ફોડ પાડતી કે “એ તો મેં ટાઢી વધેલી રોટલીનાં બટકાંને જરીક ઘીમાં વઘારી કટકોક ગોળ અને બે એળચીદાણા વાટી ભભરાવેલ છે: બીજું કશું જ એમાં નથી!” ઉનાળે સવિતા વારંવાર શ્રીખંડ પીરસતી, ને કાળુને ટગવતી કે “ગામમાંથી વેચાતું મંગાવ્યું”. પછી મોડોમોડો ખુલાસો મળતો કે “રાતે મારા વાળુ માટે રખાવેલું દૂધ હું મેળવી દઉં: સરખું મેળવણ પડવાથી ઢેફા જેવું જામી જાય: સવારે કપડામાં બાંધીને લટકાવી દઉં: પછી જેરણીથી ઝેરી નાખું: જરીક હોય તેમાં દૂધ ભેળવીને થોડું જાયફળ ભભરાવું: એ આ શ્રીખંડ છે! હું આ ખરચ નથી કરતી; બીઓ મા: ખાઓ તમતમારે!” કોઈ વાર સાંજે એ આવે ત્યારે ખાટલો, બાંકડો અને ફાનસ મૂકવાની ઘોડી સફેદા વતી રંગેલાં નવાંનકોર નીરખીને કહે: “આ શું ફનાગીરી માંડી છે! આપણે સાહેબલોક કે’દુનાં થઈ ગયાં!” એનું મોં દાબી દઈને સવિતા સમજાવે કે “સાંભળો તો ખરા! બે પૈસાનો સફેદો અને પૈસાનું બેલતેલ મંગાવીને મેં જ રંગ્યાં છે આ.” “તેં પોતે જ?” કાળુ ચકિત થતો. “હા. પણ તમે કહો જોઉં, ભલા: અર્ધા પૈસાનો પિરોજી રંગ મંગાવીને આને માથે અક્કેક આછી દોરી કાઢી હોત તો કેવું સરસ લાગત!” હાઇકૉર્ટની ફૂલ બેન્ચના જજોને પણ ઝાંખા પાડે તેવું ભારેખમ મોઢું કરીને કાળુ જોઈ રહેતો. ને પછી ડોકું ધુણાવીને કહેતો કે “ના રે! તો તો સફેદ રંગની ખૂબી મારી જાય!” એ રીતે કાળુના ફાટેલ ધોતિયામાંથી આછા જળેલા ટુકડા રંગત સાડલાના ટુકડાની કિનાર ભરેલ પડદાઓ બનીને ઘરની બારી આડા લટકતા થયા. જૂનાં, ઊતરેલાં પહેરણોની ચાળમાંથી ટુકડા કાઢી, તેની કોર ઓટી છ-બાર નૅપકીન સવિતા સંઘરી રાખતી, અને કોઈ મહેમાન જમવા આવે ત્યારે દરેક થાળીની બાજુમાં અક્કેકઅક્કેક મૂકતી. આમ સવિતાએ કાળુના શૂન્ય ઘોરખોદિયા નિવાસને સાચી કવિતા વડે સજાવ્યો હતો. એ સાત મહિના તો સાત દિવસની પેઠે વહી ગયા હતા. ને છતાં — યાદ કરતો ગયો કે છેલ્લા એક માસથી સવિતાની જૂની અકળામણ સજીવન થઈ હતી. એ જાણે ક્યાંઈક નાસી છૂટવાના મનસૂબા કરતી હતી; વિના કારણે રો રો કરતી હતી. આ બધા ફૂલ-ઢગલાની નીચે પેલો પાપનો સર્પ બેઠો હતો — ખરું? કાળુને કલેજે ઝેર ચડવા લાગ્યું. લોકમુખના બોલની બદબો એનાથી સહી જાતી નહોતી. ઘડીક થતું કે આ ગંદું બોલનારાંની ગરદનો મારાં પાંચ પહોળાં આંગળાંમાં પીસી નાખું! ઘડીક સવિતા પર કાળ ચડતો: ઘડીક પોતાની જિંદગી ખતમ કરવાનું મન થતું. નાસી જાઉં: આંહીંથી ક્યાંઈક દૂરદૂર નીકળી જાઉં: આ સાત મહિનાના સંસારને છેક ભૂંસી નાખું: એવા વિચાર ઊપડ્યા. સવિતા અને બાળક સાંભરી આવ્યાં, તેને જાણે આંખોની સામેથી ખેસવી નાખતો હોય એવી રીતે એ વારંવાર હાથ પસારવા લાગ્યો. આજે સવા મહિને નહાઈને સવિતા ઊઠી છે. ક્યાંઈક બહાર ગઈ છે. પોતાને ઑફ ડ્યૂટી’નો દિવસ છે. છેલ્લો નિકાલ લાવ્યા વિના એ રાત પણ કાઢવી કઠણ છે. કાળુને એક વાત સૂઝી: ‘દાદાને ખોળે દિલ ઠાલવીને એક વાર રસ્તો સમજી લઉં, પછી મન નહિ માને તો એક જ ઠેકે દુનિયાની બહાર ભુસ્કો મારીશ. લોકોનું બોલ્યું હવે મારાથી સહ્યું જતું નથી. નસરવાનજીદાદાના દવાખાનાના કમ્પાઉન્ડમાં કાળુ પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. પચીસેક સુવાવડીઓના ખાટલા સમાય તેવી નાનકડી દરિદ્રનારાયણ ઇસ્પિતાલ શાંતિમાં પડી હતી. બાળકોના રુદન-સ્વરો એ આખા ધામને સજીવન બનાવતા હતા. કોઈ કોઈ ભાડૂતી ઘોડાગાડી આવીને ઊભી રહેતી, અને અબોલ દાઈઓ શ્વેત પડછાયાઓ જેવી તરવરતી હતી. આત્માને — દુરાત્માને પણ — નમવાનું મન થાય એવું એ વાતાવરણ હતું. જાણે કોઈ અકળ, અગમ ધૂપ ફોરતો હતો. દવાખાનાની નજીકમાં જ નિરાળો, બેઠા ઘાટનો દાદાનો બંગલો હતો. મોખરે ફૂલઝાડોની ઘટાદાર કુંજ હતી. કાળુનાં પગલાં થંભ્યાં. કુંજની અંદર દાદા કોઈ બીજા એક માનવીની સાથે વાતો કરી રહેલ હતા. સૂર પરખાયો... અને શબ્દો પણ પકડાયા. એ તો સવિતા જ હતી! બાળકને ખોળામાં ધવરાવતી એ ભોંય પર બેઠી હતી. દાદા જરી છેટે બાંકડા પર બેઠા હતા. વાતના તાર બંધાઈ ગયા હતા; તેમાંથી કાળુને કાને શબ્દો પડ્યા: “શું કરું, દાદાજી! હું તે દિવસ પાપમાં લપસી પડી. રજપૂત પાડોશીને ઘેર હું લગ્નનાં ગીત ગાવા કોણ જાણે ક્યાંથી જઈ ચડી, અને એ અમલદારના દીકરા કરણુભાનો હું ભોગ થઈ પડી, દાદાજી!” કાળુના રોમેરોમે શૂળા પરોવાઈ ગયા. “તે પછી તો, દાદાજી, મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારી પ્રાણદોરી ખેંચી લ્યે. હું તો તે દિવસે મારી આવરદા ટૂંકી કરવા જ બેઠી હતી; રાતનાં અંધારાં ઊતરે એટલી જ વાર હતી. ત્યાં તો આ આવ્યા, ને મારા બાપાએ એની પાસે વાત મૂકી. એણે કબૂલ કર્યું. મને લાગ્યું કે જગદીશ્વરીએ જ મારી ધા સાંભળી.” “બેટા!” દાદા બોલ્યા: “એમ સમજીને તેં કાળુનો અવતાર બગાડી નાખ્યો?” સવિતાના ધ્રુસકા સ્પષ્ટ સંભળાતા હતા. “સાચું છે. મારા પોતાના પાપનું મને જેટલું લાગી આવે છે તે કરતાં વધારે તો મને આ છેતરપિંડીની વાત પીડે છે. મેં શીદ આ ભોળા જુવાનનું જીવતર રોળી નાખ્યું...” સવિતા ખૂબ રડવા લાગી: ‘મને આ છેતરપિંડી બહુ ન ડંખત જો મારે ને એને સાધારણ ઘર-સંસાર હોત તો. પણ, દાદાજી, એ બાપડો મને શું પૂજે છે! શું પૂજે છે! અરે, મને ઈશ્વરથી બીજી ગણીને ભજે છે. એને મેં...” “અને તને એના ઉપર કેવું વહાલ છે, બેટા?” “હું શું કહું, દાદાજી!” સવિતાએ છોકરાના માથા પર હાથ મૂક્યો: “એનું કલંક ધોઈ નાખવા સારુ તો હું મરવાના જ મનસૂબા કરું છું. હું તો હવે ગંધાઈ ગયેલ હાંડલું થઈ ગઈ. મને હવે કોઈનો ભો નથી. પણ આની સાથે જીવ એવો મળ્યો છે કે જળમીનની ગતિ છે. એના હેતને કારણે હું એ કહે ત્યાં ચાલી જઈશ; કહેશે તો ટૂંપો ખાઈશ.” સંતાયેલો કાળુ વધારે સાંભળી ન શક્યો. એ ત્યાંથી ચાલવા ઊભો થયો. દાદાનું છેલ્લું વેણ એના કાનમાં ઝિલાતું ગયું: “જા, બેટા! આવડો બધો પ્યાર તો ચાહે તેવા પાપને પણ જલાવી નાખે છે. પાપ રહ્યું જ ક્યાં! અને બાળક? બાળક તો બીજા કોઈનું નથી — ભગવાનનું છે: એને કોણ પાપ કહી શકે! આવડા બધા હેતની આગ પાસે પાપ ખાક થઈને જ પડે. તું જા; અને ઘેર જઈને બધી કબૂલાત કરી દેજે. જો એનો પ્યાર ખરો હશે તો દુનિયા જખ મારે છે; છતાં જો એનું દિલ ન ચાહે, તો તું બચ્ચું લઈને ખુશીથી આંહીં ચાલી આવજે.” કાળુ ત્યાંથી નીકળી ગયો; અંધારે અંધારે તળાવની સડકે ચાલતો થયો. દાદાના છેલ્લા બોલ એના અંત:કરણમાં ગુંજતા હતા: સાચા પ્યારની આગમાં પાપ બળીને ખાક થાય છે... બાળક તો કોઈનું નથી — એકલા ભગવાનનું છે... સાચો પ્યાર હોય તો દુનિયા જખ મારે છે. વાળુટાણે એ ઘેર ગયો. હંમેશની માફક એણે સવિતાનું માથું બન્ને હાથમાં લીધું. પોતે પતિને અભડાવતી હોય એમ એ ધીરેથી દૂર હટી ગઈ. એણે શરૂ કર્યું: “આજે હું દાદા પાસે ગઈ હતી.” “મને ખબર છે.” “ક્યાંથી?” “હું ત્યાં હતો.” “તમે બધું સાંભળી ગયા છો?” સવિતા ફફડી ઊઠી. “ના, બધું સાંભળવાની જરૂર નહોતી. ફક્ત એટલું જ યાદ રાખ્યું છે કે — સાચા પ્યારની આગમાં પાપની ખાક થાય છે: બાળક ઈશ્વરનું છે: ને દુનિયા જખ મારે છે.” ઘોડિયે પોઢેલા બાળક ઉપર એ લળી પડ્યો. અને પછી કાળુએ જ્યારે સવિતાને હૈયાસરસી લીધી, ત્યારે આઠ મહિનામાં તે દિવસ પહેલી જ વાર કોઈ નિષ્પાપ, હળવાફૂલ જેવી બનીને સવિતા એની છાતી ઉપર ઢળી પડી.