મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/બબલીએ રંગ બગાડ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બબલીએ રંગ બગાડ્યો
[૧]

“કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે — તૈયાર છો ને?” “હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું.” “વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંક્શને જ મળજો. તમારે રહેવું હોય તો બે દિવસ વધુ ઘેર રહી શકો છો.” “ના જી, મારે જરૂર જ નથી.” “તમારી ટિકિટ પણ ફર્સ્ટ ક્લાસની જ કઢાવજો, હાં કે!” “આપણે જંક્શને મળશું ત્યાંથી જ કઢાવીશ.” “નહિ નહિ, તમારા જ સ્ટેશનથી કઢાવી લેજો. એમાં શી વિસાત છે?” “તો હું આજે જ ઊપડું?” “હા, ને ત્યાં હિમાલયમાં ઠંડી બહુ પડે છે; તમારે માટે ગરમ કપડાં જોઈશે. આપણા દરજીને માપ આપી આવો આજે. અમે તમારાં કપડાં લેતાં આવશું.” બક્ષી માસ્તરને અને શેઠાણીને આટલી વાત થયા પછી બક્ષી માસ્તર ઊઠ્યા. પોતાના પ્રત્યેની શેઠ-કુટુંબની આટલી બધી કાળજી એને અચંબો પમાડી રહી. શેઠનાં બાળકોના ટ્યૂટર થવાનો મોટામાં મોટો લાભ બક્ષી માસ્તરે આ જ માન્યો હતો: પોતાનું સ્વમાન રક્ષાતું હતું; પોતાના તરફ ખુદ શેઠ જેટલી જ સંભાળ રખાતી હતી. બીજો લહાવો હતો હિમાલયના ખોળામાં આળોટવાનો. કૉલેજમાં હતા ત્યારે બક્ષી માસ્તરે ‘કુમાર-સંભવ’ નામનું કવિવર કાલિદાસનું મહાકાવ્ય લગભગ કંઠે કર્યું હતું. હિમાલયનાં હિમ-શૃંગો, ઝરાઓ, હર-ગૌરી બન્નેનાં તપસ્થાનો અને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ઊગમસ્થાનો જોવાનું સ્વપ્ન પણ એ પોતડી પહેરીને ભણનાર એક બ્રાહ્મણપુત્રને મન દોહ્યલું હતું. કોઈ બીજા ઠેકાણાની નોકરી મળી હોત તો બીજી બધી વાતે ચાહે તેટલું સુખસાધન મળત છતાં હિમાલયના સૂર્યોદય ને સૂર્યાસ્ત તો એને માટે કદી ન પહોંચાય તેટલા દૂર જ રહ્યા હોત ને! આંહીં તો પ્રત્યેક ઉનાળે આખા દેશનાં શીતળ ક્રીડાસ્થળોનાં પર્યટનો સાંપડવાની સગવડ હતી. જુવાન પત્નીને અને નાનાં બાળકોને પોતાને ગામડે માતપિતા પાસે મૂકી આવીને જ્યારે બક્ષી માસ્તરે ગામડાના નાનકડા સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ માગી ત્યારે સ્ટેશન–માસ્તરને દોડાદોડ થઈ પડી. પોલીસ-કોન્સ્ટેબલે દૂર ઊભે ઊભે આ ફર્સ્ટ ક્લાસ પૅસેન્જરના દીદાર તપાસ્યા. એનું બિસ્તર પડ્યું હતું તેમાં કોઈ ચોરીનો અથવા દાણચોરીનો કિંમતી માલ હોવાનો પણ શક ગયો. પણ બક્ષી માસ્તર પાણીદાર જુવાન હતા. એણે એક પણ આડાઅવળા પ્રશ્નનો જવાબ આપવાની ના કહી. માસ્તરને જણાવી નાખ્યું: “કાં ટિકિટ ફાડો નહિ તો તમારા ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ પરનો આ તાર સ્વીકારો.” સર્વ ઉતારુઓને અજાયબ કરતા બક્ષી માસ્તર છેવટે પૂર્ણ દરજ્જાથી પહેલા વર્ગના પ્રવાસી બન્યા. સાંજે ... જંક્શન આવ્યું તે પછી રાતના અગિયાર વાગ્યા સુધી પહેલા વર્ગના ડબામાં ચૈત્ર મહિનાના અંધારિયા પખવાડિયાની મોડી રાતની ચાંદની રેલાતી રહી, અને શેઠની નાની પુત્રી વિશાખાનાં નૃત્ય ચાલ્યાં. મોટી પુત્રી મયંકીએ પોતાનાં ચિત્રોનું એક આલ્બમ તૈયાર કર્યું હતું તે સૌએ જોયું ને તેની ખૂબીઓ પર બક્ષી માસ્તરે ટૂંકી ટૂંકી વિવેચનાઓ આપી. પછી શેઠાણીના દિલરુબા પર બેઠેલા હાથનો પણ પરિચય જડ્યો. બીજા જે બે-ત્રણ સાથીઓને સાથે લીધા હતા તેમણે પોતપોતાની કરામતો બતાવી. આખરે શેઠનો વારો આવ્યો. બક્ષી માસ્તરને સહુથી મોટું આશ્ચર્ય તો એ લાગ્યું કે આડા દિવસનું પોતાનું તમામ અક્કડપણું સરપ પોતાની કાંચળી ઉતારી નાખે એટલી આસાનીથી ઉતારી નાખીને શેઠે હાસ્ય-રસની જમાવટ કરી મૂકી. પોતપોતાના ડબામાં સૂઈ ઊઠીને વળતા પ્રભાતે સહુ પાછા શેઠ-શેઠાણીની જોડે ચહા-નાસ્તામાં જોડાયા. ભેળા વનસ્પતિશાસ્ત્રના શિક્ષકને લીધા હતા, તેણે સડકની બેય બાજુનાં નવાં નવાં ઝાડો વિષેનું જ્ઞાન શેઠ-પુત્રી વિશાખાને આપવા માંડ્યું. બીજા એક મણિપુરી નૃત્યકાર હતા, તેણે વિશાખાને નવા નૃત્યનાં પગલાં બતાવ્યાં. ચિત્ર-શિક્ષકે મયંકીને તેમ જ શેઠ-પત્નીને નવી કૃતિ દોરવાને માટે એ ઊઘડતા પ્રભાતનું દૃશ્ય બતાવ્યું. જબલપુર બાજુની નર્મદા નદી આરસના પહાડો વચ્ચે થઈને એ પ્રત્યેક પહાડ-સૌંદર્યની જાણે કે પદ-ધૂલિ લેતી જતી કોઈ પૂજારણ જેવી ચાલી જતી હતી. એને તીરે ઊભેલ બે હરણાં જાણે કે એ સૌંદર્ય-યાત્રિકાનાં નીરમાં પોતાના પડછાયા પાડીને પણ પાવન બનતાં હતાં. આઘેઆઘે ગોવાળ કોઈ વિરહ-ગીત ગાતો હતો. પણ ધમધમાટ દોડી જતી આગગાડી એના શબ્દો પકડવા આપતી નહોતી. “બક્ષી માસ્તર!” શેઠાણી વિનયપૂર્વક બોલ્યાં: “આ બધા પ્રદેશોનાં ઇતિહાસ-ભૂગોળ પણ વિશાખાને કહેતા જશો ને?” “હા જી; પછી વિશાખાબહેન એ પરથી વાર્તારૂપે જે પરિચય લખશે તેને આપણે ‘જીવતી ભૂગોળ’ નામથી છપાવીએ પણ કાં નહિ?” “હા, એ તો લખે તેવી છે.” “મેં એની શૈલીનો વિકાસ થાય તેવી તાલીમ આપ્યા જ કરી છે.” “એ તો ઝટ પકડી લેશે.” યાત્રાળુઓ પૂર્વ બંગાળમાં પહોંચ્યાં, ને બક્ષી માસ્તરે પોતાની નોંધપોથીમાં ટપકાવ્યું કે ‘કુદરતે સંન્યાસ લેતાં પહેલાં છેલ્લાં આભૂષણો જાણે કે આંહીં ઉતાર્યાં હશે. ટપકાવીને તરત એણે વિશાખાને વંચાવ્યું. વિશાખાને કંઠે એ વાક્ય રમતું થઈ ગયું. દોડતી ને કૂદતી એ પોતાના ચિત્રગુરુ પાસે ગઈ. ચિત્રગુરુએ પોતાની પોથીમાં જે રેખાઓ પાડી હતી તેનું વિશાખાએ બારીક નિરીક્ષણ કર્યું. પછી વનસ્પતિના શિક્ષક પાસે ગઈ. એમની પાસેથી આ વનરાજિના ગુણદોષ જાણ્યા. સંગીતાચાર્યે વિશાખાને પદ્મા નદીના નાવિકોના ગાનની સરગમ બાંધી આપી. મણિપુરી નૃત્યકારે નદીના નીરની ગતિમાંથી નવો એક નૃત્ય-પ્રકાર વિશાખાને માટે ઊભો કરી આપ્યો. બે મહિનાના પર્યટનની રસલૂંટ લૂંટીને યાત્રિકો પાછાં વળ્યાં. બક્ષી માસ્તર સીધેસીધા પાછા પોતાના કુટુંબને તેડવા પોતાને ગામ ચાલ્યા. “ત્યાં રોકાશો નહિ, હાં કે માસ્તર!” શેઠાણીએ કહ્યું: “વિશાખા આ બધું ભૂલી ન જાય તે માટે આપણે તરત જ ‘લેસન્સ’ શરૂ કરી દેવાં છે.”

[૨]

ફરી પાછા માસ્તર એ નાના સ્ટેશને પહેલા વર્ગના ડબામાંથી ઊતર્યા ત્યારે સ્ટેશન–માસ્તર અને પોલીસ-કોન્સ્ટેબલ ચકિત થયા. વળતા દિવસે એ જ જુવાનને કુટુંબ સહિત ત્રીજા વર્ગની ટિકિટ માગતો સાંભળીને સ્ટેશન-માસ્તરની મૂંઝવણ વધી ગઈ. રસ્તે બક્ષી માસ્તરે પત્નીને પણ પ્રવાસની વાતો કરી. ચાતક મેઘજળને ઝીલે તેટલી મુગ્ધતાથી એ ગ્રામ્ય સ્ત્રીએ પતિના મોંની વર્ણન-ધારાઓ પીધી. “પણ વિશાખાબેનની તો શી વાત!” બક્ષી માસ્તરે તમામ વર્ણનોની વચ્ચે વચ્ચે વિશાખાનાં વખાણની વેલ્ય ગૂંથ્યા કરી: “અમે જે કંઈ એક વાર બતાવીએ તે વિશાખાબેન તો પકડી જ પાડે, ભૂલે જ નહિ.” “આ તમારી બબલીય...” માસ્તર પત્નીએ ખોળામાં સૂઈ ગયેલી પોતાની બે વર્ષની છોકરીને મોંએ હાથ ફેરવીને કહ્યું: “આ તમારી બબલીયે અસલ એવી જ થવાની છે, જોજો ને!” એટલું કહીને બબલીની માએ મોં નમાવ્યું. બબલીના સૂતેલા મોં પર એણે એક ચૂમી ચોડી, એ એક ચૂમીથી ન ધરાતાં એણે ઉપરાઉપરી નવી બચીઓ ભરી. પ્રત્યેક બચીએ એ બોલતી ગઈ: “એવી..ઈ...ઈ જ થશે — જોજોને! જોજોને એવી ઈ...ઈ જ થશે!” પછી બબલીની બાએ વૈશાખ-જેઠ બે મહિનાભરના બબલીની બુદ્ધિચાતુરીના નાનામોટા પ્રસંગો યાદ કરવા માંડ્યા: “એક દિ’ તો બાપુ શ્લોકો ગાતા, તે બબલી એકધ્યાન થઈને સાંભળી રહી. “રાતે આપણા ચોકમાં રાસડા લેવાય, એટલે બબલીય તે માથે મારી સાડીનું ફીંડલું ઓઢીને હારબંધ ઊભી રહી જાય; પછી તાળીના કાંઈ લે’કા કરે, કાંઈ લે’કા કરે! બધા તો હસીહસીને બેવડ વળી જાય. “અરે, શું વાત કરું? મારું કંકુ લઈને એક દા’ડો તો કાંઈ પોતાનું મોં રંગ્યું’તું એણે! “જે કોઈ પંખીને બોલાતું સાંભળે તેની બોલી કર્યા વિના બબલી રહે જ નહિ ને! “બાપુજીએ તો બબલીના ચેનચાળા જોઈને પચીસ વાર કહ્યું છે કે, આ છોકરી રાંડ મોટપણે શુંનું શુંય કરશે!” ગાડીનો વેગ વધતો જતો હતો. પણ એનો ગડુડાટ બક્ષી માસ્તરને યાદ રહ્યો નહિ. સ્ટેશનો પણ અણપેખ્યાં જ આવ્યાં ને ગયાં. બક્ષી માસ્તર બબલીનાં પરાક્રમો સાંભળતા રહ્યા. છતાં પત્નીના હસવામાં એનાથી શામિલ ન થવાયું. પત્ની જ્યારે જ્યારે બબલીની કોઈક બુદ્ધિશક્તિ પર આનંદના ઓઘ ઠાલવતી હતી ત્યારે ત્યારે બક્ષી માસ્તરના મોં પર ખારાપાટના પોપડા વળી જતા હતા.

[૩]

બીજા બાર મહિનાભર વિશાખાનો જીવન-વિકાસ સર્વ શિક્ષકોના ધ્યાનનું મધ્યબિંદુ બની રહ્યો. વિશાખાને ભણાવનારા માસ્તર સાહેબોની પ્રતિષ્ઠા વધતી ગઈ. જાહેર તેમ જ ખાનગી કલાના સમારંભોમાં નાનકડી વિશાખા નામ કાઢતી જ રહી. એ પરથી કેટલાક અમીરોએ તો સાચેસાચ વિશાખાના વિદ્યાગુરુઓમાંથી કેટલાકને પોતાની નોકરીમાં આવવા લાલચો આપી. અનેક શેઠાણીઓને એકાએક એવું જ્ઞાન થવા લાગ્યું કે એ લોકોની વિશાખા કરતાં પણ વધારે તેજસ્વી બને તેવી અમારી છોકરીઓની શક્તિ છે પણ એ લોકોને તો સુભાગ્યે સારા શિક્ષકો જડી ગયા છે તેથીસ્તો! આ વસ્તુનો ફાયદો વિશાખાના શિક્ષકોને જ થયો. મણિપુરી નૃત્યકારે એક દિવસ દમ દઈ દીધો કે મને તો બીજે ઠેકાણે વિશેષ લાભ મળે તેમ છે. પરિણામે સહુના પગારો વધ્યા. બધા ખુશ થયા. એ ખુશાલીના પ્રવાહમાં ન ખેંચાઈ શક્યા એક બક્ષી માસ્તર. જડ પથ્થર જેવા એ તો બની ગયા હતા. બાર માસ વીતી ગયા. તે દરમિયાન બબલીને તો બક્ષી માસ્તર સવારનો એકાદ કલાક મળી શકતા; ને સાંજરે બબલી વહેલી સૂઈ જતી તેથી, ઘણુંખરું, પિતા-પુત્રીનું મિલન તો ચોવીસ કલાકે જ થઈ શકતું. રાત્રીએ બક્ષી માસ્તર બબલીના બિછાના પર લળીને મૂંગા મૂંગા જોયા કરતા. એમના મોં પર શૂન્યતાનો ખારોપાટ ફરી કદી ભીનો થતો જ નહોતો. સવારે રમતી બબલીમાં એને અનેક અણદીઠ શક્યતાઓ નાચતી દેખાતી. પત્ની પૂછતી: “શું જોઈ રહો છો? એવડું બધું તે કયું રૂપ દેખી ગયા છો તમારી છોકરીમાં!” એનો જવાબ બક્ષી માસ્તર ગોઠવી શકે તે પૂર્વે જ પાછી બીજી ગ્રીષ્મ આવી; અને એ સળગતા નગરમાંથી શેઠિયા કુટુંબો શીતળ ગિરિશૃંગો તરફ ઊપડવા લાગ્યાં. ફરીથી શેઠાણીએ ખબર આપ્યા: “કાં માસ્તર, તૈયાર છો ને?” બક્ષી માસ્તરે મૂંગા મોંની હા પાડવા માટે કેવળ માથું જ ધુણાવ્યું. પણ એમની આંખોમાં એક જાતની દયાજનકતા હતી. “તો પછી તમે કુટુંબને જલદી દેશમાં મૂકી આવો છો ને!” આ વાક્ય આગલે વર્ષે બક્ષી માસ્તર પોતે બોલ્યા હતા. આ વખતે બોલનાર બદલાયું. “ભલે.” માસ્તરે મંદ જવાબ વાળ્યો. “આ વખતે તો તમારી નવી શિષ્યાનેયે તમારે તૈયાર કરવાની છે: જાણો છો ને?” કહીને શેઠાણી સહેજ મરક્યાં. બક્ષી માસ્તર જરા બેધ્યાન હતા. “કેમ? યાદ ન આવ્યું? આપણી રોહિણી! હવે બે વર્ષની થઈ ગઈ.” શેઠાણીએ પોતાની નાની પુત્રીની વાત કરી. “હા જી, સાચું.” એવો લૂખો જવાબ વાળીને બક્ષી માસ્તર પાછા વિદ્યામંદિરમાં ગયા. જતાંજતાં એનું મન કશોક એવો બબડાટ કરતું હતું કે ‘કાલ વિશાખા હતી, આજે હવે રોહિણી, આવતે વર્ષે કોઈ ત્રીજું નક્ષત્રનામધારી...’ ઘેર જવાની તૈયારી વખતે બક્ષી માસ્તરે બંગલાની બેઠકમાં ગરમાગરમ અવાજ સાંભળ્યો. બહાર ઊભા રહીને એણે કાન માંડ્યા. બાઈ કોને ઠપકો દેતાં હતાં? શંકરિયાને? કદી જ નહિ ને આજ શા માટે? બાઈનો ઉગ્ર અવાજ આવ્યો: “એટલે તું અમારી જોડે નહિ આવે — એમ ને?” “નઈ. બાઈ, મને મારે દેશ જવા દો.” “રોહિણી તને આટલી બધી હળી ગઈ છે તેનું શું?” “ખરું, બાઈ; પણ મને આ વખતે છોડો.” “એમ કે?” શેઠાણીના અવાજમાં વેદના હતી: “તમને સૌને અમે ઘરના કરી સાચવ્યા એટલે જ છેવટ જતાં અમને જૂતિયાં આપો છો, ખરું ને?” “નઈ, બાઈ, એમ નઈ...!” “ત્યારે કેમ?” “હું ક્યાં એમ કહું છું?...” “ત્યારે તું શું કહે છે?” “મારેય, બાઈ, દેશમાં મારી છોકરી...” શંકરિયો પૂરું સમજાવી ન શક્યો. પણ બાઈ સમજી ગયાં. એ પછી વધુ વાતચીત સાંભળ્યા વિના જ બક્ષી માસ્તર મોટરગાડીમાં ચડ્યા. ઘેર પહોંચતાં સુધીમાં એણે આ વખતના પર્યટનનું બધું જ આકર્ષણ કલ્પનામાં ગોઠવી લીધું. આ વખતે તો દક્ષિણનો પ્રવાસ છે. સુખડથી મહેકતો મલબાર: સંગીતધામ બૅંગલોર: નાળિયેરની વનરાજિઓ: હિમાલયનાં શૃંગોને હિંદુ પ્રજા કેમ જાણે ઉતારી ઉતારીને દક્ષિણમાં સાથે લઈ આવી હોય તેવા ગગનચુંબી મંદિરો: મહાબલિની વિરાટ પ્રતિમા: કથકલી નૃત્યો: જળઘેરી ને કાજળઘેરી સુંદરીઓ: અને સ્વપ્નભૂમિ સિંહલદ્વીપ. પછી એ સઘળા પર્યટનોમાંથી હું નવીન જ ઢબે હિંદના ઈતિહાસ-ભૂગોળ આલેખી શકીશ. જ્ઞાનનો વારિધિ મારી કલ્પનામાં ઉછાળા મારશે. આટલા બધા માનપાન સાથે મને આવી યાત્રાઓ કરાવનાર માલિકો બીજે ક્યાં મળે? પણ... મારા દિલ જોડે મારે આ વખતે આટલી બધી દલીલો કેમ કરવી પડે છે? ગયા વર્ષે તો આ બધા પ્રલોભનો ગણી ગણી તપાસવાની જરૂર નહોતી પડી! આ વખતે મન પાછું કેમ હટે છે? વારે વારે મારા એ દક્ષિણના કલ્પના-વિહારોમાં કોણ હડફેટે આવે છે? મોટી વિશાખા અને નાનકડી રોહિણીને હું સેતુબંધ રામેશ્વરની વાત કરતો હોઈશ એવું જ્યારે કલ્પું છું ત્યારે કોણ મારા હાથ પકડીને ખેંચતું મને કહે છે કે ‘બા-પા...બા-પા...મને...મને...મને...’ મોટરમાંથી ઊતરીને પોતે શોફરને કહ્યું: “થોડી વાર થોભજો તો, ચિઠ્ઠી મોકલવાની છે.” અંદર જઈને પોતે શેઠાણી ઉપર કાગળ લખ્યો: માનવતાં બાઈશ્રી, પ્રવાસમાં હું નથી જોડાઈ શકતો, દરગુજર ચાહું છું. હવે પછી પણ ઉનાળાના પ્રવાસોમાં મને જોડે ન લઈ જવાની શરતે જ હું નોકરીમાં રહી શકીશ. તમારા તરફથી તો મને કોઈ જ કારણ મળ્યું નથી. તમારી રીતભાત અને રખાવટમાં જે સમાનતાનો ભાવ છે તે તો વિરલ છે. પરંતુ નાની રોહિણીને અને મોટી વિશાખાને જ્ઞાનસમૃદ્ધ બનાવવાની ચોવીસેય કલાકની મારી તન્મયતાના પાયા તળે એક નાનું બાળક ચંપાય છે: એ છે મારી બબલી. રોહિણીને અને વિશાખાને આખા જગતનું સૌંદર્ય પીવા મળે તેની મને ઇર્ષા નથી; પણ મારી બબલીને હું મારા ગામડાની સીમડીએ તો ફેરવું, એટલી જ મારી ઇચ્છા છે. તમારી સૌની વચ્ચેનાં મારાં ગુલતાનો ગયા વર્ષે જડ હતાં, આ વખતે એમાં એક જ બિંદુ ઝેર જેટલી સમજ પેસી ગઈ છે કે ચોવીસેય કલાક તમને હું આનંદ કરાવતો હોઈશ ત્યારે મારી ગ્રામ્ય પત્ની મૂઢ સંતોષ પકડીને મારે ગામડે બેઠી હશે. આ વિચારો પર આપણી મંડળી પેટ ભરીભરીને હસશે એ હું કલ્પી શકું છું. પત્ર લખી કાઢ્યો, વાંચી જોયો, ફરીફરી વાંચ્યો. બીડ્યો. લઈને બક્ષી માસ્તર મોટર સુધી ગયા. એકાએક એણે શોફરને કહ્યું: “કંઈ નહિ... ચિઠ્ઠી નથી આપવાની. લઈ જાઓ ગાડી.” પાછા આવીને કાગળને એણે પોતાના ખાનગી કાગળોની ફાઇલમાં પરોવ્યો. પરોવતાં પરોવતાં વિચાર્યું કે આજે તો હું સ્થિતિનો ગુલામ છું, મૃત્યુ પછી મારા મનના અગ્નિની પિછાન આ કાગળ કરાવશે. બબલીને અને બબલીની માને ગામડે મૂકીને ત્રીજા દિવસે જ્યારે બક્ષી માસ્તર એ પહેલા વર્ગના મુસાફરોની મિજલસમાં જોડાયા ત્યારે એમણે જોઈ લીધું કે નાની રોહિણી ચીસો પર ચીસો પાડતી હતી. શંકરિયો નહોતો આવ્યો.