મેઘાણીની સમગ્ર નવલિકા 2/એક વાર્તાલાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક વાર્તાલાપ

“કાં, કેમ ચાલે છે?” “ચાલે છે શું! માંદગીનું કામ દોઢ્યે ચાલે છે. એક છોકરું હજુ સાજું ન થયું હોય ત્યાં બીજું પટકાયું જ હોય. પાર આવતો નથી.” “તમે પણ હદ કરો છો! બાળકોની સારવારમાં કેટલા પ્રાણ પરોવીને તમારાં પત્નીની સાથોસાથો કાયા ઘસો છો! કેટલી કર્તવ્યભાવના!” “મુદ્દલ નહિ. પ્રમાણિકપણે કહું છું કે બાળકોની માંદગીમાં હું બિલકુલ હૃદય દઈ શકતો નથી. મને એ સારવાર ને એ બાળકો કડવાં ઝેર જણાય છે. આ તો હું ન કરું તો બીજું કોણ કરે, એમ જખ મારીને કરું છું.” “તમારો દોષ નથી. બાળકોની સારવાર એ પુરુષપ્રકૃતિમાં જ નથી. મારું પણ એમ જ છે. ફેર આટલો કે હું એમાં ઇરાદાપૂર્વક પડતો નથી. ઘસઘસાટ ઊંઘતો હોઉં આખી રાત, સવારે ઊઠું ત્યારે રિપોર્ટ આપે પત્ની કે આ છોકરાને શેક કરવો પડેલો, બીજી છોકરીને માથે બેથી ચાર સુધી પોતાં મૂકવાં પડેલાં, ત્રીજાને પેટે હિંગ, દિકામાળી ને એળિયો વાટી ખદખદાવી ચોપડવાં પડેલાં. જવાબમાં હું ફક્ત એટલું બોલું કે અરરર! આટલું બધું બની ગયું ને મને ખબર સુધ્ધાં ન પડી! બસ. પતી જાય.” “....ભાઈ પણ એમ જ કહેતા. એય મારી પ્રકૃતિ જોઈને કહેતા કે ના રે ભાઈ, આપણું એ કામ નહિ; આપણા રામ તો ઘરમાં એક છોકરું માંદું પડે કે તુરત ઘોડી પલાણી પરગામ ભેળા જ થઈ જવાના. આરામ થવાના સમાચાર મળ્યા પછી જ ઘેર પગ મૂકવાના.” “એક રીતે એ ઠીક જ હોય છે: સ્ત્રી પોતાની વાતમાં સ્વતંત્ર રહે છે. એ એની રીતે અને એની પૂર્ણ સત્તાથી એનું ફોડી લે છે. આપણે ભળીએ ત્યારે આમ કરવું કે તેમ કરવું તે બાબત મતભેદ ઊભા થાય છે ને પછી તંગ લાગણીઓ તૂટી પણ પડે છે.” “હા, એથી તો પેલું ભલું, કે પુરુષને બાપડાને કશું આવડતું અથવા ફાવતું નથી, એ બાપડો ઉજાગરા કરી શકતો નથી, એ તો માંદગીના મામલામાં ‘ઢ’ જેવો છે, એવી એક માન્યતા જ સ્ત્રીના મનમાં ઊભી કરી દેવી.” “ખરું છે. એવી કાયમી છાપ પડી ગયા પછી સ્ત્રીને દુ:ખ લાગવાપણું રહેતું નથી. એ ને પુરુષ બંને પોતપોતાના પ્રદેશ પરત્વે મોકળાં રહે છે.” “હું એમ જ માનું છું, પણ આચરી શકતો નથી. મારા છોકરાને તો એ પાઠ પહેલેથી જ ભણાવ્યો છે, કે ભાઈ, સ્ત્રીના કામમાં ઝીણુંઝીણું માથું મારતો જ નહિ; ભલે એક વાર તો તું જડ છે, જરા લાગણીહીન છે એવી જ માન્યતા બંધાવા દેજે. બાકી એક વાર જો વિગતોમાં ઊતર્યો તો કાયમનું બંધન અને અણસમાધાનીના લોહીઉકાળા સમજી લેજે.” “આપણી ફક્ત ઘરમાં હાજરી, એ જ સ્ત્રીને માટે મોટી હૂંફ હોય છે. એથી એનું દિલ ભર્યું ભર્યું અને નિર્ભય રહે છે. એથી વધુ પ્રમાણમાં જો એનો ગૃહભાર હળવો કરવાની વિશુદ્ધ દાનતથીયે એક વાર આગળ વધ્યા તો પછી એ પાંગળી બનશે ને આપણાથી સદાનો અસંતોષ સેવશે. એને આપવો ફક્ત હાજરીનો લાભ.” “મારો એ જ અનુભવ છે. હમણાં સુધી એવું હતું કે હું જે રાત બહારગામ ગયો હોઉં તે રાત બધી સ્ત્રીને ઊંઘ ન આવે, અખંડ ઉજાગરા કરે, ગામમાં હોઉં ને રાતે મોડો ઘેર ગયો હોઉં તો દરમ્યાનમાં એ બે-ત્રણ વાર તો બેઠી બેઠી રડી હોય, ને ગયા પછી પણ એને શાતા વળતાં સારી એવી વાર લાગે. પછી એ સવાર સુધી ગહેરી નીંદ ખેંચે ને પ્રભાતે હળવીફૂલ થાય. પાંચ-છ છોકરાની મા થઈ છતાં આમ હતું.” “એનું કારણ એ નથી કે એને એકલાં બીક લાગતી હોય?” “નહિ રે! ઘેર ચાર ચોકીદાર સુવાડો તોયે ઝૂરશે.” “તો શું સંશય?” “એ પણ નહિ. સહજીવનની લાગણી જ એને હિજરાવતી હોય છે. એમાં વય, સંશય કે ભય એવું કશું જ કારણ નથી.” “આપણા લગ્નજીવનમાં આ કોમળ ભાવની જ મીઠાશ છે.” “મીઠાશ તો શેમાં છે એ ખબર પડતી નથી. મને આપણી વાતની સાથોસાથ આજનો જ એક પ્રસંગ યાદ આવે છે. મારી વાડીમાં એક કોળી કુટુંબ કામ કરે છે. એનો પુરુષ આજે આવીને કહે કે મારા જમાઈનું શું કરવું? આજે રિસાણો છે. ખાવા આવતો નથી. ખિજાયેલો ખિજાયેલો ફરે છે. મેં એ જુવાનને બોલાવ્યો. પૂછ્યું: તને શું થાય છે? કહે કે બીજું કાંઈ નથી; ઈવડી ઈને હું બેક નીરીશ તયેં ઈ સમીસુતર થશે. ‘ઈવડી ઈ’ એટલે એની અઢાર વરસની જુવાન કોળણ બાયડી.” “નીરીશ એટલે?” “ન સમજ્યા? ઢોરને ખાણ ખડ નીરે, એમ સ્ત્રીને માર મારે તેને ‘નીરવું કહે. મેં એને પૂછ્યું કે શી વાત છે તે તો કહે? કહે કે અમે બેઈ મારા સાસરાના ઘરમાં ભેળાં રહીએ છીએ. અમારો બેયનો લોટ નોખો રાખીને અમારા બેના રોટલા વઉ નોખા રાંધી લ્યે છે. આ વખતે મારા ભાગનો દસ શેર લોટ દળાવી લાવેલ, તે ચાર દીમાં થઈ ર્યો. ઈવડી ઈ એના પીરિયાને ખવરાવી દ્યે છે. હું કામું ને ઈવડા ઈ ભોગવે. હું તો જાણે એનો ગુલામ! ઈ કેમ હાલે? ઈ તો ઈવડી ઈ મારા હાથના બેક ધોકલા ખાશે રાતે તયેં કાં તો કૂણી માખણ બની જાશે ને નીકર મારું ઘર છાંડી જશે તો, ભૈશાબ! હું બાર મહિના તમારી મજૂરી કરીને બીજી બાયડી લાવીશ. મેં એને કહ્યું કે ખબરદાર, મારી વાડીમાં છો ત્યાં સુધી બાયડી પર કોઈથી હાથ ન ઉપાડાય. તે તું આને છોડી, પાછો કાળી મજૂરી કરી, નાણાં ખરચી બીજી લાવીશ, તો આને ક્યાં મફત લાવ્યો છે! આનાય પૈસા ખરચ્યા છે. જુદાં રહો, લોટ બરાબર જોખીને એને સોંપ, રોજનો બે જણાનો આટલો આટલો લોટ વરે એ નક્કી કરી દે, પછી એ એના બાપને કઈ રીતે આપી દેશે? આ બધું મેં એને કહ્યું. પણ મને પંદર વરસથી અનુભવ છે કે આ કોળીની ભાગ્યે જ કોઈ બાયડી એનું પહેલું ઘર બાંધીને સ્થિરતા ધરી બેસે છે. પહેલું લગ્ન એ તો ભાંગ્યે જ રહેશે, બીજે જશે, વળી ત્રીજેય જશે, પછી બે-ત્રણ છોકરાંની વળગણ થાય ત્યારે ઘર પકડીને બેસશે.” “પુરુષ મારતો હોય છે તેથી?” “ના, માર ખાવાના પ્રસંગો તો એ પોતે જ મોટે ભાગે ઊભા કરતી હોય છે. માર ખાઈને રીઝતી પણ હોય છે. ધણીથી નાસી છૂટવું હોય ત્યારે સામેથી જ આવો ટંટો નોંતરે છે.” “પણ નાસી છૂટવાનું કારણ શું હોય છે?” “નવા પુરુષ સાથેના ઉપભોગની ઇચ્છા. એ એક જ એના જીવનનો વૈભવ છે. બાકી તો એના સંસારમાં બીજું કયું રોમાંચક તત્ત્વ છે! એ માને છે કે મો’લમેડી માણવાનો તો કોઈ પ્રશ્ન નથી. ધંધો ઊભડનો — મજૂરીનો — હોઈ કરીને જમીનના કોઈ ટુકડા સાથે પણ કાયમી સંબંધની સ્થિરતા નથી, કે જે સ્થિરતા જમીનના વંશપરંપરાના માલિકો રહેનાર કણબી ખેડૂતોમાં હોય છે. એટલે એનો જીવનરસ એક છે: નવા નવા સંસારનો સ્વાદ. એવા આસ્વાદ વગર શીતળતાને જ પામી શકે એવું શ્રમજીવીઓને વરેલું જોબન ને નક્કર લોખંડી શરીર હોય છે તેમની પાસે. એ બીજું શું કરે!” “ખરું છે, બીજું શું કરે? જેને કોઈ પણ એક ચૂલા ઉપર બે ટંકના રોટલા શેકી લેવા પૂરતું જ ઘરનું પ્રયોજન છે, બાકી તો જેનું ઘર ધરતી પરનું છાપરું આભ છે, ને એક ટંક પણ શ્રમ કરાવ્યા વગર કોઈ ઊભાં રાખે તેમ નથી તેવાં માણસો જીવનનો આસ્વાદ નવાં નવાં પરણેતર દ્વારા માણે તેમાં નીતિ-અનીતિનો પ્રશ્ન જ નથી હોઈ શકતો.” “ને આપણું સમાજજીવન, કુટુંબજીવન કે ગૃહજીવન બાંધીને બેઠલાઓનુંય બીજું શું છે? રસ પડે છે? રસ પડે છે માટે જ શું એક ઠેકાણું ઝાલીને બેઠા રહીએ છીએ? આપણામાંનાં કેટલાં જોડાં, જો જીવવાને માટે જીવવાના આધારરૂપ બની રહેલી આબરુની, કુલીનતાની કે સદાચારની અનિવાર્યતા ન હોત તો માત્ર રસની સંતૃપ્તિથી એક જ ઠામ ઠરીને બેઠા રહેત? બેઠા છે, કારણ કે બીક છે સામાજિક ડંડો પડવાની. મને બીક છે માટે હું વફાદાર પતિ છું, ને બીક છે માટે જ હું દિલ નહિ છતાં છોકરાંની માંદગીમાં તૂટી મરું છું. બીક તળે મારું-તમારું-લાખોનું ઢાંક્યુંઢુંબ્યું ચાલ્યું જાય છે.” “એ બીક તેઓને નથી માટે તેઓ ભાંગે છે ને ઘડે છે, ઘડે છે ને ભાંગે છે.” “તેઓ વધુ સુખી છે.” “કમમાં કમ વધુ નીતિમાન છે.” “તેઓ મુક્ત જીવન જીવવાને માટે મોટાં જોખમ વહોરી લે છે એટલે આપણા કરતાં વધુ ભડ છે.” “આપણે તો અંદરથી કાયર છીએ. આપણી હાલત હિચકારી છે: ઉભયભ્રષ્ટ અને હતપ્રભ.” “ઊઠું ત્યારે, નહિતર ક્યાંક વધુ જોખમભરી ભૂમિકા પર પહોંચી જવાશે.” “હા, એ પણ ભય. ભયમાં જ જીવવાનું-મરવાનું.”