મેઘાણીની સમગ્ર નવલિકા 2/ચોપડીઓનો ચોર
“જુવાન આરોપી, યુનિવર્સિટીના પુસ્તકાલયમાંથી તેં આઠ વાર પુસ્તકો ચોર્યાં, એવો હું તારા પર આરોપ ઘડું છું. તારે કશું કહેવું છે?”
“જી હા, નામદાર!” વીસ વર્ષના કેદીએ પીંજરામાંથી જવાબ આપ્યો: “આઠેય ગુના હું કબૂલ કરું છું, એ ઉપરાંત બે વાર બીજા પુસ્તકાલયમાંથી પણ મેં ચોપડીઓ ચોરી છે. તે પણ તોહમતનામાની અંદર ઉમેરો.”
એકંદર ૫૦૮ પુસ્તકોની એણે ચોરી કરી હતી. કુલ કિંમતનો સરવાળો એક હજાર રૂપિયા નક્કી થયો.
“તેજસ્વી જુવાન, વિદ્યાર્થી તરીકેની તારી કારકિર્દી આટલી ઉજ્જ્વળ: પરીક્ષામાં તું સહુની ટોચે: વિદ્યાલયની અંદર શરીરની તેમજ બુદ્ધિની તમામ હરિફાઈઓમાં તું પહેલું ઈનામ જીતનારો: ખુદ રાજાજીએ સ્વહસ્તે તારી છાતી પર સોનાનો ચંદ્રક પહેરાવ્યો: — તને ઊઠીને ચોપડીઓ ચોરવાનું કેમ સૂઝ્યું?”
“રાજાજીના હાથ જ્યારે મારી છાતી પર ચાંદ ચોડતા હતા ત્યારે, નામદાર, એ છાતીની નીચે મારું પાપી કલેજું થડક થડક થતું હતું.”
આથી વધુ એ કશું ન બોલ્યો. પણ અદાલતમાં પડેલી જુબાનીઓએ આ જુવાનની આખી જીવનકથા કહી દીધી:
એનાં માબાપ દૂધ વેચે છે. બાળકનાં અસાધારણ બુદ્ધિતેજ દેખી ગરીબ માતાપિતાના હૃદયમાં મહેચ્છા જાગી: ગમે તેમ કરીને પણ દીકરાને ખૂબ ભણતર ભણાવીએ.
પેટે પાટા બાંધીને માબાપ દૂધ વેચવા મંડ્યા. ભૂખ, તરસ, કે થાક ઉજાગરા સામે ન જોયું. દીકરાને એક પછી એક ચડિયાતી નિશાળમાં બેસાડી ખર્ચાળ કેળવણીમાં નાણાં વેર્યાં. એવાં વીસ વર્ષો; વીસ વર્ષમાં એક દહાડાનો પણ વિસામો ન લીધો. ન એકે રવિવાર, ન એકેય વારતહેવાર.
પુત્ર રજાના દિવસોમાં યુનિવર્સિટીમાંથી ઘેરે આવતો, ત્યારે એ પહેલું કામ ઘરાકોને ઘેરે ઘેરે જઈ દૂધ પહોંચાડવાનું કરતો. પોતાનાં ભાઈબહેનોને કહેતો કે તમે થોડા દિવસ આરામ લ્યો.”
આટલું આટલું તૂટી મરતાં માબાપ તથા ભાંડુઓ; તે છતાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં ખર્ચોને ન પહોંચાયું. ચોપડીઓ બહુ મોંઘી હતી.
કેટલી કેટલી વાર એ જુવાને ખાધા વિના ચલાવ્યું. ભૂખમરો વેઠીને બચાવેલા પૈસા પણ પૂરાં પુસ્તકો ન અપાવી શક્યા.
પછી એણે આ ચોરી આદરી. પણ એ ચોરેલ ચોપડીમાંથી એક પણ એણે વેચી નથી. ભણવા ખાતર જ ચોરી કરી હતી.
એની કૉલેજવાળાઓએ કહાવ્યું: આ વિદ્યાર્થીને ગુમાવવા અમે તૈયાર નથી. કોઈ પણ રીતે એને બચાવો.
અદાલતે ફક્ત બે વર્ષના જામીનખત ઉપર એ જુવાનને છૂટો કર્યો.