મેઘાણીની સમગ્ર નવલિકા 2/‘જાનત હૈ દરદી દરદીકી —’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘જાનત હૈ દરદી દરદીકી —’

એકાએક થંભેલી ટ્રામને જોશભેર આંચકો લાગ્યો. “ઉ-હુ-હુ-હુ” એક વેદનાની બૂમ ઊઠી. “અરેરે ભૈયા! મેરી ઓરતકી આંખ ફૂટ ગઈ!” એટલું બોલતા એક પુરુષે વેદના પામનાર ઓરતને પકડી લીધી. ઓરતની આંખો પર લપેટેલો પાટો ધીરે ધીરે લાલ બન્યો. “ક્યા હે!” પૂછપરછ થઈ. “કુછ નહિ, ભાઈ, મુકદ્દર!” લોકોને સમજ પડી. પાટાવાળી ઓરતની આંખો પર નસ્તર મુકાવેલું. સાત દિવસે આજે જ એને ઇસ્પિતાલમાંથી છોડી હતી. ધણી એને દોરીને ઘેર લઈ જતો હતો, આંખોના કાટા ચેભાને ટ્રામના આંચકાએ તોડ્યા હોવા જોઈએ. “ટ્રામના ઉતારુઓમાં સામટો ઉશ્કેરાટ ઊઠ્યો. ડ્રાઈવર ઉપર ઝડી વરસી: અંધો! હેવાન! ઊંઘે છે, નિર્દય, ખુમારીમાં ને ખુમારીમાં જોતો નથી — વગેરે. ડ્રાઈવરે પછવાડે દૃષ્ટિ કરી. કન્ડક્ટરની સામે જોઈ એ હસ્યો. એનું હસવું સહુએ જોયું. ઓરતનો પાટો વધુ ને વધુ લોહીમાં ભીંજાતો હતો. એ હાસ્ય ઉપર પૅસેન્જરોનો જ્વાલામુખી જ્યારે ફરીવાર ફાટ્યો, ત્યારે પાટાવાળી ઓરતના ધણીએ સહુની સામે હાથ જોડ્યા: “ભૈયા લોગ, ડ્રાઈવરને ન સતાવો. એ દિવસ–રાત ગાડી ચલાવે છે. એના કલેજામાં ન માલુમ શી શી ફિકરો ઘોળાતી હશે. એનો ગુન્હો નથી. મારાં મુકદ્દર!” ને ગાળો ભાંડનારાં લોકો જ્યારે પોતપોતાને મુકામે ઊતરી ચાલ્યાં જતાં હતાં ત્યારે કસકસતા બાંડીસમાં થાકેલી પગ-પીંડીઓને ચેપતો, ઘંટડી પર સતત જોડા પછાડતો, ઘડી બ્રેક ઘુમરડી સજ્જડ કરતો, તો ઘડી મોકળી છોડતો, ઉજાગરે બળતી આંખોને જગતનાં જાળાં-ઝાંખરાં વચ્ચે ખેંચતો, ઉંદરડું પણ ન ચગદાય તેની સરત રાખતો ડ્રાઈવર બસો પૅસેન્જરોના જાનની જવાબદારી લમણા પર ઉઠાવી કાલબાદેવી રોડ પર પંથ કાપતો હતો. વારંવાર એ મોં ફેરવી પેલી ઓરતના પતિ સામે દીન આંખો માંડતો હતો. મ્હોંથી શબ્દ પણ ન બોલ્યા છતાં એની આંખો ઊંડા પસ્તાવો પુકારતી હતી. ઓરતનો ધણી પણ મૂંગી મૂંગી માફી બક્ષી રહ્યો હતો. મેં ઓરતના પતિને પૂછ્યું: “શું કરો છો?” “...કુંપનીનો ખટારો હાંકું છું.”