મેટમૉર્ફોસીસ/આમુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાફકાની રચનાકળામાં પણ આવી, એક કરતાં વિશેષ, એક સાથે થતી ગતિઓની શક્યતા વરતાય છે. કેવળ સમયનાં ને અવકાશનાં બે બિન્દુ વચ્ચેની અવસ્થિતિ ગેચૌિર્હ રૂપે વાસ્તવિકતાને ગોઠવી જાણનાર વ્યાકરણભાષાને સીધી લીટીમાં વિસ્તારે છે. આપણી ભાવજગતની ભૂમિતિના આકારો, માત્ર આ સીધી લીટીના માપથી, માપી શકાય એવા હોતા નથી. આથી જ સર્જકને પોતાની રચનાકળા પર ઘણો આધાર રાખવો પડે છે. વ્યાકરણના અન્વયના ચોકઠામાં રહીને એને બીજો, સંકુલ પ્રકારનો, અન્વય પ્રકટ કરવાનો હોય છે. વળી, સીધી લીટીએ આંકવામાં આવતી વાસ્તવિકતા એ તો છબિની ‘નૅગેટિવ’ માત્ર છે; આપણી સંચિત સંવિત્તિ – જે કેટલાંય સ્મૃતિ, અધ્યાસ, સંસ્કાર, પ્રમિતિની બનેલી છે – ના દ્રાવણમાં એને ઝબકોળીએ ત્યારે એની પૂરી છબિ આપણી આગળ પ્રકટ થાય છે. આથી જ કાફકામાં આપણી સપાટી પરની બુદ્ધિસંચાલિત ચેતનાની નીચેના અનેક સ્તરના ચૈતન્યનાં આવર્તોનો સંચાર પણ વરતાય છે. પહેલા વિશ્વયુદ્ધ પછીની નિર્ભ્રાન્ત મનોદશાએ ઘણા વખતથી ભયના માર્યા વાસી રાખેલા, કેટલાય ઓરડા ખોલી નાખ્યા. સર્જકની સૂક્ષ્મ સંવેદનશીલતાએ ચેતનાના બધે સ્તરે બાહૃા વાસ્તવિકતાની છાપ ઝીલી, એની સાથે જુગજુગ જૂની માનવીની સામૂહિક ચેતનાની ધારા પણ ભળી ગઈ, ને એમાંથી આદિમ મૂળભૂત આવેગોની કેટલીક છબીઓ સરજાઈ. સુરેશ જોષી