મોટીબા/સોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સોળ

મોટીબાનાં અનેક રૂપો. ક્યારેક દરિયા જેવાં, ક્યારેક ધીરગંભીર શાંત વહેતી નદીના નીર જેવાં, તો ક્યારેક મસમોટા પથરા જેવાં! ક્યારેક વિશાળ વડલાની ઠંડી છાંય જેવાં, ક્યારેક વૈશાખના ધોમધખતા તડકા જેવાં, ક્યારેક ઝરમરતા વરસાદ જેવાં, ક્યારેક માખણ જેવાં તો ક્યારેક વેર લેવા નીકળેલી નાગણ જેવાં! હું સમજણો થયો ત્યારથી, મેં ક્યારેય મોટીબાને, એમના પિતાને માન દઈને ઉલ્લેખ કરતાં જોયાં નથી, ‘બાપુજી' કે ‘મારો બાપ’ પણ ન કહે, ‘કીકા મહેતા’ કહી ઉલ્લેખ કરે! નાનો હતો ત્યારથી મેં મોટીબાને અવારનવાર કહેતાં સાંભળ્યાં છે– ‘કીકા મહેતાનું નખ્ખોદ જજો.’ હું મોટીબાને પૂછી બેસતો, ‘બા, તમે તમારા બાપુજી વિશે કેમ આમ કહો છો?’ ‘એ તનં ખબર નોં પડ.’ દરેક વખત આવો જવાબ સાંભળવા મળતો. પછીથી હું કશું પૂછતો નહિ. બાપુજી કુકરવાડા હતા ત્યારે જયેશ વિસનગર મોટીબા પાસે રહી કૉલેજમાં ભણતો. અવારનવાર કુકરવાડા આવતો-જતો રહે ને વૅકેશનમાં કુકરવાડા. ત્યારે મોટીબા જયેશ બરાબર વાંચે છે કે નહિ તેનુંય ધ્યાન રાખતાં. ‘લ્યા મુન્નાડા, આજ આખા દા'ડાનો તું ભણવા નથી બેઠો. હેંડ અવ ભણવા બેહ. નં રોજ રાતી અગિયાર-બાર વાગ્યા હુદી વોંચ. કોં તો પસ બટકો કરતો ઈંમ, હાડા આઠ વાગ્યામાં હુઈ જા. ને હવારમોં હાડા તૈણ-ચાર વાગ્યે ઊઠીનં વોંચ. હવારમોં વાંચેલું હારું યાદ રૅ. ના, તું તાર રાતીં જ વોંચ. હવારમોં તો તું ઊઠી ર્‌યો. મોં ઉઘાડું રાખીનં ઊંઘતો હોય ને કોઈ આઈને ઉપાડી જાય તોય તને ખબર નોં ૫ડઅ્. પણ ઍલારૉમ તો તનં હંભળાય જ શનું? તું કૅતો હોય તો હવારમાં હું તનં વે’લા ઉઠાડું. આ જમોંનામોં અવ ભણ્યા વના નંઈ ચાલ. તારા બાપાનું ગોરપદું નથી ક નથી ઘરની ખેતી ક ધંધો. ભણવામોં તારો ડોળો નથી. બસ, ખાવું ન રખડવું..’ આ સાંભળીને જયેશ પાછો પાટીમાં લખીને બતાવે — 

‘ભણે એ ભીખ માગે,
ને રખડે એ રોટલા ખાય.’

જયેશને એમ કે બા આનો શો જવાબ આપશે? પણ મોટીબા પાસે વકીલો કરતાંયે વધારે જવાબો ને દલીલો હાજરાહજૂર. ‘રખડઅ્ એટલ ધંધા અરથે રખડઅ્, ભણવું નોં હોય તો તારા બાપનં કૅ થોડા પૈસા આલ ઈમોંથી પસ અમદાવાદ જઈનં જથ્થાબંધના ભાવે કાપડ-બાપડ લીયાય. નં પસ ખભે પોટકોં ઊંચકીનં ગોંમડે ગોંમડે રખડ નં ઈમોંથી કમાય ઈંના થોડા ટકા આઘા મૂકતો રૅ. નં પસ ઈંમોંથી દૂકોંન કર. નં પસ વધાર કમોંણી થાય એટલ પસ કાચની મોટી, શું કૅવાય બળ્યું, એરકનડિશન દૂકોંન કર. તો સ્કુટર નં પસઅ્ ભાગ્ય હશે તો મોટર ફેરવતો થઈ જયે. પણ શરૂઆતમોં તો કાળી મજૂરી કરવી પડ. ને ખભે પોટકોં ઊંચકીનં ગોંમડે ગોંમડે વેચવા જત શરમ આવ એ પસ કોંમ નોં આવ…’ પછી જયેશ વાંચવા બેસે. રાત્રે, બાર-સાડા બારે મોટીબા બાથરૂમ જવા ઊઠે ને જુએ તો લાઇટ બળતી હોય. ખુલ્લી ચોપડી બાજુમાં સરી પડી હોય ને જયેશ મોં થોડું ઉઘાડું રાખીને ઊંઘતો હોય ઘસઘસાટ. મોટીબા કશું બોલે નહિ. ચૂપચાપ રસોડામાં જઈ વેલણ લઈ આવે ને સટ્ટાક ચોડી દે. જયેશ ઝબકીને જાગે. ‘ઊંઘ આઈ'તી તો આ લાઇટ બંધ કરત હું થતું'તું? તારો બાપ લાઇટ બિલના જુદા પૈસા મોકલ સ મનં? રોજ રોજ લાઇટો ચાલુ રાખીનં ઊંઘ સ? અવઅ્ હું તનઅ્ રાખવાની નથી, જા તારા બાપ ફાહે.’ પડોશીના છાપામાં મોટીબાએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધ્યાના સમાચાર વાંચ્યા હોય એ પછીની પહેલી તારીખ પછીના રવિવારે જયેશ કુકરવાડા જઈ પૈસા લઈ આવે ને મોટીબાને આપે. મોટીબા પૈસા ગણે ને પછી જયેશને પાછાં આપતાં કહે, ‘લે આ પૈસા, જઈનં આપી દેજે તારા બાપનં અનં કુકરવાડા કોંય આઘું નથી. ત્યાંથી અપ-ડાઉન કરજે. અનં કૅજે તારા બાપનં ક અવઅ્થી મને પૈસા મોકલવાની જરૂર નથી. હું માર વાહણો વેચી વેચીનં ખયે. કોં તો પસ આ ઘર ફટકારી મારે ને ઈંના જે પૈસા આવ ઈના વ્યાજમોંથી ખયે. મુંઘવારી વધઅ્ ઈંમ સરકાર મુંઘવારી ભથ્થું વધાર સ. પણ ઓંય મારઅ્ વિહનગરમોં મુંઘવારી વધતી નથી. ઓંય તો રોંમરાજ સ નં તે મુંઘવારી નોં વધઅ્...’ જયેશ પાટીમાં લખીને સમજાવે કે મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત જ થઈ છે. હજી રોકડમાં ચૂકવાયું નથી. એ પછીયે મોટીબા શેરીમાં રહેતા ને પોસ્ટખાતામાં નોકરી કરનારને પૂછી જોઈને ખાતરી કરે. એપ્રિલ મહિનો બેસતાં જ જયેશને કહે, ‘મારી ચોપડી (પાસબુક) પોસ્ટ ઑફિસમોં વ્યાજ ગણવા આપી આવજે નં પહોંચ લાવવાનું ભૂલતો નંઈ.’ વ્યાજ ગણાઈને પાસબુક પાછી આવે ત્યારે મોટીબા જાતે વ્યાજ ગણી જોઈ ખાતરી કરે. એક વાર જયેશને કહે, ‘વ્યાજ ઓછું ગણ્યું સ. ચોપડી પાછી આલી આય. નં જોડે અરજી, વ્યાજની ગણતરીમોં ભૂલ – ઈંમ લખીનં અરજી લખ. નૅચ હું સહી કરી આલું.’ જયેશે કહ્યું કે ભૂલ ન હોય, વ્યાજ બરાબર જ ગણ્યું હોય. છતાં પછી બાના સંતોષ ખાતર એ પોસ્ટ ઑફિસ ગયો તો સાચે જ વ્યાજ ઓછું ગણેલું! મોટીબાને એમના બાપે ભણાવ્યાં નહોતાં. ‘છોડીઓનં વળી ભણીનં હું કરવું સ? ભણીગણીનં થોડું કચેરીમોં કલેક્ટર થવું સ? સહી કરત આવડ્યું એટલઅ્ બઉ થયું…’ છતાં મોટીબાનું ગણિત આટલું પાકું ક્યાંથી? આટલાં હોશિયાર ક્યાંથી? ક્યાંથી શીખ્યાં આવું ગણતર? સિવણકામ હોય કે ભરતગૂંથણ, સુથારીકામ હોય કે કડિયાકામ. બધાંય કામની એમને જાણકારી. ઘરમાં કડિયાકામ ચાલતું હોય તો કડિયાની સાથે ને સાથે રહે. એને સૂચનાઓ આપતાં જાય. કડિયાએ ભેળવેલી સિમેન્ટ-રેતી હાથમાં લઈ જુએ ને પછી કહે, ‘ઓમાં રેતી વધાર સ નં ચીમેટનું પ્રમોંણ ઓછું સ.’ કડિયો જમવા જાય ત્યારે નાનુંમોટું કડિયાકામ જાતે કરી લે. સિમેન્ટની થેલીમાંથી થોડો સિમેન્ટ કાઢી લઈ માટીના મોરિયામાં ભરી રાખે. ભવિષ્યમાં કશું નાનું કામ હોય તો કામ લાગે. એવું જ સુથારીકામનુંય. સુથાર જમવા જાય એટલે નકામા પડેલા લાકડાના ટુકડાઓમાંથી નાનુંમોટું કામ જાતે કરી દે! જેમ કે, કપડાં ધોતી વખતે વાપરવાની નાની પાટલી કે પછી ધોકો ને એવું બધું જાતે બનાવે. સુથાર જમીને પાછો આવે ત્યારે પોતે બનાવેલી ચીજ એને બતાવેય ખરાં. કડિયા-સુથારનેય થાય, આ માજીને લગીરે છેતરી નહિ શકાય.’ કેટલું કોંમ થયું સ? ઈંના પર હું ‘રોજ’ આલે, નકર તમે તો હોંમહોંમે બેહીનં આખો દાડો ઓંમ રંધો મારવામોં જ પૂરો કરશો.’ માથા પર માજીની કટકટથી એ લોકો કંટાળેય ખરાં. કામ અધૂરું મૂકીને ચાલ્યા જવાની નોબત પણ આવે ત્યારે મોટીબા એ લોકોને સમજાવે-મનાવે. કોઈ મજૂરને પૈસા આપીને બીડીની ઝૂડી લેવા મોકલે. ચા-નાસ્તો કરાવે. ક્યારેક જમાડેય ખરાં. પણ એમની ટકટકમાં ક્યારેય ઓટ ન આવે. મોટીબાને બે જ સંતાનો – બાપુજી ને ફોઈ. બાપુજીને બાલમંદિર મૂક્યા ત્યારે બાપુજીની સાથે મોટીબાય કક્કો, બારાખડી ને આંક શીખ્યાં. બાપુજીની ચોપડીઓ વાંચી વાંચીને મોટીબા ભણ્યાં ને બાપુજીનેય શીખવ્યું. એ પછી ફોઈને. બાપુજીને હિન્દી વિષય આવ્યો ત્યારે મોટીબા હિન્દીય શીખ્યાં! નવમા-દસમામાં હું ભણતો ત્યારે ક્યારેક હિન્દી નવલકથા પડોશી છોકરા પાસેથી લાવતો. એ જ રાતે મોટીબા મોડા સુધી જાગીને એ હિન્દી નવલકથાય પૂરી કરતા. બાપુજી કૉલેજમાં હતા ત્યારે ર. વ. દેસાઈ, મુનશી કે મેઘાણીનાં પુસ્તકો લાવતા તો એય મોડે સુધી જાગીને મોટીબા વાંચતાં. મહાભારત, રામાયણ, ભાગવત, દેવીપુરાણ, શિવપુરાણ, ગરુડપુરાણ વગેરે તો એમણે એકથી વધુ વાર વાંચેલાં. ‘મહાભારત’ એમને સૌથી વધુ ગમે. અવારનવાર ‘મહાભારત’માંથી ઉદાહરણો ટાંકે ને કહે, ‘ ‘મહાભારત’ના અમુક ફકરા તો વેંણી લેવા જેવા.’ પાછું એવુંય કહે, ‘મા’ભારત ક્યારેય પૂરું નોં વંચાય.’ જે કંઈ વાંચ્યું હોય એ બધું જ પાછું એમને બરાબર યાદ રહે. નાના નાના બધા જ પ્રસંગો ને પાત્રોનાં નામ સુધ્ધાં. અને કોઈ પ્રસંગ યાદ કરીને કહે ત્યારે હૂબહૂ વર્ણન કરે. સાંભળનાર ઊઠવાનું નામ ન લે. બધાં રસતરબોળ થઈ જાય. ‘અખંડ-આનંદ’ ને ‘જનકલ્યાણ’ એમનાં પ્રિય સામયિક. બાપુજીએ ‘જનકલ્યાણ’ બંધાવી આપેલું તે જે દિવસે ‘જનકલ્યાણ’ આવે એ જ દિવસે અક્ષરેઅક્ષર વંચાઈ જાય. ને એમાંની બધી વાતો રાત્રે ઓટલા પર ભેગાં થયેલાંઓને કહેવાની. વાત કહેતી વખતે એમની સર્જનશક્તિય ખીલી ઊઠે તે મૂળ વાતમાં ઘણુંબધું ઉમેરાતું જાય. મોટીબા પાસેથી વાત સાંભળ્યા પછી કોઈ મૂળ વાત વાંચવા પ્રેરાય તો મૂળ વાત વાંચીને નિરાશ થાય. કારણ, મૂળ વાતમાં મોટીબાની સર્જકતા ક્યાંથી હોય?! ભજનો, ગરબા ને લોકગીતોનોય મોટીબા પાસે ખજાનો. અત્યારેય, વાલમનાં મહિલા સંત સૂરજબાની કશી વાત કહે ત્યારે વચ્ચે વચ્ચે સૂરજબાનાં ભજનોય ગાય. હલકથી સુંદર ગાતાં ન આવડે, મર્યાદિત લય-ઢાળમાં ગાય. ગાતી વખતે અવાજ થોડો પાતળો કરીને ગાય. વધુ ખેંચી ન શકે. પણ વાત માંડતાં, સરસ રીતે કહેતાં કે ‘ખેલ’ કરતાં સારું આવડે.

અમે ભણતા ત્યારે, દર વરસે અમારી ગુજરાતી-હિન્દી ને ઇતિહાસની ચોપડીઓ આવે એટલે તરત મોટીબા વાંચી જાય. પછી એ જ ધોરણમાં જ્યારે બાપુજી ને ફોઈ ભણતાં ત્યારે શું-શું આવતું એનીય વાત કરે. પહેલાંના માસ્તરો કેવું મારતા એનીય વાત કરે. હું કવિતા-વાર્તા લખતો થયો ને સામયિકોમાં છપાતું થયું ત્યારે મારી કૃતિ તો અત્યંત રસપૂર્વક વાંચે, Abstract કવિતા હોય તોપણ. વાંચ્યા પછી, ‘ઓંમોં તો કોંય હમજાતું નથી.’ એવી કશી ફરિયાદ પણ ન હોય! કે શું સમજાયું એની કોઈ વાત ન હોય. ચહેરા પર હોય કેવળ પ્રસન્નતા!