યજ્ઞેશ દવેનાં કાવ્યો/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
યજ્ઞેશ દવેની કવિતા

શ્રી યજ્ઞેશ રમેશચંદ્ર દવે (૨૪-૩-૧૯૫૪) એ Ph.D. સુધીનો અભ્યાસ તો કર્યો EXPERIMENTAL BIOLOGY (ECOLOGY)માં અને વ્યવસાયે પ્રસારણકર્મી. એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવથી ડેપ્યુટી ડાયરેક્ટર, આકાશવાણી – રાજકોટ, અમદાવાદ, ભૂજ અને આહવા(ડાંગ) જેવા મથકો ઉપર પૂરા સમયની સેવાઓ બાદ હવે નિવૃત્ત થઈ રાજકોટ મુકામે વસે છે. આજે યજ્ઞેશ ભાષાના એક દીર્ઘકવિતાપ્રેમી કવિ અને માનવીય પરિષ્કૃતિ અને આકાશ-ધરતીની પ્રકૃતિના આલેખક નિબંધકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓએ આકાશવાણીમાં રહીને ગુજરાતી ભાષાના અને અન્ય અનેક વિદ્વદ્‌જનોની પ્રલંબ મુલાકાતો (Interview) લઈને બહુ જ અગત્યનું કામ કર્યું છે. જે પૈકી થોડી ગ્રંથરૂપે પ્રકટી છે, બાકી પણ મળે તેવી અપેક્ષા. કવિની શબ્દ સાથેની ગોઠડી તો શરૂ થઈ છેક ૧૯૭૭-૭૮માં. તે અનુસંધાને કવિતા, નિબંધ મુલાકાત, બાળસાહિત્ય અને અનુવાદના વીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. જેમાંથી ઘણાંને ઘણા મહત્ત્વના પુરસ્કાર–ઍવોર્ડ પ્રાપ્ત થયા છે. આ બધું જ ધ્યાને હોવા છતાં આજે યજ્ઞેશ અછાંદસ કે ગદ્યકવિતાના કવિ તરીકે ખ્યાત છે. અહીં કવિએ અત્યાર સુધી ખેડેલા દીર્ઘ અને લઘુ બન્ને પ્રકારની કવિતા અને તેના સર્જનાત્મક ઉન્મેષની વાત ટૂંકમાં કરીશું. આ સંપાદનમાં કવિના કાવ્યસંગ્રહો ‘જળની આંખે’ (૧૯૮૫), ‘જાતિસ્મર’ (બી. આ. ૧૯૯૬), ‘અંદર ખૂલતા દરવાજા’ (૨૦૦૬), ‘ગંધમંજૂષા’ (૨૦૧૫) અને ‘ચૂંટેલી કવિતા : યજ્ઞેશ દવે’ (૨૦૨૦)માંથી દીર્ઘ અને લઘુ બન્ને પ્રકારની રચનાઓ પસંદ કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે જ આ પસંદગી સંપાદકની રુચિ અને કાવ્યસમજના આધારે પરંતુ કવિની કવિતા અને સર્જકતાનો મહત્તમ પરિચય સુજ્ઞ ભાવકોને મળી રહે તેવી ખેવનાથી કરવા નિર્ધાર છે. ‘માચુ પિચુનાં ખંડેરોમાં’ અને ‘મોતીસરીનું આ વન’ રચનાઓ યજ્ઞેશને પ્રિય એવા અનેક સ્થળ વિશેનાં કાવ્યો પૈકીની છે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા પેરુની રાજધાની કુઝકોનગરી પાસે આવેલ એક વખતના ‘પાચા કૂટી ઇન્કા ચુપાન્કૂઈ’ તે જ આ આજનું ‘માચુ પિચુ.’ ‘સ્પેનયાર્ડસ’ના આક્રમણથી નાશ પામેલ આ નગરના જર્જરિત ખંડેરોમાં કવિની સર્જકદૃષ્ટિ વર્તમાન અને ભૂતકાળના અનેક દેખીતાં અને કલ્પેલાં દૃશ્યોને ઝીલતી સક્ષમ અને કલ્પનનિષ્ઠ ભાષાકર્મથી પ્રવર્તે છે. તો ‘મોતીસરીનું આ વન’ કાવ્યમાં કવિએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હિંગાળગઢ પાસે આવેલા એક વનનું, લાઘવભર્યા અને રસાળ ગદ્યથી કાવ્યમાં રૂપાંતર કર્યું છે. ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી કોઈ ઉતરી ગયું છે હળવે પગલે એન્ડીઝની પેલી તરફ પાસિફિકની પેલે પાર (‘માચુ પિચુનાં ખંડેરોમાં.’)

‘ધૂસર હવામાંનું ઝીણી-ઝીણી ઘંટડી રણકતું ધુમ્મસ’

(‘મોતીસરીનું આ વન’)

ક્યાંક જાણીતી રચનારીતિએ (જેમ કે : ‘કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય – લાલ’. આ ‘જેવો’ સંબંધકથી થતું કલ્પનનિયોજન, કવિ જીવનાનંદ દાસની એક ખાસ રીતિ છે. દા.ત. ‘કૂકડાની કલગી જેવો લાલ અગ્નિ.’ (‘વનલાતાસેન’ અનુ. ભોળાભાઈ પટેલ, પૃ. ૬૭) તેમ છતાં કથકનો કલ્પનવિહાર કાવ્યને રમણીયતા બક્ષે છે. ઇન્દ્રિયઘન કલ્પનોત્થ ભાષા યજ્ઞેશની કવિતાનો આગવો વિશેષ છે જે કાવ્યના વિષયવસ્તુને પોષક બની એક રસપ્રદ નિયોજનની પ્રતીતિ કરાવે છે. ‘અશ્વત્થામા’ અને ‘વસ્તુઓ’ કાવ્યો, તેના કથયિતવ્યનાં પીઠિકા અને પોતની દૃષ્ટિએ બે છેડા પરની નિરૂપણા છે. મહાભારતના એક પાત્ર દ્રોણપુત્ર અશ્વત્થામા, કાવ્યના વર્ણવિષય તરીકે હોવા છતાં અહીં તેના જીવનવૃત્તાંતનું આલેખન નથી, પરંતુ કાવ્યનાયકની અમરત્વની પીડા પ્રયોજન પામે છે. તો વળી ‘વસ્તુઓ’ માત્ર ચીજવસ્તુની યાદી નહીં રહેતાં સંવેદનશીલ નિરીક્ષકદૃષ્ટિના ઊંડા કાવ્યાશય તરીકે સ્થપાય છે. ઘરઘરાઉં(Domestic) કે રોજિંદા વપરાશની વસ્તુઓ(કવિ બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતા’ કાવ્યના પ્રારંભનું સ્મરણ થાય)ના ઉલ્લેખોથી આરંભાતા આ કાવ્યમાં, વસ્તુઓ સાથેના સાહચર્ય, સંવાદ અને સાપેક્ષતાને ઊંડાણપૂર્વક અને વ્યાપ-વિસ્તારથી નિયોજિત થયાં છે. ‘વસ્તુઓ ધારણ કરે છે આપણને/ સાંખ્યયોગના અદ્‌ભુુત તાટસ્થ્યથી.’ એવા મનનીય નિરીક્ષણથી આરંભાતું કાવ્ય અંતે નર્યા નિર્વેદથી વાસ્તવદર્શી બની રહી છે. આ અંત કોઈને પ્રયત્નપૂર્વકનો ઉપદેશકર કે ઔપનિષદિક લાગવા પણ સંભવ છે. તેમ છતાં કહેવું છે કે નિરીક્ષા કે દર્શનત્વ કવિતાની લગોલગનાં હોય તો શું વાંધો? કવિકર્મને એવી મનાઈ તો ન જ હોય! ‘વસ્તુમાત્ર વ્યયધર્મી છે/ વસ્તુમાત્ર ક્ષયધર્મી છે.’ ‘મારી શેરી’ કાવ્યરચના ‘જાતિસ્મર’ સંગ્રહના વ્યાપક અવધારણ (Central concept)થી સદંતર જુદી પડતી, પરંતુ આ કવિની ઓળખ આપનાર યશસ્વી કૃતિ છે. સ્થળસાપેક્ષ રચનાઓ પૈકીની જ હોવા છતાં આ કૃતિ તેના કાવ્યવસ્તુ અને અભિવ્યક્તિની રીતે નોંખી પડતી દેખાઈ આવે છે. તો ‘પૃથ્વી’ કવિની એક નીપજરૂપની રચના છે. સામાન્યતઃ યજ્ઞેશની કાવ્યરીતિ કે ભાષાવિધાન ગદ્યની નિયત ચાલ-ચલગત કે ઉપસતી લઢણોને વશ વર્તતા હોય છે, પણ આ રચનાના સાદૃશ્યોમાં થોડા સમવર્ણ કે સરખા નાદરૂપોની સાથે ક્યાંક સપ્રાસ પ્રયોજનપ્રયુક્તિ પણ નિયોજાય છે જે ઘણી રમ્ય છે. જોકે કાવ્યના મધ્યાંતરે જતાં થોડી પંક્તિઓમાં વળી પાછી તેમની અતિ જાણીતી કલ્પનહારમાળાથી કાવ્ય લંબાતું-પ્રલંબાતું આગળ વધે છે, છતાં અહીં કવિની સભાન અને કાવ્યાત્મક ગદ્યછટાઓના આશ્રયે નીખરી આવતી નિરૂપણાથી, રચનાના વિષયવસ્તુને દૃઢ અને સબળ કરતો અનેક આયામી રચનાપ્રબંધ પણ હૃદ્ય છે. ખંડેરોની પથ્થર છાતી પર પાથરે તું મખમલપોચી લીલ જેમાં ધાર ઉતારે તેનાં નાજુક કૂમળાં મૂળ પછી હવે શું રહેશે અશું કશું કે ધૂળ? ‘આરોહે અવરોહણ’ દેહધારી શ્રીકૃષ્ણનું આત્મસંભાષણ છે. અંતવેળાએ પ્રભાસતીરે નિષાદના તીરની રાહ જોતા સર્વજ્ઞ, સર્વકારણ કે પ્રાજ્ઞ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પાછું વળીને જે કંઈ લીલામય સંભારે છે તેનાં યથાર્થનું પણ આ સ્વ-બોધન છે. કહો કે એક પ્રકારે જાહેર નિવેદન કે કબૂલાત (confession) છે. તો ‘ગંધમંજૂષા’ પ્રમાણમાં ટૂંકી પરંતુ કેટલીય ગંધનું વિભાજન નિર્દેશતી એક સેંદ્રિય અને રમ્યારમ્ય દ્રવોની અનુભવનિષ્ઠ પ્રયોજના છે. ફૂલો, દ્રવ્યો, ધોવાના સાબુ, નવી ચોપડી કે ડામરની ગોળી વગેરે ગંધના પર્યટન, પરિરંભન કે પરિક્રમા ઘ્ર્રાણેન્દ્રીની ઉત્કટ ગ્રાહકતા અને સંચેતનથી ઝિલાયાં અને પરિષ્કૃતિ કે પ્રતિષ્ઠા પણ પામ્યાં છે. જેમાં બહુશ્રુત અને વ્યંજનાસભર ભાષાદ્રવ્ય સાથે કવિની લાઘવ તરફી ગતિ નિર્દેશતી નિયોજના પણ સુશ્લિષ્ટ છે. ગંધ મોગરાની ‘ઉનાળાને ગાળ દેવાની ક્ષણે જ હવા વહી લાવે મોગરાની ગંધ જાણે મઘમઘતી ચાંદની’

લોબાનની ગંધ ‘લોબાનના વેશમાં આવે દૂરનો દરવેશ શું રાગ મારવા-પૂરિયાએ ધર્યો આ વેશ?’

‘વના જેતાની વાતું’ આ કવિની પ્રતિબદ્ધ ભાવ-રીતિની અભિવ્યક્તિને મોખરે કરતી અને કવિના સ્થાપિત કાવ્યવસ્તુનિર્માણનાં પ્રકાર કે શૈલી તેમજ કથન-પ્રવાહનિયોજનાથી એકદમ અલાયદી તરી આવતી વિશિષ્ટ રચના છે. અહીં જોઈ શકાય કે આ બહુજન નાયકના અવાજમાં ફરિયાદ નથી, દરેક સ્થિતિ-પરિસ્થિતિના સહજ સ્વીકારની સાધુતાવાળી સમ્યક દૃષ્ટિ છતી થાય છે. તેમાં વાડીના સંસ્કારવાળી આધ્યાત્મિકતા, સામાજિક પરંતુ ઉચ્ચસ્તરીય ખેવનાભરી સમજ અને શૈક્ષણિક અવહેલનાની પણ મક્કમતાપૂર્વકની બોલીગત નિરૂપણા દાખવવામાં આવી છે. કવિનો આ નવ્ય મુકામ જમીની કાવ્યનું સંવાદમય ભાષા અને બોલીના સંક્રમણથી પણ ઘણું ઘણું ચીંધે છે. વના જેતા તારે કાંઈ ટૂકડો જમીન ખેતર ખોઈડા ખરાં? ‘અલખનો ઓટલો સેને સાઇબ, ને રાતે ઉપર નવલખ સંદરવો ઈ આખેઆખો મારો જ ને બાપ.’ ‘મધર ઈવ - આદિમાતા’માં પ્રાંતેપ્રાંતના સંદર્ભો અને સંકેતોથી કાવ્યનું વિધાન ફળદાયી બનતું રહે છે. માતાના સંવાદ તરીકે નિરૂપાયેલ બોલીમાં નર્યા વ્હાલ અને કાળજીભર્યાં ઉછેરની સ્વાભાવિક અને સંવેદનાસભર સંભાળ, કાવ્યના અંતે ભાષામાં પરિવર્તિત થઈ સમયના ઘણા મોટા ગાળા(span)ને તાકી રહે છે છતાં માતાનો ભાવ એનો એ જ બની રહે છે. જે કાવ્યપ્રયોજના અને સ્થાપના માટે ઘણું સૂચક અને સાંકેતિક છે. જ્યારે પુત્રના સંવાદમાં સાતખંડના સંદર્ભો-સંકેતો માનવવિકાસની સાથે એ જ અથડામણો, યુદ્ધો, ધર્મ, વિજ્ઞાન અને હતાશા, ભીંસામણ જેવાં ભાવોની સંતુલિત પ્રયોજના ભાવકને એક ગહન છતાં હૃદ્ય કાવ્યાનુભવમાંથી પસાર કરાવે છે. અહીં પણ યજ્ઞેશના શૈક્ષણિક જ્ઞાનનો અને બહુશ્રુત રુચિનો કાવ્યને ઉપકારક લાભ મળ્યો છે. કેટલીક આનુવંશીય રસપ્રદ નિરૂપણ પણ એમાં સાંપડે છે. ‘જળની આંખે’ (૧૯૮૫)થી ‘ચૂંટેલી કવિતા’ (૨૦૨૦) સુધીનો આ કવિતાપ્રવાસ, પ્રકૃતિ અને પરંપરા કે પૌરાણિકતાને સંદર્ભતા કલ્પકોથી પોષાતો રહે છે, તો આધુનિકથી છેવાડાના માણસ સુધીના સૌના વ્યક્ત-અવ્યક્ત, સદ્‌-અસદ્‌ અને તાપ-તપારાને સંકોરતો પણ રહે છે. કાવ્યભાષાને ભારોભાર મહત્ત્વ આપતા કલ્પનનિષ્ઠ કવિની દર્શના-નિરીક્ષા, ક્યાંક વિગતપ્રચૂર ક્યાંક વિવિધલક્ષી નિરૂપણાથી રમતી-રસાતી રહે છે. જોકે ‘જાતિસ્મર’ પછીથી ઘણી વખત અકારણ, અનર્થક અને અડવા લાગતા પ્રાસવાળી પ્રયુક્તિઓ કવિના વિધાનને ઉપયોગી થતી નથી. એક અન્ય વિશેષતા એ પણ તારવવા જેવી કે બધી ભરમાર વચ્ચે કેટલાંક કાવ્યોમાં કેટલીક વખત માત્ર એક જ કાવ્યાત્મક પંક્તિ (One line poetry) વિદ્યુતસેર જેમ કશોક કાવ્યચમત્કાર કરી રહેતી મળી આવે છે. અને એ તરત અવતરણક્ષમતા(Quotability)માં પરિવર્તિત થનાર સાબિત થાય છે. જેમ કે : ‘મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ/ રહ્યું છે તેનો અસબાબ સાચવતું’ ‘અજંતામાં શામળી રાજકુંવરીના ભીંતચિત્ર પર/ કોઈ ઘાતકી ઉજરડાથી ટશિયે-ટશિયે ઊભરાઈ આવેલ ચહેરો.’ ‘રહ્યું છે તેને જળનું ઓધાન’, ‘પક્વ મૃત્યુમિષ્ટ થયાં પછી/ વળગી રહેવું આ દીંટાને/ તે દ્રોણ છે વૃક્ષનો.’ આ કવિના સમર્થ ભાષાકર્મનાં અને કાવ્યકૌશલ્યનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સર્જનકાળના પંદરેક વર્ષના દીર્ઘકવિતા સાથેના સંવનનયોગ પછી અચાનક આ કવિ અત્યંત લઘુક કે નાના કદ-બાંધાની રચનાઓ તરફ આકર્ષાય છે. કવિ પોતે તો કહે છે : ‘ભાયાણીસાહેબે છંદ લગાડેલો ગાથાઓ અને મુક્તકોનો. તેમાં ભળ્યો જાપાનિઝ હાઈકુઓનો રસ – તેની તિર્યકતા, તાજગી, લાઘવ, ચાતુર્ય, ચિત્રાત્મકતા, નમનિયતા, અર્થસંકેતો, શબ્દો વચ્ચેની મોકળાશ બધું મનમાં વસી ગયેલું. આ બધાંને લીધે પણ લઘુકવિતાની દિશામાં વેગ મળ્યો હોય.’ (‘અંદર ખૂલતા દરવાજા’ પૃ. ૬) આ રચનાઓ ઘણી જ સંકુલ અને લાઘવભરી કાવ્યરીતિએ નિરૂપણા પામી છે. તેમાં સંક્રાંત થતી ભાવઘનતા કે સાંકેતિક કાવ્યાત્મકતાના નિર્દેશો કોઈ પણ ભાવકકક્ષાની બરના બની રહેવાની ચમત્કારિક ક્ષમતા ધરાવે છે. શ્રી ચંદ્રકાંત ટોપીવાળાએ કાવ્યસંગ્રહ ‘જાતિસ્મર’ માટેના એક સમીક્ષાલેખમાં જણાવેલું કે ‘આ અનુકરણો, ઉડાઉપણું અને વિગતખોરીનું કારણ અછાંદસની માની લીધેલી સહજતા છે. પોતાના દ્રવને નિયંત્રિત કરવા તેમજ પોતાને ફરીને ફરી પુનરાવૃત્ત ન કરવા માટે પણ છાંદસ તરેહો પર ખસવું આ કવિ માટે અનિવાર્ય બન્યું છે. (‘જાતિસ્મર’, પૃ. ૧૦૯) આ ‘છાંદસ તરેહો’ પર ખસવાની વાતે તો કદાચ આજ સુધી કવિનું સ્થિત્યંતર જાણી શકાયું નથી પરંતુ ભાવ-ભાષાની કરકસર અને અભિવ્યક્તિમાં દાખવેલાં નિયંત્રિત અને સુશ્લિષ્ટ નિયોજનનું પરિણામ કવિના લઘુકાવ્યોમાં કાવ્યો છે. આ શરીર/ ક્યારેક પિંજર/ તો ક્યારેક પાંખ. ૦ ધૂળ પગલાં પાડે છે/ ભૂંસે છે પણ! ૦ આકાશ/ -શું બહાર જ છે?/ તો અંદર છે તે શું છે? ૦ દિવસે ગૃહવાસી/ પૃથ્વી ગ્રહવાસી/ રાતે આકાશવાસી.

સાથેસાથે એ પણ તપાસવું રસપ્રદ બને તેમ છે કે એક જ કવિની આ બે છેડા પરની રચનારીતિમાં કેવા કેવા તફાવત નોંધી શકાય છે? તેનાં કયા સ્વરૂપે કાવ્યપ્રાપ્તિમાં શાં કારણે અને કેવો અગત્યનો ભાગ ભજવ્યો? આ બંને રીતિની નીપજગત છેવટની નિષ્પત્તિ અથવા પ્રાપ્તિ શું? કવિતા માટે વધુ ઉપજાઉ કયો પ્રકાર? કે એ સર્જકસાપેક્ષ છે? આવો અભ્યાસ આપણી કાવ્યધારાઓ કે કાવ્યવિચારણાઓને સંકોરે અને માર્ગદર્શન પણ કરી શકે. હાલ તો રાહ જોઈએ. યજ્ઞેશની કવિતા દીર્ઘ-લઘુ બંને કાવ્યરીતિમાં સક્ષમ અને સભાનતાથી પ્રવર્તી છે. કવિની કલ્પનઆશ્રયે વિકસતી ગદ્યતરાહો, ભાવાભિવ્યક્તિનાં ભાત-પોત કે ભાષાના આકાર-કદ વગેરેની અનેક તાજગીસભર રમણાઓ આ કવિતાનું રમણીય પાસું છે. સમકાલીન કવિતાની પદ્યચાલો અને તેને કારણે મળતી વ્યાપક સ્વીકૃતિને કદાચ અવગણી છે તેમ ન કહીએ તો પણ એમાં કવિ ઘણી બધી રીતે સામે પૂર ચાલ્યા છે, અને એ જ આ કવિતાની ખાસિયત છે. કેટલાંક લઘુકાવ્યોમાં પણ ભાવકને તરત રાજી કરવાની શક્યતાવાળી જગાઓને કાવ્યોચિત સભાનતાથી ખાળી છે ત્યાં કવિનો શુદ્ધ આશય કાવ્યધર્મી રહ્યાનો સુજ્ઞ ભાવકનો રાજીપો રળી આપે તેવી અહીંની સર્જકતા છે. એક એ પણ આ કવિતાની ખૂબી જ લેખાય કે તેની નિરૂપણા વિષયવસ્તુ કે કથ્યભાવસંવેદનને કચકચાવીને વળગી રહે છે. કલ્પનનિષ્ઠ સાયુજ્યોની અવનવી યાદીઓની પ્રચુરતા વેઠીનેય વસ્તુનિષ્ઠ સ્થાપના માટે કવિ ઝઝૂમે છે. આ બધું એક સર્જકની કાવ્યનિષ્ઠા કે મથામણના ભાગરૂપે હોય ત્યારે એ કવિતામાં જરૂર રસ પડવો ઘટે. મને એવો રસ લાધ્યો છે. આપ સૌને પણ લાધો. એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલભાઈ અને સંયોજક શ્રી મણિલાલ હ. પટેલ પ્રત્યે આદર સાથે ધન્યવાદ કે મારામાં વિશ્વાસ મૂકી મને આ કવિની કાવ્યરાશિમાંથી પસાર થવાની તક આપી. ફરીથી, આપ સૌને પણ એક સક્ષમ કવિની કાવ્યરસનાના સાક્ષી થવાની સુકામનાઓ.

રાજકોટ
તા. ૯-૯-૨૦૨૧
– સંજુ વાળા