યાત્રા/કત્લની રાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કત્લની રાત

એ હતી કત્લની રાત,
ન્હતી એ ઉષા, ન્હોતો મધ્યાહ્ન, હતી એ સાંઝ,
હતી એ રાત,
કત્લની રાત.

સજ્જ હું હતો,
સજ્જ તું હતો,
હતું તૈયાર સમરનું ક્ષેત્ર.
આપણાં નેત્ર,
ચમકતી તેગ સમાં
સમસમાટ વીંઝી રહ્યાં હતાં નિજ તેજ.

વાર પર થતા હતા ત્યાં વાર,
નિરખતી હતી વ્યોમથી સ્તબ્ધ થઈને તારક તણી કતાર.

હું ઘણું લડ્યો ’તો,
ઘણું ઝુઝ્યો ’તો,
ઘણું જીત્યો ’તો,
અંગ અંગ પર મેં પહેર્યા ’તા,
શત્રુગણોના ઘાવ તણા કૈં હાર,
વિજયની ધજા માહરી આકાશે જઈ લહરાતી ઝળકાર, —
હવે આ જંગ આખરી જીતી લેવા મેં કીધો પડકાર.

તેં ઝીલ્યો એ પડકાર.
ગગનને હૃદય થયા થડકાર.

કડેડી ગાજી ઊઠ્યા મેઘ તણા કૈં જોજનભર પગથાર,
ખડ્ગની સંગ ખડ્ગ શું ભીડ્યાં! વીજળીઓ કરી રહી ચમકાર.

હતો શો જંગ ?
હતો એ જંગ —

રંગ રાખે છે કોણ અનન્ય?
કોણ કોને આપે છે હાર?
કોણ શકે છે અર્પી અધિકથી અધિક,
અધિકથી અધિક,
અસ્ખલિત આ૫ તણો વિસ્તાર?

અરે, જંગ મુજ થયો કથળતો,
પ્રથમ વાર મુજ ચક્ષુ સામે
ઝુમી રહ્યો મુજ ઘોર પરાજય કાળ!
એક અર્પ્યું મેં ત્યાં બે તેં દિધ,
બે દીધાં ત્યાં ચાર,
સોની સામે ધર્યાં કોટિ તેં, –
પ્રચંડ અહ વિસ્તાર,
તાહરો સભર સભર ભંડાર!

સાગર સમ આગાર ખુટ્યો મુજ,
ધૈર્ય તણો ગિરિરાજ ડગ્યો મુજ,
પણ મેં દાંત ભીસ્યા, દૃઢ કીધું :
નથી પામવું હાર!

ખેંચી લીધ મેં કમર પરેથી
તગતગતી તલવાર,
અને શીશ મુજ અડગ કરીને
થઈ ગયો તૈયાર.

વદ્યો હું ઉચ્ચ કરી લલકાર :
જોઈ લે આ મુજ છેલ્લો વાર!
એક ઘાવથી આ મુજ મસ્તક
કત્લ બનીને ચરણે તારે ચઢી જશે ને
કરશે જયજયકાર!

ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ,
અને ઉભો એ વધ પામીને મર્ત્ય ભૂમિનો બાલ,
નેત્રમાં પ્રસન્ન કો મલકાટ.

હવે તું માર્ગ લઈશ શો?
કૌતુકથી હું જોઈ રહ્યો ત્યાં વાટ.
વાટ શું જોઉં?
જોઉં ના જોઉં ત્યહીં તે કો અણકલ્પ્યો ઝળકાવ્યો ઝબકાર,
ઝબ્બ દઈ તુજ હૃદય વિષેથી ખેંચ્યો કો તેજ તણો અંબાર.
અને મર્ત્યના મૃત મસ્તક પર
તેં આરોપ્યો કનકમુકુટનો ઉજ્જ્વલ યશ વિસ્તાર.

ઝળળ ઝળળ તુજ ઝગી દિવ્યતા,
મનુષ્યની માનવતા પર એ
થઈ ગઈ આરૂઢ મહા દૃઢપાદ,
અહો શો અનુપમ પ્રભાપ્રસાદ!
અને પૃથ્વીને કાજે ઊગ્યું સોનલ પ્રથમ પ્રભાત.
એમ એ વીતી કત્લની રાત.


જાન્યુઆરી, ૧૯૪૬