યાત્રા/પ્રવાસી પંથોને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રવાસી પંથોને

પ્રવાસી પંથોનો ઉજડ અટુલો એકલ જતો,
ઉદાસી થાકેલો, કદમ અડવાતે અટત તે;
ન તેને પંથે કો ઉપવન હતું, કો ન સુરભિ.

નિશા આવી, આવી પણ ન હજી કો મંજિલ અને
મુંગો, આંખ મીંચી, શિથિલ તનુને તે ઘસડતો
જતો’તો, ત્યાં તો તે અદૃશ પથપ્રાંતે મઘમઘી
ઉઠી કે ઉન્માદી મધુર નિશિગન્ધાની સુરભિ.

ગયો થંભી, આંખ ઉંચકી નભ સામે નિરખિયું,
અને વન્ય પ્રાણી સમ ઊંચકી નાસા પિઈ રહ્યો
સુગંધી ઉન્માદી:

                   ગગન કશું કાળું હતું તદા,
નિશા શી અંધારી, તન પર કશો થાક! પગલાં
વધ્યાં ના આગે. તે મખમલ સમા શ્યામ નભની
નિચે બેઠો હેઠો, અદૃશ સુરભિ પાન કરતો,–
અહા, વિશ્વે બીજી નહિ જ નિશિગન્ધા શી સુરભિ.

અને રાત્રિ વાધી : તગતગી રહ્યાં તારક કુલો,
અને આવ્યાં આવ્યાં ચડી ચડી પુરો તે સુરભિનાં,
ડુબે જો તેમાં તે પથિક ક્યમ આશ્ચર્ય ગણવું?

યથા પોઢે પદ્મે ભ્રમર, ત્યમ તે મૂર્છિત ઢળ્યો,
નિશા રાણીએ યે મઘમઘ મૂકી વ્હેતી સુરભિ.

હતી એ મૂર્છાની તમસભર નિદ્રા? પથિકની
મટી સૌ ઝંખાઓ, ચરમ વિસરી મંજિલ અને
ગણ્યાં સૌ સાફલ્યો સકલ ત્યહીં યાત્રા નિજ તણાં?

અરે એ તો કિન્તુ ક્યમ બની શકે? વિશ્વજનની
પ્રવાસી પ્રાણીના પથ વિચરતી તારક ધ્રુવા,
રહેવા દે ક્યાંથી સહુ સમય રાત્રિ જગતમાં?

ગઈ રાત્રિ, જાગ્યાં ખગકુલ, ઉષા ઉજ્જ્વલ લસી,
અને પંથી જાગ્યો, અકળવિકળો, મૂઢ ઢુંઢતો
ગયેલી રાત્રિને, જગતથી ગયેલી સુરભિને.

દૃગો ચાળી ચાળી જગત ભણી ભાળ્યું, અનુભવ્યું
પ્રતાપી ભાનુનું કિરણ કટુ સત્યો પ્રગટતું, –
હતી સાચ્ચે રાત્રિ, સુરભિ પણ સાચ્ચે હતી હતી,
અરે કિન્તુ બંને ક્યમ ટકી શકે આ દિવસમાં?

અને તેણે પાછા કદમ ઉંચક્યા લંબ પથ પે,
ઉદાસી, થાકેલા? વિકળ, અડવાતા? નહિ, નહિ.


જુલાઈ, ૧૯૪૦