યુરોપ-અનુભવ/નવો પાસપૉર્ટ
વાંચ્યું તો હતું કે બ્રસેલ્સ માત્ર મહાનગર નથી, યુરોપના દેશોનું મોટું વેપારી કેન્દ્ર છે અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું મથક પણ છે, એટલે રાજકીય કેન્દ્ર પણ. એ મહાનગરનો પ્રસિદ્ધ ચૉક જોઈને જ બ્રસેલ્સ જોવાનો અમારે સંતોષ લેવાનો હતો, પણ બ્રસેલ્સે અમને જુદી રીતે રોકી પાડ્યા. વ્યગ્ર મનથી ભલે, પણ એની જુદી જુદી ઇમારતો અને વિશાળ રસ્તાઓ પ્રભાવિત કરી ગયા. હોટલમાંથી ભારતીય એમ્બસીનું સરનામું અને ત્યાં પહોંચવા માટેના બસ નંબર લઈને અમે પાંચે સાથે નીકળી પડ્યાં. મનમાં શંકાઆશંકાનાં વાદળ હતાં. નવો પાસપૉર્ટ મળશે કે નહિ. બસમાંથી ઊતરી થોડુંક ચાલીને અમે ઇન્ડિયન એમ્બસીમાં પહોંચી ગયાં.
એમ્બસીનું કાર્યાલય ઊઘડ્યું હતું, પણ કર્મચારીઓ – ભારતીય કર્મચારીઓએ અહીં પણ સમયસર કાર્યાલયમાં ન પહોંચવાની રાષ્ટ્રીય પરંપરા જાળવી હોય તેમ ધીરે ધીરે આવતા હતા. અમે એક અધિકારી પાસે જઈ આમસ્ટરડામમાં મારો પાસપૉર્ટ ચોરાયાની વાત કરી, સાબિતીમાં ત્યાં કરેલી પોલીસ ફરિયાદની નકલ આપી, ઝેરોક્સ પાસપૉર્ટની નકલ પણ આપી અને સાથે એક નવો પાસપૉર્ટ આપવાની અરજી.
આવું દરેક દેશમાં બનતું હશે, જ્યાં પાસપૉર્ટ ખોવાયા કે ચોરાયા પછી નવા પાસપૉર્ટ માટે જે તે દેશની ત્યાં આવેલી એમ્બસીને કામચલાઉ પાસપૉર્ટ આપવા અધિકૃત કરાતી હશે. પણ આવો પાસપૉર્ટ લેવા આવનારાઓને સૌપહેલાં તો શંકાની નજરે જોવાય. ગેરકાયદે ઘૂસી જનાર તો નથી ને? સદ્ભાગ્ય અમારા પાંચેયનો યુરેબલ પાસ સંયુક્ત હતો, એ પણ એક સાબિતી હતી કે અમે પ્રવાસીઓ છીએ અને હજી ગઈ કાલે જ પ્રવાસ શરૂ કર્યો છે.
ઝૅરોક્સ પાસપૉર્ટની ફૅક્સ દ્વારા આવેલી નકલથી અમારું કામ થોડું સહેલું બન્યું. પણ નવો પાસપૉર્ટ બનાવવા પૂર્વે ઘણીબધી પૂછપરછ થઈ. દરમ્યાન મારા સહયાત્રીઓ વિષણ્ણ વદને બેઠાં હતાં. છેવટે અમલદારે કહ્યું કે, પાસપૉર્ટ તો સાંજે જ મળશે. મુખ્ય અધિકારી હજુ આવ્યા નથી. પરંતુ તે પહેલાં તમારી એર ઇન્ડિયાની રિટર્ન ટિકિટ પણ રિઇશ્યૂ કરાવી આવો. પાછા ફરવાની વિમાની ટિકિટ હોવી જરૂરી છે. તેમણે બ્રસેલ્સની એર ઇન્ડિયાની ઑફિસનું સરનામું પણ આપ્યું. અમે આમ વાત કરતાં હતાં ત્યાં એક ભારતીય સજ્જને અમારી મૂંઝવણ જોઈ સહાય કરવા તત્પરતા દાખવી. વાતવાતમાં એમણે કહ્યું કે, હું ગુજરાત યુનિવર્સિટીના વિજ્ઞાનભવનમાં ગણિત વિભાગમાંથી એમ.એસસી. થયો છું. ડૉ. પી. સી. વૈદ્યનો વિદ્યાર્થી છું.’ મેં કહ્યું : ‘હું અત્યારે સ્કૂલ ઑફ લેંગ્વજિઝમાં ભણાવું છું.’ તેમણે કહ્યું – ‘તમે મૂંઝાશો નહિ. હું અહીં ઍન્ટવર્પમાં રહું છું. હીરાના વેપારમાં પડેલો છું. તેમણે દુકાનનું અને ઘરનું સરનામું, ફોનનંબર લખી આપ્યાં, અને બ્રસેલ્સમાં જેટલા દિવસ રહેવું પડે એટલા દિવસ અહીંને બદલે એન્ટવર્પમાં રોકાવા નિમંત્રણ આપ્યું. અહીં વિદેશમાં એમના આ શબ્દો અમારે માટે શીળા બની ગયા. જતાં જતાં ફરી બોલ્યા : ‘કશી વાતે મૂંઝાશો નહિ.’ જરા સંકોચથી કહ્યું : ‘પૈસાની વાતે પણ નહિ જ.’ એ હતા છગનલાલ સતાસિયા.
અમે એર ઇન્ડિયાની ઑફિસે જવા નીકળ્યાં. હવે ખ્યાલ આવતો હતો બ્રસેલ્સની વિશાળતાનો. એર ઇન્ડિયાની ઑફિસ એક મુખ્ય રસ્તાના બીજા માળે હતી. ઑફિસમાં માત્ર ત્રણ કર્મચારી. એક યુવાન ઑફિસર, એક વયસ્ક સહાયક અને એક ટાઇપિસ્ટ.
અમે ત્યાં જઈ પાઉચ ચોરાયાની આખી ઘટના કહી સંભળાવી અને કહ્યું કે, ઍમ્બસીમાંથી અમને કહેવામાં આવ્યું છે કે, તમે એર ઇન્ડિયામાંથી તમારી એરટિકિટ રિઇશ્યૂ કરાવી આવો. અમદાવાદથી અમારા ચારની ટિકિટ તો એક જ ટ્રાવેલ એજન્સી દ્વારા ઇશ્યૂ થયેલી. અનિલાબહેન, રૂપા, દીપ્તિની ટિકિટો પણ એમણે જોઈ. મને અહીંથી ટિકિટ ઇશ્યૂ કરે તે પહેલાં એમના પક્ષે ખાતરીની જરૂર હતી. એમણે તરત જ અમદાવાદની ટ્રાવેલ એજન્સીને ટેલેક્સ મોકલી, ટેલેક્સથી જવાબ મંગાવ્યો. પેલા યુવાન અધિકારી સિંધી હતા. સોજવાની એમની અટક. સહાયક અધિકારી હતા શ્રી જગન્નાથન્.
ટેલેક્સ કર્યા પછી જગન્નાથને પૂછ્યું : ‘તમારા ટ્રાવેલર્સ ચેક કઈ કંપનીના હતા?’ અમે કહ્યું : ‘અમેરિકન એક્સપ્રેસ’. તેમણે તો તરત જ એ કંપનીનો નંબર શોધી ફોન જોડ્યો. પૂછતા ગયા : ક્યાંથી લીધેલા, કયા નંબર વગેરે. અમે કહ્યું : ‘અમદાવાદમાંથી લીધેલા, નંબર તો યાદ નથી.’ અમેરિકન એક્સપ્રેસ કંપનીનો જવાબ આવ્યો : ‘ટ્રાવેલર્સ ચેકના નંબર આપો તો ચોરાયેલા ચેકને બદલે નવા ચેક અહીં બ્રસેલ્સથી જ આપી દઈએ!’
પેલા વડીલે ફોન મને જ પકડાવી દીધેલો. સામે એક મહિલાનો વિનયશીલ અવાજ મને સંભળાતો હતો, જેમાં એમણે નામ સમેત બધી વિગતો પૂછી અને પોતાનું નામ પણ આપ્યું – મિસિસ ઍના. કહે તમારો રેફ્રેંસનંબર લખી રાખો – ૮૯૧૭૭૮૨૯૨. આ નંબર કહેવાથી લંડન કે યુરોપના કોઈ નગરમાં જ્યાં અમેરિકન એક્સપ્રેસની ઑફિસ હશે, ત્યાંથી તમારા નવા ટ્રાવેલર્સ ચેક મળી જશે. આ અંગે તમારા ખોવાયેલા ચેકનંબર જલદીથી મેળવી લેશો.
અમને પીણું ઑફર કર્યા પછી મિ. સોજવાનીએ કહ્યું કે, તમે આમસ્ટરડામ પાછા જાઓ. તમારો ખોવાયેલો પાસપૉર્ટ પાછો મળી જશે. પાઉચ ચોરનારા પૈસા કાઢી લઈ પાસપૉર્ટ આમસ્ટરડામ સ્ટેશનની પાછળના ભાગમાં નાખી દે છે. પોલીસ ત્યાંથી ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’માં કે પાટનગર ધ હેગની ઑફિસમાં જમા કરાવતી હોય છે. એમના શબ્દો આત્મવિશ્વાસથી ભલે બોલાયા હતા, પણ અમને ભરોંસો બેસતો નહોતો. હવે એ પાસપૉર્ટ પાછો મળતો હશે? એમણે ફરી એમની વાત દોહરાવી.
એમણે કહ્યું : ઇન્ડિયાથી ટેલેક્સ આવ્યા પછી, તમને નવી એર ટિકિટ આપીશું: ત્યાં સુધી રાહ જોવી પડશે. બેત્રણ દિવસ નીકળી જાય. અમે થોડાક નિરાશ થયાં. પણ હવે રાહ તો જોવી પડશે. નવો પાસપૉર્ટ મળે એ પછી પણ જુદા જુદા દેશના વિસા મેળવવાની પ્રક્રિયા પણ કરવાની હતી, એટલે હવે બ્રસેલ્સમાં ત્રણ-ચાર દિવસ કૉન્ટિનેન્ટલ હોટલમાં વિતાવવા પડશે. અમે ઇન્ડિયન એમ્બસી પર પાછા આવ્યા. થોડી રાહ જોયા પછી મને નવો પાસપૉર્ટ મળ્યો.
અમારા સૌના ચહેરા પર થોડી પ્રસન્નતા આવી. હવે આવતી કાલે યુ.કે., યુ.એસ.એ. અને જર્મની, ઇટલી, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોના વિસા મેળવી લઈશું.