યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૧ : શેક્‌સ્પિયરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિશિષ્ટ-૧ : શેક્‌સ્પિયરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ!

ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં ફરી સ્ટ્રૅટફર્ડ આવવાનો અવસર મળ્યો. વર્ષ ૧૯૭૯ની અમારી પહેલી મુલાકાત અને આ બીજી મુલાકાત દરમ્યાન એક એવી ઘટના થઈ છે કે, શેક્‌સ્પિયરના ઘરના આંગણમાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ઇંગ્લૅન્ડમાં ભારતના રાજદૂત લક્ષ્મીમલ સિંઘવીએ એ માટે ત્યાંના સત્તાવાળાઓ સાથે વાતચીત ચલાવી હતી. રવીન્દ્રનાથે પોતાના શૈશવમાં અને પછી યુવાવસ્થામાં શેક્‌સ્પિયરનું પરિશીલન કર્યું છે. તેમના અમદાવાદના નિવાસ દરમ્યાન એના એક નાટકનો અનુવાદ કરવાનો પણ પ્રયાસ એમણે કર્યો હતો..

રવીન્દ્રનાથે શેક્‌સ્પિયરના ‘ટૅમ્પેસ્ટ’ અને કાલિદાસના ‘શાકુન્તલ’ની મર્મસ્પર્શી સરખામણી કરતો લેખ લખ્યો છે, જેની શરૂઆતમાં તેમણે જર્મન કવિ ગટેની પંક્તિઓ ઉદ્‌ધૃત કરી છે. કાકાસાહેબ કાલેલકરે યોગ્ય રીતે રિમાર્ક કરી છે કે, કણ્વના આશ્રમમાં ચારચાર મહાકવિઓ કાલિદાસ, શેક્‌સ્પિયર, ગટે અને સ્વયં રવીન્દ્રનાથનું મિલન થયું છે!

રવીન્દ્રનાથના સમયમાં બંગાળમાં જ નહિ, સમગ્ર ભારતમાં શેક્‌સ્પિયરનાં નાટકોની બોલબાલા હતી. ભારતની બધી ભાષાઓમાં એના નાટકોનાં રૂપાંતરો ભજવાતાં. તેમાં આપણે અંગ્રેજોની ગુલામ પ્રજા હતા, એ ભાવ સાથે, વિશેષ તો શેક્‌સ્પિયરનાં નાટકોની સાહિત્યિક ગુણવત્તાનું કારણ પણ હતું. ઉમાશંકરે લખ્યું છે કે, માનવીની જાણે પૂરી આત્મકથા આલેખનાર શેક્‌સ્પિયર જગતના ઉત્તમોતમ નાટ્યકવિ છે.

રવીન્દ્રનાથ પર એનો પ્રભાવ હતો. તેમણે શેક્‌સ્પિયર પર એક સૉનેટ પણ લખ્યું છે. શેક્‌સ્પિયર અને ટાગોર આપણે મતે તો સમાનધર્મા કવિઓ છે. તેમ છતાં જ્યારે બીજી વારની સ્ટ્રૅટફર્ડની મુલાકાત વખતે શેક્‌સ્પિયરના આંગણે રવીન્દ્રનાથની પ્રતિમા સ્થાપિત થયેલી જોઈ, ત્યારે એવું લાગ્યું કે, આપણે જાતે થઈને રવીન્દ્રનાથને અપમાનિત કર્યા છે. પ્રતિમા સમગ્ર ઇમારતના એક ખૂણે રાખવામાં આવી છે. કદાચ એ રાજદૂતને મન ભારતના મહાન કવિ ટાગોરનો મહિમા કરવાનો ખ્યાલ હશે, પણ આ એક ખૂણે ટાગોરનું સ્થાન આપવાથી એમના મહિમાનું ખંડન થાય છે, સ્થાપના નહિ.

શેક્‌સ્પિયરના ઘર-ગામની મુલાકાતે આવવા વિશ્વભરના પ્રવાસીઓમાંથી ઘણા એ તરફ જતા પણ નથી, કદાચ કુતૂહલપ્રેર્યા કોઈ જાય, તો એ નજર કરી ત્યાંથી પસાર થઈ જાય છે. કલકત્તાના જોડાસાંકોના વિશાળ પ્રાંગણમાં શેક્‌સ્પિયરની પ્રતિમા સ્થાપવામાં આવે, તો તેથી શેક્‌સ્પિયરનો મહિમા વધશે નહિ. પરંતુ શેક્‌સ્પિયરને ઓળખનાર તો ભારતમાં ઘણા હશે, સ્ટૅટ્રફર્ડના યાત્રીઓમાં ટાગોરને ઓળખનાર ભાગ્યે જ કોઈ હશે.