યુરોપ-અનુભવ/પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી

એક સ્વપ્ન આવ્યું હતું : ભૂમધ્ય સાગરનાં બ્લૂ – ભૂરાં પાણી હિલ્લોરાતાં જોતો ઊભો છું. એ ભૂમધ્ય તે ઇટલીની નીચેના સિસિલી ટાપુનો હતો કે નેપોલીના કાંઠાનો તે કળાયેલું નહિ. પણ એ અનિર્વચનીય ભૂરી સ્વપ્નાનુભૂતિનો સંસ્પર્શ રહી ગયો. એટલે યુરોપયાત્રા દરમ્યાન એ સ્વપ્નને સાચું કરવા ઇટલીનો નેપોલી કૅપ્રી પ્રદેશ જોવાનું રાખેલું અને એ માટે રોમથી ઊપડતી કોઈ એક આયોજિત ટૂરમાં જોડાઈ જવું એવું વિચારેલું. રોમથી લઈ લે અને બધું બતાવી પાછા રોમ લાવી દે. પરંતુ જ્યારે સવારથી રાત સુધીની એક દિવસની એ નેપોલી કેપ્રી ટૂરની વ્યક્તિગત ટિકિટના દર જાણ્યા ત્યારે અમને ખૂબ એ મોંઘી લાગી. નેપોલી સુધીનો તો અમારી પાસે યુરેઇલપાસ હતો જ, એટલે અમે જાતે જ નેપોલી સુધી ગાડીમાં જઈ ત્યાંથી કૅપ્રી સોરેન્ટો જવાનું નક્કી કર્યું. એ જ રીતે રોમથી મિલાન જતી ગાડી લેવાનું પણ વિચારી લીધું. એટલે અમે પેન્થિઓનના અમારા રૂમ ખાલી કરી સામાન એના જ ક્લોકરૂમમાં મૂકી રાખવાની વ્યવસ્થા કરી. બે હજાર વર્ષ પહેલાં પણ રોમના લૅટિન વ્યંગ્ય કવિ જુવેનાલે લખેલું છે: ‘It costs money to sleep in Rome’. આપણને તો વિદેશી ચલણમાં જેટલી કરકસર થાય એટલું સારું

વહેલી સવારે નેપોલી માટેની ગાડી જૂના-નવા રોમને ચીરતી નીકળી. બન્ને રોમ એકસાથે શ્વાસ લેતાં લાગે. દિવાસળીનાં ખોખાં જેવી નવી ફ્લેટનુમા ઇમારતો અને વચ્ચે ક્યાંક જૂની ખંડિયેર દીવાલો અને એના પર ઊગી પીળું થઈ ગયેલું ઘાસ કૉન્ટ્રાસ્ટ રચે. મોટાભાગનાં ઇટાલિયન ઉતારુઓ છાપામાં મોં રાખીને બેઠાં હતાં, એમને માટે એ રોજનું હતું, અમે તો ઊંચાંનીચાં થતાં બારી બહાર જોયા કરીએ. મોટાભાગના હાથમાં La Republica છાપું હતું. ૧૯૮૩માં શાંતિનિકેતનમાં મારા પડોશી હતા ઇટાલિયન અધ્યાપક ચેઝારે રિઝિ. એમની પાસે ઇટાલિયનના કેટલાક લેસન્સ લીધેલા. પણ અભિવાદનના થોડા શબ્દો સિવાય બધું ભુલાઈ ગયું છે. બોલોન્યા શહેરમાં જવાનું થશે તો કદાચ રિઝિને મળવાનું થશે. પત્રાચાર થયો છે.

રોમ શહેરની બહાર ગાડી નીકળે છે, તો દૂર ઝાંખી પહાડીઓની રેખાઓ દેખાય છે. થોડોક વેરાન પ્રદેશ આવે છે. પછી તો શરૂ થઈ ગઈ દ્રાક્ષની વાડીઓ. ત્યાં અમારી ગાડી એક લાંબી ટનલમાંથી પસાર થાય છે. એમાંથી એ જ્યારે બહાર નીકળી ત્યારે તો બન્ને બાજુ લીલીછમ પર્વતમાળા. જમ્મુથી શ્રીનગર જતાં બટોટ પસાર કરી જવાહર ટનલમાં પ્રવેશી પેલી બાજુ પહોંચીએ અને કાશ્મીર ખીણનું સૌંદર્ય જેમ મંત્રમુગ્ધ કરી દે છે એવું કંઈક લાગ્યું. પર્વતના ઢોળાવ પર દ્રાક્ષની વાડીઓ, નાનાં નાનાં ગામ, નારંગીની વાડીઓ. પ્રાકૃતિક વાતાવરણ જાણે બદલાઈ ગયું. લગભગ દશેક વાગ્યે નેપોલી (નેપલ્સ) આવ્યું. ગાડીમાંથી જ જોયું કે નેપોલી પણ કંઈ નાનું નગર નથી. ભૂમધ્ય દરિયાકાંઠાનું આ મોટું બંદર એની માફિયા ટોળીઓ માટે કુખ્યાત છે. આપણે સાચવીને રહેવું પડે. એ ટોળીઓ નાની બાબતમાં હાથ નાખતી નથી, એ ખરું.

કૅપ્રી ભૂમધ્યસાગર વચ્ચે નેપોલીથી થોડે દૂર એક નાનકડો ટાપુ છે. સ્વ. મૃદુલા મહેતાએ લખેલા ‘યુરોપદર્શન’ પુસ્તકમાં કૅપ્રીની એક ગુફામાંથી એમણે જોયેલાં ભૂમધ્યનાં નીલજળનું જે સંમોહક વર્ણન કર્યું છે તે વાંચી અમે પણ એવું દર્શન કરવા ઇચ્છ્યું હતું. મને કદાચ સ્વપ્નનો પેલો ભૂરો સંસ્પર્શ મળી પણ જાય. સ્ટેશને ઊતર્યા, ત્યાં અમારી પાસે માથે હૅટ પહેરેલ ‘ટૂરિસ્ટ ઇન્ટરપ્રીટર’ એવો બેજ લગાવેલ એક ભાઈ આવ્યા. અંગ્રેજીમાં જ એમણે વાર્તાલાપ શરૂ કર્યો :- તમારે સોરેન્ટો જવું છે? અમે તમારી ટૂર ગોઠવી આપીએ. પણ અમે એના પર એકદમ ભરોંસો કેવી રીતે મૂકીએ? એ ભાઈ ગયા કે બીજા એક ઠીંગણા કદના ‘ઇન્ટરપ્રીટર’ આવ્યા. અહીંથી હવે કૅપ્રી જવા માટે પૉર્ટ લઈ જતી બસ મળતાં વાર લાગશે એમ એમણે કહ્યું. પછી એમણે પણ ભાવ બતાવ્યા. અમે પાંચે આરામથી બેસી શકીએ એવી ટૂરિસ્ટકારમાં નેપોલીથી પૉમ્પી, પૉમ્પીથી સોરેન્ટો, અને ત્યાંથી બોટ. બોટ કૅપ્રી લઈ જાય અને પછી કૅપ્રીથી નેપોલી. અનિલાબહેન – દીપ્તિએ લીરાના પાઉન્ડ મનોમન ગણી લીધા. પછી અમે ‘હા’ પાડી. અમારે માટે ‘સમય’નો પણ પ્રશ્ન હતો. અમારી આ ટિકિટમાં પૉમ્પીદર્શન આવી જશે એ અમારે માટે નવું પ્રલોભનીય આકર્ષણ બની ગયું. પૉમ્પીના પ્રવેશની ટિકિટ પણ એમાં આવી જાય.

વાત પાકી કરી લીધા પછી સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગોઠવાયેલી મોટરો અને ટૅક્સીઓની ભીડમાં માર્ગ કરતો એ ઇટાલિયન ‘પંડો’ અમને એક મોટી ટૂરિસ્ટ કાર પાસે લઈ ગયો. કારના ડ્રાઇવર સાથે એણે વાત કરી. અમે ગાડીમાં ગોઠવાઈ ગયાં. સોરેન્ટોથી કૅપ્રીની બોટની ટિકિટ એ આપે, પછી જ બધા પૈસા એને ચૂકવવાના.

મારિયો ટૅક્સીના ડ્રાઇવરનું નામ. ઇટાલિયન, પણ અંગ્રેજી બોલે. લહેરી લાલા જેવો, પણ ચતુર, થોડો ‘કનિંગ’ પણ હશે. જોકે એવો અભિપ્રાય કદાચ અન્યાયકર્તા હોય. ટૅક્સીની સાથે એની જીભ પણ ચાલતી. એ ટૅક્સીચાલક કમ ગાઇડની ભૂમિકા ભજવે એ તો સારું જ ને!

દરિયા-કિનારે કિનારે જ તો માર્ગ. જરા દૂર દરિયા પરથી વહેતો આવતો પવન ફરફર કરતો અમારા વાળ ઉડાડતો હતો એ ગમ્યું. મારિયો અમને કેટલીક પ્રસિદ્ધ દુકાનોમાં શોપિંગ કરવા પણ લઈ જવાનો હતો. અમારી ઇચ્છા હોય કે ન હોય, કદાચ આ એની ‘કનિંગનેસ’. એટલે પહેલું સ્ટૉપ આવી એક આભૂષણોની દુકાન પાસે આવ્યું. બધું ગમી જાય – બહેનોને તો ખાસ. કીમતી પથ્થરોના જાતજાતના હાર અને કર્ણફૂલ. પણ કિંમત વધારે જ લાગે. ખરી વાત તો એ કે એક વાર ખરીદવાનું મન કરે પછી બહેનોનો કલાક તો ક્યાં વીતી જાય એની ખબર ન રહે. એટલે પહેલેથી જ નક્કી કે માત્ર જોઈને નીકળી જવું.

– ત્યાં દૂરથી બે પર્વતશિખરો દેખાયાં. તેમાં એક તો પેલું ફોટા જોઈ જોઈ પરિચિત લાગતું – જ્વાળામુખી વિસુવિયસનું શિખર. અત્યારે તો એ સુપ્ત છે. એના અત્યારે બોખા લાગતા મુખમાંથી એક વખત ધૂમધડાકા સાથે જ્વાળાઓ નીકળેલી અને ધગધગતો લાવા રેલાયેલો, જેથી આનંદકિલ્લોલ કરતું પૉમ્પીનગર જોતજોતામાં દટાઈ નામશેષ થઈ ગયેલું. લગભગ અઢારસો વર્ષ પહેલાંની આ વાત. કારની બારીમાંથી એ જ્વાળામુખીને જોતાં હતાં. કેવો ચૂપ ઊભો છે! જાણે કંઈ ગુનો જ કર્યો નથી!

એક ઘટાદાર વૃક્ષની છાયામાં ગાડી ઊભી રાખી. અહીં બીજી અસંખ્ય પ્રવાસી બસો — મોટરગાડીઓ હતી. પ્રવાસીઓ પણ કેટલા? ત્યાંથી ચાલતાં રસ્તો ઓળંગી થોડાં પગથિયાં ચઢી એક રેસ્ટોરાંના કમ્પાઉન્ડમાં થઈ પૉમ્પીના પ્રવેશદ્વારે આવ્યાં. મારિયોએ ટિકિટ લઈ આપી. પછી કહ્યું : જોઈ આવીને અહીં ઊભાં રહેજો. રેસ્ટોરાંમાં ચા-કૉફી પીજો. રેસ્ટોરાં સાથે પણ એની રોજની ગોઠવણ હશે પાછી.

ઊંચે જતાં સાંકડા પગથિયાંવાળા માર્ગેથી અમે એક ઊર્ધ્વસ્ત નગરીનાં ખંડેરો જોવા આતુર બન્યાં. પૉમ્પીનાં આ ખંડેરો વિષે કેટલું સાંભળેલું? ક્યારેક એ ખંડેરોમાં ભટકવાનું મળે એવી ઇચ્છા પણ કરેલી. કર્ણાટક રાજ્યમાં આવેલ વિજયનગરનાં હમ્પીનાં ખંડેરો જોતાં પૉમ્પીનાં એ વખતે અદૃષ્ટ ખંડેરોના વિચારો આવેલા. વળી હમ્પી અને પૉમ્પીનો પ્રાસ પણ મળે છે. બન્ને એક વખત જાહોજલાલીનાં નગર, અત્યારે ખંડેર. હમ્પીનો નાશ મનુષ્યોએ કર્યો, પૉમ્પીનો કુદરતે. આ કુદરત એટલે પેલો ચૂપ ઊભેલો નગરનો પડોશી વિસુવિયસ. એ ડુંગરની આકૃતિ આંખને ગમે છે, પણ…

૨૪મી ઑગષ્ટ, ૭૯નો દિવસ. આખી ઘટના વિષે ઇતિહાસકાર પ્લીની(યંગ)એ લખ્યું છે કે, એ દિવસે વિસુવિયસ પર પહેલું જે વાદળ દેખાયું તે પાઈન વૃક્ષ જેવું, એકદમ ઊંચે જતું, અને પછી તો વિલુવિયસ સતત ત્રણ દિવસ સુધી આગ, રાખ અને લાવા ઓકતો રહ્યો. લોકો બચવા નૅપ્કિનથી માથે ઓશીકા બાંધી ભાગવા લાગ્યાં, કેટલાક પૉમ્પીવાસીઓ ગલીઓમાં જ માર્યા ગયા. ક્યાંક કોઈ પ્રેમી રાહ જોતો ઝાડ નીચે જ શેકાઈ ગયેલો. કોક ધોબી પૈસાના ગલ્લા પાસે જ માર્યો ગયો. બાળકો ક્રીડાંગણમાં અને પ્રેક્ષકો થિયેટરમાં દટાઈ ગયાં. જોતજોતામાં આખું નગર ત્રીસ ફૂટના રાખના ઢગલા નીચે અદૃશ્ય થઈ ગયું. પ્લીનીએ લખ્યું છે કે, વચ્ચે વચ્ચે કાળું ભયાનક વાદળ દેખાતું, જ્વાળામુખીમાંથી ફરી જ્વાળાઓ લપકતી… પ્લીની તો બચી ગયો, પણ એ દિવસે એને લાગી ગયેલું કે, પૃથ્વીનો પ્રલય થઈ રહ્યો છે! ત્રીજે દિવસે જ્યારે આકાશ સ્વચ્છ બન્યું ત્યારે એક હસતું-રમતું નગર લુપ્ત થઈ ગયું હતું!

બસો વર્ષ પહેલાં દટાયેલા એ નગરને પુરાતત્ત્વવિદોએ ખોદી કાઢ્યું છે. આખું જ દટાયેલું, ભગ્નનગર, સિમેન્ટ જેવા બની ગયેલા કેટલાક માનવદેહો સાથે. ફરી આખું પુરાતત્ત્વવિદ્યાની મદદથી ગોઠવી રહ્યા છે. દરેક રસ્તા, શેરી, ચૉક, ઘરને નંબર આપી એની વિવરણિકા તૈયાર કરી છે.

પ્રવાસીઓની સુવિધા માટે જાણકારીની પ્લેટો ચોડી છે, અને ભોમિયા પણ થોડી ફી લઈ આપણી ચેતનામાં આ નગર ઊભું કરવા ઉત્સુક છે. સમય હોત તો અમે એમની મદદ લીધી હોત. પણ અમે તો જાતે જ એની શેરીઓમાં પ્રવેશી જોવાનું શરૂ કર્યું. અનેક અમારા જેવાં પ્રવાસીઓ આ સૂમસામ ખંડેરોમાં ભમી રહ્યાં હતાં.

આ ખંડેરોમાં આથડવા માટે તો દિવસો ઓછા પડે, પણ અમે ક્યાં પુરાતત્ત્વ-શાસ્ત્રીઓ હતા? અમારે તો આ ઉધ્વસ્ત નગરનો ફીલ જોઈતો હતો. જોતાં જોતાં સામે વારંવાર વિસુવિયસ પર નજર પડે જ. ખંડેરો વચ્ચે ઘાસ ઊગી ગયું છે, ઘરની ભગ્ન દીવાલો બહાર એ ડોકાય છે. ક્યાંક તાજાં ખીલેલાં પીળાં પુષ્પો પવનમાં ઝૂમી રહ્યાં છે. પ્રાચીન રોમ અને પૉમ્પીમાં ઘણી સમાનતાઓ હતી. જોકે ઇતિહાસવિદો કહે છે કે, પૉમ્પીમાં ગ્રીક સંસ્કૃતિની અસર વધારે હતી. પણ ખાવાપીવા અને મોજમઝામાં પૉમ્પીઅનો રોમનો જેવા જ. એમનાં ફૉરમ, એમનાં નાટ્યગૃહો, એમનાં જાહેર સ્નાનઘરોના અવશેષો એ વાતનો નિર્દેશ કરે છે. કેટલાંક ઘર જોયાં, હજી ભોંયતળિયાની મોઝેઇક ટાઇલ્સ ગઈ કાલે જડી હોય એવી લાગે.

જાહેર સ્નાનઘરોનાં ખંડેર જોયાં. એક સ્થળે તો પથ્થરરૂપ જુદા જુદા પોઝમાં માનવદેહ જોયા, ભાગી નથી શક્યા. કોઈ સૂતા, કોઈ બેઠા. ત્યાં ને ત્યાં ભૂંજાઈ ગયા અને વર્ષો જતાં અશ્મીભૂત બની ગયા. પછી તો સંગ્રહસ્થાનમાં એવા ઘણા ‘મનુષ્યો’ જોયા. અઢારસો વર્ષ પહેલાંનાં એ મમી. એક ગલીમાં ચાલતાં ચાલતાં એક નેમપ્લેટ જોઈ : ‘Casa del Poeta Tragico’ – ટ્રૅજિક કવિનું ઘર. હું એ ઘર આગળ ઊભો રહી ગયો. ઘર ઘણું વધુ સચવાયું હતું. પણ આ એક કવિનું અને એ પણ ટ્રૅજિક(કટુહારસના)ના કવિનું ઘર છે, એ કેવી રીતે? કંઈક જો જાણવા મળે. કેમ જાણે પણ આ ઘર જોતાં કવિ કાલિદાસનું કેમ સ્મરણ થયું? ખરું, કવિ એટલે કવિ. પછી પૉમ્પીના હોય કે ઉજ્જયિનીના હોય. ટ્રૅજિક કવિનું ઘર ખાસ્સું મોટું છે. વચ્ચે ચૉક છે. ઊંચા સ્તંભો પર છત છે. ત્યાં પરસાળ છે. ક્યાં બેસીને એ કવિ લખતા હશે?

અમારી જેમ અનેક પ્રવાસીઓનાં ટોળાં આ ભૂખરાં ખંડેરો વચ્ચે એમના ઉજ્જ્વળ રંગો અને ચિત્રવિચિત્ર પોશાકોથી વિરોધલય રચતાં હતાં. એક પડી ગયેલા ઘર આગળ, ત્રણ સ્તંભ ઉપર એક કમાન છે ત્યાં, શિલા પર છાયામાં બેસું છું. નિશાળનાં છોકરાં દોડાદોડી કરે છે. આમ જ એક વખતે તેઓ દોડાદોડ કરતાં હશે અને એ વખતે દટાઈ ગયાં હશે…. હું ચૂપ ઊભેલા વિસુવિયસ તરફ જોઉં છું.

અમે નીકળવાનો વિચાર કરતાં હતાં કે એક પરગજુ ગાઇડે કહ્યું કે, તમે વેટ્ટી જોઈને જાઓ. ત્યાં સચવાયેલાં ભીંતચિત્રો છે. એણે માર્ગ બતાવ્યો. વળી પાછા પુરાણા નગરની ગલીઓ વળોટતાં વેટ્ટી નામે ઓળખાતા ભવન આગળ જઈ ઊભાં. લગભગ આખું ભવન છે. કોઈ ધનિકનું ઘર લાગે છે. દીવાલો પર ભીંતચિત્રો છે. પૉમ્પીઅનો દીવાલોમાં બારીઓને બદલે આખી દીવાલ ભરી ચિત્રો કરાવતા. ગ્રીક પુરાણકથાઓનાં શૃંગારપ્રધાન ચિત્રો છે. ક્યુપીડ – કામદેવ અને સુંદરીઓનાં ચિત્રો છે, સ્નાન કરતી સુંદરી છે, વીણા વગાડતી નારી છે. હોઠે કલમ અડકાડી હાથમાં નોટ રાખી કવિતા લખવાની મુદ્રામાં હોય એવી કન્યા છે. તરતી માછલીઓ છે, દોડતાં જાનવર છે. બળાત્કારનું પણ દૃશ્ય છે. જુગારનું દૃશ્ય પણ છે. પછી તો ખબર પડી કે આવાં ઘણાં ચિત્રો સચવાયાં છે. અજંતાનાં ગુફાચિત્રો કરતાં આ ચિત્રોની હાલત રાખના ઢગલામાંથી ઉત્ખનન પામ્યા પછી સારી છે, કદાચ એટલે જ સારી છે. પણ અજંતાનાં ચિત્રો વૈરાગ્યભાવના જગાડનારાં છે, જ્યારે ભોગસંભોગરત આ ચિત્રો રતિભાવ જગાડનારાં છે. પણ જેમણે એ ચિત્રો દોરાવ્યાં હતાં તે તો જાણે પોતાના એ મહાલયમાં ક્રમશ: અશ્મીભૂત થઈ ગયાં હશે. એ ઘરમાં ફરતાં વિચિત્ર અનુભૂતિ થતી હતી.

વળી પાછાં પૉમ્પીની શેરીઓમાં આવ્યાં. વિસુવિયસ દેખાતો હતો, પણ હવે એ છદ્મ ગુનેગાર જેવો અનુભવાયો.

અમારે હવે નીકળવું જોઈએ. મારિયો રાહ જોતો હશે. બહાર આવ્યાં પણ મારિયો દેખાય નહિ. ગાડી પણ નહિ. અમે જ્યૂસ આઇસક્રીમને ન્યાય આપ્યો, ત્યાં મારિયો દેખાયો.

સમય ઘણો વીતી ગયો હતો. અમને ચિંતા થતી હતી કે બધું સમયસર થશે ને? થોડી વારમાં અમે સાગરને કિનારે કિનારે જતાં હતાં. સાગરકિનારો એટલે ઊંચી કિલફ. ત્યાંથી નીચે સાગર દેખાય — ભૂમધ્યસાગર. ભૂરાં સ્વચ્છ પાણી. કેટલી બધી નૌકાઓ! આ દરિયાતટ સહેલાણીઓમાં બહુ માનીતો છે. ક્યારેક કવિતામાં કે વિદેશી નવલકથાઓમાં દરિયાકિનારાનાં પર્વતમાળા અને એને અડીને સાગર અને તેય વાંકીચૂંકી રેખાઓ સાથેનો – જે વર્ણન વાંચેલાં તે પ્રત્યક્ષ થાય. વચ્ચે હવે નારંગીની વાડીઓ આવી જાય. એક જગ્યાએ તો કાંઠાનો અદ્ભુત વળાંક. વળાંક ઉપર સુંદર વિલા. ત્યાં રહેવા મળે તો?

વચ્ચે બેત્રણ ટનલમાંથી પણ મોટર પસાર થઈ, પછી દરિયો દેખાયો. હવે અમે સોરેન્ટો આવી પહોંચ્યાં હતાં. વળી દરિયાકિનારે છાયાઘન વૃક્ષોની વીથિકામાં મોટર ઊભી રાખી મારિયો ઘડિયાળો બનાવતી એક દુકાનમાં લઈ ગયો. અમે તો કંઈ જ ખરીદવાનાં નહોતાં. પણ એ જે સમય ગયો તે અમારો કીમતી સમય હતો.

ત્યાં રસ્તે જતાં સડકને કિનારે નારંગીનું એક અદ્ભુત ઝાડ જોયું. આવું પીળી નારંગીવાળું ઝાડ જાણે પહેલી વાર જોયું, જેની નીચે ઊભા રહ્યાં હોઈએ. દીપ્તિ, રૂપા, નિરુપમાએ તો નારંગી તોડવા હાથ ઊંચો કરતાં હોય તેવી મુદ્રામાં ફોટો પણ પડાવી લીધો. એક વૃદ્ધયુગલ અમારી આ નાદાનિયત પ્રસન્નતાથી જોતું પસાર થયું.

ત્યાંથી, બોટ જ્યાંથી ઊપડતી હતી તે દરિયાકાંઠે આવ્યા. સુંદર તટ. ત્યાં કિનારે હલકી થપકીઓની જેમ આવતા સાગરતરંગોથી ભીનાં થયાં. ‘બહુ સરસ!’ બધાંને લાગ્યું.

સોરેન્ટોથી હવે બોટમાં કૅપ્રી જવાનું છે. મારિયોએ ટિકિટ લાવી દીધી. અમે એને પૈસા ચૂકવ્યા. એ ગયો. પણ ડિઝલ ભરતી બોટે ત્યાંથી પણ ઊપડવામાં ઘણો વિલંબ કર્યો. પણ પછી એક વાર ઊપડી અને કિનારાથી દૂર ભૂમધ્યના જળમાં જેમ જતાં ગયાં, તેમ અમારી પ્રસન્નતા વધતી ગઈ. એક નજર આ ભૂરાં પાણી પર, બીજી નજર દૂર સાગરકિનારેની વાંકીચૂંકી પર્વતમાળા ઉપર અને ત્યાં દૂર ક્યારેક દેખાતા વિસુવિયસની રેખા ઉપર ફરતી રહેતી.

કૅપ્રીનો ટાપુ નજીક આવી ગયો. પણ ઘડિયાળમાં જોયું તો અમારે પાછા વળી જવાનો સમય પણ થયો હતો. કૅપ્રી ઊતર્યા. હવે એક બોટ અને તે પછી એક મછવો લઈ પેલી અદ્ભુત ગુફામાંથી ભૂમધ્યસાગરનું એક ‘બ્યુટીસ્પૉટ’ જોવાનું હતું પણ એ માટે કલાક તો વીતી જ જાય.

અમે ઘોઘાની ડેલીએ હાથ દઈ પાછાં ફરતાં હીરાઓની નામાવલિમાં અમારાં પાંચ નામ ઉમેરી કૅપ્રીથી તરત ઊપડનારી બોટમાં નેપોલી જવા નીકળ્યાં.