યુરોપ-અનુભવ/લુવ્રની ઝાંકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લુવ્રની ઝાંકી

પૅરિસ એટલે જેમ એફિલ કે નોત્રદામ એમ લુવ્ર પણ. લુવ્ર એટલે સદીઓની મનુષ્યજાતિની સિસૃક્ષાની અભિવ્યક્તિનો ખજાનો. પૅરિસ જનારને સમય ઓછો હોય તોપણ લુવ્રના પ્રાંગણ સુધી તો જઈ આવે. મોટેભાગે તો પોતાના પ્રવાસનાં મહત્ત્વનાં દર્શનીય સ્થાનોમાં એને અગ્રસ્થાન અને સમય આપે. પૅરિસ જનાર લુવ્ર ન જુએ તો ઘણું ગુમાવે. કલોપાસકો અને કલારસિકો તો દિવસો સુધી લુવ્રમાં ભરાઈ રહેવાનું પસંદ કરે. પરંતુ અમે તો માત્ર એક જ દિવસ લુવ્રને માટે ફાળવ્યો હતો. એટલે લુબ્રમાં શું જોવું – એ કરતાં શું જોવાનું રહી ન જાય – એની યાદી કરેલી. લુવ્રના કૅટલૉગમાં વ્યવસ્થિત વિભાજન કરીને લગભગ ચાર લાખ જેટલી કલાકૃતિઓ નોંધવામાં આવી છે, જેમાં પ્રાચીન મિસર, ગ્રીક, રોમન અને પૌર્વાત્ય કૃતિઓથી માંડી મધ્યકાળ અને અર્વાચીન, વિવિધ કલાઆંદોલનો સાથે સંકળાયેલા, મહાન કલાસ્વામીઓની રચનાઓ છે.

લુવ્રના પ્રાંગણમાં પ્રવેશતાં પ્રસન્નતા એ વાતે થાય કે જીવનમાં આ એક લહાવો મળ્યો. ભલે બધું તો જોઈ નહિ શક્યાં, પણ લુવ્ર જેવા કલાતીર્થમાં પગલાં તો માંડી શક્યાં. આ કલાકૃતિઓ સાચવી ફ્રેન્ચ પ્રજાએ સમગ્ર મનુષ્યજાતિ પર મહાન ઉપકાર કર્યો છે. મનુષ્યજાતિની આ સહિયારી સાંસ્કૃતિક ધરોહર છે. આરંભમાં એ કોઈ રાજવીનો અંગત કલાસંગ્રહ હશે, પણ પછી એમાં વૃદ્ધિ થતી ગઈ હશે એટલે એને સાર્વજનિક રૂપ આપવામાં આવ્યું હશે. કહે છે કે, નેપોલિયન તો જે જે દેશો જીતતો, તે દેશોમાંથી ખંડણી રૂપે દ્રવ્યને બદલે લુવ્ર માટે કલાકૃતિઓની માગ કરતો!

પ્રાચીન ઇજિપ્ત – મિસરનો વિભાગ – જોયો ન જોયો કરી અને પ્રાચીન ગ્રીક અને રોમન કલાવિભાગોમાં પ્રવેશ્યાં. અમારા મનમાં જે કેટલીક મહાન કલાકૃતિઓ રમતી હતી તેમાં વિનસ દ મીલો અને મોનાલિસા તો હોય જ. માઇકેલ ઍન્જેલોનાં ચિત્રો – શિલ્પો હોય, બોતીચેલી, રફાયેલ, રેમ્બ્રાેં, વાન ગોઘ, અલ ગ્રેકો અને ગોયા, આવિન્યોંની પીએટાનો અનામ ચિત્રકાર, થિયોડોર રુસો, માને, સેઝાને, ગોગાં, અને અન્ય કલાકારો વિશે જે થોડું કંઈક જાણ્યું હતું તે તો યુરોપનાં વિભિન્ન કલાઆંદોલનોની ચર્ચામાં. એ બધાંની કલાકૃતિઓનું પ્રત્યક્ષ દર્શન એ સાચે જ લહાવો હતો, ભલે શાસ્ત્રીય સંગીતની જેમ આવી કલાકૃતિની સાચી પરખની આંખ ન હોય, પણ ઉત્તમ કલાકૃતિ આપણી અભીપ્સુ કલાચેતનાને અવશ્ય સ્પર્શી જતી હોય છે. માત્ર આવી બધી કલાકૃતિઓની કોઈ સૂચિ થઈ ન જાય એ બીકે થોડી કૃતિઓ જે મનમાં રહી ગઈ છે તેની જ વાત કરી શકીશ અને તે પણ કોઈ ક્રમથી નહિ.

પહેલી વાત તો મોનાલિસાની કરવી જોઈએ. જોનારાઓની એક લાંબી ક્યૂ હતી. પણ જેમ જેમ એ ચિત્રની નજીક જતો ગયો, તેમ એક પ્રકારની સૌન્દર્યવ્યગ્રતા અનુભવવા લાગ્યો. મોનાલિસાની છબીઓ તો કેટલી બધી વખત જોઈ હશે, પણ આ તો લિઓનાર્ડો વિન્ચીનું મૂળ પેઇન્ટિંગ!

બુલેટપ્રૂફ કૅબિનમાં મોનાલિસાને જોતાં, કોઈ ઉત્તેજના ન અનુભવાઈ. મને પોતાને નવાઈ લાગી : કેમ કંઈ કશું હલબલતું નથી, ચેતનામાં? એ ચિત્રનો ઇતિહાસ કે વિન્ચીએ કેવી રીતે, કોને મોડેલ રાખીને વિશ્વનું આ અનુપમ ગણાતું પૉર્ટ્રેઇટ કર્યું છે એ વિષે કેટલું બધું સાહિત્ય લખાયું છે, પણ અહીં એ વિગતો પ્રસ્તુત નથી. ફરી ફરી એ પેઇન્ટિંગ જોયું, પછી એના રહસ્યમય સ્મિતનો વિચાર કરતો આગળ વધી ગયો. આ તો કદાચ શાસ્ત્રીય સંગીતનો આપણે સમ ચૂકી જઈએ અને સંગીતજ્ઞો બધા વાહ વાહ કરી માથું ધુણાવે અને આપણે બાઘા બની બેઠા રહીએ એવું તો નથી ને? જોકે મોનાલિસા મૂળ ચિત્ર જોયું એ સંતુષ્ટિ પણ ઓછી નથી.

લુવ્રનું બીજું પ્રસિદ્ધ શિલ્પ તે વિનસ દ મિલોનું. યુરોપના ચિત્રકારોના બેત્રણ પ્રિય વિષયોમાં મેડોના, વિનસ, અને પિએટા (ઈસુનું ક્રૂસારોહણ) છે. જે સ્થળેથી વિનસની મૂર્તિ કે ચિત્ર મળ્યાં હોય તે સ્થળ સાથે જોડીને એની અલગ ઓળખ અપાય. જેમ કે ચિત્રકાર ટિટિયનની પારદોની વીનસ, ઉર્બિનોની વિનસ. કલાકાર પિએર પાઉલની વિનસ દુ બાઇન જોઈને તો કાલિદાસના કુમારસંભવની પાર્વતી જાણે. કેટલા લાંબા કેશ! ગૅલેરીમાં ફરતાં ફરતાં એકાએક નજરે પડી વિનસ દ મિલો – મિલોની વિનસ. એના બંને હાથ તૂટેલા છે, એક પગ પણ. ખુલ્લી સુંદર છાતીઓ. એક વસ્ત્ર. એ વીનસનું વસ્ત્ર તો છેક નાભિ નીચે ઊતરી આવ્યું છે, કદાચ સ્નાન કરવા જઈ રહી છે. સરસ અંબોડો પથ્થરમાં. આ બધું કંડારનાર કલાકાર ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં થઈ ગયો છે. ગ્રીક કલાનો, જેને હેલેનિસ્ટિક કલા કહે છે તેનો આ અદ્ભુત નમૂનો છે. વારે વારે જોયા કરીએ તેના મુખ ભણી. કાલિદાસના યક્ષના શબ્દોમાં જાણે વિધાતાની આદિ નારીસૃષ્ટિ. અલબત્ત, ભારતીય નારીશિલ્પોનું પરિમાપ વિનસમાં નથી, એ જુદું જ – દિદારગંજની યક્ષીના શિલ્પ સાથે છે. આ વિનસને જોડાજોડ મૂકી જોતાં મૂર્તિવિધાનની ગ્રીક અને ભારતીય શૈલીઓની ભિન્નતા સમજાય. (આ વિનસ નિમ્નનાભિ તો ખરી.) યુરોપના કલાકારો મુખ્યત્વે કોઈ જીવંત મોડેલ પરથી કલાકૃતિ ઘડે છે, આપણે ત્યાં અગાઉ કહ્યું છે તેમ સૌન્દર્યનું એક આદર્શીભૂત રૂપ લક્ષ્યમાં રાખી શિલ્પો ઘડાયાં છે. હરિવલ્લભ ભાયાણીએ એક વાતચીતમાં એ કહેલું.

માઇકેલ ઍન્જલોનું ક્લિઓપૅટ્રાનું આલેખન જોયું – કે આલેખનો જોયાં. પહેલો સ્કેચ, છેવટનો સ્કેચ, પાશ્ચાત્ય ચિત્રકારોમાં લેડા અને હંસનો વિષય પણ બહુ વાર સ્થાન પામ્યો છે. લેડાને સંભોગની મુદ્રામાં આલિંગતો હંસ. એક મિથક. માઇકેલ ઍન્જેલોએ આવું સંભોગનું ચિત્ર અન્ય ભાગ્યે જ દોર્યું છે.