યુરોપ-અનુભવ/વિન્ડસર કૅસલ ને સિટી ઑફ બાથ
લંડનની ગુજરાતી સાહિત્ય એકૅડમીના મહામંત્રી વિપુલભાઈની ગોઠવણ પ્રમાણે આજે અમને બારીન્દ્ર અને બિન્દુ વિન્ડસર કૅસલ અને સિટી ઑફ બાથ જોવા લઈ જવાના હતા. આ દંપતીનો આછો પણ પરિચય હતો. તેમના ઉપક્રમે કીકુભાઈ દેસાઈએ પોતાની મનપસંદ કવિતાનો સંચય ‘નિજાનંદે’ પ્રગટ કરેલો. એ કાર્યક્રમ અમદાવાદ ગુ. સા. પરિષદમાં રાખેલો. બારીન્દ્ર આણંદ પાસેના નિસરાયા ગામના કે નજીકના ગામના. મૂળ નિસરાયાના અને હવે અમેરિકામાં સ્થિર થયેલા અમારા સ્નેહી કે. ડી. પટેલ પરિવારના એ પણ મિત્ર. એ લોકો લંડન આવે ત્યારે બારીન્દ્ર બિન્દુને ત્યાં ઊતરે.
બારીન્દ્ર અંગ્રેજી વસ્તીવાળા વિસ્તારમાં વિશાળ મકાનમાં રહે છે. ફાર્માસ્યુટિકલ્સનો વ્યવસાય છે. પણ મૂળે સાહિત્યમાં પ્રીતિ. તેઓ વહેલી સવારે અમને લેવા શાંતિભાઈને ત્યાં આવ્યા – મર્સિડિઝ ગાડી લઈ.
લંડનની જેમ વિન્ડસર પણ ટેમ્સને કાંઠે, લંડનની પશ્ચિમે લગભગ ત્રીસેક કિલોમીટર દૂર આવેલ છે. હિથ્રો એરપૉર્ટ નજીક પડે. વિન્ડસર શહેર પુરાણું છે. વચ્ચે છે : પ્રસિદ્ધ વિન્ડસર કૅસલ.
આ કિલ્લાનો ઇતિહાસ પણ જૂનો. છેક ૧૧મી સદીમાં વિલિયમ ધ કૉન્કરરે તે બાંધવાનો શરૂ કરેલો. પછી તો એડવર્ડ ત્રીજાએ ૧૩મી સદીમાં એનો વિસ્તાર કર્યો, એ પછી એડવર્ડ ચોથાએ ૧૫મી સદીમાં ચૅપલ બંધાવ્યું. છેવટે જ્યોર્જ ચોથાએ સમગ્ર મધ્યકાલીન એ કિલ્લાને આજના રાજવી મહેલનું રૂપ આપ્યું. એટલે એક રીતે જોઈએ તો આઠ સદી સુધી વિસ્તરેલો આ વિન્ડસર કૅસલનો ઇતિહાસ.
વિન્ડસર કૅસલની અંદરની મુલાકાત ત્યારે જ લેવાય જ્યારે રાજા કે રાણી તેમાં એ વખતે રહેતાં ન હોય. અમે પહેલાં તો ચૅપલની મુલાકાત લીધી. પ્રવેશ-ફી તો ભરવી જ પડે, અમને ચૅપલમાં બહુ રસ નહોતો. જોકે સ્થાપત્યની રીતે એ અત્યંત પ્રભાવશાળી છે.
કિલ્લામાં પ્રવેશની ટિકિટ લઈને જઈએ તો ઘણો સમય જાય એવું હતું. અને અમને ઇંગ્લૅન્ડની રાણીના કીમતી ખજાના કે ફર્નિચર કે એમના મહેલમાંનાં ઇટિંગ્જમાં ઓછો રસ હતો. બહારથી એની રચના જોઈ લીધી. અહીંથી થોડે દૂર ટેમ્સને સામે કાંઠે ઇંગ્લૅન્ડની મશહૂર એટન પબ્લિક સ્કૂલ આવેલી છે.
કિલ્લાની પ્રદક્ષિણા કરી જૂના શહેરની સડકો વીંધી અમે ઊપડ્યાં બાથ તરફ.
ઇંગ્લૅન્ડનો ઇતિહાસ ભણતી વખતે, ઇંગ્લૅન્ડ પર રોમનો રાજ્ય કરતા હતા ઈ.સ.ની પહેલી શતાબ્દીની આસપાસ – એવું વાંચવામાં આવ્યું હતું. રોમનોએ ઇંગ્લૅન્ડ પર લગભગ ૪૦૦ વર્ષ રાજ્ય કરેલું. પછી સ્વયં રોમની રાજકીય પરિસ્થિતિ અસ્થિર થતાં રોમનો જ્યારે ઇંગ્લૅન્ડ પરની સત્તા છોડી જવા લાગ્યા ત્યારે ત્યાંના લોકોમાં હવે પછી અમારું શું થશે એવી અસુરક્ષાનો ભાવ પેદા થયો હતો. યુરોપના બધા દેશોમાં ગ્રીસ અને રોમ એ બે દેશો જ કલા-સંસ્કૃતિ-સાહિત્ય-દર્શન જ નહિ, મુખ્યત્વે તો રાજ્યશાસન અને નગરશાસનમાં અગ્રણી હતાં અને શાસનની પદ્ધતિઓ ઉપજાવી હતી.
ઇંગ્લૅન્ડમાં રોમનશાસન દરમ્યાન અનેક ઇમારતો બની હશે તેમાં આ ગરમ પાણીના બાથ. રોમનોના ધ્યાનમાં ગરમ કુંડ ન આવે એવું બને નહિ. આપણે ત્યાં પણ ગરમ પાણીના અનેક કુંડ છે, જેનો ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. બદરીનાથમાં પણ આવો એક કુંડ છે, જેના એકદમ ગરમ પાણીમાં થોડું ઠંડું પાણી જવા દઈ યાત્રિકોને સ્નાનયોગ્ય બનાવવામાં આવે છે. પણ આપણે ત્યાં કુંડો લગભગ કુંડો જ રહ્યા છે.
પરંતુ, આ તો રોમન પ્રજા. એણે ગરમ પાણીના કુંડને વ્યવસ્થિત બાથ-સ્નાનાગારમાં ફેરવી દીધા. આટલાં વર્ષના બ્રિટન પરના તેમના આધિપત્ય દરમ્યાન શાસક રોમનોમાં આ બાથ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. ઘણા દેશોમાં આપણને રોમન સંસ્કૃતિના અવશેષો મળે છે. રોમ અને ઇજિપ્તનો સંબંધ તો જાણીતો છે. સીઝર અને ક્લિઓપૅટ્રા કે ઍન્ટની અને ક્લિઓપેટ્રાનાં નાટકોથી કોણ અજાણ છે?
એ રીતે આજે પણ ઇજિપ્તનું ઍલેક્ઝાન્ડ્રિયા–સિકંદરિયા ગ્રીકોના શાસન અને તેમના સંસ્કૃતિના પ્રસારનું કેન્દ્ર રહ્યું હતું જ ને? રોમમાં ઈ.સ.ની પહેલી સદીમાં બનેલી ઇમારતો, જે હવે સ્મારકોમાં ફેરવાઈ ગઈ છે, તે જોવા મળી હતી. ‘બધા રસ્તા રોમ ભણી જાય છે’ એ વદન્તીનો અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, યુરોપીય સંસ્કૃતિનું કેન્દ્ર રોમ હતું. ઇંગ્લૅન્ડમાં રોમનોએ બાંધેલી અનેક ઇમારતો કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગઈ હશે. પણ, તેમાંથી જે કેટલીકનો પત્તો લાગ્યો તેમાં આ બાથ છે. અમે બાથનગરમાં પ્રવેશ કર્યો.
બાથનગરે પોતાની પ્રાચીનતા જાળવી રાખી છે, અલબત્ત રોમનોના સમયની નહિ, પણ વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે અઢારમી સદીની. પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર અજ્ઞેયજીના યુરોપના પ્રવાસપુસ્તક ‘એક બુંદ સહસા ઉછલી’માં આ બાથનગરનો ઉલ્લેખ મળે છે. તેમના માનવા પ્રમાણે આ નગરના સભાજનોએ બાથનું અઢારમી સદીનું જે રૂપ હતું તે અક્ષુણ્ણ રાખ્યું છે. એટલે આજે અમે જે રસ્તા અને ઇમારતો આ નગરમાં જોતાં હતાં, તેનું રૂપ એ જ છે, જે અઢારમી સદીમાં હતું. કેટલાંક મકાનોનો ભલે અંદરથી જીર્ણોદ્ધાર થયો હોય, પણ બાહ્ય વાસ્તુવિધાન જૂના પ્રમાણે જ.
બાથનગરમાં જે ‘બાથ’ છે – રોમનોએ બાંધેલ બાથ – તેનું ઉત્ખનન ૧૮૭૯-૮૦માં થયેલું અને થોડા નવા અવશેષો ૧૯૨૩ના ખોદકામ દરમ્યાન મળી આવ્યા. અમે ‘બાથ’ની રચના જોઈ. તેમાં અમને કહેવામાં આવ્યું કે, રોમનોએ બાથમાં જે જળપ્રણાલીઓ અને તરણકુંડની રચના કરી હતી તે બે હજાર વર્ષ પહેલાંની છે. ડૂબકી – ‘ડાઈ’ મારવા માટેના ઘાટના પથ્થરો પર જેમ અજ્ઞેયજીને, તેમ અમને પણ રોમન સ્નાનાર્થીઓનાં પગલાંની છાપ એ પથ્થરોના ઘસારાને કારણે દેખાતી હતી.
બાથનગરમાં બીજાં પણ સ્નાનાગાર રોમનોના સમયમાં બન્યાં હશે. પણ આ નગરમાં નવાં સ્નાનાગાર અઢારમી સદીમાં બન્યાં ત્યારે ઉત્ખનન દરમ્યાન એમનો પત્તો લાગ્યો. વચ્ચેના કાળમાં એ ભૂંસાઈ, ભુલાઈ ગયાં હશે.
પ્રાચીન-મધ્યકાલીન નગરની સ્મૃતિ અપાવતી આ નગરની સડકો પરથી પસાર થઈ અમે પાછાં લંડન આવી ગયાં. આજ રાત્રિએ અમે બારીન્દ્ર-બિન્દુનાં અતિથિઓ હતાં. એમનાં બે સંતાનોનો પરિચય થયો. બંને ભણવા જાય એવડાં મોટાં છે. એમના ઘેર એમના પાળેલા શ્વાનનો પણ પરિચય થયો, એ ડાઘિયા શ્વાનનો આપણને ડર લાગી જાય. બારીન્દ્ર કહે : મારા અંગ્રેજ પાડોશીઓ સાથે હળી ગયો છે અને એ ક્યારેક એને પોતાને ત્યાં લઈ પણ જાય છે.
રાતે મોડે સુધી વાતો કરી, ભારતની, વિદેશની. વિન્ડસર અને બાથની જેમ બારીન્દ્ર-બિન્દુના આતિથ્યથી પણ તે આખો દિવસ અને અર્ધી રાત સ્મરણીય બની ગયાં.