યોગેશ જોષીની કવિતા/કલ્પના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કલ્પના

કેમ આમ ચૂપ થઈ ગઈ છે કલ્પના?
મારી ગંધહીન-અર્થહીન રાતોને માટે
રાતરાણી જેવી
એકાદ હળવી ક્ષણ પણ નહિ?
મારી અંદર
હીબકાં ભરતા ટહુકાઓને
લઈ જઈશ તારા આંબાની ડાળે?
મારી ભીતર
વમળાતાં-ગૂંગળાતાં જળને
લઈ જઈશ તારા પર્વતના અંતઃકરણમાં?!

મેં તો
સમયના વહેણમાં
તરતી મૂકી દીધી છે
હસ્તરેખાઓ વગરની મારી હથેળી!
પણ કલ્પના,
મારી હસ્તરેખાઓ ચોરીને
ક્યાં સંતાઈ ગઈ છે તું?
કેટકેટલી જગાએ તપાસ કરી તારી!–
ડામરની સડકને પૂછ્યું, કાળમીંઢ ખડકને પૂછ્યું,
કાજળની કાળાશને પૂછ્યું, કંકુની લાલાશને પૂછ્યું,
ગરજતા વાદળને પૂછ્યું, ઊછળતાં મોજાંને પૂછ્યું,
ફૂલોને પૂછ્યું, કાંટાને પૂછ્યું,
પલાશના વનને પૂછ્યું, વહેતા પવનને પૂછ્યું
રાધાને પૂછ્યું, કૃષ્ણને પૂછ્યું...
પણ ક્યાંય ન મળ્યા તારા સમાચાર.

કેટકેટલી જગાઓએ શોધી તને?!
તુલસીના ક્યારામાં શોધી,
સૂતરના તાંતણામાં શોધી,
નદીના ભીના તટમાં શોધી,
મોરના પીંછાંમાં શોધી,
પંખીની પાંખમાં શોધી, ઘૂવડની આંખમાં શોધી,
જળમાં શોધી, માટીમાં શોધી,
વાયુમાં શોધી, અગ્નિમાં શોધી;
અરે, ધૂળની સાત સાત ઢગલીઓ કરીને ફેંદી જોઈ!
પણ તું
હાથ ન આવી તે ન જ આવી...

પણ કલ્પના,
મને એ તો બતાવ
કે હું ક્યાં છું?
રોબિન્સન ક્રૂઝો રહેતો હતો એ ટાપુ પરના
કોક અજાણ્યા વૃક્ષની છાયામાં છું?
કોઈ દેવ કે દાનવની માયામાં છું?
કાગળની શોધ થયા પછી
તેના પર અંકાયેલા પ્રથમ અક્ષરના વળાંકમાં છું?!
ખડકને અથડાઈને
ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં
સમુદ્રનાં ધવલ મોજાંઓમાં છું?
વેદકાળના કોઈ મંત્રમાં છું?
ખજુરાહોના
કોઈ શિલ્પના ખંડિત સ્તનમાં છું?
કામદેવના શણગારમાં છું
કે શંકરના ત્રીજા નેત્રમાં?!

પણ કલ્પના,
મને એ તો કહે
કે કોણ છે તું?
પારુ? વનલતા સેન? વીનસ? મોનાલિસા?
ઇરિકા? પિંગળા? સોનલ? મૃણાલ?
દમયંતી? અરુંધતી?
બોલને, કોણ છે તું?
દમયંતીના પડછાયાને ભોંકાતો કેરનો કાંટો?
પૃથ્વીના ઉદ્‌ભવ પછી
સૌપ્રથમ થયેલા વરસાદનો પહેલો છાંટો?!
ઇવના લોહીમાં ધગધગતું હિમોગ્લોબીન?

બોલને, કલ્પના,
શું થઈ ગયું છે મને?
કોણ છું હું?
બેગમ અખ્તરના કંઠમાં બાઝેલાં આંસુઓનો ભાર?
રવિશંકરની સિતારનો તાર બનીને
સતત કંપ્યા કરતી વેદના?
ભગવાન બુદ્ધની મૂર્તિની
આંખની કીકી પાસે ગણગણતી ભમરો?
રોદાંનો ચિંતક? ભૂલો પડેલો યક્ષ? એરીસ?
કોઈ ભાગાકારમાં વધેલી શેષ?

બોલને કલ્પના,
કંઈક તો બોલ;
નહિ તો પછી
ભરતી વેળાએ જ ક્યાંક
દરિયાને ખોટું લાગી જશે તો?
અષાઢના પ્રથમ દિવસે જ
બધાંય વાદળો રિસાઈ જશે તો?
કપાયેલા પતંગની જેમ
આખુંય આકાશ
કોક ઊંચા બાવળમાં ફસાઈ જશે તો?
સમજાય છે ને?!
બોલને, કલ્પના..