યોગેશ જોષીની કવિતા/મૃગજળ સૂરજને પી ગયું!
Jump to navigation
Jump to search
મૃગજળ સૂરજને પી ગયું!
કૈં યુગોથી કેટલું તરસ્યું થયું;
છેવટે મૃગજળ સૂરજને પી ગયું!
હાથમાં ખાડો કરી દાટી તરસ,
થોર જેવું ટેરવે ફૂટી ગયું!
ફક્ત કો’ ખરતા પીંછાના ભારથી,
આભ આખું એકદમ ડૂબી ગયું!
સ્લેટ મેં હમણાં જ તો કોરી કરી;
કોણ આવી શૂન્યને ઘૂંટી ગયું?!
મોત આવ્યું’તું પવનનું રૂપ લઈ,
આંસુ જેવી હસ્તીને લૂછી ગયું!