યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’
- ઇલા નાયક


[યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર, ૨૦૦૮, ૫. નવભારત સાહિત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧, રૂ. ૧૧૫-૦૦, પૃ. ૨૩૨, ક્રાઉન] યોગેશ જોષીએ ગદ્યસ્વરૂપોમાં વધુ કામ કર્યું છે, પરંતુ તેમનો પહેલો પ્રેમ કવિતા છે. અને કવિતાપ્રેમે જ તેમને ગદ્યમાં લખવા પ્રેર્યા છે. ‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ'માં તેમની વાર્તાકળાનો પરિચય થાય છે. સમાજજીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ તેમને સંવેદનશીલ બનાવે છે અને વાર્તા લખવા પ્રેરે છે. પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓમાં સામાજિક વિષયવસ્તુ સાથે પાત્રોનાં મનઃસંચલનો સુપેરે પ્રગટ્યાં છે. આ રચનાઓમાં વિષયવસ્તુ કરતાં માનવમનની ક્રિયા-પ્રતિક્રિયા ત૨ફ વાર્તાકારની વિશેષ દૃષ્ટિ રહી છે. તેમને પરકાયા પ્રવેશ સહજ છે પણ આ પાત્રો તે યોગેશ જોષી નથી જ એ એમની સિદ્ધિ છે. તેઓ વાર્તાકળાની સભાનતાથી લખે છે. આસપાસના જગતનું નિકટદર્શન કરી, તેને ચેતનામાં ઉતારી, ઠરવા દઈ પછી જ તેઓ શબ્દમાં ઉતારે છે. તેમની વાર્તાઓ વાંચતાં આ વાતની પ્રતીતિ થાય છે. ‘ચંદરવો’, ‘હજીય કેટલું દૂર?’, ‘ટાઢ’, ‘ગંગાબા’, ‘આરોહણ’, ‘ગતિ’ ચરિત્રને કેન્દ્રમાં રાખતી વાર્તાઓ છે તો ‘સ૨' વાર્તામાં સંબંધોની સંકુલતા વ્યક્ત થઈ છે, અને એ નિમિત્તે માનવમનની અગાધતા પ્રત્યક્ષ કરાવી છે. ‘હજીય કેટલું દૂર?’ અને ‘આરોહણ’ વાર્તામાં વૃદ્ધોના મનોજગતને લક્ષિત કરાયું છે. ‘બારમું’ અને ‘અંતિમ ઇચ્છા’ સામાજિક રીતરિવાજો અને ગ્રામજીવનની લાક્ષણિકતાને અંકે કરીને રચાઈ છે. ‘બડી દૂ...૨ નગરી’ અને ‘આસ્થા’ વાર્તાઓ દલિતચેતનાને વ્યક્ત કરે છે. ‘સોનેરી પિંજર' નગરજીવનની વરવી વાસ્તવિકતાને તાકતી વાર્તા છે. આમ તેમની વાર્તાઓમાં વિષયોનું વૈવિધ્ય છે. આ વાર્તાકારને ચરિત્રોનું જીવંત વ્યક્તિત્વ સિદ્ધહસ્ત છે. ‘ચંદરવો’ વાર્તામાં શારદામાનું આબેહૂબ નિરૂપણ થયું છે. જીવનરસથી છલકાતાં શારદામા રંગરંગીન ચંદરવા જેવું જ જીવ્યાં છે. ચંદરવો તેમના જીવનનું પ્રતીક બને છે. પૌત્રની જનોઈ વગેરે પ્રસંગો ઊજવવાની તેમને હોંશ છે પણ હવે આવા પ્રસંગો તેઓ માણી શકે તેમ નથી તેથી તેઓ ‘જીવતક્રિયા' ઊજવવાનું નક્કી કરે છે અને જીવતક્રિયાની ધામધૂમથી ઊજવણી કર્યા પછી જ તેઓ દેહ છોડે છે. સ્થૂળ પ્રસંગનો આધાર લીધા વિના પણ કેવી આસ્વાદ્ય કૃતિ રચી શકાય તેનું દૃષ્ટાંત આ વાર્તા છે. શારદામાનો ક્લોઝઅપ વાર્તાકારની શબ્દકળાનું નિદર્શન છે. વૃદ્ધોની લાચાર સ્થિતિને લક્ષિત કરતી ‘હજીય કેટલું દૂર?' વાર્તામાં મહિપતરાયની પીડા તથા યુવાવસ્થાની પ્રાપ્ત કરેલી ઓળખ, સિદ્ધિઓ વગેરેને અડખેપડખે મૂકવામાં આવ્યાં છે. વૃદ્ધોની ઉપેક્ષાની જ આ કથા નથી પણ વૃદ્ધાવસ્થામાં અગાઉની ‘આઇડેન્ટીટી’ની ઉપેક્ષા થાય છે. તેની માર્મિકા કથા પણ છે. મહિપતરાયની મનોયાત્રાનું માનસશાસ્ત્રીય આલેખન વાસ્તવિક અને સ્પર્શક્ષમ બન્યું છે. વાર્તામાં આવતું બોલકાપણું અને ઊર્મિમાંદ્યતા કઠે છે ખરાં પણ વાર્તાગૂંથણી સરસ થઈ છે. ગાડી, સ્ટેશન, આઇડેન્ટીટી કાર્ડ, રેલવેની જૂની પેટી જેવાં પ્રતીકો તથા ધ્વનિપૂર્ણ ભાષા ધ્યાનાર્હ છે. આ વાર્તા જેવી જ વૃદ્ધોની મનોદશાને તાકતી ‘આરોહણ’ વાર્તા એની રચનારીતિને કારણે વિશિષ્ટ બની રહે છે. દીકરા-વહુથી રિસાઈને ઘરમાંથી બહાર નીકળી ગયેલા જનકરાયની મનોયાત્રા અહીં જોવાય છે. ચાલતાં ચાલતાં ભૂતકાળના પ્રસંગો યાદ આવતા રહે છે. અને વર્તમાન સમયના કટુ અનુભવો પણ આલેખાતા રહે છે. ફ્લેશબેકથી નિરૂપાતો વાસ્તવ અને ભ્રમણાથી રચાતું કપોલકલ્પના જગતના તાણાવાણાથી એક સુંદર ભાત ઊપસે છે. તેમને પડછાયો દેખાતો નથી અને દેખાય છે તે પોતાનાથી એકાદ મીટ૨ દૂર દેખાય છે. તેઓ થાકીને ઘરે પાછા આવે છે તો સીડી ચઢતાં તેમની ભ્રમણા આગળ ચાલે છે. તેમને પોતાનું માથું મોટું થતું જતું લાગે છે, ખોપરીને તોડવા મજૂરો હથોડા મારતા હોય એમ અનુભવાય છે. આ પછી તેઓ જુએ છે તો આજુબાજુ કશું જ નહીં અને અવકાશમાં નિસરણી. અંતે સીડી પણ દેખાતી નથી, કશું જ દેખાતું નથી, માત્ર અવકાશ જ છે. અહીં વાર્તા અંત પામી છે. વૃદ્ધોની લાચારીભરી, ઉપેક્ષાભરી સ્થિતિનું કપોલકલ્પનાની રચનારીતિથી નિરૂપણ થયું છે. અવાસ્તવ થકી વાસ્તવ - મનોવાસ્તવ ઝાલ્યો છે. ‘પડછાયો’ જનકરાયના સેકન્ડસેલ્ફનું અને તેમની મૃત પત્નીનું પણ પ્રતીક બને છે. તો નિસરણી, અવકાશ જનકરાયના મૃત્યુના ભયનો સંકેત કરે છે. આ બન્ને વાર્તાઓ એક વિષયને તદ્દન ભિન્ન પ્રકારે રચાઈ છે એ હકીકત વાર્તાકારની વાર્તાકળાની સૂઝ દાખવે છે. નિરૂપણરીતિ, સંઘટન, આદિ બન્ને વાર્તાને આગવી વ્યક્તિતા અર્પે છે. યોગેશ જોષીની વાર્તાકાર તરીકેની વિશેષતા એ છે સ્થૂળ ઘટનાનો ઉપયોગ તેઓ જરૂર પૂરતો જ કરે છે. ‘ટાઢ’ વાર્તામાં દર્શાવ્યું છે કે આર્થિક વિટંબણા માનવીની લાગણીની ધારને બુઠ્ઠી કરી નાંખે છે. અહીં ઘટના આટલી જ છે : નાયકની માનું મૃત્યુ થાય છે, એને સ્મશાને લઈ જવાય છે અને માની ચિતા સળગે છે. માને સ્મશાને લાવતાં અને ચિતા સળગી રહે ત્યાં સુધીના સમયમાં નાયકનાં મનઃસંચલનો વ્યક્ત થતાં રહ્યાં છે. સમય શિયાળાની કારમી ઠંડીનો છે તેથી ડાઘુઓ સાથે સ્મશાનવાળો તથા તેનાં બૈરી છોકરાં પણ ચિતાની નજીક ઊભાં રહે છે. માએ અનેક અભાવોમાં પણ પોતાને આપેલી હૂંફ નાયકને યાદ આવે છે. પોતે મા માટે શાલ પણ ન લાવી શક્યો એનું દુઃખ અનુભવે છે, પણ થાય છે કે, ‘સારું થયું એટલો ખર્ચ ઓછો, પણ માનું કારજ કરવા તો...' પોતે માની પૂરતી દવા પણ ન કરાવી એનો વસવસો અનુભવે છે. અને મનોમન કહે છે : ‘છૂટી બિચારી ને હું ય છૂટ્યો.’ આમ મા માટેની લાગણી એની કપરી વાસ્તવિકતામાંથી નાયકચિત્તમાં ઊભો થયેલો સંઘર્ષ ભાવકને સ્પર્શી રહે છે. ‘ગંગાબા’, ‘અંતિમ ઇચ્છા' અને ‘બારમું' વાર્તાઓમાં ગ્રામસમાજના રીતરિવાજો અને માનવીની વાત કંડારી છે ‘ગંગાબા’ વાર્તાનાયકના સંસ્મરણરૂપે કંડારાઈ છે. વતન આવતાં નાયકને શહેરીકરણ પામતા જતાં ગામડાંનાં દર્શન થાય છે. શેરીમાં દાખલ થતાં જ એમને સામેના ઓટલે બેઠેલાં ગંગાબા દેખાય છે અને તે ચોંકી જાય છે કેમ કે ગંગાબા તો પાંચ-છ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં. ઉત્તર ગુજરાતની બોલીના વિનિયોગથી ગંગાબાનું પાત્ર મૂર્ત કરાયું છે. ‘અંતિમ ઇચ્છા’માં મૃત્યુપથારીએ પડેલા શાન્તાબા પુત્ર અનિલના જિમીના જનોઈપ્રસંગને તીવ્રતાથી ઝંખી રહ્યાં છે પણ જીવ જતો નથી. તેમને પિડાતાં જોઈ અનિલને મર્સિકિલિંગનો વિચાર આવે છે પણ તે તેમ કરી શકતો નથી, તેનો જીવ ચાલતો નથી. શાન્તાબા પતિનાં સંસ્મરણો તાજાં કરાવતું જૂનું ઘડિયાળ જોયા કરે છે અને તેમને થાય છે કે ઘડિયાળ બંધ પડી જશે તો પોતે નહીં જીવે, અનિલને ઘડિયાળનું લોલક અટકાવી દેવાનું મન થાય છે પણ જીવ ચાલતો નથી. અહીં વાર્તાકારે ઘડિયાળનો પ્રતીકાત્મક ઉપયોગ કર્યો છે. છેવટે બાપુજી હાલતા લોલકને અટકાવી દે છે અને શાંતાબાનો જીવ ચાલ્યો જાય છે. અહીં મર્સિકિલિંગનો વિચાર તથા જૂના માણસોમાં રહેલી પૌત્ર-પ્રપૌત્રના પ્રસંગોની ઊજવણીની ઝંખનાની તીવ્રતા વ્યક્ત થઈ છે. અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કરીને ડાયવોર્સ લેનાર અનિલના લગ્નજીવનનો ઉલ્લેખ પાશ્ચાત્ય પાત્ર સાથેના લગ્નજીવનના તકલાદીપણાનો આછો અણસાર આપ્યો છે. ‘બારમું’ વાર્તામાં સામાજિક રીતરિવાજોની દાંભિકતા અે દામ્પ્ત્યપ્રેમ વાર્તાઘાટ પામ્યાં છે. સાળાના બારમાનો પ્રસંગ જેરામભૈની તીવ્ર થતી લાડુ ખાવાની ઇચ્છા અને એમાંથી સ્ફુરતું મધુર દામ્પત્ય વાર્તાકારે સહેજે મુખર થયા વિના પ્રગટ કર્યાં છે. અહીં એકેએક ઘટકનું સંકલન સરસ થયું છે. જેરામભૈને ગળ્યું ખાવાનું નથી અે તેમની સામે જ લાડુ બને છે. બધું પતી ગયા પછી પત્ની વિજ્યા જેરામભૈને રસોડામાં તેમણે જુદો મૂકેલો રેતવાળો લાડવો સાફ કરીને ખાવા જાય છે. ત્યાં જ પાલવમાં લાડુને સંતાડીને લાવતી વિજયા આવે છે, અને વાર્તા પૂરી થાય છે. વાર્તાનો અંત ચમત્કૃતિ આપે છે. આ વાર્તામાં એકેએક ચિત્ર વાચક સમક્ષ મૂર્ત થઈ રહે છે. ‘સર’ વાર્તામાં પ્રોફેસર અનિકેત મહેતા સાથેના સુમન અને ઇલાબહેનના સંબોધોની વાત છે. સુમન પ્રોફેસરથી ખૂબ જ પ્રભાવિત હતી. તે એમની પાસે પીએચ.ડી. કરતી હતી, તો ઇલાબહેનના પણ ‘સર’ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ઘણાં વર્ષ પછી સુમન ઇલાબહેનને મળે છે ત્યારે તેને પ્રોફેસર તરફનો ઇલાબહેનનો તિરસ્કાર ભાવ સમજાતો નથી. તે મનમાં વિચારે છે ત્યારે સરે તેને ઇલાબહેનના પતિ સાથેના મનમેળ ન હોવાની વાત કરી હતી તે યાદ આવે છે. ઇલાબહેનને એમના દિયર સાથે જાતીયસંબંધ હતા એવું પણ સરે કહ્યું હતું. પણ સરના વર્તનમાં ભૂતકાળમાં તેણે ક્યાંય કશું અજુગતું જોયું ન હતું, તો આમ કેમ એવો પ્રશ્ન સુમનને થાય છે. ઇલાબહેનના વર્તનનું રહસ્ય વાર્તાકારે અકબંધ રાખ્યું છે. અહીં પ્રોફેસરના ચરિત્રની સંકુલતા સરસ વ્યક્ત થઈ છે. ‘બીજો સંન્યાસ’ વાર્તામાં પૂર્વાશ્રમનો યુવાન ડૉક્ટર સંન્યાસ લઈ સ્વામી નિત્યાનંદ બને છે અને ગુરુજીના દેહત્યાગની ઘટના બને છે ત્યારે એમની ગાદી પ્રાપ્ત કરવા શિષ્યોમાં રાજકારણ ખેલાવા માંડે છે તે જુએ છે. આ સમય દરમ્યાન જ પિતાનું મૃત્યુ થતાં માંદી માને રાખવા કોઈ તૈયાર નથી એમ જાણતાં તેઓ પહેરેલાં વસ્ત્રોમાં જ આશ્રમનો ત્યાગ કરે છે એમ એ બીજો સંન્યાસ લે છે. સંસારીજનોના જીવન અને સાધુઓા જીવનને સામસામે મૂકીને સાચો સંન્યાસ કયો એનું ઇંગિત કરતી આ વાર્તા પ્રભાવક બની છે. નિત્યાનંદનો આધ્યાત્મિક વિકાસ જ એમને મા પાસે પાછો ફરવા પ્રેરે છે. ‘કાચનું બાળક’ વાર્તા ગુજરાત હિમોફિલિયા એસોસિયેશન દ્વારા કેટલાક સાહિત્યકારો સાથે યોજાયેલા સેમિનારના પરિણામરૂપ રચાઈ છે. અહીં હિમોફિલિયાથી પીડિત બાળક અને એનાં માતાપિતાની સંવેદના વ્યક્ત થઈ છે. ‘બડી દૂર નગરી’ અને ‘આસ્થા’ વાર્તામાં દલિત સંવેદના મૂર્ત થઈ છે ‘બડી દૂર નગરી’ અને ‘આસ્થા’ વાર્તાનું વિષયવસ્તુ એક હોવા છતાં એકસરખું નથી. બન્ને વાર્તાની માવજત પણ જુદી જુદી રીતે કરવામાં આવી છે. ‘બડી દૂર નગરી’ વાર્તાની ઘટનાપસંદગીમાં વાર્તાકારની સર્જક તરીકેની સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય થાય છે. વાર્તાની ઘટના આ પ્રમાણે છે. સ્વીપર તરીકે કામ કરતા જીવણને એક પ્રોગ્રામમાં સ્ટેજ પર ગાવાની તક મળે છે. જીવણને સાંભળવા આખો વાસ ઊમટી પડે છે. સહુ ઉત્તેજિત છે. કાર્યક્રમ સમયસર શરૂ થતો નથી કેમ કે જી. એમ. સાહેબ આવ્યા નથી સાહેબ મોડા આવે છે, કાર્યક્રમ ટૂંકાવવો પડે છે અને જીવણને ગાવા મળતું નથી. આટલી નાની ઘટનામાંથી સુંદર વાર્તા નિપજાવી છે. ટ્રેઇનિંગ સેન્ટરમાં સ્વીપર તરીકે કામ કરનારને એના ગાવાની ગુણવત્તાને કારણે પ્રોગ્રામમાં ગાવા માટે પસંદ કરવામાં આવે છે. તે દર્શાવે છે કે દલિતોનતી સ્થિતિમાં સુધારો જરૂર થયો છે, છતાં હજુ ઘણું બાકી છે. વાર્તાનો અંત કલાત્મક ને કરુણાદ્ર છે. જીવણનો છોકરો પૂછે છે, ‘મા... ચ્યમ બધોં હેંડવા માંડ્યો? બાપા ચ્યાણં ગાશી?’ મા કશું બોલતી નથી ત્યારે કાનિયો બાપાની જેમ ગાવા લાગે છે : ‘કૈસે આઉં રે કનૈયા, તેરી ગોકુલ નગરી... હૈ બડી દૂ... ર... નગરી’ અહીં ઉચિત રીતે જ વાર્તા પૂરી થાય છે. પ્રોગ્રામ જોવા આવેલાં દલિત માણસોની ઉત્તેજનાની સહજ અભિવ્યક્તિના વિરોધમાં સભ્ય ગણાતા લોકોના કૃત્રિમ દેખાવ, વ્યવહારને મૂકીને વાર્તાકારે દલિતોના જીવનની કરુણાને સઘનતાથઈ નિરૂપી છે. ‘આસ્થા’ વાર્તામાં દલિત પાત્રનું ગૌરવ વ્યક્ત કરીને શહેરમાં ઊછરેલાં દલિતો અને ગામડામાં જીવતાં દલિતોના જીવન વચ્ચેનું અંતર સૂચિત કર્યું છે. આસ્થા યુવાન થઈ ત્યાં સુધઈ પોતે દલિત કોમમાં જન્મી છે એ વાતથી અજાણ હતી., કેમ કે કર્ણાટક અને દિલ્હીમાં જ ઊછરી છે. તેની મા એક અંગ્રેજનું સંતાન હતી અને તેનો વર્ણ આસ્થામાં ઊતર્યો હતો. નાનીમાના અવસાન વખતે સૌ પ્રથમ તેનું ગામડે આવવાનું થાય છે. અહીં આવ્યા પછી પોતાની કોમ વિશે, તેમના પર થતા અત્યાચાર અને અન્યાય વિશે તે જાણે છે. તેનું મન આક્રોશથી ધૂંધવાય છે, પણ તે અહીં વ્યક્ત થતી નથી, નાનીમાના મૃત્યુ પછી ગામમાં યોજેલી નાત વખતે આસ્થા સવર્ણોની જેમ શાહુકારી ઉઘરાવી લેવાની સૂચના આપે છે. તે આવા લાડુનો ડબ્બો શહેરમાં સાથે લાવે છે અને એક તળાવ પાસે આવીને આક્રોશપૂર્વક પેલા ડબ્બામાંથી એક એક લાડવો લઈ તળાવમાં નાંખે છે અને તળાવમાંથી ઊઠતાં વમળો જોઈ રહે છે. આસ્થાની આ પ્રતિક્રિયા પ્રતીકાત્મક છે. દલિત સમાજના એક જુદા જ પ્રશ્નને વાર્તાકારે અહીં જુદી જ રીતે વાચા આપે છે. આસ્થાની આક્રોશ વ્યક્ત કરવાની આ રીત ગૌરવભરી અને અસરકારક છે. ‘ગતિ’ વાર્તા મનોવૈજ્ઞાનિક અભિગમથી લખાયેલી કૃતિ છે. નાયક પાર્થની દિવાળીની રજા મંજૂર થતી નથી. પાર્થ બૉસ ઉપર અકળાય છે. પોતાને અન્યાય થયો છે એવું તે તીવ્રતાથી અનુભવે છે. તે બૉસને કહી દે છે, ‘રજા ગ્રાન્ટ કરો કે ના કરો... હું તો દિવાળીના ચાર દિવસ નથી આવવાનો... જાઓ થાય તે કરી લેજો.’ આ પછી તે બૉસની રજા લીધા વિના જ સ્ટેશને આવે છે. તારમાં પગ ભરાતાં લથડિયું ખાઈને પડે છે. માથામાં ઇજા થાય છે. સહપ્રવાસીઓની મદદથી તે ટ્રેનમાં ઘૂસે છે ત્યારે તેના જાગ્રત-અર્ધજાગ્રત-અજાગત મનના વિચારો પ્રગટ થતા રહે છે. તેના વિચારોની ગતિ અને ટ્રેનની ગતિ એકરૂપ થઈ રહે છે. ટ્રેન થોભતાં તે મુસાફરોના ધક્કાથઈ પ્લેટફૉર્મ પર ફેંકાઈ જાય છે અને ભાન ગુમાવે છે. હૉસ્પિટલમાં તેને ભાન આવે છે ત્યારે તે કુટુંબીજનો સાથે સી. એલ. ગ્રાન્ટ ન કરનાર બૉસને પણ જુએ છે ત્યાં જ વાર્તા પૂરી થાય છે. બૉસને બૉસ તરીકે જ જોવા ટેવાયેલું મન એ વ્યક્તિને કેવો અન્યાય કરી બેસે છે તેનું ચિત્ર મળે છે. અહીં તણાવ મનુષ્યચિત્તમાં કેવાં સંચલનો ઊભાં કરે છે તે કપોલકલ્પના દ્વારા દર્શાવાયું છે. બેભાન અવસ્થામાં તેને ચારે તરફ રણ દેખાય છે. તેની અનેક જન્મોની તરસ છીપાતી નથી. રણમાં એનું શરીર દટાતું જતું હતું, ધીમે ધીમે નાનું થતું જાય છે, છેવટે દેખાતું બંધ વાસ્તવ, અવાસ્તવ અને અંતે વાસ્તવ એ રીતે વાર્તાગૂંથણી થઈ છે. લેખકની આ વાર્તા અન્ય રચનાઓણાં જુદી જ ભાત પડે છે. ‘કિલ્લોલ’ વાર્તામાં લોકગીતો ગાતા કલાકારોના જીવનની વાત છે. પહેલાં જેમનું સન્માન રાજાઓ દ્વારા થતું તેમને આજે જીવવું કેવું વસમું થઈ ગયું છે. તે વાસ્તવિકતા ત્રીજા પુરુષ કથનકેન્દ્રથી ભાષાથી વ્યંજનાશક્તિનો પૂરેપૂરો કસ કાઢીને રજૂ થઈ છે. વાર્તામાં આવતાં કાવ્યાત્મક વર્ણનો, પ્રતીકો, વ્યંજના, પાત્રોના ભીતરને વ્યક્ત કરવા સમર્થ છે. અહીં એક કવિ વાર્તાકારનો પરિચય થાય છે. ‘સોનેરી પિંજર’ વાર્તામાં શહેરોના ફ્લૅટોમાં ચાલતા અનૈતિક ધંધાની કથા છે. એક મા જ દીકરીને આવો ધંધો કરવા પ્રેરે છે. પોતાની જ શાળાની વિદ્યાર્થિની વૈશાલીને તે પોલીસથી તો બચાવે છે પણ ઘરે મૂકવા જાય છે ત્યારે વૈશાલીની મા તેમને કહે છે, ‘તમારો આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ... વૈશાલી તમારી કોઈ પણ સેવા માટે...’ આ સાંભળી જાનીસાહેબ આઘાતથી સ્તબ્ધ થઈ જાય છે. નગરજીવનની વરવી વાસ્તવિકતા વ્યંજનાત્મક ભાષાવિનિયોગથી રચાઈ છે. આમ આ વાર્તાઓ વાંચતાં યોગેશ જોષીની વાર્તાકળાની પ્રતીતિ થાય છે. આ વાર્તાઓ જીવનના નક્કરવાસ્તવ પર આધારિત છે. આધુનિકતાના પ્રવાહમાં ખેંચાયા વિના રોજબરોજના જીવનના નાનામોટા પ્રસંગો અને પાત્રોની આ વાર્તાઓમાં વિષયવૈવિધ્ય છે તો રચનારીતિનું વૈવિધ્ય પણ છે. પાત્રોના મનમાં પ્રવેશી, પોતે એ પાત્ર સાથે એકરૂપ થઈ, છતાં પાત્રથી દૂર રહી, પાત્રસર્જનની કળા તેમને હસ્તગત છે. સ્ત્રી-પુરુષ સંબંધોની વાર્તાઓથી તેઓ દૂર રહ્યા છે. જીવન વિશેની વિધાયક દૃષ્ટિ ધ્યાન ખેંચે છે. વાર્તાવિષય અને ચરિત્રને ભાવકચિત્તમાં ઊંડે ઊતરે એવી અને વાર્તાને કલાત્મકતા બક્ષે એવી રચનારીતિ તે પસંદ કરે છે. આ વાર્તાઓમાં બહુધા પ્રથમ પુરુષ કથનકેન્દ્રનો અને ફ્લેશબેકરીતિનો વિનિયોગ થયો છે, કેમ કે આ પાત્રકેન્દ્રિત વાર્તાઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી રચાઈ છે. આ ઉપરાંત તેમણે આવશ્યકતા અનુસાર ત્રીજા પુરુષ કથનકેન્દ્ર અને કપોલકલ્પનાનો પ્રયોગ સફળતાપૂર્વક કર્યો છે. વાર્તાનું વિષયવસ્તુ અે પાત્રચેતનાને અસરકારક બનાવે તેવી શિષ્ટ ભાષા અને બોલીનું સંતુલન અહીં જોવા મળે છે. આ વાર્તાકાર કવિ હોવાનો લાભ એના ગદ્યને મળ્યો છે. એમાં આવતા અલંકારો, પ્રતીકો ભાવ, સંવેદનને અસરકારક બનાવે છે, પાત્રને સાક્ષાત્ કરાવે છે. ઘણાં દૃષ્ટાંતો આપી શકાય એમ છે : ‘બી. પી.ની તકલીફ પણ અવાજ ઘૂઘરા જેવો’ (પૃ. 2), ‘અમે જાણે ફ્રેમમાં મઢાવ્યા વિનાના, સુખડનો હાર પહેરાવ્યા વિનાના, ઘરમાં હરતા-ફરતા ફોટા!’ (પૃ. 11) વાર્તાકારે ભાષાકસબ અનેક સ્થળે દાખવ્યો છે. ‘આસ્થા’, ‘ચંદરવો’, ‘બીજો સંન્યાસ’, ‘આરોહણ’ જેવાં શીર્ષકો પ્રતીકાત્મક છે. વાર્તાકારના શબ્દકૅમેરાએ ઝડપેલાં દૃશ્યો માણવા જેવાં છે. ચંદરવો બનાવતાં શારદામા, ‘પેલ્લે’ બેઠેલાં ગંગાબા પ્રત્યક્ષ થાય છે. ‘કિલ્લો’ વાર્તામાં આવતું કિલ્લાનું વર્ણન ઝીણી નજરે થયું છે. રૂપસિંહ રાવણહથ્થાને લઈને સૂર છેડે છે ત્યારે પથ્થરનો બનેલો કિલ્લો કેવો જીવંત બને છે એનું વર્ણન વાર્તાકારની ભાષાશક્તિ અને કલ્પનાશક્તિનો પરિચય આપે છે. ટૂંકમાં યોગેશ જોષીએ જીવનના સામાન્ય જણાતા પ્રસંગો, સામાન્ય જણાતાં માનવીઓની અસમાન્ય વાર્તાઓ આપી આપણા વાર્તાસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. વાર્તાની માંડણી કઈ ક્ષણથી કરવી અને કઈ ક્ષણે વાર્તાનો અંત આણવો તેની તેમની સૂઝને દાદ દેવી પડે એમ છે. ‘બારમું’, ‘બડી દૂર નગરી’, ‘આસ્થા’, ‘સર’, ‘ગતિ’ જેવી વાર્તાઓના અંત વ્યંજનાવાહક છે. ‘ગંગાબા’, ‘અંતિમ ઇચ્છા’ જેવી કેટલીક વાર્તાઓ પ્રસ્તારી બની છે. તો કેટલીક વાર્તાઓમાં લાગણીનો અતિરેક પણ જોવા મળે છે, પણ આવાં સ્થાનો ઓછાં જ છે. માત્ર ભાષાલક્ષિતા કે સંરચનાવાદી અભિગમને સ્થાને અહીં વાર્તાઘટકોના સુંદર સંયોજનથી વાર્તાઓ રસપ્રદ બની છે.