રચનાવલી/૨૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧૩. ઝિમા જંક્શન (યેવતુશેન્કો)


રશિયન કવિતામાં ૧૯મી સદીમાં એક અત્યંત લોકપ્રસિદ્ધ કવિ થયો અને તે પુશ્કિન. વીસમી સદીમાં બીજો લોકપ્રસિદ્ધ કવિ તે માયકોકી અને માયકોવ્સ્કી પછી રશિયાની ક્લબોમાં, ફેક્ટરીઓમાં, યુનિવર્સિટીઓમાં અને એનાં થિયેટરોમાં કાવ્યવાચનો દ્વારા તરખાટ મચાવનાર કવિ છે યેવગેની યેવતુશેન્કો, રશિયન ક્રાંતિ અને ગૃહયુદ્ધ પછી ઘણે લાંબે અંતરાલે ૧૯૩૩માં સાઇબીરીયામાં ઇર્કુત્સક અને સરોવર બેયકાલની પશ્ચિમે ટ્રાન્સસાઇબૅરિયન રેલ્વે પર આવેલા દૂરના નાના કસબા ઝિમામાં જન્મેલો યેવતુશેન્કો એની પેઢીના રશિયાનો એકદમ નિર્ભીક પ્રવક્તા છે. યેવતુશેન્કો સ્થિર અને સલામત સૉવિયેટ યુનિયનમાં જન્મ્યો છે અને ઊછર્યો છે અને તેથી એનામાં જૂની સમાજવ્યવસ્થા અને નવી સમાજવ્યવસ્થા અંગેનો સંઘર્ષ ભાગ્યે જ રહ્યો છે. અલબત્ત દરેક નવી પેઢી જૂની પેઢીને જે રીતે જોતી આવે અને જૂનાં મૂલ્યોને નવી આંખે તપાસતી આવે એવો દૃષ્ટિનો પ્રભાવ યેવતુશેન્કોની કવિતામાં જરૂર છે. યુક્રેનિયન, રશિયન અને તાતીરનું મિશ્ર લોહી ધરાવતા ખેડૂત પરિવારમાં જન્મેલો યેવતુશેન્કો બાળપણ સાઈબીરિયામાં પસાર કરી પોતાના ભૂ- વિજ્ઞાની પિતા સાથે પછીનો સમય મૉસ્કોમાં વીતાવે છે અને પોતે પણ કઝાકિસ્તાન અને અલ્તાઈની ભૂ- વૈજ્ઞાનિક ખોજોમાં ભાગ લે છે. યેવતુશેન્કો સારો રમતવીર રહ્યો. સાઇકલિંગ, પિંગપોંગ, ફૂટબોલ એની માનીતી પ્રવૃત્તિ રહી અને એની પહેલી કાવ્યરચનાઓ પણ રમતજગતના સામયિકોમાં જ પ્રગટ થતી રહી. ૧૯૫૨થી શરૂ કરીને એના અનેક કાવ્યસંગ્રહો બહાર આવ્યા આમ તો સ્ટાલિનનાં છેલ્લાં વર્ષોમાં રાજનૈતિક વિચારધારાઓ દ્વારા કવિતાને ટૂંપો દેવાઈ ચૂક્યો હતો, પણ યેવતુશેન્કોની નવી પ્રતિભા અને ઊભરતા આત્મવિશ્વાસ સાથે આગળ આવે છે. કોઈ ઉપરથી એના સત્યને થોપે એ એને મંજૂર નથી, યેવતુશેન્કોએ પોતાની રીતે જ સત્યની શોધ આદરી અને એ એની નિસ્બત રહી. તત્કાલીન વિવેચકો હિંસક વિદ્વેષથી એના પર તૂટી પડેલા, પણ એના વિશે ઉત્સાહી લેખો પણ નહોતા લખાયા એવું નથી. યેવતુશેન્કોનો અવાજ તાજો છે. એમાં અલબત્ત પ્રયોગો ઓછા છે પણ માયકોવ્સ્કીની જેમ યેવતુશેન્કો પણ મિજાજે ક્રાંતિકારી છે સ્થગિતતા અને આડંબર પર એને સખત તિરસ્કાર છે. માયકોવ્સ્કીની જેમ એ બળુકો છે. એનાં કાવ્યોમાં તળપદો રંગ છે જ્યારે યેવતુશેન્કોની કવિતા મોટેથી વાંચીએ છીએ ત્યારે જ એ કવિતાની શક્તિની આપણને ખબર પડે છે. ગામડામાંથી શહેરમાં આવેલા યેવતુશેન્કોના દિમાગમાં એનું વતન હંમેશાં ચોંટેલું રહ્યું છે. તેથી જ કદાચ એનાં કાવ્યોમાં ‘ઝિમા જંક્શન’ ખૂબ પ્રખ્યાત થયું છે. ‘ઝિમા જંક્શન’ યેવતુશેન્કોની સુંદર અને સુદીર્ઘ રચના છે. ૧૯૫૬માં પ્રકાશિત થયેલું એનું આ કાવ્ય સોવિયેટ યુનિયનમાં યેવતુશેન્કોની લોકપ્રિયતા અને એની પ્રખ્યાતિનું કારણ બન્યું છે. નવ વર્ષની વયે વતન છોડીને ગયેલો યેવતુશેન્કો જ્યારે વીસ વર્ષની યુવાન વયે ઝિમામાં પાછો ફરે છે એની આત્મકથા આ કાવ્યમાં છે. એમાં વતનને બાળપણ સહિત પાછું મેળવવાનો પ્રયત્ન છે. જુદી જુદી વ્યક્તિઓ તેમજ પ્રસંગોનો સામનો છે, અને ઝિમાની કુદરત, એનાં ખેતરો, એની નદી, એના જંગલો એનું આકાશ અને એની લીલી ભૂમિનો વિગતે પરિચય છે. યેવતુશેન્કો યુદ્ધનાં વર્ષો દરમ્યાન ઝિમામાં ઊછર્યો હતો. ૧૯૫૩માં જ્યારે એ સ્વજનોને મળવા ઝિમા આવ્યો ત્યારે પણ આધુનિક રશિયાના ઇતિહાસમાં મહત્ત્વનાં વર્ષો હતાં. માર્ચમાં સ્ટાલિન મૃત્યુ પામ્યો, એને ‘હૉલ ઑવ કૉલમ્સ’માં રાખવામાં આવ્યો. ડૉક્ટરનો પ્લોટ ખોટો ઠર્યો, નિર્દોષ ડૉક્ટરો છૂટી ગયા, પોલિસના એક મહત્ત્વના વડા બેરિયાની ધરપકડ થઈ — આ બધી જોરદાર જાહેર વિગતો, કવિના અંગતજીવનની વિગતો અને જંગલ, નદી, ખેતરો, વૃક્ષોની જીવંત ઝીણવટભરી વિગતો અહીં સરસ રીતે વણાયેલી છે. યેવતુશેન્કો એના સ્વજનોનો ‘ઝેન્કા’ કે ‘ઝેન્યા’ છે. એના મોટા કાકા, નાના કાકા, એની કાકી વગેરેની ચરિત્ર રેખાઓ, બોર વીણવા માટે જંગલમાં સાથે આવેલી સ્ત્રીઓમાંની એક સ્ત્રીની વેદના અને તેની સાચા પ્રેમની તલાશ, નદીકાંઠે માછલી પકડતો વૃદ્ધ, કસબાનું કૉફી હાઉસ, ઝિમા રેલ્વે જંક્શન, મિત્ર વોવ્યાનો મેળાપ આ બધી કડીઓ પરસ્પર ગૂંથાયેલી છે. કાવ્યને અંતે કવિ ઝીમાનું છેલ્લું ઘર વટાવી, સૂર્યના તડકામાં ચઢીને ટેકરીઓને ટોચે પહોંચી ત્યાં લાંબો સમય ઊભે છે, ટોચેથી સ્ટેશનનું મકાન, ફાર્મહાઉસિસ, કોઠારો વગેરે જુએ છે અને ઝિમા જંક્શન કવિને બોલતું સંભળાય છે : ‘તારી કોઈ જુદી અલાયદી પરિસ્થિતિ નથી. તારી શોધ, તારો સંઘર્ષ, તારા નિર્માણો... તારા ચિરકાલના પ્રશ્નનો તને કોઈ જવાબ ન જડે તો ચિંતા ન કરતો, ધૈર્ય ધર, ધ્યાન ધર, સાંભળ. શોધ. શોધ. જગત આખું ઘૂમી વળ. સત્ય કરતાં સુખ ચિત્ત સાથે વધુ સંયુક્ત છે ને છતાં સત્ય સિવાય સુખ હયાતી ધરાવતું નથી. ચિત્તમાં મને ધારી રાખ. હું તને જોતું રહીશ. તું મારા ભણી પાછો ફરી શકે છે. હવે જા.’ અને ઝિમા જંક્શનનો અવાજ સાંભળ્યા પછી કવિ છેલ્લી પંક્તિ ઉમેરે છે કે ‘હું ગયો અને હું જતો રહું છું.’ સાઇબીરિયામાં વતનની મુલાકાત કવિના ઊભા થયેલા પ્રતિભાવોને બળવાન દૃશ્યોમાં ‘ઝિમા જંક્શન’ રજૂ કરે છે; એમાં ન તો કવિનો અવાજ નીરસ છે, ન તો કવિની ભાષા અક્કડ છે. ક્યારેક લોકગીતના ટૂંકા લયોને પણ પકડીને ચાલતી કવિની છંદધારા પ્રાસ સાથે નિયમિત છે.