રચનાવલી/૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૨. ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન (મહીપતરામ નીલકંઠ)



૨૨. ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન (મહીપતરામ નીલકંઠ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા, એડન - દુબઈની છાશવારે ટ્રીપ મારનારા આજે ઘણા છે. ન્યૂયૉર્કથી દર મહિને અચૂક આવીને પાછા જનારા પણ સાંભળ્યાં છે. લંડનની ટ્રીપ તો હવે કોઈ વિસાતમાં નથી રહી. આવા અઢળક પ્રવાસખેડૂઓના જમાનામાં કોઈ તમને કહે કે વિદેશ જશો તો નાતબહાર મૂકીશું કે પાછા ફરીને પ્રાયશ્ચિત કરવું પડશે - તો એ દંતકથા જેવું લાગે. એક જમાનામાં જે ગુજરાતનાં બંદરો વેપાર-વણજથી ધખતાં હતાં, જે ગુજરાતની પ્રજા વહાણવટુ ખેડી દૂર દરિયાપારના દેશોમાંથી ધનના ઢગલા લાવતી હતી, એ ગુજરાતી પ્રજા વિદેશ જવા માટે દરિયો ઓળંગવા માટે પાબંધીઓ ફરમાવે એ અકલ્પ્ય લાગે છે. પણ હકીકતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ‘કરણઘેલો' લખનાર નંદશંકર તુલજાશંકર મહેતાને તક મળેલી છતાં એમના પિતાશ્રીએ વિદેશ જવાની સંમતિ આપી નહોતી. ગાંધીજી વિદેશ ગયા પણ એમને તકલીફ પહોંચેલી. એ જ રીતે મહીપતરામ રૂપરામ નીલકંઠે પણ જ્યારે સરકારના નિમંત્રણથી વિદેશ જવાનો વિચાર કર્યો ત્યારે નાતીલાઓએ એમનો બહિષ્કાર કરેલો, પણ સુધારક મહિપતરામે મક્કમપણે સામનો કરી ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. દરિયાપાર જવાના નિષેધને ઘોળીને પી જઈને એમણે ઇંગ્લૅન્ડની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું ત્યાં જઈ અવલોકન કર્યું. શાસક અંગ્રેજોને અને એમની જીવનપદ્ધતિને એમની ભૂમિમાં જઈને જોયાં અને તપાસ્યાં. પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ‘સાસુ-વહુની લડાઈ’ જેવી પહેલી સામાજિક નવલકથા આપનાર અને ગુજરાતી લોકનાટ્ય ભવાઈના ઓગણીસ વેશોનો ‘ભવાઈ સંગ્રહ’ આપનાર મહીપતરામે પહેલું પ્રવાસ-પુસ્તક ‘ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન’ (૧૮૬૨) આપ્યું. મહીપતરામ કેળવણીકાર હતા, શિક્ષક, હેડમાસ્ટર અને શિક્ષણ નિરીક્ષક હતા. એમનો વિદેશ જવાનો હેતુ અંગ્રેજી શિક્ષણવ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો પણ એ બહાને મહીપતરામ ઇંગ્લીશ લોકોનાં લક્ષણોથી વાકેફ થયા, એ એમની મુસાફરીનો સૌથી મોટો લાભ એમણે ગણાવ્યો છે. એટલે જ કેળવણી કેમ આપવી તે જાણવાને માટે નહીં પણ ત્યાં મુસાફરી કેવી રીતે કરી, અનુભવો કેવા કેવા થયા, એક ગુજરાતી તરીકે ત્યાં જઈ જુદો સમાજ, જુદી રીતભાત અને જુદું જગત એ બધું સરખામણી કરતાં કેવુંક લાગ્યું એની એમણે સમતોલ બુદ્ધિએ ચર્ચા કરી છે. પ્રવાસીપુસ્તકને લેખકની જોનાર નજરનો લાભ મળ્યો છે. અલબત્ત મહીપતરામ પહેલાં પારસી પ્રવાસીલેખકોનાં પારસી વૃત્તાંતો આપણને મળે છે ખરાં પણ સુઘડ ગુજરાતીમાં પ્રવાસીની જાગરૂકતાનું પ્રમાણ તે પહેલવહેલું ‘ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન'માં જ મળે છે. કુલ ૧૦ પ્રકરણમાં વહેંચાયેલા આ પ્રવાસપુસ્તકમાં ભારતથી લંડન સુધીનો પ્રવાસ, લંડનથી ઇંગ્લાન્ડના જુદા જુદા ભાગોનો પ્રવાસ અને છેવટે ઇંગ્લાન્ડથી ફ્રાન્સ – ખાસ કરીને પેરિસનો પ્રવાસ વર્ણવેલો છે. આજે હવાઈ જહાજમાં ઉડનારાઓએ એ જમાનાનો દરિયાઈ જહાજનો અનુભવ માણવા જેવો છે. કહે છે : ‘ચોતરફ મહાસાગરનો બોહોળો ફેલાવ પહેલો જ તે દિવસ મારા જોવામાં આવ્યો. રત્નાગર હર્ષમાં થોડો થોડો ઉછળી ઉછળી ધીમા ધીમા ફુફાડા મારતો હતો અને વહાણનો વરાળીઓ ઘોડો ખુંખારી રહ્યો હતો. ચોમેર જળ દેખાતું હતું. ઉપર આભ અને નીચે પાણી સિવાય બીજું કાંઈ નજરે પડતું નહોતું. વહાણ ડોલ્યાની અસર જણાવા લાગી. ઊભા રહેવું મુશ્કેલ પડે એટલું જ નહીં પણ બેઠેલા હોઈએ ત્યારે પણ મોળ આવે.’ એડન, ક્રેરો, સિકેન્દ્રીયા થઈને લેખક યુરોપનું પહેલું શહેર માલ્ટા જુએ છે. વચમાં દરિયાઈ તોફાનનો સામનો કરે છે. જિબ્રાલ્ટર પહોંચે છે ને કહે છે કે ‘ભૂમધ્ય સમુદ્રની જાણે ભાગળ છે.’ છેવટે લેખકને ઇંગ્લાન્ડનો કિનારો દેખાય છે. દૂરથી પવનચક્કીઓ અને જળચક્કીઓ જુએ છે પણ સાઉધામ્ટનના બારમાં સૌથી મોટી આગબોટ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ જુએ છે. ને જોતા જે વર્ણવે છે તે એમની સૂઝનો નમૂનો છે : ‘એના જેવડું મોટું જહાજ દુનિયામાં બીજું નથી, હું જે આગબોટમાં બેઠો હતો તે ત્રણ હજાર ખાંડીની હતી તેમ છતાં પણ જ્યારે તે ઇસ્ટર્નની સોડમાં થઈને ગઈ ત્યારે મુકાબલે તેની આગળ તે એક નાની હોડી જેવી જણાઈ. પછી કહે છે : ‘એ પહોળાઈમાં એટલી બધી છે કે તેની એક બાજુએથી બૂમ પાડીએ તો બીજી બાજુએ પૂરી સંભળાય પણ નહીં. ભોમિયા વગર એમાં ફરવા જઈએ તો ભૂલા પડીએ.' આ બે વર્ણનોથી જોઈ શકાય છે કે ‘ગ્રેટ ઇસ્ટર્ન' આગબોટના કદને લેખકે કેવી અદ્ભુત સંવેદનાથી આપણી આગળ હાજર કર્યું છે. આ પછી લંડનનાં દૃશ્યો, એની ઈમારતોનાં વર્ણનો છે. એમાં ઈંગ્લાન્ડના સૌથી ઊંચા અને વિશાળ, સેન્ટ પૉલના દેવળ ઉપરથી લેખક જે દશ્ય ઝડપે છે તે સજીવ છે : ‘ત્યાં ચઢીને જોઈએ ત્યારે આખું લંડન શહેર જણાય છે. રસ્તાઓમાં ચાલનારા માણસો નાનાં છોકરાં જેવડાં દેખાય છે. ટેમ્સ નદી શહેરના વચમાંથી સર્પને આકારે વહેતી માલુમ પડે છે.’ પ્રવાસકથાની જોડે જોડે લેખકે કેળવણી, સ્ત્રી કેળવણી, રાજનીતિ, લગ્નની રૂઢિઓ, લોકના ધર્મ, યંત્રોથી ચાલતા ઉદ્યોગો વગેરેની પણ ઈંગ્લાન્ડ સંદર્ભે ચર્ચા કરી છે. લેખક સંવેદનશીલ હોવાના કારણે વારંવાર ગુજરાતની અને ઈંગ્લાંડની સરખામણી કરવામાં પણ ઊતર્યા છે. રીતભાત અને ન્યાતજાતની કેટલીય બાબતોમાં ગુજરાતી એમને જંગલી જરૂર લાગ્યો છે પણ ઇંગ્લાન્ડને એમણે કેવળ અહોભાવથી જોયું નથી. ઇંગ્લાન્ડની બધી જ ખૂબીઓ અંકે કરી છે, એની ખામીઓને પામી. ગુજરાતી પ્રજાને કઈ રીતે સુધારી શકાય એનું વચ્ચે વચ્ચે ચિંતન પણ કર્યું છે. લેખકે પેરીસની જાહોજલાલી અને વિજ્ઞાનોની મંડળીનો ચિતાર ખાસ્સા પ્રભાવિત થઈને આપ્યો છે. ૧૯મી સદીમાં ગુજરાતી ગદ્ય હજી ઘડાતું આવતું હતું ત્યારે ગુજરાતી ભાષાને સુન્દર લઢણોમાં ઢાળવાનો કસબ આ પ્રવાસપુસ્તકમાં છાનો રહેતો નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભોળાભાઈ પટેલે આ પુસ્તક અને પુસ્તકની આસપાસની બધી માહિતી સાથે તેમજ એમની મહત્ત્વની પ્રસ્તાવના સાથે નવેસરથી એનું સંપાદન કર્યું છે. પ્રવાસ રસિયાઓને આ પુસ્તક દ્વારા ઓગણીસમી સદીમાં મહીપતરામ જોડે ઇંગ્લાન્ડની મુસાફરી કરવી જ પડે.