રણજિતરામ ગદ્યસંચય – ૧/નિવેદન
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાનું આ જન્મશતાબ્દી વર્ષ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૮૦માં પંચોતેર વર્ષ પૂરાં કર્યાં તેના ઉપલક્ષ્યમાં અમૃતપર્વ સાથે આ સ્થાપકની જન્મશતાબ્દી ઉજવવાનો સુયોગ પ્રાપ્ત થયો છે. એ નિમિત્તે શ્રી રણજિતરામનાં બે અપ્રાપ્ય પુસ્તકો ‘રણજિતકૃતિ સંગ્રહ’ (પ્ર. આ. ૧૯૨૧) અને ‘રણજિતરામના નિબંધો’ (પ્ર. આ. ૧૯૨૩) પરિષદ તરફથી પુનર્મુદ્રિત કરવાનું વિચારાયું. ‘રણજિતરામ ગદ્યસંચય–૧’ રૂપે પ્રગટ થતા આ ગ્રંથના ‘સર્જન’ અને ‘વિવેચન’ એવા બે વિભાગ રાખ્યા છે. ‘સર્જન’ વિભાગમાં ‘રણજિતકૃતિ સંગ્રહ’, અને ‘વિવેચન’ વિભાગમાં ‘રણજિતરામના નિબંધો’નો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘રણજિતકૃતિ સંગ્રહ’ માટે શ્રી કનૈયાલાલ મુનશીએ લખેલો ઉપોદ્ઘાત પણ આ ગ્રંથના પ્રારંભે મૂક્યો છે. ‘વિવેચન’ વિભાગમાં સમાવિષ્ટ કરેલા ‘રણજિતરામના નિબંધો’ની ટૂંકી પ્રસ્તાવનાના લેખકના નામનો ઉલ્લેખ મળતો નથી. તેમાં નોંધાયું છે : ‘સ્વ. રણજિતરામના લેખોનો સંગ્રહ પણ મોટો છે. તેમણે સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજ્ય ઉપર ઘણા લેખો વિવિધ પ્રકારની માહિતીથી ભરપૂર લખેલા છે. આ પુસ્તકમાં તેમણે પરિષદ વિશે તથા સાહિત્ય વિશે લખેલા લેખોનો સંગ્રહ મૂક્યો છે. સ્વ. રણજિતરામભાઈ ગુજરાતી ભાષાના અનન્ય સેવક હતા; તેની ઉન્નતિ એ તેમના નિરન્તર ચિન્તનનો વિષય હતો. તેમનું અકાળ અવસાન ન થયું હોત તો એમની અનેક મુરાદો પાર પડી શકત અને પરિણામે પ્રાન્ત તથા ભાષા એમની સેવાથી સમૃદ્ધ થાત અને દીપી નીકળત. હાલ તુરત તો એમના લેખોનો જે સંગ્રહ આપણી સમક્ષ રહેલો છે એટલાથી જ સંતોષ માનવો રહ્યો છે.’ ‘વિક્રમ સંવતનાં ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન’ નામનો તેમનો સર્વથી પહેલો લખાયેલો વિસ્તૃત લેખ તેમાં સમાવી શકાયો નહોતો. તે અને બીજા પણ તે વખતે ગ્રંથસ્થ થઈ શક્યા નહોતા તેવા લેખોનો નવો સંગ્રહ ‘રણજિતરામ ગદ્યસંચય–૨’ રૂપે આ ગ્રંથ સાથે જ પરિષદ તરફથી પ્રગટ થઈ રહ્યો છે જે પરિષદને માટે તેના સ્થાપકનું ઋણ અદા કરવાના અદના ફાળા તરીકે લેખાશે. અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકોના પુનર્મુદ્રણ માટે ગુજરાત રાજ્યના ભાષા નિયામકશ્રી તરફથી પચાસ ટકા અનુદાન આપવાની યોજનાનો લાભ આ ગ્રંથને મળ્યો છે એ બદલ પરિષદ આભારની લાગણી વ્યક્ત કરતાં હર્ષ અનુભવે છે. ગુજરાતી ગદ્યચાહકોને આ સંગ્રહ યત્કિંચિત્ પણ ઉપયોગી થશે તો પરિષદની પ્રકાશન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.
રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ
મંત્રીઓ