રણજિતરામ ગદ્યસંચય – ૧/મદારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મદારી

[૧]

અગાઉ અમદાવાદમાં ધોળકાનો રહેવાશી તખો નામનો એક ગરીબ મદારી રહેતો હતો. તે ગામેગામ પોતામાં કૌવત અને ચાલાકી હોવાથી જાતજાતના ખેલ કરતો ફરતો. મેળો કે ગુજરી ભરાઈ હોય ત્યારે બધાની નજરે પડે એવી જાહેર જગ્યામાં જૂની ફાટીતૂટી સાદડી પાથરતો. છોકરાંઓ અને બીજા રાહદારીઓને દિલપસંદ ખેલો કરી તેમને પોતાની આસપાસ એકઠા કરતો. એક ઘરડા મદારી પાસે જે જે ખેલો એ શીખ્યો હતો, તેમાં સહેજ પણ ફેરફાર કર્યા વિના તે ખેલો કર્યા કરતો; કુદરતી નહિ પરંતુ કૃત્રિમ લાગે એવા ચાળા એનાથી થઈ જતા; તે નાકની દાંડી પર પતરું અદ્ધર રાખતો. શરૂઆતમાં તો લોકો બેદરકારીથી તેના સામા ટગર્યા કરતા. પણ જ્યારે જ્યારે, હાથ ઉપર ઊભા રહીને માથું નીચે નાંખી, હવામાં ઊછળતો ને તડકામાં ચળકતા છ ત્રાંબાના દડા પગે ઉપાડતો ત્યારે; અથવા જ્યારે જ્યારે ગુલાંટ વળી એડીએ એવી રીતે ગરદન અડકાવતો કે એનું શરીર ખરેખર પૈડા જેવું બની જતું ને એવી સ્થિતિમાં બાર છરાના હાથચાલાકીના ખેલો કરતો ત્યારે પાસે ઊભેલાઓમાંથી ‘વાહ વાહ’ ‘શાબાશ’ ના પોકાર ઊઠતા ને પૈસા સાદડી પર વરસતા. છતાં પણ, બીજા બધાં બુદ્ધિપ્રભાવથી રહેનારની માફક તખો પણ મહામુસીબતે જિંદગી કાઢતો હતો. પરસેવો ઉતારીને મરી જતો તોપણ એના દહાડા કપરા જ જતા. પોતાની મરજી મુજબ તે ખેલ કરી શકતો નહિ. ફળફૂલ પેદા કરવા ઝાડને, જેમ સૂર્યની ગરમી ને દિવસના પ્રકાશની જરૂર હોય છે તેમ પોતાના અજબ ઇલમ બતાવવા એને પણ મન હતું. ચોમાસામાં વરસાદને લીધે એનાથી ખેલો થઈ શકતા નહિ. ભોંય ભીની હોય, વરસાદ મૂશળધાર તૂટી પડતો હોય ત્યારે એના દહાડા વસમા જતા. રોજી મંદ પડવાથી ખોરાકનાં સાંસાં પડતાં. સરળ હૈયાનો હોવાથી તે આફતો ધીરજથી ખમતો. તેણે દોલતની વહેંચણી કે ગરીબ-તવંગર વચ્ચેના તફાવત સંબંધે વિચાર કર્યો નહોતો. એ તો એમ જ ધારતો કે જો આ દુનિયા ખરાબ હોય તો સ્વર્ગને સારું હોયા વગર છૂટકો જ નથી; અને આ આશાથી એ જીવતો. ભૂતપ્રેતના મંત્ર સાધી મેલી વિદ્યાથી ગરીબાઈ કાઢવા એણે કદી મહેનત કરી જ નહોતી. આથી એનો જીવ બચ્યો હતો ને અવગતિયા થવાની જરા પણ બીક નહોતી. પરમેશ્વરને કદી પણ શાપતો નહીં. પોતાના નસીબ આગળ પરમેશ્વરનો કાંઈ ઉપાય નથી માની પ્રામાણિકપણાથી તે રહેતો. પરણેલો નહોતો છતાં પોતાની પડોશણ પર એની દાનત સળકી નહોતી, કારણ કે સ્ત્રીચરિત્રની ઘણી વાતો એ જાણતો હતો. ખરેખર એનામાં પાપવાસના બિલકુલ ન હતી. અને સ્ત્રી કરતાં તુમડું તજવું એને ભારે થઈ પડતું. નશાથી છેક અળગો રહેતો. ધાર્મિક પૂર્ણ અંશે હતો. પરમેશ્વરથી ડરતો ને ભવાનીમાનો પરમ ભક્ત હતો. જ્યારે જ્યારે મંદિરમાં જતો ત્યારે માતાજીની સન્મુખ પગે લાંબા પડવાનું ચૂકતો નહિ. મનમાં ને મનમાં હંમેશ માગતો કે ‘માજી, મહાદેવની મને ઉપાડી લેવાની મરજી થાય ત્યાં સુધી તમારે ખોળે મને રાખો. જ્યારે હું મરી જાઉં ત્યારે તમારા વાસમાં મને લઈ લેજો.’

[ર]

હવે એવું બન્યું કે વરસાદ પડ્યા પછી એક સાંજે દિલગીર ને નીચું જોતો, ફાટેલી સાદડીમાં દડા ને છરા લપેટી બગલમાં ઝાલી, તે ચાલ્યો જતો હતો ને ભૂખ્યા સૂઈ રહેવા માટે ઝાડ કે ઓટલો ગોતતો હતો એવામાં તે જ તરફ જતા એક ખાખીને એણે જોયો. જોયો એટલે નમનતાઈથી ‘રામ રામ’ કર્યા. સાથે ચાલતા ચાલતા તેઓ વાતે વળગ્યા. ખાખીએ પૂછયું : ‘ભાઈ તમે આવા રંગબેરંગી ફાટ્યાંતૂટ્યાં લૂગડાં કેમ પહેર્યા છે? શું ભવાઈમાં રંગલાનો વેશ તું ભજવે છે?’ ‘ના મહારાજ’ તખાએ જવાબ વાળ્યો, ‘તમે મને જુઓ છો તેવો હું છું. મારું નામ તખો છે ને મારો ધંધો મદારીનો છે. જો રોજી બરાબર મળે ને હંમેશનો રોટલો કૂટી કઢાય તો એના જેવો એકે ધંધો દુનિયામાં નથી.’ ‘તખાભાઈ’ સાધુએ આગળ ચલાવ્યું કે, ‘તમે બોલો છો તે વિચારીને બોલો. ખાખીની જિંદગી જેવું જગતમાં કંઈયે નથી. એ જિંદગીમાં પરમેશ્વર અને તેમના અસંખ્ય અવતારો તેમ જ માતાજીની સેવા થઈ શકે છે. સાધુનું જીવન તે પરમાત્માનું અવિરત સ્તોત્ર જ છે.’ તખાએ ઉત્તર આપ્યો : ‘સાધુમહારાજ, મૂર્ખની માફક મેં લવારો કર્યો તે માટે હું દિલગીર છું. આપણા ધંધા સરખાવી શકાય જ નહિ; જોકે નાચવા- કૂદવામાં ને લાકડી પર ટેકાવેલા પૈસાને નાકની દાંડી પર રાખવામાં ખૂબી રહેલી છે છતાં તમારી જિંદગીને તે પહોંચી શકે એમ નથી. મહારાજ, આપની પેઠે મને ભજનો ગાવાનો વિચાર થાય છે. તેમાંયે ખસુસે માજીની આખડી મેં લીધી છે માટે તેમનાં ભજનકીર્તનમાં મશગૂલ બનવા મારી મુરાદ છે. ખાખી થવાને, ભુજથી મુંબઈ લગી જે ધંધાથી હું જાણીતો થયો છું તે ધંધો હું રાજીખુશીથી છોડી દેવા તૈયાર છું.’ મદારીની સાદાઈ ને ભોળાઈની અસર ખાખી ઉપર થઈ. વિવેકબુદ્ધિ ચપળ હોવાથી એને તરત એમ થયું કે ‘તખો એક પરમેશ્વરનું માણસ છે.’ આથી જ એણે જવાબ આપ્યો : ‘તખાભાઈ મારી સાથે ચાલો, હું તમને અમારી જમાતમાં દાખલ કરાવીશ, મહન્તનો હું માનીતો ચેલો છું. આજ એમ જ જાણજો કે મહાદેવે તમારા કલ્યાણને અર્થે મારો ને તમારો ભેટો કરાવ્યો.’ આવી રીતે તણો ખાખી થયો. જમાતના મંદિરમાં શંકરની, પાર્વતીની ને ગણપતિની એક એક પર સરસા થવા પોતાનાં જ્ઞાન અને હોંશિયારીનો બધો ઉપયોગ કરતા ખાખીએ સેવાપૂજા આચરતા. મહંત અને તેમના માનીતા ચેલાઓ પૌરાણિક રીત મુજબ મહાદેવ અને તેમના પરિવારસંબંધી ગ્રન્થો રચતા. ગંગાદાસજી સારા દસ્કતે આ ગ્રંથો તાડપત્રો પર ઉતારતા. શત્રુઘનદાસજી લખાણની આસપાસ મઝાનાં દેખાવડાં ચિત્રો કાઢતા. આ ચિત્રોમાં કેટલાંક શેષશાયી ભગવાનનાં તો કેટલાંક કાલિકાનાં તો કેટલાંક શંકરપંચાયતનનાં હતાં. અપ્સરાઓના નાચ ને ઋષિઓ સાથે તેમના વ્યવહારનાં પણ ચિત્રો ચિતરાતાં. એક પાને માજીની ભવ્ય અને તેજસ્વી છબી વાઘ પર આલેખી હતી. પડખે મોર, ઉંદર ને નાગ પડ્યા હતા. ચમ્મર ઢોળતા ગણો પણ હતા. માજીના પગને અડકી બે માણસો ઘૂંટણિયે બેઠા હતા, તેઓના આત્મા કર્મમાંથી છૂટવા માજીને વિનવતા હતા – અને મરે ત્યારે તેઓની મહેનત બરબાદ જાય એમ ન હતું – મહામાયાની અતુલ શક્તિ સર્વ કરવાં સમર્થ હતી. વળી બીજે પાને અનેક ભક્તો અને તેમના સંકટની વેળાએ ભગવાને કેવી તેમની વહાર કીધી તેનાં ચિત્રો હતાં. કોઈ પાને વૈકુંઠ તો કોઈ પાને કૈલાસ તો કોઈ પર અમરાવતી તો કોઈ પર પાતાળ એવાં એવાં અનેક ચિત્રો હતાં. ચંદનદાસજી હંમેશ સલાટું કર્યા કરતા. પાસેની ખાણમાંથી પાણા લાવી અનેક મૂર્તિઓ ઘડ્યા કરતા. આથી હરરોજ તેમની દાઢી, પાંપણ અને વાળ ધૂળ ને રજવાળા થઈ જતા, અને એમની આંખ સૂજેલી ને આંસુનીંગળ રહેતી. જિંદગીનો નમતો પહોર હોવા છતાં તેનામાં હજુ પણ તાકાત હતી ને મોં પર કરચલીઓ પડ્યા છતાં તે ખુશમિજાજમાં રહેતા. મહામાયા ને મહાદેવજી આ બુઢ્ઢા ખાખીને પોતાની સંભાળમાં રાખતા હોય નહીં, એમ લાગતું હતું. ચંદનદાસજીએ અર્ધનારીશ્વરની એક ફક્કડ મૂર્તિ ઘડી કાઢી. મુખ અને આંખમાં અલૌકિક તેજ પૂર્યું હતું. પાની ઉઘાડી ન રહે માટે પાટલીના વળ બરાબર પડે તે માટે ઘણી જ સંભાળ લીધી હતી. કોઈ વેળા કાનજીમહારાજની અપૂર્વ બાલભાવ દર્શાવતી મૂર્તિ પણ તે ઘડતા. ભગવાનનું બાલસ્વરૂપ એવું યથાર્થ ખડું કરતા કે જોનારાઓ ભક્તિમાં તલ્લીન થઈ જતા. નિર્મળદાસજી ને રઘુદાસજી અનેક ભજનો વ્રજભાષામાં બનાવતા. મંદિર અને જમાતના અનેક બનાવો પર રાધેદાસજી ગુજરાતીમાં ભજનો જોડતા.

[૩]

એકબીજા પર સરસા થવા ચાલતી સ્પર્ધા, આવી જબ્બર વિદ્વત્તા ને તેથી થતાં મહાભારત કામો જોઈ તખો તો દિઙ્મૂઢ જ થઈ ગયો. પોતાના અજ્ઞાનને માટે તેને ઘણું લાગી આવ્યું. પીપળાના ઝાડ નીચે બેસતાં બેસતાં નિઃસાસો નાંખ્યો : ‘અરે પરમેશ્વર! જે માજીને મારું બધું અર્પણ કરી ચૂક્યો છું તેની મારા ખાખી બિરાદરોની માફક જોઈએ તેવી મારાથી સેવા થઈ શકતી નથી. હાય હાય! માજી! હું તો બુડથલ ને બબુચક છું. મારાથી મોટા ગ્રંથો લખી, મઝાનાં ચિત્રો ચીતરી કે મૂર્તિ ઘડી કે ભજનો રચી આપની સેવા થઈ શકતી નથી. અરે! માડી! મારાથી કંઈ જ નહિ થાય?‘ આમ નિઃસાસા નાંખતો ને હૈયું છોડી મૂકતો; આથી તે બહુ જ ગમગીન બની ગયો. એક રાતે બધા ખાખીઓ પરવારી બેઠા હતા ત્યારે આડીઅવળી વાતો કરતાં એક બાવાની વાત નીકળી. આ બાવાને ફક્ત ‘ભોળા શમ્ભુ’ શબ્દો સિવાય બીજું ભજન કે સ્તોત્ર આવડતું જ ન હતું. તેના આવા અજ્ઞાન માટે તે હડધૂત થતો; પણ જ્યારે મરી ગયો ત્યારે એના મોઢામાંથી, પાંચ અક્ષર બોલતાં આવડતા હતા માટે પાંચ કરેણનાં ફૂલ નીકળ્યાં. આથી તે ભગત હતો એવું પારખું સિદ્ધ થયું. સાધનો ખોળ્યાં પણ મળ્યાં નહીં તેથી તે દહાડે દહાડે વધારે ગમગીન થતો ગયો. એક સવારે તે ઘણા જ આનંદમાં ઊંઘમાંથી ઊઠ્યો ને મંદિરમાં દોડી ગયો. ત્યાં તે કલાક ઉપર રહ્યો. ને ઘણો તડકો ચડ્યો ત્યારે ત્યાંથી બહાર આવ્યો. તે દિવસથી જ્યારે મંદિરમાં કોઈ ન હોય ત્યારે તે ત્યાં હંમેશ જતો. બીજા ખાખીઓ ભણવા, વાંચવા, લખવા, ચીતરવા વગેરેમાં જે કાળ ગાળતા તે વખત એ મંદિરમાં કાઢવા લાગ્યો. હવે તે દિલગીર કદી રહેતો નહીં તેમ જ નિઃસાસા પણ નાંખતો નહીં. આવા ફેરફારથી સાધુઓને અજાયબી ઊપજી. આમ છાનામાના બપોરે એકલો ક્યાં જતો હશે તે જાણવા તેઓ ઉત્સુક થયા. સાધુઓની હરેક પ્રકારની ચાલચલગત વિષે વાકેફ રહેવાની મહન્તની ફરજ હોવાથી તખો એકાંતવાસમાં શું કરે છે તે નિરખવા તેણે ગાંઠ વાળી. તેથી એક દહાડે હંમેશ મુજબ મંદિરમાં તખો ભરાયો હતો ત્યારે અંદર શું શું થાય છે તે બારણાની તિરાડમાંથી જોવા બે માનીતા વૃદ્ધ ચેલા સાથે મહન્ત ત્યાં ગયા. મહામાયાની સન્મુખ, માથું નીચે રાખી, પગ હવામાં ઊંચા રાખી છ ત્રાંબાના દડા તેમ જ બારે છરાથી હાથચાલાકીના ખેલ કરતા તખાને એમણે જોયો. દુનિયામાં જે ખેલોથી એણે નામના કરી હતી તે ખેલો મહામાયાની સેવાર્થે તે ખેલતો હતો. માજીની સેવામાં આ સાદો માણસ પોતાનું જ્ઞાન ને બુદ્ધિ અર્પતો હતો. તે ન પામવાથી સાધુઓએ હોઠ કરડ્યા ને ‘તોબાહ’ ‘તોબાહ’ ફફડી ઊઠ્યા. જે સાધુએ તખાને જમાતમાં આણ્યો હતો તે તેને નિર્દોષ ધારતો હતો છતાં આજ એને એમ લાગ્યું કે તખો ગાંડો થઈ ગયો છે. તખાને પકડી મંદિરમાંથી ઘસડી બહાર કાઢવા જતા હતા તેવામાં થાનકમાંથી મહામાયા નીચે ઊતરી આવ્યાં ને મદારીના કપાળ પર મહેનતને લીધે પરસેવાનાં વળેલાં ટીપાં સાડીના અંચળે લૂછી નાંખ્યાં. પથ્થરના ચોસલાં પર મોં રાખી લાંબા સૂઈ જઈ દંડવત્ કરતા મહન્ત બોલ્યા : ‘વિશુદ્ધ હૃદયના માનવી ભાગ્યશાળી છે. કારણ કે માજી તેઓને પોતાના ખોળામાં રાખે છે.’ જમીન પર ફરી દંડવત્ કરતા બીજા ચેલાઓ ઊઠ્યા.

[Anatole France ની ફ્રેન્ચ વાર્તાના અંગ્રેજી ભાષાંતરને આધારે]