રણજિતરામ ગદ્યસંચય – ૧/હીરા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હીરા

નદી ખળખળ વહી જાય છે. કિનારા પરનાં ઝાડ પવનથી હાલે છે. છતાં કુદરત કંઈ શાન્ત છે. ફક્ત ઝાડોની ઘટામાંથી ધુમાડો નીકળતો હતો. આમલીની ઝાડીમાં ધૂણી ધખાવી, એકાન્તમાં, ચિન્તનશીલ એક યોગી બેઠો હતો. ભસ્મ શરીરે ચોળેલી છતાં તેનું ભવ્ય લલાટ, તેજસ્વી આંખો, સ્મિતભર્યા હોઠ, ભરાઉ છાતી ને કદાવર શરીર જોનારનું હૃદય આકર્ષતાં. તેની મૂર્તિ એકવાર નયનપથે ચડતી તો કદી ભુલાતી નહિ. ગામના શ્રદ્ધાળુ માણસોને તેની યોગનિમગ્ન, ધ્યાનતીવ્ર મુખાકૃતિની અસર એટલી બધી થઈ હતી કે સાંજ-સવાર યોગીનાં દર્શન કરવાં ચૂકતા નહિ. પવિત્રતાનાં દર્શન, સાધુતાના સમાગમ, સંતોનો સહવાસ આ સંસારમાં વિરલ હોવાથી જ્યાં જ્યાં તે મળતા ત્યાં ત્યાં તે મેળાપનું સાર્થક્ય કરી લેવા દૈવી આત્માઓ હંમેશ તત્પર રહેતા. સાધુ સંતના સ્વરૂપમાં પરમાત્મા આ હડહડતા કલિયુગમાં દર્શન દે છે એવી શ્રદ્ધા અનેકને યોગીનાં દર્શન તથા સેવા સારુ પ્રેરતી. અબધૂત સંન્યાસીની સેવા અનેક સંકટ નિવારે છે – ગરીબને તવંગર બનાવે છે, વાંઝિયામહેણું ટાળી પિતૃઓને અવગતિયા થતા અટકાવે છે, ભયંકર વ્યાધિ, ફૂંક, દોરા, ધાગા કે ચિઠ્ઠીથી ઘડીની છઠ્ઠી પળમાં દૂર કરે છે, શોક્યનું સાલ ટાળી ધણીને કબજામાં લેવાના કામણટુમણના પ્રયોગો કરી આપે છે, વિવિધ મનોવાંછનાની પરિતૃપ્તિ થઈ શકે છે – એવા એવા વિચારોથી દોરાઈ હજારો સ્ત્રીપુરુષો યોગીરાજના થાનકે પધારતાં. બપોરનો વખત હતો. મહારાજની ખાસ ઇચ્છાથી એમને એકાન્ત સેવવા દેવામાં આવતું હતું. નહીંતર લોકોનો સ્વાર્થ મહારાજને ઘડી વીલા મૂકે એમ ન હતું. આસપાસ કોઈનો પગરવ ન હતો. મહાત્માની અવકૃપા વહોરવા કોઈની ઈચ્છા હોય એમ જણાતું ન હતું. એકલાં નીચું નિહાળી, ઊંડા વિચારમાં ડૂબેલા મહારાજ બેઠા હતા. મોં પર પડતી રેખાથી એમ જણાતું કે મન આજ હજારો તર્કવિતર્કમાં પડ્યું છે. રેખાઓ વિચારની દિશા સૂચવવા અસમર્થ હતી; રેખાપરંપરા વિચારની ગંભીરતા પ્રદર્શિત કરતી હતી. તડકા કૂમળા થવા માંડ્યા. દૂર દૂર વેરાયેલાં ઢોરને એકઠાં કરવાની ગોવાળની હાકલ પ્રશાંત ઘટાઓને વીંધવા લાગી. ઊંઘમાંથી ઊઠવું હોય તેમ વન અનેક પક્ષીઓના કિલકિલાટથી ગાજી ઊઠ્યું. ભક્તોના પગસંચાર થવા માંડ્યા. યોગેશ્વરને સમાધિમાંથી જાગવું પડ્યું.

*

‘ભાભી, તમારા હાથમાં શું આવ્યું? શું તમે પ્રેમનો પ્યાલો કદી નથી પીધો? ભાઈથી તમને વિખૂટાં પાડવામાં આવે — આ જન્મમાં કદાચ ફરી મળવાનો પ્રસંગ જ ન આવે તો ભાભી, તમારી શી હાલત થાય! સ્ત્રીઓનાં હૈયાં, કૂણાં મૃદુ, આર્દ્ર અને વહાલભર્યાં હોય છે. સ્ત્રીઓ જ તેમની બહેનોનાં હૃદય સમજી નહિ શકે તો પુરુષો શી રીતે સમજી શકે?......ભાભી! મારા ઉપર તમારું કેટલું બધું હેત હતું? એકબીજાની બેલડીએ બાઝી હંમેશ હીંચકા ખાતાં ત્યારે આપણાં હૈયાં પણ એક થતાં નહોતાં? પ્રેમ શું છે, તેનું સ્વરૂપ કેવું છે તેનો ક્યાસ ફક્ત હું તમારા જીવન ઉપરથી કરી શકી હતી, જ્યારે તે ક્યાસને તાદૃશ થવાનો વખત આવ્યો ત્યારે મારાં વહાલસોયાં ભાભી! તમે ક્યાંથી નિષ્ઠુર થયાં? શું પ્રેમ કે તેનો પ્રભાવ ચિરંજીવ નહિ હોય? એટલામાં ભાભી ધરાઈ ગયાં’તાં કે શું?......ભાભી! ભાભી! તમે અત્યારે તમારા કૃત્ય માટે અનુતપતાં હશો, કદાચ દૂર પડેલી નણંદ સાંભરતી પણ નહીં હોય. તમારા હૈયામાં અરેરાટ કે સહેજ પણ ફફડાટ નહિ થતો હોય પણ આ હૈયું તો ચીરેચીરા થઈ જાય છે, તેમાં ધબકતું રુધિર ઊકળી જાય છે. આંસુ થઈ ઊભરાઈ જાય છે. મારા વહાલા કવિ! તારાં વચનોનો સાક્ષાત્કાર હવે જ મને પળે પળે થાય છે : સ્પર્શ્યો જેને પ્રણયતણખો આમ તે ઝૂરવાનું, સર્વાંગે આ અનલભડકે આમ એ દાઝવાનું. ‘શું મારે આમ નિરંતર ભડભડ બળ્યા જ કરવું પડશે? મારો વહાલો આવી આગ નહિ બુઝાવે? તેની મીટે સંદેસ્યું હતું કે ‘મળીશ’ તે આશામાં આ દેહ ટકી રહી છે. રડી રડી હૈયું ખાલી થવા આવ્યું છે. હવે બાકી શું રહ્યું છે? રડવું ને વહાલાના, વચનમાં શ્રદ્ધા. આંસુ સારવામાં પણ સુખ થાય છે. ઊકળતું હૈયું કાંઈ ધીમું પડે છે. વહાલા, હવે તો વહેલા આવી આ રિબાતી, ઝુરાતીને ઉદ્ધાર. આંસુ ખેરવી ખેરવી આંખના તારા પણ ફૂટી ગયા છે. હું શું કરું? ક્યાં જાઉં? જિંદગી આવી કેમ નિર્માઈ હશે? નીચે ખળખળતી નદી વહે છે. મધ્યરાત્રિએ ઝુકાવી એ કડવાશનો અન્ત લાવું? પણ–વહાલો પાછો આવે તો –– તેની શી દશા થાય? શું તે ખચિત આવશે જ? દુઃખ મારી દૃઢ શ્રદ્ધાને વિચલિત કરે છે. હવે તો મારાથી નથી રહેવાતું. નદીના હૈયામાં પેસી આ સર્વ દુઃખનો અન્ત લાવું. એ જ નિશ્ચયની સિદ્ધિ વિના બીજો આરો નથી. પણ શું આ જીવનનો અહીં જ અન્ત આવતો હશે? પરજીવન નહિ હશે? અને હોય તો ત્યાં વહાલાંઓ મળતાં હશે? શું ત્યાં વિજોગ નહિ પડતો હોય? ખરે! હું બહુ મુંઝાઉં છું. કોઈના ખોળામાં — છાતીમાં માથું ને હૃદય સમાવી દેવા મન તલસે છે. પ્રભુ! જગત્ તો અબલાનું નથી, પણ તું પ્રેમનિધાન છતાં—’ ‘ભાભી! દિવસેય શું મારી બાઈ સાંકળ અડકાવી બેઠાં છો?’ સફાળી ગવનના એક છેડે આંખ લૂછતી એક ભરયૌવના બારણા આગળ ગઈ. સાંકળ ઊઘડી એટલે બારણું ધક્કો મારી ઉઘાડી એક યુવતી અને એક આધેડ સ્ત્રી ઓરડામાં આવ્યાં. યૌવનના મળસ્કામાં મહાલતી, સારો દિવસ મોજશોખ ને વિનોદમાં ગાળવામાં જીવનનું સર્વસ્વ માનતી પોતાની ભાભીને બાઝી પડી, તેના લલાટમાં ચુંબન કર્યું. ‘ભાભી, દિવસે ગોંધાઈ રહેવું તમને શે ગમે છે?’ તેણે પુનઃપ્રશ્ન પૂછ્યો. ‘સહેજ આડા પડવાની વૃત્તિ થઈ એટલે સાંકળ અડકાવી હતી. ઊભાં કેમ રહ્યાં છો, આવોને આ કોચ પર બેસો. વાલજીની વહુ! સાદડી પર બેસ ને. ઊભા ઊભા ટાંટિયા દુખશે.’ ‘ભાભી! તમે ઊંઘ્યાં હો એમ લાગતું નથી. છાનાંમાનાં રડતાં હો એમ તમારી આંખ સાક્ષી પૂરે છે. આમ આખો દિવસ પિયર સંભારી રોયા કરે પાર આવવાનો છે? આપણ બૈરાંને સાસરાં વિના છૂટકો છે?’ ‘બહેન, આડી પડી પણ ઊંઘ આવી નહિ. ગમવા નહીં લાગ્યું એટલે આ કવિતાનો ગ્રંથ વાંચવા બેઠી. તે વાંચતાં આંખ ભરાઈ આવી. પિયર સંભારીને રોતી નહોતી બહેન! અહીં શું ઓછું આવે એમ છે. તમે ક્યાં મને હાથમાં ને હાથમાં નથી રાખતાં કે પિયર વારે ઘડી સાંભરે? જે ઘરમાં જિંદગીભર આયુષ્ય કાઢવાનું છે તે ઘરમાં બાળપણનાં સ્મરણ પળે પળે નથી થતાં હોં બહેન.’ ‘ચાલો ભાભી, અમારો ક્યાસ ખોટો પડ્યો. પણ અરે, તમને આવી આવી કવિતા વાંચવી કેમ ગમે છે? આપણને તો વાંચવાની કદી મરજી થતી જ નથી. બહુ થાય તો વડારણો એકઠી કરી મઝાના સૂરદાર રાસડા લઈએ કે દહાડો નીકળી જાય. પણ ભાભી! તમે વાંચો પણ ખરાં ને સાથે વાંચતાં વાંચતાં રડો એ તો બા આપણાથી નથી સમજાતું. ખોડો સરવણ કે નથુ ડોસી ઘણીયે દુઃખની વાતો કરે છે ત્યારે કામદાર કે બીજા મહેતાઓની વહુઓ ગળગળાં થઈ જાય પણ મને તો કશું નથી થતું. હોય એ તો વાતમાં સંકટ, આફત પડે. તે ન હોય તો રસ ન પડે. બધી વાતમાં એવું હોય માટે શું તે સારુ આંસુ સારીએ? એમ જો ઘડીએ ને પળે રડવા, બેસીએ તો કોની આંખની કીકી પણ કાણી થઈ જાય.’ ‘બહેન, એ તો સહુ સહુની પ્રકૃતિ પર છે. આપ વીરકુટુંબમાં જન્મ્યાં છો તેથી આપનું હૃદય સખત વીરપરાક્રમને યોગ્ય ઘડાયું છે. જરા જરામાં તે પીગળતું નથી. પણ બહેન આપણ સ્ત્રીઓનાં હૈયાં તો કોમળ અને નરમ જ હોય છે. પારકાનું દુઃખ દેખીને આપણને લાગી આવે એ આપણો સ્વભાવ છે. હજુ તમે બાળક છો, તડકાછાંયડા જોશો, સ્નેહ આપશો અને પીશો ત્યારે અત્યારે પથ્થર જેવું લાગતું હૃદય આર્દ્ર અને કોમળ થશે, સહેજ સહેજમાં લાગણીથી આંદોલાશે.’ ‘હશે, ભાભી, તમારા જેવું જ્ઞાન અમારામાં નથી. આવશે ત્યારે થઈ રહેશે. હું તો એક મઝાની વાત કરવા આવી છું.’ ‘શી વાત છે બહેન?‘ ‘શું તમને જાણવાની ઉત્કંઠા નથી થતી? અત્યારમાં ઘડપણ આવી ગયું કે શું? ઉત્સાહ, ઉલ્લાસ કે ઊલટ તો તમારામાં ભાભી, મળે જ નહિ. કંઈ નહીં, મારું નામ મોંઘી ત્યારે જ કે જ્યારે તમને હું મારા જેવાં કરું ત્યારે.’ ‘તમારા ગુણો મારામાં આવે એ તો મારાં પુનિત સુકૃત્યોનો પ્રભાવ હોય તો સ્તો. જે દહાડે હું તમારા જેવી થઈશ ત્યારે મારો ભાગ્યોદય થયો માનીશ. પણ શી મઝાની ખબર લાવ્યાં છો? કંઈ સહેલગાહે પધારવાની?‘ ‘જોયું વાલજીની વહુ, ભાભીની ગમગીની કેવી ઉરાડી દીધી. ભાભી, તમે પણ જબરાં; મારી ખબર કળી ગયાં.’ ‘પણ કહો તો ખરાં શી ખબર લાવ્યાં છો? આજ તો ટટળાવો છો ને કાંઈ?’ ‘અધીરાં ન થાઓ. ઉતાવળે આંબા ન પાકે; ચાલો સામી બારીએ.’ ત્રણે ઊઠી બારી ભણી ગયાં. મોંઘી અને તેની ભાભી બારીમાંથી ડોકિયાં કાઢી નદીપારની ઝાડીમાં નજર કરવા લાગ્યાં. વાલજીની વહુ તેમની પછવાડે આઘે, નણંદ ભોજાઈથી ભરાયેલી બારીમાં કંઈ રહી ગયેલા ખુલ્લા ભાગમાંથી કોઈ વસ્તુ પર નજર ઠેરવવા મથતી ઊભી. ‘જુઓ, ભાભી, પેલી આમલીઓની ઘટા પર શું દેખાય છે?’ ‘ઝાડ પર તે શું દેખાવાનું હતું? ખુલ્લું આકાશ સૂર્યાસ્તથી રંગબેરંગી બને છે તે અથવા આઘે ઝાંખી લાગતી ડુંગરા—’ ‘ભાભી, તમે તો ડુંગરા ને આકાશમાં જ ગાંડાં થવાનાં છો. એમ શું આકાશના તારા ગણ્યા કરો છો. જરા નજર ઠેરવી ઝાડ પર જુઓ તો ખરાં. ધુમાડાની ઝીણી સેર નીકળે છે કે નહિ?’ ‘હા, એ તો ત્યાંથી રોજ નીકળે છે ભરવાડ કે મારવાડી મઉનાં ઝૂંપડાં હશે તેથી ધુમાડો નીકળતો હશે. હું શું જાણું કે તમે ધુમ્રસામુદ્રિકની નવી વિદ્યા શોધી કાઢી છે ને તે મને શીખવવા આવ્યાં છો. મેં તો તમારી સુરમ્ય સાંધ્યઆકાશ તરફ નજર દોરી.’ ‘ભાભી, તમે તો પણ ચઢ્યાં તો. વાલજીથી વહુ—’ ‘જી, બાસાહેબ.’ ‘જવાબ દીધાં વગર સાંભળ ને. નાહકની બોલતાં વળી અટકાવે છે. હું તો કહું છું કે જો મારા ગુણ ભાભીમાં કેવા આવતા જાય છે. જોયું કેવાં ટોળ કરી જાણે છે—’ ‘પણ વારુ બહેન, ધુમાડા વિશે શું કહેવા માગો છો? કોઈ ગરીબનાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે કે શું? તેને બે પૈસાની મદદ કરવા જવું છે?’ ‘ના ના, ભાભી, પરોપકારની વાત અહીં નથી. જાઓ, જાઓ, તમે તો આડાં ઊતરી પડી મારી મુદ્દાની વાત છેડવા જ દેતાં નથી. હું તો હવે થાકી ગઈ. વાલજીની વહુ, તું ભાભીને કહે.’ ‘બહેન, તમે જ કહો. હું હવે વચ્ચે આડકથા નહિ કાઢું. છાનીમાની સાંભળીશ. આવાં વિનોદી છતાં તમારાં ઉત્સાહ, ઉલ્લાસ એટલામાં મરી જાય તો અમારા જેવાની શી દશા?’ ‘એ તો, ભાભી, જરા સહેજ, વાલજીની વહુ બધું જોઈ આવી છે. માટે એને જ કહેવા દો. ચાલ કહી નાંખ તો.’ ‘બાસાહેબ, સામેની ઝાડીમાં પાંચ-છ દિવસ થયાં એક જટાધારી આવી રહ્યો છે. તેની ધૂણીનો ધુમાડો ઝાડમાંથી નીકળતો દેખાય છે. બાસાહેબ, બાવાના પર આખું ગામ મોહી પડ્યું છે. હજારો લોકો એનાં દર્શન કરવા જાય છે.’ ‘બાવાના ચમત્કારની વાત કર ને? અમસ્તી બીજો નકામો લવારો કર્યા કરતાં.’ ‘મોંઘીબા, એને ફાવે તેમ કહેવા દો ને. નહિતર એને કહેવામાં રસ નહિ પડે.’ ‘વારૂ ત્યારે કહે છે તેમ કહે.’ ‘બાસાહેબ, એ બાવાના ચમત્કારની તે શી વાત કહું. મારી પડોશમાંના નારાયણરાવ ફોજદારની જડીને વીસ વરસ થયાં છતાં સારો અવસર આવ્યો નહોતો, તે એની બા સાથે બાવાજીનાં દર્શન કરી આવી એટલે આશાનાં ચિહ્ન જણાયાં. દોઢી પરના આરબ જમાદારનો જમાલીયો તાવે એટલો બધો ધીકતો હતો કે બધાએ એની આશા મૂકી હતી. પણ એવામાં બાવાજી ભિક્ષા લઈ એના ઘર આગળથી જતા હતા. તેમને લખુજી જમાદાર બોલાવી લાવ્યો. બાવાજીએ હાથ મૂક્યો, એટલે તાવ કોણ જાણે ક્યાં જતો રહ્યો, જરાયે ખાતો નહોતો તે હવે રુચિથી ખાય છે—’ ‘પણ પેલા રૂપિયાની વાત કર ને?’ ‘બાસાહેબ, ગામમાં ઠેર ઠેર વાત ચાલે છે કે નારણિયા ભગત પર મહારાજની ઘણી મહેરબાની થઈ છે તેથી પૈસાના રૂપિયા બનાવવાનો ઇલમ એને શીખવાડે છે. કહે છે કે મોડી રાતે મસાણમાં બન્ને જાય છે ને ત્યાં પ્રેત બેતની સાધના કરે છે.’ ‘વાલજીની વહુ, આ વાત કોઈએ નજરે જોયેલી કહી કે ફક્ત ગામગપાટો છે?’ ‘હું જાણતી હતી જ કે ભાભી આવી વાત કદી માનવાનાં નથી. પણ ભાભી, આ વાત તો આખા ગામમાં ચર્ચાય છે. વાલજીની વહુએ આ વાત રામજી પાસેથી સાંભળી હતી, કેમ ખરું કે ની?’ ‘હાજી, બાસાહેબ, રામજીભાઈ રાતે રોન ફરવા ગયેલા ત્યારે નદીને કિનારે ચેહ સળગતી હતી અને બે જણાં ત્યાં કાંઈ કરતા હતા.’ ‘ભાભીસાહેબ, આ વાત સાંભળીને બાવાનાં દર્શન કરવાનું મન થઈ ગયું છે.’ ‘બહેન, વાલજીની વહુની વાત ખરી હોય તો એવા મેલી વિદ્યાવાળા પાસે આપણે સારા માણસે જવું ઉચિત છે?’ ‘ભાભી, તમે તો પૂરું બોલવા પણ નહિ દો કે શું? જે માણસ આવા આવા ચમત્કાર કરી શકે તેનાં દર્શન તો કરવાં જ જોઈએ. નાનપણથી મેં ઘણી ભૂતપ્રેતની વાતો સાંભળી છે તેમને જોવાને હંમેશ ઉત્સુક રહું છું. જોઉં તો ખરી કે એ બધું શું છે? ભાભી આ વાત સાંભળી ત્યારે મને એમ થઈ ગયું કે રાતના એકલી મસાણ જાઉં ને તમાશો જોઉં.’ ‘બડી તમારી હિમ્મત! પણ બહેન, હજુ તમે નાનાં છો; તમારા અનુભવ થોડા છે; જગતમાં ઢોંગધતૂરા કેટલા ચાલે છે અને તેને લીધે કેટલા બધા ફસાય છે તેનો તમને ખ્યાલ પણ નહિ હોય—’ ‘હશે, ભાભી, ગમે તેમ હોય. આટલું મારું કામ કરાવી આપવું પડશે. ગમે તેમ કરી કાલે ત્યાં જવા ભાઈ પાસે રજા તેમ જ બંદોબસ્ત કરાવી આપવો પડશે; એટલું જ નહિ પણ તમારે સાથે આવવું પડશે. તમારી લાડકી નણંદનો આ બોલ નહિ ઉથામાય.’ ‘બહેન, હજુ તમે નાદાન છો. એવા એવા જોગટાની પાછળ ભમવામાં આપણી શોભા નહિ.’ ‘ભાભી, અમારી નાદાની આ ફેરા તમારે સંતોષવી પડશે જ. વચન આપો કે આજે ભાઈ પાસેથી બધી સગવડ કરાવી લેશો, નહિ તો રૂસણાં લઈશ પછી જખ મારીને તમારે કરવું પડશે.’ ‘ના, ના, બહેન, એમ છેલ્લે પાટલે જઈ બેસવાની જરૂર નથી. હવે તમે વયમાં આવતાં જાઓ છો માટે છોકરમત કાઢી નાંખો. આ ફેરા તો હું તમારે વાસ્તે રજા મેળવીશ.’ ‘શાબાશ, ભાભી, એટલું જ જોઈએ છે. અગાડીની વાત અગાડી પર છે. જો આટલું કરી આપશો તો હું જન્મભર તમારું અહેસાન ભૂલીશ નહિ.’ ‘બાસાહેબ,’ એક ખવાસણ અંદર આવી કૂર્નસ બજાવી બોલી, ‘વખત થવા આવ્યો છે, નહાવાની તૈયારી કરું?’ ‘ચાલો ત્યારે ભાભી, તમે નહાવા સિધાવો ને અમે ફળિયામાં જઈ ઢોલિયા પર બેસી ગપ્પાં મારીશું.’ (મોંઘી અને વાલજીની વહુ જાય છે. હીરા વિચારમાં જ રહે છે, ખવાસણ ઊભી છે.) ‘કોણ જાણે અત્યારે મને કંઈ ઠીક લાગે છે. સારો દિવસ ગમગીનીમાં જતો પણ અત્યારે તો મન પરથી ભાર જતો રહ્યો હોય એમ લાગે છે. આનંદની વૃત્તિથી રોમાંચ ઊભાં થયાં છે. ડાબી આંખ પણ ફરકે છે. આ સર્વ શેનું સૂચન—’ ‘બાસાહેબ, નહાવાની તૈયારી કરું’ એ શબ્દોએ વિચારોમાં ભંગ પાડ્યો. ખવાસણ હજુ સુધી ત્યાં ઊભી રહી હતી તેની પોતાને ફામ ન રહેવાથી વિચારમાં બેસી રહી તે ખોટું કર્યું એમ લાગ્યું. નહાવા તૈયારી કરવાનું કહી ઊઠી, ગવન ઠીકઠાક કરી પોતાની વસ્તુઓ છૂટીછવાઈ બપોરથી પડેલી હતી તેમને તેમના યોગ્ય સ્થાને ગોઠવવામાં પડી.

[૨]

આજ સવારથી હીરા હંમેશ મુજબ ઉદ્વિગ્ન નથી. કંઈ અવનવી અકલિત મનોવૃત્તિએ તેને ઉલ્લાસ અને વિનોદમાં પ્રેરી છે. મમરાની પોટલી બાંધી બારી આગળ ઊભી ઊભી મમરાની મૂઠી નાંખી માછલાંઓની રમત નિહાળતી તે ઊભી છે. આજ ઘણે દિવસે વિનોદ અનુભવે છે. મમરા થઈ રહ્યા. માછલાં પાણીમાં ભરાઈ ગયાં. ખાલી રૂમાલ હાથમાં ઝાલી હીરા ઊભી. પાણી પરથી નજર ઉખેડી લેતાં સામે પારની તરુમાળા પર નજર પડી. ધુમાડાની સેર નીકળતી હતી. આજ વિનોદનો આવેશ એટલો પ્રબળ હતો કે ધુમાડાની ગતિ અનુસરવા વૃત્તિ થઈ. ધારી ધારી ધુમાડાના ગોટેગોટના ગૂંચળા ઉકેલવા લાગી; આમ ઉકેલવામાં તેની વિનોદવૃત્તિ ખીલતી ચાલી......વિનોદવૃત્તિ સરવા લાગી, ગંભીરતા પ્રસરવા માંડી. આત્મસ્મૃતિ ગૂંજતી હતી. ‘સ્મૃતિમાં સંતાતા’ અમુક દિવસો બહાર ધસી આવ્યા. પાછલા સંસ્કાર પ્રદીપ્ત થયા. અંતરમાં વિલાસી વિનોદ કે વિચારશીલતાની પથરાતી સત્તા મુખ પર પ્રસરતી ચાલી, ધુમ્રરેખા પર નજર બરાબર ઠેરવી. પોતાની ધારણા ખરી પડતી હોયની એમ મુખચ્છવિથી પ્રદર્શિત કર્યું, ઉદ્ગાર નીકળી પડ્યા : આ ધુમાડો ‘હીરા’ ‘હીરા’ જ લખ્યા કરતો હોય ને એમ ભાસે છે‘ પાછી વિચારમાં પડી, ધીમી ઉદ્ગારધારા છૂટી :’ શું ત્યારે મને ભૂલી નથી ગયો. યોગીસ્વરૂપ લઈ મારી સન્મુખ આવી ઊભો છે ને. શું આમ રોજ ‘હીરા’ ‘હીરા’ કરી આમ ચીસ નાંખતો હશે. પણ કદાચ આ ભ્રમણા હશે. મારી મનઃસ્થિતિ હું ધુમાડા જેવી અવ્યવસ્થિત વસ્તુ પર આરોપું છું. સત્ય કે ભ્રમણા? ઘડીમાં આશા ઘડીમાં નિરાશા, પળે પ્રફુલ્લ, પળે ઉદ્વિગ્ન એ કેવો ક્રૂર નિયમ! મનની આ કેવી અસ્થિરતા! શું છે ને શું નહિ? મુંઝવણ કોણ મટાડશે?’— મનના થાકની સાથે શરીર પણ શ્રમિત થઈ ગયું. મૂંઝાતી, અકળાતી કોચ પર પડી.

*

કાલના જેટલો વખત થયો છે. મોંઘી ભાભી પાસે આવી, ‘ભાભી કોની છબી પાડો છો? કાંઈ કળ ફેરવ્યા જ જાઓ છો ને? કેટલી છબી લો છો?’ માથું હલાવી નણંદને બારી પાસે બોલાવી, ઇશારતે થોડી વાર જે થતું હતું તે જોયા કરવાનું કહ્યું. પાંચેક મિનિટમાં છબી પાડવાનો વ્યાપાર બંધ પાડી. કેમેરાને કાળા કપડામાં લપેટી અંધારા ખૂણામાં મૂકી હીરા મોંઘી પાસે જઈ ઊભી. ‘બહેન, ગમતું નહોતું એટલે મન થયું કે લાવ જો સામા કિનારા પરના ઝાડ, તે પર ઊડતાં પંખીઓની તસવીર લઉં, વિચાર થયો કે ક્ષણેક્ષણ તસવીર લેવાયાથી પવન કે પંખીઓની ગતિ માપી શકાય કે નહિ?’ ‘તમે તમારે એવી એવી માથાકૂટ કર્યા કરો. પણ કોણ જાણે કેમ ત્યારે સાંભળ્યું નહિ?’ ‘શું સાંભળ્યું નહિ?‘ ‘ભાભી, પેલા બાવાનું રૂપ જોયું? તેમની તો ધારા ફૂટતી હતી જાણે કોઈ રાજવંશી લાગતો હતો. બધા વાત કરતા હતા કે આવો યોગી જન્મારામાં કોઈએ જોયો નહોતો.’ ‘પણ તમે શું વીસરી ગયાં’તાં?’ ‘સવારે કેમેરા સાંભર્યો જ નહિ. બાવાની છબી પાડી લીધી હોત તો કેમ?’ મનને આ વાત રુચી – હૃદયને વહાલી લાગી પરંતુ વ્યવહારને અસંતોષ થયો, ‘બહેન, જે થયું તે ઠીક જ થયું,’ એવા ભમતારામની છબી પાડી લેવી એ આપણે લજ્જાસ્પદ થવા જેવું છે.’ ‘વારુ, ભાભી, તમને જે લાગે તે ખરું. પણ ભાભી, કાલે તમે એ બાવાની તોછડાઈથી વાત કરતાં હતાં. અત્યારે પણ એમ જ કરો છો. છતાં સવારે તો એની ઘણી ખાતરબરદાસ્ત કરી ને? કેવો સરસ ગૂંથેલો હાર પહેરાવ્યો. હીરાની વીંટી દક્ષિણામાં આપવા તત્પર થયાં હતાં. જોકે એણે તે લીધી નહિ. આવી સરસ હીરાની વીંટી એણે પાછી વાળી એ જોઈ મારા મનમાં તો એ બાવાને માટે અતિશય પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. તમે કહો છો તેમ એ કોઈ ઢોંગી, રખડતો ભામટો નથી. કોઈ તપસ્વી છે. આ ભૂમિનું પ્રારબ્ધ જોર કરતું લાગે છે, નહિ તો એનાં પગલાં અહીં ક્યાંથી.’ ‘બહેન, અતિથિનો આદરસત્કાર કરવો એ આર્ય ગૃહિણીનું પરમ કર્તવ્ય છે. તે શાસ્ત્ર આદેશ અનુસાર હું સવારે વર્તી છું. ઘણાયે ધુતારા એવા પહોંચેલા હોય છે કે શરૂઆતમાં સદાચરણ ને સાધુતાથી સારી છાપ પાડી, સામાને મોહમાં નાંખી અને એવો હાથ બતાવી જાય છે કે જગતમાં સાધુતાના અસ્તિત્વ સંબંધી સંદેહ ઉત્પન્ન થાય છે. એ તો ‘જુઓ ભાઈ જગતના બાવા, ભેખ ધર્યા ધૂતી ખાવા.’ ‘ભાભી, અત્યારમાં તમારા કેટલા અનુભવ થઈ ગયા કે આટલું બધું નૈરાશ્ય આવી ગયું ને સૃષ્ટિમાં સદૃંશ વિનષ્ટ થયો હોય ને એવી પ્રતીતિ કરી બેઠાં છો. વારુ, ઠીક, એ બધું તમારું પુસ્તકનું જ્ઞાન હશે. પણ અરે, તમે પણ જબરાં ટીખળી ને વિનોદી થતાં જાઓ છો. બાવાજી આવ્યા ત્યારે ગ્રામોફોન વગાડવા બેસી ગયાં’તાં ને કંઈ?’ ‘એ તો બહેન કાગડાનું બેસવું ને તાડનું પડવું. વાલજીની વહુએ તમને બોલાવી લાવવા મોકલી એવામાં એનો જીવ બહુ રોવા લાગ્યો. ઘણુંયે છાનું રાખવા મથી પણ તેનું રડવું રહે જ નહિ એટલે ગ્રામોફોન વગાડી તેને રોતો રાખવા ઉપાય યોજ્યો. એટલામાં તમે આવ્યાં ને અભ્યાગતની પણ પધરામણી થઈ. એ ગડબડમાં ચાંપ દાબી બંગડી–ફરતી–ફરતી અટકાવવાનું ભૂલી ગઈ. (મનમાં) ‘દમ્ભ, અસત્ય જગત, તું અમને દામ્ભિક કેમ બનાવે છે? દ્વિધા જીવન ગાળવું એ શું મનુષ્યને ઉચિત છે?’ ‘હા બરાબર, હું ઓસરીમાં પેઠી ત્યારે અવાજ નીકળતો હતો. ભાભી, આમ દર્શન કરવામાં કાંઈ મઝા નહિ આવી. એને થાનકે ગયાં હોત તો એના દેવ, ધૂણી વગેરે જોત. કોણ કોણ ત્યાં આવે જાય છે, ત્યાં શું શું થાય છે? વાલજીની વહુ જે કહેતી હતી તે પ્રત્યક્ષ જોવાનો પ્રસંગ મળત, પણ ભાભી, તમારું પહેલેથી જ મન નહિ એટલે કમને ભાઈ પાસેથી રજા મેળવી.’ ‘કેટલી મહેનતે આટલી હા પડાવી તોયે અપવાદ તો રહ્યો. તમારા ભાઈ તો ના ને ના પાડતા હતા. તમને વચન આપ્યું હતું એટલે ગમે તેમ કામ પાર પાડવું જોઈએ. છેવટે પછવાડી લાગીને આટલી હા પડાવી. જોગીને થાનકે જવાની સાફ ના પાડી તો પાડી પણ ઊલટી મને ધમકાવી. અતિશય કાલાવાલા કર્યા ત્યારે ઘેર બોલાવી આતિથ્યસત્કાર કરવાની પરવાનગી આપી.’ ‘ભાઈ, બહુ હઠીલા છે તો, એમને જટા-ભસ્મમાં કાંઈ શ્રદ્ધા નથી, પણ ભાભી, તમારો બોલ ભાઈ પડ્યો નહીં રહેવા દે માટે ત્યાં જવાની પરવાનગી મેળવજો. જોઉં તો ખરી કે ભૂત કેમ કાઢે છે, દોરા મંત્રીને રોગ કેમ સાજા કરે છે, રાખની ચપટીથી—’ ‘મોંઘીબાસાહેબ, હીરામલ ખૂબ પાંખો ફફડાવે છે, આખું પાંજરુ હચમચાવી નાંખે છે. ઘણુંયે કર્યું છતાં શાન્ત પડતો નથી’ — આ શબ્દો એક વડારણ ગભરાતી, હાંફતી ઓરડામાં આવી બોલી. મોંઘી અડધું સાંભળતાં જ પોતાના વહાલા પોપટની સારવાર માટે એકદમ કૂદકા મારતી ગઈ. હીરા પણ પેલી વરાડણ સાથે ત્યાં ગઈ.

*

રાત પડી ગઈ છે. નિદ્રાનું સામ્રાજ્ય પ્રસરતું જાય છે; ફક્ત હીરાના શયનખંડમાં નિદ્રા આજ પ્રવેશ પામી શકતી નથી. એક મોટા ટેબલ આગળ ચોતરફ રોશની રેલાવતો ગ્યાસ-લૅમ્પ છે. ટેબલ પર એક મોટા કાર્ડ પર ટાંકણીથી મઢેલી છબીઓ છે. પોતાની સન્મુખ તે કાર્ડ ધરી, પૂરતો પ્રકાશ લાવી, મેગ્નીફાઈંગ ગ્લાસમાંથી હીરા ધારી ધારી જુએ છે. જોઈ ગ્લાસ ટેબલ પર મૂકી, સ્વૉન પેનથી એક નોટબુકમાં કાંઈ લખતી જાય છે. આમ ને આમ કેટલો વખત ગયો તેની ખબર પડી નહિ. કેદખાનાની ઘડિયાળના બારના ટકોરા થયા. પેન મૂકી દીધી, છબી ખાનામાં સેરવી દીધી, દીવો ઝીણો કર્યો, ગ્લાસને ઠેકાણે મૂક્યું. ગવનને છેડે પરસેવો લૂછતી પાસેની ઓરડીમાં ગઈ. નળ ઉઘાડી મોં ધોયું. પાનની રકાબીમાંથી પાન મોંમાં મૂક્યું. વૉલસીટ સળગાવી એક નાના ગોળ ટેબલ પર મૂકી, તે ટેબલને બારી પાસે પડેલી આરામખુરશી નજીક લઈ જઈ, પેલી નોટબુક લઈ તે ખુરશી પર પડી. નોટબુક ઉઘાડી વાંચવા જતાં વંચાયું નહિ, આંખે ઝાંખ વળવા લાગી, ‘ત્રણેક કલાક લગી એકી ટશે જોયા કરવાથી હવે નજર ઠરતી નથી, ગમે તેમ થાય પણ અત્યારે એ વાંચ્યા વિના મૂકનાર નથી. હજુરસાહેબે પણ આજ કૃપા કરી છે કે શિકારની સહેલગાહે નીકળી પડ્યા છે.’ આમ બોલી ઊઠી, નળ તળે આંખ પાછી ધોઈ, ગુલાબજળનાં ટીપાં નાંખી, સહેજ વાર બારીએ ઊભાં રહી શીતળ હવા લઈ પાછી ખુરશી પર પડી. આંખ ઠેરવી વાંચવા માંડ્યું. ‘હાર, વીંટી અને ગ્રામોફોને સંદેશો પહોંચાડ્યો છે. દર્શનની અભિલાષા રહી. શું હૃદય એટલું નિષ્ઠુર થયું છે? નહિ તો આજ આટલા દિવસ, થયા ધૂણી ધખાવી ‘લયલા’ ‘લયલા’નું જ રટણ કરે છે. પણ લયલાને દર ક્યાં છે? હીરા, હીરા, આ હૃદયની કહાણી તું કેમ સાંભળતી નથી. શું આપણો સંબંધ તૂટ્યો? હા! ક્રૂર, હૃદયહીન મેના, તેં અમને વિખૂટાં કર્યાં એટલું જ નહિ પરંતુ હંમેશને માટે છૂટાં પાડ્યાં. હીરા, હીરા, બાહ્ય વિશ્લેષથી તારું હૃદય મારાથી અળગું તો નથી થયું ને?’ ‘વહાલા એવો પ્રશ્ન જ શાને?’ એ શબ્દો હીરાના મુખમાંથી સરી પડ્યા. તેના મુખ પર આવેશનું પ્રતિબિંબ પડતું હતું. તેની છાતી ધબક ધબક થતી હતી. વાંચવાનું આગળ ચલાવ્યું : ‘આ દુઃખી આત્માની કથા, હીરા, સાંભળીશ? તેને આશ્વાસન આપીશ? એ આશ્વાસન માગવાનો હક્ક રાખ્યો છે કે નહિ? હારે અને ગ્રામોફોને તારી કથા કહી. તારી સ્થિતિ પણ મારા જેવી જ છે. વહાલી, આ દુઃખનો અંત ક્યારે આવશે? અંત આવવાનો હો ત્યારે આવો ૫ણ મારી કથા કહી આજ હૈયું ખાલી કરીશ.’ આંસુથી નોટમાં ડાઘા પડ્યા. ‘તારી ભાભીના નિષ્ઠુર, અમાનુષ આચરણથી હું મનની અનેક આંધીએ વ્યથિત થયો. ગાંડા જેવો થઈ ગયો. જીવવું ભારે થઈ પડ્યું. ચિત્તભ્રમ, હૈયાસૂનો જંગલમાં ભટકવા લાગ્યો. ભૂખ કે તરસની દરકાર વગર ‘હીરા’નો જીવ જપતો જ્યાં જવાય ત્યાં ચાલ્યો. મન અને શરીરના કષ્ટની અવધિ આવી પહોંચી. બેભાન થઈ પડ્યો. ભાન આવ્યું ત્યારે એક નેસડાના આંગણામાં પડ્યો હતો. શરીર અતિશય કળતું હતું. કમતાકાતી અને કળતરથી ઊઠવા ગયો પણ ઉઠાયું નહિ, ખાટલા પર પડી રહ્યો. છેટે મોટું તાપણું સળગાવી બેત્રણ ભરવાડ હુક્કો ગગડાવતા પડ્યા હતા. તેમની વાતચીત કાને અથડાઈ. ગોરખનાથના અતુલિત પ્રભાવની વાત થતી હતી, પૂર્વે આવી વાતોમાં શ્રદ્ધા ન રાખનાર, આજ તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. વાત પૂરી થઈ. એક વૃદ્ધ ભરવાડ મારી કને આવ્યો. મારામાં શુદ્ધિ આવેલી જોઈ તેને હર્ષ પ્રાપ્ત થયો. તેમના ગ્રામ્યઆતિથ્યનો સત્કાર કરી કૌવત મેળવી થોડા દિવસમાં હરતોફરતો થયો. દરમ્યાન ગોરખનાથ અને તેમના સ્થાનક સંબંધી સર્વે હકીકત જાણી લીધી. એક રાતે નેસડો મેલી તે થાનકે ગયો. થડથી થોડે દૂર એક શિલા પડી હતી તે પર બેસી શંખ ફૂંક્યો.’ મીણબત્તી થઈ રહી, વાલસીટ હોલવાઈ ગયું. હીરાના હૈયામાં અનેક ઊથલપાથલ થતી હતી. આવેશની ભરતી ચડી જતી હતી. દીવો જતો રહ્યો; તો૫ણ થોડીવાર લગી ખુરશી પર તે પડી રહી. તેના શરીરમાં લોહી આજ ખૂબ જોશથી દોડતું હતું. ‘પ્રેમનિધાન પ્રભુએ એને સુખનો દિવસ આણ્યો ખરો.’ એટલું બોલી, ઊઠી, જોઈતી સામગ્રી મેળવી દીવો ફરીથી પ્રકટાવ્યો. આંખ લૂછી, પાણી પી, નોટબુક હાથમાં લીધી. ‘મેઘાચ્છન્ન રાત્રિ હતી. કાળા ભૂતાવળી સમા ડુંગરો બિહામણા ઊભા હતા. હૃદયમાં કાંઈ કાંઈ ગડમથલ થતી હતી. જ્યાં નજર પડતી ત્યાંથી ભયભીત થઈ પાછી આવતી. બાહ્ય સૃષ્ટિ સાથે સંબંધ ન રાખવાનો ઠરાવ કરી આંખ મીચી ‘હીરા’ નો નામોચ્ચાર કરતો શિલા પર બેઠો. પુનઃ શંખ ફૂંક્યો. તે વખતની મારી સ્થિતિ વર્ણવી શકતો નથી. જીવન, મૃત્યુ, ધ્વંસ– શું પ્રિય, શું પ્રાપ્ય છે. હીરા સાથે મેળાપ થશે કે નહિ? ઇહ લોકમાં ફરી ન મળાય તે પરધામમાં કે પુનર્જન્મમાં થશે? ત્યાં પણ નહિ તો જીવન કે મૃત્યુ સરખાં જ છે. સંપૂર્ણ ધ્વંસ વિના બીજો કયો આરો? પણ તે શું શક્ય છે? આવા અનેક તર્કવિતર્કથી મૂંઝાતો હું રડતો હતો. હું ક્યાં છું તે પણ સ્મરણમાંથી ખસી ગયું. આકાશમાં ગર્જના થઈ. વીજળીનો ચમકારો થયો. આંખ એની મેળે ઊઘડી ગઈ. ક્ષણિક પ્રકાશમાં એક જોગીની મૂર્તિ સમીપમાં ઊભેલી નિહાળી. મનોવૃત્તિના વિવિધ વ્યાપારથી શિથિલ થઈ ગયો હતો. શિલા પરથી ઊઠવાનું મન થયું પણ ત્યાં ને ત્યાં જકડાઈ રહ્યો, ‘કોણ છે? આવે વખતે શંખ ફૂંકે છે?’ બીજી ગર્જના થઈ. ગિરિમાળા અને વન ગાજી ઊઠ્યું. દિગ્મૂઢ જેવો હું સ્તબ્ધ જ રહ્યો. યોગીરાજે માથા પર હાથ મૂક્યો ને ફરીથી પ્રશ્ન પૂછ્યા. ઘણો ઘણો પ્રયાસ કર્યો છતાં ઉત્તર હોઠ બહાર નીકળી ન શક્યો. યોગીરાજને દયા આવી. હાથ પકડી ઊભો કર્યો ને મઠમાં દોરી ચાલ્યા. સ્વયંચલ પૂતળાની પેઠે અનાયસે હું તેઓ લઈ ગયા ત્યાં ગયો. મઠના ફળિયામાં ચેતરા પર મને બેસાડ્યો. કમંડળમાંથી પાણી છાંટી, વાંસે હાથ ફેરવવા તેઓ મંડ્યા. આ ઉપચારોથી જીવ હેઠે બેઠો. સંસારથી વિરક્ત થઈ ભેખ લેવા આવ્યો છું એ ઈરાદો જણાવ્યો. પ્રસન્ન મુદ્રાએ યોગીએ દિક્ષા આપી. સંસારનાં વસ્ત્રો ઉતારી કફની, કમંડલ ને ચીપિયો લીધાં. બે દિવસ મઠનો મહેમાન થયો. યોગીની ધર્મશાળામાં વિરલ સુખ ભોગવ્યું. એક દિવસ…....મમતા......’ હીરા સહેજ ખિન્ન થઈ. ‘કોણ જાણે કેમ શું થયું તે સમજાતું નથી. કેમેરા હાલી ગયો, અજવાળું વતું—ઓછું પડ્યું કે દવાની વધઘટ થઈ અથવા ત્યારે ધુમાડાની સેર બરાબર નીકળી નહિ. વહાલો અહીં કેવી રીતે, ક્યારે આવ્યો વગેરે હકીકત ઘણી મહેનત કર્યા છતાં ઉકેલાતી નથી. દહાડે ફરી મહેનત કરી જોઈશ.’ પાછી નોટબુકમાં નજર નાંખી. ‘આજ ધુમાડા દ્વારા મારી કથા કહું છું. હીરા, તે સાનુકંપ વધાવજે. સારી રીતે તારી બારી ભણી દૃષ્ટિ ફેરવી બેસીશ. પહેલાંની પેઠે દીવા મારફત સંદેશા આવવાની રાહ જોઈશ. પ્રભુ મેળવશે ત્યારે તું જોઈ શકીશ કે આ હૈયું કેવી કેવી વ્યથાઓથી વ્યાકુળ છે. પ્રિય, વહાલી! હીરા! સ્નેહસ્મરણ.’ નોટ હાથમાં જ રાખી, હીરા થોડો વખત ખુરશી પર પડી રહી. ત્યાંથી ઊઠી દીવો સળગાવી બારીમાં મૂક્યો. થોડીવાર ઊભી રહી. નજર નાંખતાં ઝાડની ઘટામાં અગ્નિની પાતળી તસર જણાઈ. પાંચસાત મિનિટ સુધી દીવો ઝીણો-મોટો કર્યો. દીવો બારીમાં જ રહેવા દઈ પાસેના ખંડમાં વૉલસીટ લઈ ગઈ. ત્યાંથી દોરડાની નિસરણી લઈ પાછી આવી. આવતાં એક મોટી છબી પર દૃષ્ટિ પડી. એકદમ અટકી ‘મોંઘીબહેન! આ પ્રસંગ આણનાર તમે — તમારું ઋણ કયે જન્મ ફિટાડીશ?’ વહાલભરી નજર નાંખી, બારી પાસે જઈ, નિસરણી જાળી સાથે બાંધી, જાળીનું તાળું કેડે ખોસેલા ઝૂમખામાંની કૂંચીથી ઉઘાડી, જાળી નદી પર કાઢી બારી ખુલ્લી કરી. જાળી બહાર નીકળવાની સાથે નિસરણી પણ પાણી પર ટંગાઈ – પાણીમાં ઝબકોળાઈ. દીપ–પલ્લવીનો કાંઈ ઉત્તર મળ્યો નહિ તેથી પુનઃ તે વ્યાપાર આરંભ્યો. સામે કિનારે ઘડીમાં દેખાતી તો ઘડીમાં નહિ એવી અગ્નિની તસર વધતી ચાલી. મોટું તાપણું થયું. થોડીવારે હોલવાઈ ગયું. કંઈ યાદ આવ્યું હોય એમ હીરા દીવો ઝીણો કરી ઓરડામાં પાછી ફરી. બારણાની સાંકળો તપાસવા ગઈ. નજર ઊંચી હોવાથી, પ્રિય મનોવૃત્તિનો ઉપભોગ લેતી હોવાથી, બારણાં પાસે સૂતેલા કૂતરાની ખબર રહી નહિ. તેના પર પગ પડતાં જ ‘ઓ રે’ની બૂમ નીકળી ગઈ; પાસે પતિના બાવલાનું લોખંડી સ્ટેન્ડ ન હોત તો જમીન પર અફળાત જ. દબાયાથી કૂતરે પણ ચીસ પાડી. ઘોંઘાટ, બાવલું, કૂતરો વગેરેએ એને બહાવરી બનાવી દીધી. ગભરાતી ગભરાતી બારણે કાન માંડી ઊભી રહી. બહાર સળવળાટ કે પગરવ સંભળાયો નહિ. જીવ શાન્ત થયો. સાંકળ તપાસી કૂતરાને ઉઠાડી પાસેની ઓરડીમાં પૂરી દીધો. થોડીવાર પરનો આહ્લાદ ઊડી ગયો છે. બાવલા પર નજર પડતાં જ મનની સ્થિતિ પલટાઈ ગઈ છે. ગુનેગારની માફક નજર તે તરફ ન જાય માટે બીજે નાંખવા લાગી, ત્યાં તો રાજાજીની આખા કદની તસવીર દેખાઈ. દીવાનો પ્રકાશ ઝાંખો, ખંડ વિશાળ હોવાથી ભ્રમિત, વ્યાકુળ ચિત્તને એમ જ ભાસ્યું કે સાક્ષાત્ પતિ ત્યાં આવી ઊભા છે. કરડી આંખે તેનાં કૃત્યો નીરખે છે. ઊભી હતી ત્યાં સજ્જડ થઈ ગઈ. ‘ક્યાં જાઉં? શું કરું?’ શકુન્તલાએ જ્યારે યાચ્યું હતું કે भगवति वसुन्धरे, देहि मे विवरम् તે વખતના જેવી સ્થિતિ હીરાની થઈ, જમીનમાં સમાઈ જવા ઇચ્છા થઈ. આવેગ શમ્યો. બીતી, ધ્રૂજતી, નીરવ પગલે છબી સમીપ ગઈ. ઘૂંટણિયે પડી પતિના ચરણસ્પર્શ કરવા ગઈ. ભાન થયું કે તસવીરથી તે ભડકી હતી. રાજાજી તો અત્યારે કોઈ અટલ, ગીચ જંગલમાં હતા. કંઈક ધબકારા ઓછા થયા, ચિત્તનો ઉદ્વેગ બેઠો. મુખ પરથી વિષાદ, દીનતા, ભયની કરચલીઓ સરવા માંડી, પણ તે સાથે અંતરાત્માની ગંભીર, જીવનભેદતી ઘોષણા સંભળાઈ. વિવિધ મનોવૃત્તિનું તુમુલ યુદ્ધ મચ્યું. પોતાનાં કૃત્યો દોષાન્વિત, પાપી, અધમ જણાયાં. પણ પાછા પિયરમાં ગાળેલા વહાલભર્યા પ્રસંગો સાંભર્યા. કર્તવ્યની દિશા અનિશ્ચિત થતી ચાલી.

*

બારી નીચેનાં પાણી ખળભળ્યાં પણ તેની અસર ઉપર ઓરડામાં થઈ જણાઈ નહિ. જોતજોતામાં પાણીથી નીતરતો; ઠંડીથી ધ્રૂજતો જટાધારી, રાજાજીની તસવીર સન્મુખ ઘૂંટણિયે બેઠેલી રાણીને બાઝી પડ્યો. નદીના શીતળ જળથી ટાઢા થયેલા હાથ પર ગરમ પાણીની ધારા પડી. ‘હીરા, મારા પ્રાણ, રુએ છે કેમ?’ જટાધારીના હાથમાં જ હીરા બેભાન થઈ ગઈ.

[૩]

રાજકાર્ય પ્રસંગે રાજાજી પરદેશ ગયા છે. આજ અમાસ છે. ‘અંધકાર શ્યામળ જયધ્વજ ફરકાવતો. ઘનદળ તેના ચરણમાં નર્તતું’ પ્રલયના મેઘ ઊલટ્યા હોય એમ વરસાદ મૂશળધાર પડે છે. સાથે વાવાઝોડું છે. નદી પૂરથી છલકાઈ ગઈ છે, તેનો કોપ માતો નથી; જન, જનાવર, મકાન, સામાન જે આવ્યું તેનું ભક્ષણ કરતી જાય છે. રૈયત ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે. હીરા અને મોંઘી રાજમહેલની એક અગાસીમાં ઊભાં છે. પાછળ મહેતા મુત્સદ્દીઓની વહુઓ અને ખવાસણનું ટોળું છે. વરસાદમાં ભીંજાઈ સર્વ રસબોળ થઈ ગયાં છે. હીરા કિનારી નજીક ગઈ, મોંઘીના હાથમાંથી ચૂંદડી, બંગડી વગેરે લઈ નદીમાં નાંખ્યું, અગાશીમાં ‘જય અમ્બે, જય અમ્બે’ની ગર્જના થઈ રહી. હીરા શૂન્ય, દિઙ્મૂઢ ઊભી રહી. કામદારની વહુ જે પડખે ઊભી હતી તે બોલી ઊઠી, ‘માજી તમારાં છૈયાં તમારે ખોળે છે’ પાછો ‘જય અમ્બે’નો પોકાર ગાજી ઊઠ્યો. ઘરડી ખવાસણો ગુસપુસ કરવા લાગી કે, ‘આ હડહડતા કળિયુગમાં પણ જોગમાયા જાગતાં જોધ છે. જોયું કેની કેવો હાથ કાઢી ચૂંદડી ને બીજું બધું લીધું. રહેમ નજર રાખો.’ સવાર પહેલાં પૂર ઊતરી જાય માટે અનેક બાધા રખાઈ. વર્ષોવર્ષનો કુળાચાર પતાવી ધ્રૂજતી હીરા અને બીજું મંડળ મહેલમાં પેઠું. ‘ભાભી તમે હાથ જોયો? નથુડોસીને રામબાઈ તો કહે છે કે તેમણે જોયો.’ ‘બહેન, મેં કશું જોયું નથી’ એટલું કહી ઝડપથી હીરા પોતાના શયનગૃહમાં પેસી ગઈ. આજ હીરાનો જીવ ઠેકાણે નથી. હંમેશ મુજબ મોંઘી સાથે ઘડી વિનોદ કરવા પણ તે થોભી નહિ. જમવાની પણ રુચિ દાખવી નહીં. ઓરડામાં પેસતાં જ, સાંકળ અડકાવી; રગ ઓઢી, પલંગ પર પડી. શરીરમાં ગરમી આવતાં હીરા ઊઠી, આખા શરીરે શાલ વીંટી બારી પાસે આવી ઊભી. મહેલ બહાર કુદરત પ્રચંડ તોફાન મચાવી રહી હતી. અંધકાર અભેદ્ય હતો, વરસાદ જોશથી ભીંત પર અને પાણી પર પછડાતો હતો. નદીનાં પાણી મહેલની ભીંતો સાથે અથડાતાં; ભયંકર જીવલેણ ઘોંઘાટ કર્યે જતાં હતાં. હીરાને આજ ઘણી ઊથલપાથલ થાય છે. ‘શું કરું?’ આજ નહિ આવે. તો કેવું? શી રીતે ખબર આપું? પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ નહિ કરે! જાણીબૂઝીને મરણના મોંમાં ઝંપલાવશે? પણ કદાચ નીકળી ચૂક્યા હોય એ ને... પણ જીવ એ અનિષ્ટનો વિચાર જ શાને! જીવ ઝાલ્યો રહેતો નથી. આ કાળમુખી, જે મળે તે હોઈયાં કરનારી નદી પાસે દયાની આશ કેવી! વહાલાની શી અવસ્થા હશે? આખી રાત કેમ કાઢશે! વરસાદ, ટાઢ ને વાવાઝોડામાં ક્યાં વિસામો લેશે! નદીબહેન! હંમેશ પેઠે તેને તારી છાતી પર લઈ મારી ગોદમાં નહિ મૂકી દે? નિષ્ઠુર, ક્રૂર નદી! પારકાનાં દુઃખે તું કદી દુઃખી થઈ જ નથી! તારો વિશ્વાસ શો! માછલાંઓ! રોજ મમરાઓ ખાઈ જાઓ છો. આજ વહાલાની ખબર નહિ લાવો? તમારા વાસમાં તે આવ્યો હતો કે નહિ? કેમ કંઈ બોલતાં નથી? મા તેવાં ફરજંદ? શું તમે પણ નદી પેઠ સ્વાર્થી, સખત હૈયાનાં થયાં છો! પણ વારુ, વહાલાની ખબર નહિ લાવો તો રહેવા દો. તમારામાંથી પીઠ પર બેસાડી કોઈ મને તેની પાસે લઈ જશો?’ ...’હા, લઈ જશે’ એટલા શબ્દો એવામાં ધીમા છૂટા સંભળાયા. હીરા ચમકી. નીસરણી ક્યાં છે?’ હીરામાં એકદમ ચેતન સ્ફૂર્યું. પાસેના ખંડમાં નીસરણી લેવા દોડી. ‘હીરા ઉતાવળ કર, તદ્દન થાકી ગયો છું. તાકીદે નીસરણી નાંખ નહિ તો ઘડી બે ઘડીમાં હતો ન હતો....’ જાળી ફડાક દેતી ઊઘડી ને નીસરણીના છેડા પાણી પર અફળાયા. દોરડું પકડતાં ને ઝડપ દેતો મોતીસિંહ અંદર આવ્યો. પાણીથી નીતરતો હતો. શરીર ટાઢથી થરથર ધ્રૂજતું હતું; દાંત કડકડતા હતા. શરીરમાં આય રહી નહોતી. એક કોચ પર થાકેલો પડ્યો. હીરાએ પલંગ પરથી રગ લાવી ઓઢાડ્યું ને કજળતી સગડીમાં ધગધગતો દેવતા કર્યો. શરીરમાં ગરમી આવવા લાગી. ‘વહાલા! શું તને તારો જીવ જરાયે વહાલો નથી કે આવી રીતે તું આવ્યો?‘ ‘હીરા! તને મળ્યા વિના આ દેહ ટકી રહે એમ તને લાગે છે? ગોરખનાથનો હાથ છે ત્યાં લગી કશાની મારે પરવા નથી. હીરામય મારું જીવન છે. ભગવાન પુરુષોત્તમ જાતે આવીને અટકાવશે તોપણ હીરાને મળ્યા વિના હું રહીશ નહિ. હીરા, તને ખબર છે કે વિશાળ યમરાત્રિમાં ત્રણ કલાક સુધી હું પાણીમાં રહ્યો છું.’ ‘શું, વહાલા, ત્રણ કલાક થયા અભાગિયણને માટે એટલું સંકટ?‘ ‘વહાલી, એવા શબ્દો કાઢ નહિ. તારા જેવું સૌભાગ્ય જગતમાં કોનું છે? હીરા, તેં ચૂંદડી નદીમાં નાંખી હતી. તે જો આ રહી.’ એમ કહેતાં તે કમરેથી છોડી આપી. ચૂંદડી જોતાં હીરા ચમકી શૂન્ય થઈ બોલી રહી. ‘હીરા, અગાસીમાં તું આવી ચૂંદડી નાંખતી હતી ત્યારે હાથ સહેજ બહાર કાઢી મેં તે લઈ લીધી હતી.’ ‘હેં શું ખરું કહો છો? ત્યારે હાથ નીકળ્યાની વાત ખરી?’ કંઈક વિચારમાં પડી ગઈ. અનિષ્ટ અમંગળનું સૂચન થયું હોય તેમ ઇષ્ટદેવનું સ્મરણ કરવા મંડી પડી. વાતમાં ભંગ ન પડે માટે પૂછ્યું : ‘તમે ત્યાં ક્યાંથી?’ ‘નાનપણમાં તરવાનો ઘણો જ શોખ હતો. સારા નસીબે ઉસ્તાદ પણ હોશિયાર મળી ગયો. ત્રણચાર કલાક સુધી પાણીમાં રહેવાની, તેમાં આમથી તેમ ફરવાની કળા શીખવી છે. તરવાના અનેક પ્રકાર છે. મત્સ્ય અને મકર પ્રકારનો આજ ઉપયોગ કર્યો હતો.’ ‘પણ ત્યારે ચૂંદડી નાખ્યાને તો ઘણી વાર થઈ ને તમે તો છેક અત્યારે આવ્યા છો.’ ‘મહેલ પ્રશાંત થઈ જાય પછી આવવાનો નિશ્ચય હોવાથી એટલો વખત પાણીમાં રહ્યો. ક્યાં સુધી રાહ જોવી પડશે તે નક્કી નહોતું. પાણીમાં ને પાણીમાં રહેવાથી શરદી ચડવા માંડી. થાક પણ ચડવા લાગ્યો. અંતકાળ સમીપ આવ્યો એમ લાગ્યું એટલામાં તો ઓરડામાંથી પાણી પર પડતા પ્રકાશમાં તારી છાયા જોઈ આશાનાં કિરણો ઉદય પામ્યાં. પામ્યાં પછીની હકીકત તો તને માલૂમ છે.’ નીચું નિહાળી હીરાએ સાંભળ્યા કીધું. અનેક વૃત્તિઓ – લાગણીઓ ઉત્પન્ન થઈ, પરંતુ તે શબ્દ દ્વારા વ્યક્ત કરી નહિ. નજર ઊંચી કરતાં પોતાના વહાલા કવિની તસવીર જોઈ. તે જોતાં તેની કવિતા સાંભરી. બિલ્વમંગળનો પ્રસંગ સ્મૃતિએ તાદૃશ ખડો કર્યો. ઘડભાંગ ચાલી. બિલ્વમંગળની પ્રણયિનીનું આચરણ અનુપમ લાગ્યું; પરંતુ તેમ આચરવા છાતી ચાલી નહિ. તેનું હૈયું કમકૌવત થઈ ગયું હતું. આંતર તુમુલ જંગ અબળા જીરવી શકતી નહોતી, એવામાં મોતીસિંહે ઊઠી છાતી સરસી દાબી. છટકવાનું મન થયું છતાં અચેતન રહી. ઓષ્ટેઓષ્ટ મળ્યા. આંખેઆંખના તેજ ભળ્યાં, આંખ પાછી ખેંચી લીધી. રાજાજીની છબી પર તે પડી. પણ આજે તેના પર ગલેફ ચડાવેલો હોવાથી કંઈ અસર ઊપજી નહિ. મોતીસિંહના ખોળામાં હીરા અચેતનશી પડી છે, તેને તમ્મર આવ્યાં છે. મોતીસિંહ તેની આ અવસ્થા જોઈ ગભરાયો, તોપણ હિંમત હાર્યો નહિ. બેઠો. વધારે પડખામાં લઈ શરીર અને હૃદયની હૂંફ આપી તેને સચેતન કરી. મોતીસિંહના ખોળામાં પડ્યાં પડ્યાં આંખ ઉઘાડી એકીટશે હીરા તેના સામું જોવા લાગી. તેના શરીરમાં લોહી અતિશય વેગથી દોડતું હતું. હીરાની આંખમાં આંખ પરોવતાં મોતીસિંહને પહેલાંના દિવસો સાંભળ્યા ‘સ્મૃતિએ પોતાની તંત્રી છેડી.’ ધીમી સિસોટી વગાડવા લાગ્યો. હીરાના સંસ્કાર જાગ્યા. ભાભીને લીધે પ્રણયીથી વિખુટાં પડી નવી સૃષ્ટિમાં વાસ લીધો છે તે ઘડીક વીસરી ગઈ. એ વાસ મેળવ્યા પહેલાંની આનંદભરી પ્રણયવાટિકામાં વિહરવા લાગી. પ્રીતમકંઠમાંથી નીકળતી સૂરમાળા, તેમાં વહેતા પ્રિય તેમ જ પરિચિત ભાવકથનથી, જે ઘડભાંગ અત્યાર સુધી થતી હતી તેં સરી પડી :

ગેબી ગર્જનાઓ ગર્જના કરે,
આંખ્યોમાં તારી, બાલુડી!
કંઈ કંઈ ઊંડો મધુર નાદ સંભળાય,
આંખ્યોમાં વહાલી બાળકી!
થાય સમુદ્રમાં તુફાન, અતિ મહાન,
મેઘના ગર્જિત, નાદથી;
થાય મનોર્ણવમાં તુફાન; ડોલે જીવવહાણ,
ગર્જનાથી તારી આંખ્યની.
રાત્રિસમયનું આકાશ, પવન વાય સુવાસ,
વાદળથી છવાયું છે;
ધીમે ધીમે પડે મેઘના બુન્દ, આંસુનાં વૃન્દ,
વીજળીથી ચમકે છે,
તારી આંખ્યોમાં આવું તેજ,
કાળી વાદળીઓનું તેજ,
ભરપૂર ભરેલું છે.
નીકળે વિધુતના ચમકાર, ઉછળતા પ્રેમના ઉભરાટ,
તારું મુખડું દીપે છે.

સાંભળવામાં હીરા એટલી લીન થઈ હતી કે સહેજ પણ સળવળ્યા વગર વહાલાના ખોળામાં સૂઈ રહી. તેના મુખમાંથી અમીધારા વહેતી હોય ને તેનું પોતે પાન કરતી હોય નહીં એવું તેની મુખચ્છવિએ પ્રદર્શિત કર્યું. સૂરમાળાના રણકા શમ્યા. મોતીસિંહે હીરાને પુનઃ છાતીસરસી લીધી. કંઠાશ્લેષ કરી, હૃદય હૃદય ભેળવી દઈ પરમસુખનો અનુભવ કરતાં હીરા બોલી : ‘વહાલા હીરાની એક વિનંતી છે, તે સ્વીકારશે?’ મોતીસિંહે કહ્યું: ‘હીરાની એક વિનંતી હોય? હુકમ જે હોય તે બજાવવા તૈયાર છું. વિક્રમ કે હાતમ કરતાં પણ લાખો ઘણા મુશ્કેલ કામ કરવા તૈયાર છું. હીરાનો બોલ પડ્યો રહે તો ગોરખનાથની આણ છે.’ ખુશી થતી તોપણ કંઈક બીતી હીરા બોલી : ‘વહાલા, વહાલમાં ‘હુકમ’ શબ્દ ખૂંચે છે. વિનંતી જ થઈ શકે.’ ‘મારા પ્રાણની જે ઇચ્છા તે મારી ઇચ્છા’ ‘વહાલા, આ હીરાને પરવાનગી આપો કે હવેથી એ તમને હંમેશ આ વખતે મળવા આવે. અને તમે આમ જીવ જોખમમાં નાંખી આવો તેને બદલે હીરા જ તમારી પાસે આવે.’ આટલું બોલી નીચું જોઈ રહી. ‘મારા પ્રાણ, જરા વિચાર કર. તું ક્યાં, હું ક્યાં? શા માટે જાણીબૂઝીને સંકટ વહોરી લે છે? તારાથી નદી કેમ તરાશે? મોતીસિંહના દેહમાં જ્યાં લગી પ્રાણ છે ત્યાં સુધી હીરાને જોખમમાં નહિ ઊતરવા દે.’ ‘વહાલા, મારો બોલ ઉથામાય તો ગોરખનાથની દુવાઈ — એવા સોગન તમે ખાધા છે. વહાલથી અસમાનતા વધે કે ઘટે? સમવૃત્તિ થાય તે શું તમને પસંદ નથી? મારું આટલું કહ્યું માન્ય રાખવું પડશે જ. તરવાનો શ્રમ નહિ જીરવી શકાશે તો હું મેળે જ આ ગોઠવણ ફેરવી હાલ પ્રમાણે કરીશું. બોલો તમારી હા છે કે નહિ?’ ‘હીરા, હું નિરુપાય છું.’

*

‘કાં નથુડોસી, શું થાય છે?’ ‘કોણ વાલજીની વહુ?’ હીરાના શયનખંડની નદી પર પડતી જાળી આગળ ઊભેલી એક ડોશીએ પાછા વળી પૂછ્યું. ‘હા, માજી, એ તો હું. શું જુઓ છો?’ ‘આમ આવ’ થડકાના શબ્દો નીકળ્યા. વાલજીની વહુ પાસે ગઈ. તેના હાથ પકડી જાળીમાંથી નદી પર લટકતી કંઈ ચીજ તરફ તેની નજર દોરવી ડોસી બોલી; ‘જોયું કે?’ ‘શું માજી. હું તો કંઈ સમજતી નથી. આ ચૂંદડી લટકે છે, ફક્ત છેડો મીજાગરામાં ભરાયો છે.’ ‘આજની પ્રજા જ એવી. કશું ખબર નહિ. અમે ડોસાં નહિ હોઈશું ત્યારે તમારું શું થશે!’ બળાપો કરતી ડોસી બોલી. વાલજીની વહુ તો આભી જ બની ગઈ. શું બોલવું ને શું કરવું તે સૂઝ્યું નહિ. એવામાં કાંઈ વિચાર આવવાથી બોલી ઊઠી, ‘માજી, આ ચૂંદડી તો રાતવાળી જેવી જ દેખાય છે. પણ તે અહીં ક્યાંથી? માતાજીએ હાથ કાઢી ખેંચી લીધી હતી ને?’ ‘હં હવે કંઈ સમજી. આ રાતવાળી જ ચૂંદડી છે. ઊભી રહે તારી બરાબર ખાતરી કરું.’ એમ કહી જાળીમાંથી હાથ કાઢી ચૂંદડી ઉપર ખેંચી આણી. ‘જો કોર એ જ છે. આ રહ્યા કંકુના છાંટા. માજીની જેવી ઇચ્છા. હજુ ઘડપણમાં પણ શી શી આફત વેઠવાની હશે?’ ‘કેમ આફત શેની?’ ‘તમને જુવાનિયા વાજાંને કશી પહોંચ જ નહિ મળે. કોઈ દહાડો ઘરડાંને મોઢે સાંભળ્યું નથી કે જો માતાજીને ચઢાવેલી ચૂંદડી પાછી નીકળે તો રાજ્ય પર કે રાજકુટુંબ પર મોટી આફત આવી પડે.’ ‘હં, હવે સાંભર્યું’. મારાં સાસુજી કદી કદી વાત કરે છે કે હજુરસાહેબના દાદાના બાપે ચુંદડી ઓઢાડી પણ બીજે દિવસે અગાસી નીચે તરતી જણાઈ. થોડા દિવસમાં હમીર બંધ પર ઊભા રહી જોતા હશે એવામાં બંધ તૂટ્યો ને પોતે અંદર પડ્યા. માતાજીએ ભોગ લીધો.’ આટલું બોલતાં એને કંપારી છૂટી. ‘માતાજી જે કરે તે ખરું; થોડા સરવણ પાસે દાણા જોવડાવીશ. માજી! માતાજી!’ ‘ડોસીમા, ચુંદડી લઈ જાઓ ને માવજી ભૂવા તથા લાલીયા ગરોડા પાસે મસાણમાં બળાવી મૂકો. મારાં સાસુજી આવી ઘણી વાત રજવાડામાં બન્યાની કહે છે પણ જોજો બાસાહેબને ખબર નહિ પડે.’ ‘બાસાહેબને માજી ખેમકુશળ રાખે! વાલજીની વહુ, એના જેવી અશરાફ રાણી આ ગાદી પર થઈ નથી. શું આ રાજ્યને એ રતન નહિ શોભે?’ નથુડોસીની આંખમાંથી ડબડબ આંસુ પડવા લાગ્યાં.

*

ઉપલી વાતને ત્રણ દિવસ થઈ ગયા છે. નથુડોસી હીરાનો સૂવાનો ઓરડો સાફસૂફ કરે છે. માટીનો ઘડો લઈ વાલજીની વહુ એવામાં ત્યાં આવી, ‘કેમ, ડોસીમા, સિંહ કે શિયાળ?’ ‘બાઈ સિંહ પણ નથી ને શિયાળ પણ નથી. ખોડો હંમેશ દાણા જુએ છે પણ હાથમાં આવતું જ નથી. બે ફેરા ધૂણ્યો હતો તોપણ કંઈ પત્તો નહિ.’ ‘પેલી ચૂંદડીનું શું થયું?’ ‘માવજી ને લાલીયો બાળી આવ્યા. કહેતા હતા કે ભડકો રાતો ચટક હતો ને માંહેથી લોહીના છાંટા ઊડતા હતા. રાખ થયા પછી મંત્રી આપી છે. ઓશીકાં નીચે મૂકવા કહ્યું છે. જો આ રહી.’ ઓશીકું ઊંચું કરી રાખ બતાવી. ‘ડોસીમા, ભરમમાં મેં બધી વાત મારાં સાસુજીને કરી હતી. તેમણે કહ્યું કે ચૂંદડી બળતાં લોહીના છાંટા ઊડશે તો જરૂર ભોગ માજી લેવાનાં. બાસાહેબની મને ઘણી ફિકર થાય છે. ડોસીમા, એમને માહિત કરી જપ કે બાધાઆખડીનું કરાવીએ. શુક્લજીને પણ પૂછી આવી હતી કે માજીનો કોપ શી રીતે ટળે? તેમણે શતચંડી કરવાનું કહ્યું છે.’ ‘અક્કલ વગરની! બાસાહેબને શી રીતે કહેવાય? પણ અલી મોંઘીબાને કહેજે, તે બાસાહેબને કહેશે.’ ‘હા એ બરાબર છે. આપણી વાત માનશે નહિ પણ મોંઘીબાનું કહ્યું કર્યા વગર ચાલે એમ નથી.’ ‘આજે રાતે એકલાં હોય ત્યારે જરૂર વાત કરજે. હમણું ક્યાં જાય છે?’ ‘છબી પાડવામાં કાચ ધોવાને આમલીઆરી કૂઈનું પાણી જોઈએ છે તે ભરવા જાઉં છું.’ ‘આવો કાચો ઘડો તો ફસાઈ જશે. ત્રાંબાનો લેવો તો ને?’ ‘બાસાહેબે આ ઘડો બતાવ્યો એટલે એ લીધો.’ ઘડા તરફ નજર કરી. ‘ડોસીમા, તમારું કહેવું વાજબી છે. ઘડો તદ્દન કાચો છે. અમસ્થી ના કહી હશે. પાસે ઓરડીમાં ત્રાંબાનો પડ્યો છે તે જ લઈ જાઉં છું.’ પાસેના ઓરડામાં જઈ તે ઘડો લઈ, પોતાનો ઘડો ત્યાં મૂકી, વાલજીની વહુ પોતાને કામે ગઈ.

*

ઘનઘોર આકાશ છે. ઝીણો મેહ પડે છે. સાંજથી નદી પૂરતી ઊછળતી, ‘રોતી’ જાય છે. સર્વત્ર અંધકાર છે. નદીકિનારે જબરું વડનું ઝાડ છે. તેના પર યોગેશ્વર ચડી બેઠા છે. અંતરમાં વિચારો થયા જાય છે : ‘તે દિવસે હીરાની હઠને વશ થવામાં પાપ આચર્યું છે. ઘડા પર બેસી આવે છે; પણ કદી ભૂલમાં ત્રાંબાને બદલે માટીના ઘડા પર આવશે તો?’ આકાશમાં મોટો કડાકો થયો. નદીનો ઘરઘર અવાજ વિપુલ બન્યો. વરસાદ ખૂબ જોશથી પડવા લાગ્યો. ‘તે દિવસના જેવી જ કાળરાત્રિ છે. હીરા આજ ન આવે તો સારું. મને ઠપકો દેનાર શું મૃત્યુના મોંમાં ઝંપલાવશે! કોણ જાણે? વહાલભરી છે છતાં હઠીલી ને ટેકીલી પણ છે. હું જાતે જ સામો જાઉં તો? ઉસ્તાદના શિક્ષણને પ્રતાપે ને ગોરખનાથની મમતાને લીધે હું કદાચ આજ તરી જઈ શકીશ. આજની નદીમાં ઘડાના ભાર શા?’ વાદળની ફોજ જમા થવા માંડી. વરસાદ સહેજ ધીમો પડ્યો. અંધકાર તો બધે જ રહ્યો. નદીકાંઠે ‘જયગુરુ મછંદરનાથ’ સંભળાયું. પણ એટલામાં દિશાઓ વીંધતી એક કારમી, હૃદયદ્રાવક ચીસ નદીની અંદરથી ઊઠી : ‘વહાલા, ધાઓ, ઘડો ફસાઈ ગયો છે.’ યોગેશ્વરના હૈયાનાં દોરડીયાં છિન્નભિન્ન થઈ ગયાં. ઉન્મત્તની પેઠે નદીમાં ઝંપલાવી દીધું. પુરમાં અસાધારણ શક્તિ આવી છે. વરસાદ અતિશય જોરથી પડે છે. પાણીનાં ઘોડા પર ઘોડા ઊછળતા જાય છે. કુદરતના પ્રચંડ ઘર્ઘરનાદમાં મરણોન્મુખ અબળાની આર્ત્તચીસ તેના વહાલા સિવાય બીજા કોઈએ સાંભળી નહીં. મોટો કડાકો થયો. વીજળી ચમકી. ઘડીભર શ્વેતપ્રકાશ બધે પડ્યો. ભમરાઓમાંથી હીરાને કાઢવામાં મોતીસિંહ તદ્દન થાકી ગયો છે. એક એકને વળગીને બન્ને નદીગર્તમાં વિદેહ થયાં. ઇહ જીવનમાં તેમના મરણોન્મુખ આશ્લેષ પર પ્રકૃતિદેવીએ પેલો શ્વેત પ્રકાશ નાંખ્યો. પવન ફૂંકાયો જતો હતો. ધોધો વરસાદ રેડાયો જતો હતો. નદીનું પૂર ચડ્યું જતું હતું. ભયંકર અવાજો ઊઠ્યા કરતા હતા.

*

રાજમહેલમાં સર્વત્ર ગમગીની છે. મોંઘી, કામદાર અને બીજા મુત્સદ્દીઓની વહુઓ તથા ખવાસણો બેઠાં છે. કામદારની વહુએ પૂછ્યું : ‘બહેન, આ શો ગજબ!’ ‘રંકને ત્યાં રતન શોભ્યું નહીં’ રડતાં રડતાં મોંઘી બોલી. ‘માજીના કોપ’ નથુડોસીએ નિઃશ્વાસ મૂક્યો. માતાજીનું નામ સાંભળતાં સર્વ ભયભીત તેમ ચૂપ થઈ ગયાં, બધાંની આંખમાંથી આંસુ પડતાં હતાં. ‘જેવી મહામાયાની મરજી. માતાજીને ખોળે છીએ. માતાજી! માતાજી’ કામદારની વહુ બોલ્યાં. ‘માતાજી, માતાજી’ ગદ્ગદ્ પડઘા પડ્યા.